ડૉક્ટરો દિવાળીમાં ગુજરાતીઓને કોરોનાથી વધુ સાવચેત રહેવા કેમ ચેતવે છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં બે અઠવાડિયાં કરતાં વધુ સમય સુધી કોરોનાના નવા કેસનો આંકડો હજાર કરતાં નીચે રહ્યો હતો. જોકે પાછલા પાંચ દિવસથી તેમાં વધારો નોંધાયો છે.

આ સ્થિતિ દિવાળીના તહેવાર પહેલાં જ સર્જાઈ છે અને અમદાવાદનાં બજારોમાં તહેવારોની ખરીદી માટે ઊમટી પડેલી ભીડની તસવીરોએ ચિંતા વધારી દીધી છે.

આવી જ તસવીરો સુરત, વડોદરા, ભાવનગર અને અન્ય શહેરોની પણ છે, ત્યાંનાં બજારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની દરકાર ન હોય એમ લોકોની ચિકાર ભીડ જોવા મળી છે.

કેસોમાં થતા આ વધારાને કારણે અમદાવાદ, સુરત સહિતનાં ગુજરાતનાં મહાનગરોમાં તબીબોની ચિંતામાં વધારો થયો છે. તબીબો તહેવારોની સિઝનમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તેવી શક્યતા સેવી રહ્યા છે.

તહેવારોની સિઝન વચ્ચે ડૉક્ટરોની ચિંતાનાં કારણો શું છે? ડૉક્ટરોના મતે તહેવારોની સિઝનનાં ભયસ્થાનો કયાં છે?

તબીબોમાં કેમ ચિંતાનો માહોલ છે?

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી લોકોની બેદરકારીને અમદાવાદ શહેરમાં વધતા જતા કેસોનું મુખ્ય કારણ ગણાવે છે.

તેઓ કહે છે કે, “આગામી તહેવારોની સિઝનને કારણે અમદાવાદનાં બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડવાળા વિસ્તારોમાં લોકો જાણે કોરોનાનું અસ્તિત્વ મટી ગયું હોય એમ વર્તી રહ્યા છે.”

ડૉ. ગઢવી જણાવે છે કે, “લોકો ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાને બદલે તેનાથી સાવ ઊલટું વર્તી રહ્યા છે. આ વલણ કોરોનાની પરિસ્થિતિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.”

ડૉ. ગઢવીની વાત સાથે સંમત થતાં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના મહિલા ડૉક્ટરોનાં પ્રમુખ ડૉ. મોના દેસાઈ જણાવે છે, “તહેવારોની સિઝનને પગલે અમદાવાદના લોકો ઘણા ખરા અંશે બેદરકાર દેખાઈ રહ્યા છે."

"જેના કારણે આગામી સમયમાં કોરોનાની પરિસ્થિતિ વકરી શકે છે. લોકોએ જો આ સમસ્યાથી બચવું હોય તો તબીબોનાં સૂચનો પ્રમાણે તકેદારી રાખવી પડશે. તમામ માર્ગદર્શનોનું પાલન થાય એ સુનિશ્ચિત કરવું પડશે.”

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન, ગુજરાતના પૂર્વ પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશ અમદાવાદ અને સુરત જેવાં મહાનગરોમાં લોકોની બેદરકારી કોરોનાનું બીજું મોજું (સેકન્ડ વેવ) નોતરશે તેવી સંભાવના વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, “અત્યારે રસ્તાઓ પર તહેવારોની સિઝનને કારણે જે પ્રકારે ભીડ જામી રહી છે. તેના પરથી તો લાગે છે કે લોકોએ જાણે માની જ લીધું છે કે કોરોના ગયો. પરંતુ કોરોના ક્યાંય ગયો નથી હજુ પણ ઘાતકી રોગ આપણી વચ્ચે જ છે.”

“જો લોકો સમય રહેતાં નહીં સમજે તો અમદાવાદ અને સુરત જેવાં મહાનગરોમાં કોરોનાની અત્યાર સુધી કાબૂમાં રહેલી પરિસ્થિતિ ફરીથી વણસી શકે છે.”

ઠંડી અને પ્રદૂષણના કારણે સર્જાશે સમસ્યા?

ડૉ. ગઢવી દિવાળીને પગલે આગામી દિવસોમાં હવાની ગુણવત્તા ખરાબ થવાને લીધે અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ખરાબ થશે તેવી ચિંતા વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે, “હવાની ગુણવત્તા ખરાબ થવાની સાથે અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસો વધી શકે છે અને વધુ ગંભીર કેસો સામે આવી શકે છે.”

ડૉ. ચંદ્રેશ જરદોશ જણાવે છે કે શિયાળાની ઋતુ અને પ્રદૂષણના વધતાં પ્રમાણને કારણે અન્ય બીમારીઓથી પીડાતા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડશે.

તેઓ કહે છે, “કોરોનાની માંદગીમાંથી બેઠા થયેલા લોકોનાં ફેફસાં પહેલાંથી જ ક્ષતિગ્રસ્ત છે. આવી વ્યક્તિઓને આગામી ઠંડીની ઋતુ અને ફટાકડા વગેરેના કારણે સર્જાતાં પ્રદૂષણના માહોલને કારણે વધુ તકલીફ વેઠવી પડી શકે છે.”

“કોરોના સિવાય પણ અન્ય શ્વાસ સંબંધી માંદગીઓમાં લોકો સપડાય તેની પૂરેપૂરી શક્યતા છે.”

ખાનગી હૉસ્પિટલોમાં વેઇટિંગ

અમદાવાદની કુલ 70 ખાનગી હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ત્રણ હજાર કરતાં વધુ પથારીઓ હોવાનું ડૉ. ગઢવી જણાવે છે.

તેઓ કહે છે કે, “ત્રણ હજાર કરતાં વધુ પથારીઓમાંથી 70 ટકા પથારીઓ ભરાઈ ચૂકી છે. જો આવી જ રીતે કેસો વધતા રહેશે તો આગામી દિવસોમાં ખાનગી હૉસ્પિટલોની પથારીઓ પૂરેપૂરી ભરાઈ જશે."

"તેથી બની શકે કે આગામી દિવસોમાં કોરોનાની તાત્કાલિક સારવાર મેળવવાનું શહેરમાં મુશ્કેલ બની જાય.”

તેઓ કહે છે કે “હાલ અમદાવાદમાં કોરોનાની સારવાર સાથે સંકળાયેલી ટોચની હૉસ્પિટલોમાં 40થી 50 દર્દીઓનું વેઇટિંગ છે. આગામી સમયમાં આ સંખ્યા વધવાની પૂરેપૂરી શક્યતા છે.”

ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ નહીં માણી શકે દિવાળીની રજા

ડૉ. ગઢવી કોરોનાની વણસતી પરિસ્થિતિને કારણે તબીબો અને હૉસ્પિટલના સ્ટાફની રજા રદ થઈ હોવાનું જણાવે છે.

તેઓ કહે છે કે, “થોડા દિવસ પહેલાં શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી હોવાથી સતત છ માસથી ખડેપગ કામ કરી રહેલા ડૉક્ટરો અને હૉસ્પિટલ સ્ટાફને થોડા દિવસની રજા મળી રહેશે તેવી આશા હતી."

"જોકે પાછલા પાંચ દિવસથી કેસોની સંખ્યા વધવાને કારણે તબીબો અને હૉસ્પિટલના સ્ટાફના લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઊજવી નહીં શકે.”

તેઓ ભારપૂર્વક કહે છે, “છ માસથી સતત સેવા આપી રહેલા તબીબો અને હૉસ્પિટલના સ્ટાફને રાહત મળે તે માટે પ્રજાએ નાગરિકધર્મ નિભાવવાની જરૂર છે."

"પોતાની તબિયત સાચવવાનાં જેટલાં પગલાં તેઓ લઈ શકે તે લેવાં જોઈએ. તો જ કોરોનાના કેસોમાં ઘટાડો થઈ શકશે, તબીબો અને હૉસ્પિટલ સ્ટાફ રાહતનો શ્વાસ લઈ શકશે.”

ડૉ. મોના દેસાઈ પણ કોરોનાને કારણે સતત દબાણ અનુભવી રહેલા ડૉક્ટરો અને હૉસ્પિટલના સ્ટાફના લોકોની હતાશ મનોદશા તરફ આંગળી ચીંધે છે.

તેઓ કહે છે કે, “પાછલા અમુક દિવસોથી કોરોનાના કેસો થયેલા વધારાને કારણે તમામ તબીબોની રજાઓ રદ કરી દેવાઈ છે. સતત કામ કરવાને કારણે તબીબો અને હૉસ્પિટલના સ્ટાફના લોકો હતાશ થઈ ગયા છે."

"સતત કામ છતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોવાને કારણે તેઓ નિરાશ થઈ ગયા છે. ”

હતાશ મનોદશાનું નિવારણ સૂચવતાં તેઓ કહે છે, “તબીબો અને હૉસ્પિટલ સ્ટાફનું મનોબળ જળવાઈ રહે તે માટે લોકો સ્વયંશિસ્ત જાળવીને આ વાઇરસને રોકવામાં પોતાનો ભાગ ભજવે એ જરૂરી છે."

"માત્ર તબીબોના પ્રયત્નોથી કંઈ જ નહીં વળે. લોકો દ્વારા નિયમોનું પાલન થાય એ જરૂરી છે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો