You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જો બાઇડન અમેરિકાની ચૂંટણીમાં આ પાંચ કારણો લીધે બન્યા વિજેતા
- લેેખક, એન્થની ઝર્ચર
- પદ, નૉર્થ અમેરિકા બીબીસી સંવાદદાતા
લગભગ 50 વર્ષના જાહેરજીવન અને રાષ્ટ્રપતિપદ મેળવવાની જીવનભરની મહત્ત્વાકાંક્ષા બાદ જો બાઇડન આખરે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરી રહ્યા છે.
આ વખતે આવા ચૂંટણીપ્રચારની કોઈને ધારણા ન હતી. સદીના સૌથી ભયંકર રોગચાળા અને અભૂતપૂર્વ સામાજિક અશાંતિ વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. તેમનો મુકાબલો એકદમ અલગ પ્રકારના અને પરંપરાથી વિપરીત મત ધરાવતા રાષ્ટ્રપતિ સામે હતો. પરંતુ જો બાઇડન રાષ્ટ્રપતિ બનવાના ત્રીજા પ્રયાસમાં સફળ થયા છે.
બાઇડન અને તેમની ટીમે રાજકીય અવરોધોને પાર કરીને વિજય મેળવવાનો માર્ગ શોધી કાઢ્યો હતો જે ઇલેક્ટોરલ કૉલેજના આંકડા પ્રમાણે બહુ સાંકડો છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રીયસ્તરે જે વોટ મળ્યા તેના કરતાં લાખો વોટથી આગળ છે.
ડેલાવેરના એક કાર સેલ્સમૅનના પુત્રે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી તેના માટે આ પાંચ કારણો જવાબદાર છે.
1. કોવિડ, કોવિડ, કોવિડ
બાઇડને રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી તેના માટે કદાચ સૌથી મોટું કારણ તેમના નિયંત્રણ બહારનું હતું.
કોરોના વાઇરસ રોગચાળાએ લગભગ 2.30 લાખથી વધારે લોકોના જીવ લેવાની સાથેસાથે 2020માં અમેરિકન જીવન તથા રાજકારણને પણ બદલી નાખ્યું છે. સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સ્વયં આ વાત સ્વીકારી હોય તેમ જણાય છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા સપ્તાહે વિસ્કૉન્સિન ખાતે એક રેલીમાં જણાવ્યું, "ફેક ન્યૂઝની સાથે બાકી બધું કોવિડ, કોવિડ, કોવિડ, કોવિડ છે." તાજેતરના દિવસોમાં વિસ્કૉન્સિન ખાતે કોવિડના કેસ વધ્યા છે.
મીડિયાએ કોવિડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું તે આ રોગચાળા વિશે લોકોની ચિંતાનું પ્રેરક હોવાના બદલે તેનું પ્રતિબિંબ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રપતિએ કોવિડને જે રીતે હેન્ડલ કર્યું તેની ચૂંટણીમાં પ્રતિકૂળ અસર પડી હતી. ગયા મહિને પ્યૂ રિસર્ચના એક પૉલ પ્રમાણે કોવિડ રોગચાળાને નિયંત્રણમાં લેવા અંગે વિશ્વાસની વાત આવી ત્યારે ટ્રમ્પ કરતાં બાઇડન 15 ટકા આગળ હતા.
રોગચાળા અને ત્યારપછીની આર્થિક સુસ્તીએ ટ્રમ્પના વૃદ્ધિ અને સમૃદ્ધિના મનપસંદ દાવાને ફગાવી દીધા હતા. તેના કારણે અમેરિકનોના મનમાં ટ્રમ્પ વિશે જે સવાલો હતા તે પણ હાઇલાઇટ થયા.
મુખ્ય મુદ્દા પરથી વારંવાર ભટકી જવું, વિજ્ઞાનને પડકારવાની આદત, નાની મોટી નીતિઓને અવ્યવસ્થિત રીતે હાથ ધરવી, પક્ષપાતી વલણ વગેરેના કારણે ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળથી લોકો ચિંતિત હતા.
ટ્રમ્પના એપ્રૂવલ રેટિંગ પર રોગચાળાએ ભારે અસર કરી હતી. ગોલપ અનુસાર ઉનાળામાં બાઇડનના ચૂંટણીપ્રચારમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે ટ્રમ્પનું રેટિંગ ઘટીને એક તબક્કે 38 ટકા થઈ ગયું હતું.
2. પ્રમાણમાં શાંત ચૂંટણીપ્રચાર
બાઇડને પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન અસંખ્ય ભૂલો કરવાની નામના મેળવી છે.
ભૂલો કરવાની આદતના કારણે 1987માં તેઓ રાષ્ટ્રપતિપદના પ્રથમ કૅમ્પેનમાંથી ફેંકાઈ ગયા હતા. 2007માં તેઓ ફરી લડ્યા ત્યારે પણ આમ જ થયું હતું.
ઓવલ ઑફિસ પ્રાપ્ત કરવાના ત્રીજા પ્રયાસમાં પણ બાઇડન બોલતી વખતે ઘણી વાર ગોથું ખાઈ ગયા હતા. પરંતુ તે બહુ ટૂંકા ગાળા માટે ચાલ્યું.
તેની પાછળનું કારણ એ છે કે રાષ્ટ્રપતિ સ્વયં એવી હરકતો કરતા હતા જેના કારણે સતત ન્યૂઝમાં રહેતા હતા. બીજું એક પરિબળ એ છે કે બીજા મોટા અહેવાલો પર અમેરિકન લોકોની નજર હતી, જેમ કે કોરોના વાઇરસ રોગચાળો, જ્યૉર્જ ફ્લોયડના મૃત્યુ પછી અમેરિકામાં વિરોધપ્રદર્શનો અને આર્થિક સંકટ.
જોકે બાઇડનના પ્રચારતંત્રની સુદૃઢ વ્યૂહરચનાને પણ થોડું શ્રેય આપવું જોઈએ જેણે પોતાના ઉમેદવારની પોલ ખૂલતી અટકાવી, કેમ્પેન દરમિયાન સંતુલિત ગતિ જાળવી અને થાક અથવા બેદરકારીના કારણે તેઓ બોલવામાં કોઈ ગોટાળો કરે તેવી શક્યતા ઘટાડી દીધી.
સામાન્ય સંજોગોમાં જ્યારે મોટા ભાગના અમેરિકનોને વાઇરસનો ચેપ લાગવાનો ભય ન હોત તો આ નીતિ બાઇડન માટે નુકસાનકારક સાબિત થઈ શકી હોત. ત્યારે કદાચ ટ્રમ્પે બાઇડનને ઉતારી પાડવા માટે 'હાઇડન બાઇડન' કહ્યું તેની અસર થઈ હોત.
બાઇડનના પ્રચારતંત્રે એક બાજુ ખસીને ટ્રમ્પને જ પોતાની વાણીથી ગરબડ કરવાની તક આપી અને તેમાં તેમને ફાયદો થયો.
3. કોઈ પણ ભોગે ટ્રમ્પ નહીં
ચૂંટણીના દિવસથી એક સપ્તાહ અગાઉ બાઇડનના પ્રચારતંત્રે તેમની ફાઇનલ ટીવી જાહેરખબરો રજૂ કરી જેમાં જે સંદેશ અપાયો તે ગયા વર્ષે કેમ્પેનની શરૂઆતમાં અપાયેલા સંદેશ જેવો જ હતો.
ઑગસ્ટમાં નૉમિનેશન સ્વીકારતી વખતની સ્પીચમાં પણ આવો જ સંદેશ હતો.
તેમણે જણાવ્યું કે આ ચૂંટણી "અમેરિકાના આત્માને બચાવવાની લડાઈ" હતી. તેમણે કહ્યું કે છેલ્લાં ચાર વર્ષથી અમેરિકામાં જે વિભાજનવાદ અને અરાજકતા પ્રવર્તે છે તેને ખતમ કરવાની આ તક છે.
આ સ્લોગનની પાછળ એક સરળ ગણતરી હતી. 'ડોનાલ્ડ ટ્રમ્પ એ ધ્રુવીકરણ કરતી અને ભડકાઉ વ્યક્તિ છે તથા અમેરિકન લોકો એક શાંત અને સ્થિર નેતાને ઇચ્છે છે', એવા વિચારના આધારે બાઇડને રાજકીય દાવ લગાવ્યો હતો.
મૂળ ફ્રાન્સથી આવેલા અને 18 વર્ષથી ફ્લોરિડામાં રહેતા થિરી આદમ્સે ગયા સપ્તાહે માયામી ખાતે મતદાન કર્યા બાદ જણાવ્યું કે, "એક વ્યક્તિ તરીકે ટ્રમ્પના વલણથી હું ત્રાસી ગયો છું."
ડેમૉક્રેટ્સ આ ચૂંટણીને બે ઉમેદવારો વચ્ચેની પસંદગી તરીકે નહીં પરંતુ ટ્રમ્પ અંગેના જનમતમાં રૂપાંતરિત કરવામાં સફળ થયા હતા.
બાઇડનને વિજેતા બનાવતો સંદેશ માત્ર એટલો જ હતો કે તેઓ 'ટ્રમ્પ નથી'. ડેમૉક્રેટ્સે એવી વાત વહેતી મૂકી હતી કે બાઇડન જીતશે તો અમેરિકનોએ અનેક અઠવાડિયાં સુધી રાજકારણનો વિચાર કરવો નહીં પડે. તે એક ટુચકો હતો છતાં તેમાં સત્યનો અંશ હતો.
4. મધ્યમાર્ગી નીતિ
ડેમૉક્રેટિક ઉમેદવાર બનવા માટેના પ્રચાર દરમિયાન બાઇડનને ડાબેરી બર્ની સેન્ડર્સ અને ઍલિઝાબેથ વૉરન સામે હરીફાઈનો સામનો કરવો પડ્યો, જેઓ નાણાકીય રીતે સુદૃઢ અને સુવ્યવસ્થિત પ્રચાર કરી રહ્યા હતા. તેના કારણે પ્રચાર દરમિયાન જાણે રોક કૉન્સર્ટ હોય તેટલા લોકો ઊમટી પડતા હતા.
ઉદારવાદીઓ તરફથી ભારે દબાણ હોવા છતાં બાઇડને મધ્યમાર્ગી નીતિ પકડી રાખી.
તેમણે સાર્વત્રિક સરકારી સહાય આધારિત હેલ્થકૅર, ફ્રી કૉલેજ શિક્ષણ, અથવા વેલ્થ ટૅક્સને ટેકો આપવાની વાત ફગાવી હતી.
તેના કારણે સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન તેઓ મૉડરેટ્સ અને રિપબ્લિકન્સથી મોહભંગ થયો હોય તેવા મતદારોને આકર્ષવામાં સફળ રહ્યા.
બાઇડને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે પસંદ કર્યાં તેમાં તેમની આ નીતિનું પ્રતિબિંબ દેખાય છે.
તેમણે ધાર્યું હોત તો પક્ષની ડાબેરી પાંખમાંથી મજબૂત ટેકો હોય તેવી કોઈ વ્યક્તિને રનિંગ મેટ તરીકે પસંદ કરી શક્યા હોત.
બાઇડન જ્યારે સેન્ડર્સ અને વૉરેનની નજીક ગયા હોય તેવું એક જ વખત બન્યું હતું અને તે મુદ્દો પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જનો હતો.
કદાચ તેમણે ગણતરી કરી હશે કે તેનાથી યુવામતદારોને આકર્ષી શકાશે, કારણ કે આ મુદ્દો તેમના માટે પ્રાથમિકતા ધરાવે છે અને ઊર્જાનો ભારે વપરાશ કરતા સ્વિંગ-સ્ટેટના ઉદ્યોગો સામે આ જોખમ ખેડી શકાય તેમ છે. આ એક અપવાદ હતો પરંતુ પછી નિયમ બની ગયો.
જુલાઈમાં પર્યાવરણીય ઍક્ટિવિસ્ટ ગ્રૂપ સનરાઇઝ મૂવમેન્ટના સહસ્થાપક વર્ષીની પ્રકાશે જણાવ્યું કે, "એ બાબત જગજાહેર છે કે અમે બાઇડનની યોજનાઓ અને ભૂતકાળમાં તેમણે કરેલી પ્રતિબદ્ધતાઓના ટીકાકાર રહ્યા છીએ. તેમણે તેમાંથી ઘણી ટીકાનો જવાબ આપ્યો છે."
"તેમણે રોકાણનાં કદ અને તેની ઝડપમાં નાટ્યાત્મક વધારો કરવો, પર્યાવરણીય ન્યાય કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવશે અને સારી યુનિયન જોબનું સર્જન કરશે તે વિશે ઘણી માહિતી આપી છે. તેમણે તાત્કાલિક કાર્યવાહીનું વચન આપ્યું છે."
5. વધારે નાણાં, ઓછી સમસ્યાઓ
ચાલુ વર્ષની શરૂઆતમાં ચૂંટણીપ્રચાર માટે બાઇડનની તિજોરી ખાલી હતી. તેમણે સામાન્ય ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો ત્યારે જ ટ્રમ્પથી પાછળ હતા.
ટ્રમ્પે પોતાના સમગ્ર રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ચૂંટણીપ્રચાર માટે કરોડો ડૉલર એકત્ર કર્યા હતા. પરંતુ એપ્રિલ પછી બાઇડનના કેમ્પેનમાં ફંડ એકત્રીકરણ પર ભાર મૂકવામાં આવ્યો.
તેનું કારણ હતું કે ટ્રમ્પના ચૂંટણીપ્રચારમાં અઢળક ખર્ચ કરવામાં આવી રહ્યો હતો. તેથી પરિણામ એ આવ્યું કે બાઇડન પોતાના હરીફ કરતાં ઘણી મજબૂત નાણાકીય સ્થિતિમાં આવી ગયા.
ઑક્ટોબરની શરૂઆતમાં બાઇડનના હાથમાં ટ્રમ્પના પ્રચારતંત્ર કરતાં 144 મિલિયન ડૉલર વધારે હતા. તેથી તેઓ લગભગ તમામ મહત્ત્વના રાજ્યમાં ટીવી ઍડવર્ટાઇઝિંગનો મારો ચલાવીને રિપબ્લિકન્સને પ્રચારમાં પછાડી શકે તેમ હતા.
અલબત્ત, નાણાં એ સર્વસ્વ નથી. ચાર વર્ષ અગાઉ ટ્રમ્પના ઓછા ખર્ચના પ્રચારની તુલનામાં ક્લિન્ટન નાણાકીય ખર્ચ કરવામાં ઘણા આગળ હતા.
પરંતુ 2020માં કોરોના વાઇરસના કારણે રૂબરૂ પ્રચાર પર નિયંત્રણ આવી ગયાં.
સમગ્ર દેશમાં અમેરિકનોએ પોતાના ઘરમાં જ રહીને મીડિયા પર વધારે સમય વીતાવ્યો ત્યારે બાઇડનના કૅશ ઍડવાન્ટેજના કારણે તેઓ મતદારો સુધી પહોંચી શક્યા અને છેલ્લે સુધી પોતાનો સંદેશ પહોંચાડી શક્યા.
તેના કારણે તેઓ ઇલેક્ટોરલ પહોંચ વિસ્તારી શક્યા, એક સમયે જોખમી લાગતા ટેક્સાસ, જ્યૉર્જિયા, ઓહાયો અને લોવા જેવાં રાજ્યોમાં નાણાં લગાવી શક્યા. તેમાંથી મોટા ભાગનો જુગાર સફળ રહ્યો ન હતો, પરંતુ તેના કારણે ટ્રમ્પ બચાવની ભૂમિકામાં આવી ગયા.
એક સમયે અત્યંત કન્ઝર્વેટિવ માનવામાં આવતા એરિઝોનામાં તેમણે પરિણામ ઊથલાવ્યાં અને જ્યૉર્જિયામાં પણ જોરદાર ટક્કર આપી. નાણાંની મદદથી કેમ્પેનમાં વિકલ્પો અને પહેલ લાવી શકાય છે અને બાઇડને તેનો સારી રીતે લાભ ઉઠાવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો