You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જો બાઇડને જિલ બાઇડનને પાંચ વાર પ્રપોઝ કર્યું છેક ત્યારે એમણે લગ્ન માટે હા પાડી હતી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જિલ બાઇડન 1990ના દાયકામાં ડેલવરની બ્રાન્ડીવાઇન હાઈસ્કૂલના ક્લાસરૂમમાં અંગ્રેજી ભણાવતાં હતાં. એ જ ક્લાસરૂમમાંથી તેમણે તેમના પતિ જો બાઇડનને રાષ્ટ્રપતિપદના સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા પછી, ડેમૉક્રેટિક પાર્ટીના સંમેલનને સંબોધન કર્યું હતું.
જો બાઇડનને ચૂંટી કાઢવા માટેના મજબૂત તર્ક જિલે આપ્યા બાદ જોએ સંભવિત ફર્સ્ટ લેડી તરીકે જિલના સદગુણોની પ્રશંસા કરી હતી.
જો બાઇડને કહ્યું હતું કે "તમામ દેશવાસીઓ, તમારાં જે પ્રિય શિક્ષિકાએ તમને તમારી જાતમાં ભરોસો રાખવાનો આત્મવિશ્વાસ આપ્યો હતો તેમના વિશે વિચારો. એ જિલ બાઇડન અમેરિકાનાં ફર્સ્ટ લેડી હશે."
સવાલ એ છે કે પોતાના પતિ સાથે ટૂંક સમયમાં જ વ્હાઇટ હાઉસમાં સત્તાવાર પ્રવેશનારાં આ મહિલા વિશે આપણે ખરેખર કેટલું જાણીએ છીએ?
જિલ જેકબ્ઝનો જન્મ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં જૂન, 1951માં થયો હતો. તેઓ પાંચ બહેનોમાં સૌથી મોટાં છે.
તેઓ ફિલાડેલ્ફિયાના વિલ્લો ગ્રો નામના ઉપનગરમાં તેઓ ઉછર્યાં હતાં.
જોને પરણતાં પહેલાં તેમણે તેમના કૉલેજના સહપાઠી અને ફૂટબૉલ ખેલાડી બિલ સ્ટીવનસન સાથે લગ્ન કર્યાં હતાં.
જો બાઇડનનાં પહેલા પત્ની અને એક વર્ષની પુત્રીનું 1972માં એક કાર-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જોના પુત્રો બો અને હન્ટર અકસ્માતમાં હેમખેમ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિલના જણાવ્યા મુજબ, એ અકસ્માતનાં ત્રણ વર્ષ પછી જોના ભાઈ મારફત તેમની ઓળખાણ જો સાથે થઈ હતી. એ વખતે જો સૅનેટર હતા અને જિલ કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં.
જિલે કહ્યું હતું કે "હું જિન્સ, ક્લોગ્ઝ તથા ટી-શર્ટ્સ પહેરતા યુવાનોને ડેટ કરતી હતી, ત્યારે કોટ અને લોફર્સમાં સજ્જ જો મારા બારણે આવ્યા હતા. એ સમયે મેં વિચારેલું કે આ માણસ સાથે મારું ક્યારેય જામશે નહીં."
પોતાની ફર્સ્ટ ડેટ બાબતે જિલે વોગ સામયિકને કહ્યું હતું કે "જો મારાથી નવ વર્ષ મોટા, પણ અમે ફિલાડેલ્ફિયાના એક થિયેટરમાં સાથે ફિલ્મ જોવા ગયા હતા અને અમારાં મન મળી ગયાં હતાં."
જિલના જણાવ્યા મુજબ, જોએ પાંચ વખત પ્રપોઝ કર્યું એ પછી તેમણે લગ્નની દરખાસ્ત સ્વીકારી હતી.
તેનું કારણ આપતાં જિલે કહ્યું હતું કે "જોનાં સંતાનો બીજી માતા પણ ગુમાવે એવું હું ઇચ્છતી ન હતી. હું સંપૂર્ણ ખાતરી ઇચ્છતી હતી."
જિલ અને જોનાં લગ્ન ન્યૂ યૉર્ક સિટીમાં 1977માં થયાં હતાં. તેમનાં પુત્રી એશ્લીનો જન્મ 1981માં થયો હતો.
જિલ બાઇડને તેમના પરિવાર અને જો બાઇડનને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવાની દરખાસ્તને ડેમૉક્રેટિક પાર્ટીના સંમેલનમાં સમર્થન આપ્યું ત્યારપછી તેમણે જે સંઘર્ષનો સામનો કર્યો હતો તેની વાત કરી હતી.
જો બાઇડનના પુત્ર બોનું મે, 2015માં બ્રેઇન કૅન્સરને કારણે 46 વર્ષની વયે અવસાન થયું હતું.
જિલે કહ્યું હતું કે "આપણે દેશનું સુકાન જોના હાથમાં સોંપીશું તો તેઓ શું કરશે એ હું જાણતી હતી. તેમણે અમારા પરિવાર માટે જે કર્યું એ તેઓ સમગ્ર દેશ માટે કરશે. તેઓ બધાને એકત્ર કરશે અને એકઠા રાખશે. જરૂરતના સમયમાં આગળ ધપાવશે અને ભવ્ય અમેરિકાની ખાતરીનું પાલન કરશે."
શિક્ષિકા તરીકેની કારકિર્દી
69 વર્ષની વયનાં જિલ બાઇડને દાયકાઓ સુધી શિક્ષિકા તરીકે કાર્ય કર્યું છે.
બેચલર્સ ડિગ્રી ઉપરાંત તેમની પાસે બે માસ્ટર્સ ડિગ્રી છે. તેમણે ડેલવેર યુનિવર્સિટીમાંથી 2007માં શિક્ષણના વિષયમાં ડૉક્ટરેટ પણ કર્યું હતું.
વસવાટ માટે વૉશિંગ્ટન ડીસી આવતાં પહેલાં તેમણે એક કૉમ્યુનિટી કૉલેજમાં, એક પબ્લિક હાઈસ્કૂલમાં અને કિશોરવયનાં બાળકો માટેની મનોચિકિત્સા હૉસ્પિટલમાં શિક્ષણકાર્ય કર્યું હતું.
તેમણે ડેલવરની બ્રાન્ડીવાઈન હાઈસ્કૂલના ક્લાસરૂમમાંથી ડેમૉક્રેટિક પાર્ટીના સંમેલનને સંબોધન કર્યું હતું. બ્રાન્ડીવાઈન હાઈસ્કૂલમાં તેમણે 1991થી 1993 સુધી અંગ્રેજીનાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું.
જો બાઇડને ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી ત્યારે જિલ બાઇડન નૉર્થ વર્જિનિયા કૉમ્યુનિટી કૉલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતાં.
તેમણે ઑગસ્ટમાં એવું ટ્વીટ કર્યું હતું કે "મારા માટે શિક્ષણ એક કામ માત્ર નથી, એ મારું વ્યક્તિત્વ છે."
રાજકારણ
જો બાઇડન 2009થી 2019 સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજરત હતા ત્યારે જિલ પાસે સેકન્ડ લેડીનું બિરુદ હતું.
એ સમયગાળામાં જિલ બાઇડને કરેલાં કામોમાં કૉમ્યુનિટી કૉલેજોના પ્રસાર, સૈનિક પરિવારોની હિમાયત અને બ્રેસ્ટ કૅન્સર અટકાવવાની જાગૃતિ કેળવવાનો સમાવેશ થાય છે.
તેમણે તત્કાલીન ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સાથે મળીને જોઈનિંગ ફોર્સિસ પહેલ શરૂ કરી હતી. તેમાં ભૂતપૂર્વ સૈનિકો તથા તેમના પરિવારો માટે શિક્ષણ તથા રોજગારના સ્રોતોની સુવિધાનો સમાવેશ થાય છે.
2012માં તેમણે 'ડોન્ટ ફૉરગેટ, ગોડ બ્લેસ અવર ટ્રૂપ્સ' નામનું બાળકો માટેનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એ પુસ્તક એક લશ્કરી પરિવારના સભ્ય તરીકેના તેમનાં પૌત્રીના અનુભવ પર આધારિત છે.
રાષ્ટ્રપતિપદ માટેની જો બાઇડનની 2020ની પ્રચારઝુંબેશમાં તેઓ મોખરાના ટેકેદાર બની રહ્યાં હતાં. તેઓ દરેક કાર્યક્રમમાં સતત તેમના પતિ જોની સાથે રહ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો