ગુજરાત પેટાચૂંટણીના પરિણામથી સી. આર. પાટીલનું રાજકીય કદ વધશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતની આઠ બેઠક પર યોજાયેલી આ પેટાચૂંટણી ભાજપ માટે લિટમસ-ટેસ્ટ સમાન હતી, જેમાં ચાર મહિના પહેલાં ભાજપના પ્રદેશાધ્યક્ષ બનેલા સી. આર. પાટીલે કૉંગ્રેસની આ બેઠકો પર જીત અપાવી દબદબો ઊભો કર્યો છે.

ચૂંટણીનાં પરિણામોના આગલે દિવસે શહેર અને જિલ્લાવાર પક્ષના પ્રમુખો બનાવી દીધા, હવે એક વર્ષથી ખાલી પડેલાં બોર્ડ અને નિગમમાં ડિરેક્ટર અને ચૅરમૅનની નિમણૂકમાં પોતાની ટીમનું પ્રભુત્વ રાખી શકશે.

ગુજરાતમાં આવેલાં પરિણામો બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનું મહત્ત્વ શું હશે એના પર વાત કરતાં જાણીતા સેફોલૉજિસ્ટ ડૉ. વિનોદ અગ્રવાલે કહ્યું, "આ ચૂંટણી ભાજપ માટે લિટમસ-ટેસ્ટ જેવી હતી કારણ કે આનાથી લોકોના મૂડનો અંદાજ આવી શકે એમ છે."

"આ આઠ બેઠકોની પેટાચૂંટણીની મદદથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો મિજાજ જાણી શકાય, કારણકે આ નિર્ણાયક બેઠકો હતી."

2017માં ઘટી હતી, 2019માં ફરી આવી અને...

ડૉ. અગ્રવાલ કહે છે, "જેનાથી આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત અને ગ્રામપંચાયતની ચૂંટણીમાં કયાં સમીકરણો ગોઠવવા એ નક્કી કરી શકશે."

"1995 પછી પહેલી વખત સૌરાષ્ટ્ર સિવાયના પ્રદેશમાંથી આવેલા પ્રમુખે જે રીતે આ જીત બતાવી છે, એ જોતાં લાગે છે કે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન વધારી પોતાનું કદ પણ વધારશે."

તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સેફોલૉજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં ભાજપમાં મતદારોએ વધુ વિશ્વાસ દાખવ્યો એનું એક કારણ એ હોઈ શકે કે ધારાસભ્ય બદલાવવાથી સરકારમાં કોઈ ફરક પાડવાનો નથી."

તેમણે વધુમાં કહ્યું, "એક વાત નકારી ન શકાય કે ભાજપની લહેર 2017માં ઘટી, 2019માં ફરી આવી અને વચ્ચે યોજાયેલી પેટાચૂંટણીમાં બે સીટ હાર્યા, પણ 2019માં જે વોટર ટર્નઆઉટ આવ્યો એને જાળવી રાખ્યો છે."

'સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટેસ્ટ્રૅટેજી'

ડૉ. ખાન કહે છે, "સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એમણે સ્ટ્રૅટેજી ગોઠવી અને એક વાત નક્કી કરી નાખી કે સી. આર. પાટીલ ગુજરાતમાં જીતનાં ચોકઠાં ગોઠવવામાં સફળ છે."

"તમામ પ્રધાનોએ વારાફરતી કમલમ્ કાર્યાલય પર બેસી કાર્યકર્તાઓની વાત સાંભળવી એવું સી. આર. પાટીલે નક્કી કર્યું હતું અને શરૂઆત પણ થઈ હતી, જોકે કોરોનાના કારણે બંધ રહ્યું."

"આઠ પૈકી કેટલીક બેઠકો પર કૉંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોના બદલે ભાજપના કેટલાક ઉમેદવારોને ટિકિટ આપીને જિતાડ્યા છે, જેના કારણે તેમનો હાથ ઉપર રહેશે."

"આ જોતાં સરકારના કેટલાક નિર્ણયોમાં પણ એમનો અવાજ રહેશે એવું દેખાય છે. પહેલી પરીક્ષામાં પાસ થયા પછી પાટીલ માટે બીજી પરીક્ષા જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી જીતવાની રહેશે."

વિશ્લેષકો ભાજપની જીત બદલ કૉંગ્રેસની એક ભૂલ તરફ પણ આંગળી ચીંધે છે.

વિશ્લેષકોના મતે ઓબીસી, આદિવાસી અને દલિતોની સહાનુભૂતિ કૉંગ્રેસ તરફ હતી પણ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા, જેના કારણે આ મતદારો કૉંગ્રેસવિમુખ થયા હોઈ શકે.

2002માં ગોધરા પછી ફરી ઊભા થયા

હવે બોર્ડ અને નિગમના ચૅરમૅન અને ડિરેક્ટરની નિમણૂકમાં પણ પાટીલનો અવાજ મજબૂત રહે તો નવાઈ નહીં.

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું, "કૉંગ્રેસ પાસે કોઈ સ્ટ્રક્ચર રહ્યું નથી એટલે હાર નિશ્ચિત હતી, છતાં ભાજપમાં સી. આર. પાટીલનું વજન વધશે."

"ગુજરાતમાં વર્ષ 1995 અને 1998માં ભાજપના પીક ગણાય, પણ 2001માં એમને ગ્રાઉન્ડ ગુમાવ્યું હતું, 2002માં ગોધરાકાંડ પછી ફરી ઊભા થયા અને 2005થી આખી પાર્ટી મોદીની બનવા લાગી હતી."

ફૂલછાબના તંત્રી કૌશિક મહેતાએ કહ્યું કે આ જીત માત્ર પાટીલની ન ગણી શકાય. એમાં વિજય રૂપાણીનો પણ હિસ્સો છે, કારણકે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ અસંતોષ હતો. જેને થાળે પાડવામાં રૂપાણીનો ફાળો હતો."

"આ આઠ સીટ જીતવાથી સી. આર. પાટીલનું કદ વધશે, એમાં કોઈ બેમત નથી. હવે એ સંગઠનને વધુ મજબૂત કરી સૌરાષ્ટ્રમાં ભાજપનો સિક્કો પહેલાં જેવો જમાવવા ખાસ આયોજન કરશે."

જાણીતા પત્રકાર વિક્રમ વકીલે કહ્યું, "સી. આર. પાટીલના માથે જ્યારે જવાબદારી આવી ત્યારે એમને પહેલાં આઠ સીટનું ઍનાલિસિસ કરી લીધું હતું."

"2015માં જિલ્લા, તાલુકાપંચાયતોમાં બદલાયેલા વોટ, 2017માં કયાં બૂથ ભાજપ છોડીને કૉંગ્રેસમાં ગયા અને 2019માં કયાં બૂથ ફરી ભાજપ સાથે આવ્યાં. એનો જીણવટ પૂર્વક અભ્યાસ કર્યો હતો."

"પાટીલે સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરીને કાર્યકર્તાઓનો મૂડ જોયો. ઉમેદવારોની પસંદગી કરી, જ્યાં અસંતોષ હતો ત્યાં પ્લાનિંગ કર્યું."

"આ રણનીતિ પર આગળ વધ્યા એટલે આદિવાસી પટ્ટામાં જીતી શક્યા. આ જીત પાટીલ માટે નાની જીત નથી."

'અમે ટ્વિટરિયા નેતા કે કાર્યકર્તા નથી'

વકીલ કહે છે, "પહેલી જીત પછી પાટીલ થાકે એમ નથી પણ સંગઠનની સાથે-સાથે એ સરકારમાં પણ પોતાનો પગ જમાવશે, જેથી આવનારી ચૂંટણીમાં વોટ મળી શકે."

"યોજનાથી માંડી કાર્યકર્તાઓને કઈ રીતે ગિયર-અપ કરવા એનો પ્રયાસ કરશે."

"પાટીલે વારાણસીમાં સાઇલન્ટ રહીને જે કામ કર્યું છે, એ રીતે જ શાંતિપૂર્વક કામ કરી ભાજપને આગળ લાવશે."

"ચૂંટણીનાં પરિણામો પહેલાં સંગઠનનું માળખું જાહેર કરે. એ બતાવે છે કે એ મક્કમતાથી આગળ વધશે અને 2017 કરતાં 2022નાં પરિણામો બદલવા પ્રયાસ કરશે."

સી.આર.પાટીલ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે આ મારી નહીં કાર્યકર્તાઓની જીત છે.

તેમણે કહ્યું, "અમે લોકો ટ્વિટરિયા નેતા કે કાર્યકર નથી, લોકોની વચ્ચે જઈએ છીએ અને લોકોની વચ્ચે જઈને કામ કરીશું."

"હું નાનો કાર્યકર છું, સંગઠન સાથે રહીશ સરકારમાં દખલ નહીં કરું અને સંકલન કરીશ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો