અમેરિકાની ચૂંટણી : જો બાઇડનના પૂર્વજોનો પણ ભારત સાથે રહ્યો છે સંબંધ?

    • લેેખક, મુરલીધરન વિશ્વનાથન
    • પદ, બીબીસી તમિલ સેવા, ચેન્નાઈ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલાં કમલા હેરિસનાં મૂળ ભારતના તામિલનાડુ સાથે જોડાયેલા છે પરંતુ શું રાષ્ટ્રપતિ જો બાઇડનનું પણ ભારત સાથે કોઈ કનેક્શન છે?

ડેમૉક્રેટિક પાર્ટીએ જ્યારે જો બાઇડન અને કમલા હેરિસને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર જાહેર કર્યાં હતાં ત્યારે લંડનની કિંગ્સ કૉલેજમાં વિઝિટીંગ પ્રોફેસર ટિમ વાલાસી-વિલસે એક gatewayhouse.in વેબસાઇટ પર પ્રકાશિત પોતાના એક લેખમાં સંકેત આપ્યો હતો કે બાઇડનના પરિવારના લોકો પણ ચેન્નાઈમાં રહ્યાં હોય એવું બની શકે છે.

હવે જ્યારે બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે ત્યારે તેમનો લેખ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

જો બાઇડન જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે જુલાઈ 2013માં મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેમના પૂર્વજ આ શહેરમાં રહ્યાં હતાં. વર્ષ 2015માં વોશિંગ્ટન ડીસીમાં આપેલા એક ભાષણમાં બાઇડને જણાવ્યું હતું કે તેમના પરદાદાના પિતા ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કપ્તાન હતા.

1972માં જ્યારે તેઓ સૅનેટર ચૂંટાયા હતા ત્યારે મુંબઈથી લખાયેલા એક પત્રમાં તેમને તે જાણકારી મળી હતી.

પત્ર મોકલનારનું નામ પણ બાઇડન

જો બાઇડને જણાવ્યું હતું કે જે વ્યક્તિએ તેમને આ પત્ર મોકલ્યો હતો તેમનું નામ પણ બાઇડન જ છે.

એ સમયે તેમણે આ પત્ર પર વધુ ધ્યાન નહોતું આપ્યું. જો બાઇડને વોશિંગ્ટનમાં કરેલી વાતચીતમાં પણ જણાવ્યું હતું કે, મુંબઈ શહેરમાં બાઇડન ઉપનામના પાંચ લોકો રહે છે.

તેમણે કહ્યું હતું કે તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કપ્તાન રહેલા જ્યૉર્જ બાઇડનના જ વંશજ છે.

ટિમ વેલાસે પોતોના લેખમાં આ જ બાબતોનું વિવરણ કર્યું છે. ટિમ વિલાસનું કહેવું છે કે ભારતમાં બાઇડન નામની વ્યક્તિનો કોઈ રૅકર્ડ નથી.

જોકે તેઓ એવું જરૂર કહે છે કે વિલિયમ હેનરી બાઇડન અને ક્રિસ્ટોફર બાઇડન નામના બે લોકોએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કર્યું છે.

ટિમ વિલાસે અનુસાર વિલિયમ હેનરી બાઇડન અને ક્રિસ્ટોફર બાઇડનના ભાઈ હતા. તેમણે ઇંગ્લેન્ડથી ચીન જતા એક જહાજ પર ચોથી શ્રેણીના કર્મચારી તરીકે કામ કર્યું હતું.

એ સમયે કૅપ ઑફ ગુડ હૉપ થઈને ભારતની યાત્રા ઘણી જોખમી ગણાતી હતી. પરંતુ આ યાત્રામાં જોખમ સાથે નફાની સંભાવના પણ ઘણી હતી એટલે ઘણા લોકો તેમાં રસ ધરાવતા હતા.

વિલિયમ હેનરી બાઇડન આગળ જઈને પહેલા જહાજ એના રોબર્ટનના કપ્તાન બન્યા પછી ગંગા અને થાલિયા નામના જહાજના કપ્તાન રહ્યાં. 51 વર્ષની વયમાં તેમનું રંગૂનમાં નિધન થઈ ગયું હતું.

ક્રિસ્ટોફર બાઇડન તેમના મોટા ભાઈ હતા. તેઓ ચેન્નાઈમાં રહ્યા અને ઘણી ચર્ચિત વ્યક્તિ હતા. 1807માં તેમણે રૉયલ જ્યૉર્જ નામના જહાજ પર નીચલા સ્તરેથી શરૂઆત કરી અને 1818માં એક મહત્તવના પદ પર પહોંચી ગયા.

1821માં પ્રિંસેસ શેરલે ઑફ વેલ્સ નામના જહાજના કપ્તાન બન્યા. બાદમાં તેઓ રૉયલ જ્યૉર્જના કપ્તાન પણ રહ્યા.

તેમણે 1819માં હૅરિટ ફ્રીથ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રી અને એક પુત્ર હતો.

બાઇડને વિક્ટરી નામનું એક જહાજ ખરીદ્યું હતું

તેઓ 1930માં પ્રિંસેસ શેરલે જહાજના કપ્તાનપદેથી નિવૃત્ત થઈ ગયા હતા. તેઓ લંડન પાસે બ્લૅકહીથમાં જઈને વસ્યા હતા અને તેમણે એક પુસ્તક પણ લખ્યું હતું.

41 વર્ષની ઉંમરમાં જનિવૃત્ત થનારા બાઇડને વિક્ટરી નામનું એક જહાજ ખરીદ્યું હતું અને મુંબઈ અને કોલંબોની યાત્રા કરી હતી.

વિક્ટરી જહાજ બાઇડન માટે ફાયદાકારક હતું કે નહીં તેનું વિવરણ ઉપલબ્ધ નથી. તેઓ માર્ક્સ કેમડન નામના જહાજમાં પોતાના પત્ની અને દીકરી સાથે ચેન્નાઈ પહોંચ્યાં હતાં. યાત્રા દરમિયાન તેમની દીકરી બિમાર થઈ ગઈ હતી અને તેનું મૃત્યુ થયું.

ક્રિસ્ટોફર બાઇડન ચેન્નાઈ પહોંચ્યા બાદ એક જહાજના ભંડારના મૅનેજર બની ગયા હતા. તેઓ ચેન્નાઈમાં 19 વર્ષ રહ્યા અને જહાજોની સુરક્ષા સાથે જોડાયેલા સલાહકાર રહ્યા.

તેમણે યાત્રાઓ દરમિયાન માર્યા ગયેલા નાવિકોની વિધવાઓ અને પરિવાર માટે પરોપકારી કામ પણ કર્યાં.

1846માં તેમના દીકરા હોરાટિયો પણ ચેન્નાઈ આવી ગયા અને આર્ટિલરીમાં કર્નલના પદ પર રહ્યા. ક્રિસ્ટોફર બાઇડનનું ચેન્નાઈમાં જ 25 ફેબ્રુઆરીમાં નિધન થઈ ગયું હતું અને તેઓ અહીં સૅંટ જ્યૉર્જ કૅથેડ્રલમાં દફન છે. તેમની યાદમાં એક પથ્થર પણ લગાવવામાં આવ્યો છે.

તેમના પત્ની બાદમાં લંડન પરત ફર્યાં હતાં અને 1880 સુધી ત્યાં જ રહ્યાં. તેની સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે. ક્રિસ્ટોફર બાઇડનની કોઈ અન્ય પત્નીનો ઉલ્લેખ નથી.

જેમ કે જો બાઇડને કહ્યું હતું, ભારતમાં કોઈ જ્યૉર્જ બાઇડન નથી. ટિમ વિલાસે પોતાના લેખમાં કહે છે કે જો બાઇડનનું જો ભારતમાં કોઈ ક્યારેક પૂર્વજ રહ્યું હોય તો તે ક્રિસ્ટોફર બાઇડન સાથે સંકળાયેલું હશે.

બીબીસી સાથે વાતચીત કરતા ટિમ વિલાસે જણાવ્યું, "કેટલાક વર્ષો પહેલાં મેં ચેન્નાઈના કૅથેડ્રલમાં લાગેલા એ યાદગાર પથ્થરની તસવીર લીધી હતી. હું વિચારી રહ્યો હતો કે શું તેમના અને જો બાઇડન વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે. પછી મને માલૂમ પડ્યું કે જો બાઇડને જ એક વાર કહ્યું હતું કે તેમના પૂર્વજ ક્યારેક ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કપ્તાન હતા. પછી મેં એ વિશે ઘણી જાણકારીઓ ભેગી કરી. મેં ઘણા પુસ્તકો અને દસ્તાવેજો વાંચ્યા અને માલૂમ પડ્યું કે એવા બે લોકો છે જેઓ આ વિવરણમાં બંધબેસે છે. એક હતા વિલિયમ બાઇડન અને ક્રિસ્ટોફર બાઇડન. જ્યારે મેં ક્રિસ્ટોફર બાઇડન વિશે વાંચ્યું તો માલૂમ પડ્યું કે તેમના મનમાં ભારત અને ભારતીયો માટે ઘણો પ્રેમ હતો અને તેમને અહીં ઘણું સન્માન પણ મળ્યું."

ટિમ કહે છે,"જો બાઇડન ક્રિસ્ટોફર બાઇડન પર ગર્વ કરી શકે છે. જ્યારે અમે તેમનું પુસ્તક વાંચ્યું તો તેમની માનવતાની ઝલક જોવા મળે છે. તેનાથી જ જાણવા મળે છે એક ખરાબ રાજકીય વ્યવસ્થામાં પણ સારા લોકો હોઈ શકે છે. જો અને ક્રિસ્ટોફર વચ્ચે આજે જે પણ સંબંધ હોય તેઓ તેમના પર ગર્વ તો કરી જ શકે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો