You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમલા હેરિસ : "હું આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા હોઈ શકું છું પણ આખરી નથી"
અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાં પછી જો બાઇડન અને કમલા હેરિસે પ્રથમ ભાષણ આપ્યું.
અમેરિકામાં પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત-એશિયન મૂળનાં ઉપરાષ્ટ્રપતિ બનનારાં કમલા હેરિસે સૌપ્રથમ ભાષણ આપ્યું હતું.
કમલા હેરિસના ભાષણમાં જીતનો જોશ અને નવી આશાની વાત હતી.
એમણે કહ્યું કે આ જીતથી દેશની મહિલાઓને એક સંદેશ જશે કે કંઈ જ અસંભવ નથી.
કમલા હેરિસે કહ્યું, "તમે આશા, મર્યાદા, વિજ્ઞાન અને સત્યની પસંદગી કરી છે. તમે જો બાઇડનને આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે."
જો બાઇડનને અભિનંદન આપ્યાં બાદ એમણે કહ્યું કે, લોકતંત્ર રાજ્ય નહીં, ઍક્ટ હોય છે.
એમણે પોતાના પરિવાર અને માતાને યાદ કર્યાં અને એમણે બ્લૅક, એશિયન, ગોરી અને લેટિન મહિલાઓને યાદ કર્યાં.
કમલા હેરિસે કહ્યું કે, "એ તમામ આપણી લોકશાહીની કરોડરજ્જુ છે. એ મહિલાઓ જેમણે સો વર્ષ અગાઉ 19મા સંશોધન માટે લડાઈ લડી, 55 વર્ષ અગાઉ મતદાનના અધિકાર માટે સંઘર્ષ કર્યો અને એને પગલે આજે 2020માં યુવાપેઢી મત આપી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું, "હું આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા હોઈ શકું છું પણ હું આખરી નથી."
હું તોડવાને બદલે જોડવાનું કામ કરીશ - જો બાઇડન
જો બાઇડને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ આપેલા પ્રથમ ભાષણમાં કહ્યું કે "હું તોડવાનું નહીં જોડવાનું કામ કરીશ."
એમણે કહ્યું, "તમે મારા પર ભરોસો મૂક્યો છે એનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું. હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છું અને તમામને સાથે લઈને ચાલીશ."
"હું રેડ સ્ટેટ (રિપબ્લિકન પાર્ટીનો રંગ) અને બ્લૂ સ્ટેટ (ડેમૉક્રેટિક પાર્ટીનો રંગ) તરીકે જોતો નથી. હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છું કોઈ પાર્ટીનો નહીં. આપણે સાથે મળીને કામ કરીશું. હું આ દેશની કરોડરજ્જુને ફરીથી બેઠી કરીશ."
બાઇડને કહ્યું, "તમે લોકોએ મારામાં જે ભરોસો મૂક્યો છે એનાથી ખૂબ ખુશ છું. હું એવા રાષ્ટ્રપતિ બનવાનું વચન આપું છું જે તોડવાનું નહીં પણ જોડવાનું કામ કરશે. જે લાલ રંગના રાજ્ય કે વાદળી રંગના રાજ્યને નહીં જુએ, પણ સંયુક્ત રાજ્ય અમેરિકાને જોશે. હું દિલથી કોશિશ કરીશ કે આપ સૌનો ભરોસો જીતી શકું."
બાઇડને જેમના લીધે પ્રચારની શરૂઆતમાં લીડ મળી એવા આફ્રિકન-અમેરિકન મતદારોનો ખાસ આભાર માન્યો.
બાઇડને કહ્યું, એમનું પ્રથમ કામ કોરોના વાઇરસની મહામારીને નિયંત્રિત કરવાનું રહેશે.
બાઇડને કહ્યું, "સોમવારે હું એક ગ્રૂપની જાહેરાત કરીશ જેમાં ટોચના વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો આપણા કોવિડ પ્લાન પર કામ કરશે."
બાઇડને કહ્યું કે આપણે કોશિશ કરી હોય અને એ કામ ન થાય એવું અમેરિકામાં અત્યાર સુધી ક્યારેય નથી થયું.
બાઇડને ટ્રમ્પ સમર્થકોને પણ સંબોધન કર્યું અને કહ્યું, "એકબીજાને તક આપીને જોઈએ. હવે સમય છે કે આપણે કડવાશભરી નિવેદનબાજીથી દૂર રહીએ."
"એકમેકને ફરી મળીએ, એકબીજાને ફરી સાંભળીએ અને આપણા હરીફને દુશ્મન માનવાનું બંધ કરીએ. જેમણે મને આપ્યા છે અને નથી આપ્યા એ બંને માટે હું સરખી મહેનત કરીશ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો