જો બાઇડન ચૂંટણી જીત્યા અને ચર્ચામાં છે 'નમસ્તે ટ્રમ્પ' અને 'હાઉડી મોદી' - સોશિયલ

ભારે રસાકસી બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનની જીત થઈ છે.

જો બાઇડને વર્તમાન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે.

બાઇડનની જીત બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી તેમના પર અભિનંદનનાં ટ્વીટ થઈ રહ્યાં છે.

તો આ સાથે જ ટ્વિટર પર #HowdyModi અને #NamasteTrump હેશટેગ ટ્રેન્ડમાં આવી ગયાં છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા અને એ કાર્યક્રમને 'હાઉડી મોદી' નામ આપવામાં આવ્યું હતું.

તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે એમના કાર્યક્રમનું નામ 'નમસ્તે ટ્રમ્પ' આપવામાં આવ્યું હતું.

આ બંને કાર્યક્રમો પર લોકો સોશિયલ મીડિયામાં અલગઅલગ પ્રકારની કૉમેન્ટ કરી રહ્યા છે.

હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા

કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ અમેરિકાની ચૂંટણી મામલે ફેસબુકમાં પોસ્ટ મૂકી છે.

અમેરિકા મહાસત્તા કેમ છે એનાં હાર્દિક પટેલે કેટલાંક કારણો રજૂ કર્યાં છે.

તેઓએ લખ્યું કે "અમેરિકાના ઇતિહાસમાં 30 વર્ષમાં આ પહેલી વખત બન્યું કે ચાલુ રાષ્ટ્રપ્રમુખ બીજી વખતમાં હારી જાય."

"ગઈ ટર્મમાં ટ્રમ્પ જેવા માણસને રાષ્ટ્રપ્રમુખ બનાવી વ્હાઇટ હાઉસમાં તો બેસાડી દીધો. પરંતુ પછી વારંવાર જે બનાવો બન્યા તે અમેરિકાની લોકશાહીની મજબૂતીની મિશાલ છે."

"વ્હાઇટ હાઉસમાં પત્રકારપરિષદમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી માણસને પત્રકાર પૂછે છે કે અત્યાર સુધી બોલેલા જૂઠ પર તમને કોઈ અફસોસ છે?"

"રાષ્ટ્રપ્રમુખ પૂછે છે કોણ જૂઠું બોલે છે? પત્રકાર કહે છે તમે. પણ પત્રકાર પર રાષ્ટ્રદ્રોહનો કેસ નથી થતો."

હાર્દિક પટેલે ટ્વિટર પર જો બાઇડનને અભિનંદન સાથે નમસ્તે ટ્રમ્પ પર સવાલ કર્યો અને નરેન્દ્ર મોદીએ વિદેશની ધરતી પર ચૂંટણી પ્રચાર કર્યો એમ પણ કહ્યું. હાર્દિક પટેલે હાઉડી મોદી કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ આપેલા અબ કી બાર ટ્રમ્પ સરકાર નારાને યાદ કરાવી લખ્યું કે આ બીજા દેશની ચૂંટણીમાં અતિક્રમણ હતું અને આશા રાખું કે આ દુ:સાહસનો ભોગ અમેરિકામાં વસતા ભારતીયોને નહીં બનવું પડે.

તો બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ જો બાઇડનને અભિનંદન આપ્યાં છે.

મેવાણીએ ટ્વીટ કર્યું, "તમારી જીતથી યુ.એસ.એ. માટે અમુક પ્રકારની વચગાળાની રાહત મળી છે. અમને ભારતના લોકોને પણ એ જ જોઈએ."

"વો સુબહ કભી તો આયેગી."

સોશિયલ મીડિયામાં કોણ શું બોલ્યું?

કાર્તિક વી નામના યૂઝરે લખ્યું કે "રાહુલ ગાંધી જો બાઇડન નથી, પ્રિયંકા ગાંધી કમલા હેરિસ નથી, હાલમાં નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. આ સત્ય છે."

"હું માનું છું કે 2029માં વિકલ્પ હશે, પણ નક્કી છે કે કૉંગ્રેસ નહીં હોય."

ડૉ. સુંદરા નામના એક યૂઝરે લખ્યું કે, "#HowdyModi અને #NamasteTrump મહાન ઘટનાઓ હતી!!! બંને દેશને કેટલો ફાયદો થયો? આશા રાખીએ કે Namasthe Biden ન મળે."

જો જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે લખ્યું કે ગૂડબાય રાઉડી ટ્રમ્પ!

તો કેટલાક યૂઝર્સે હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં થયેલા ખર્ચની પણ વાત કરી હતી.

રાજીવ મટ્ટાએ લખ્યું કે "આ ફેબ્રુઆરીમાં મોદીએ નમસ્તે ટ્રમ્પમાં કેટલું રોકાણ કર્યું? તે રોકાણનું શું થયું? તે હંમેશાં ખોટા ઘોડાઓ પર શા માટે શરત લગાવે છે?"

હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ખર્ચને લઈને જે તે સમયે મીડિયા વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કહેવું હતું કે લગભગ એક લાખ 10 હજાર પ્રેક્ષકોની બેઠકક્ષમતાવાળા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સુધી પહોંચવાના રસ્તાઓ પહોળા કરવા તથા બ્યુટિફિકેશન પાછળ થયો છે, જે કાયમી સુવિધા છે.

વિજય નહેરાએ સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું હતું કે અંદાજે 30 કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પછી સપ્ટેમ્બર 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 'હાઉડી, મોદી' કાર્યક્રમ હ્યુસ્ટનમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભાગ લીધો હતો.

આશરે 50,000 લોકોએ આ કાયક્રમમાં હાજરી આપી હતી, આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમે કર્યું હતું. આ કાર્યક્રમને લઈને નરેન્દ્ર મોદી પર ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરવાનો આરોપ મૂકાયો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો