કોરોના વૅક્સિન : ફાઇઝરનો દાવો, 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો પર 95 ટકા અસરકારક - Top News

કોરોનાની રસી બનાવવાના પ્રયાસોમાં લાગેલી દવા કંપની ફાઇઝરે દાવો કર્યો છે કે તેની રસી 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો પર 94 ટકા પ્રભાવી છે.

ફાઇઝર અને BioNTech મળીને રસી બનાવી રહ્યાં છે.

કંપની અનુસાર ત્રીજા ફેઝમાં ચાલી રહેલી ટ્રાયલમાં તેને જે નવા આંકડા મળ્યા છે, એના આધારે કહી શકાય છે કે આ રસી તમામ ઉંમર અને વંશના લોકો પર એક સમાન અસર કરે છે.

બન્ને કંપનીઓ હવે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવવા માટે અમેરિકામાં અરજી કરશે.

કંપનીનું કહેવું છે કે આખી દુનિયામાં 41 હજાર લોકો પર કરાયેલાં પરીક્ષણો બાદ તે આ પરિણામ પર પહોંચી છે.

સુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ, દરદીઓ સલામત ખસેડાયા

સુરતમાં આવેલી ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ ફાટી નીકળતાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ફાયરવિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી અને દરદીઓને સલામત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું સ્થાનિક અહેવાલો જણાવી રહ્યા છે. આગ ફર્સ્ટ ફ્લોર ઍડમિનિસ્ટ્રેટિવ વૉર્ડમાં લાગી હતી.

બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથે થયેલી વાતચીતમાં સુરત મહાનગર પાલિકાના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસરે ઘટનાની પુષ્ટિ કરતાં કોઈ જાનહાની ન થઈ હોવાનું જણાવ્યું છે.

તેમણે કહ્યું, "ધારાધોરણો મુબજ મૉકડ્રીલ્સ પણ અગાઉ થઈ હતી. હાલ કામગીરી ચાલુ છે. વધુ તપાસ આદરવામાં આવશે."

જ્યારે આગ લાગી ત્યારે અંદર 16 દરદીઓ હતા.

સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર તમામ દરદીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

તેમના જણાવ્યા અનુસાર હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદમાં કેક પર તલવારબાજી, નવની અટકાયત

અમદાવાદ પોલીસે જાહેર સ્થળે જન્મદિવસ ઊજવવા માટે તલવારથી કેક કાપવાના વીડિયો આધારે મગંળવારે નવ લોકોની અટકાયત કરી છે.

NDTV ડોટ કૉમમાં પ્રકાશિત અહેવાલ આધારે પોલીસ કર્મચારીઓએ માહિતી આપી હતી કે તલવારથી કેક કાપવાનો આ બનાવ રવિવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બન્યો હતો.

વીડિયોમાં મુખ્ય આરોપી દેવ બાદશાહ તલવાર વડે 11 કેક કાપતા દેખાઈ રહ્યા છે. જ્યારે તેમના મિત્રો બર્થડે ગીત ગાઈ રહ્યા હતા.

પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલ વિગત અનુસાર, “આ બનાવ અને FIR દાખલ કરાઈ છે, જેને પગલે આરોપીઓની અટકાયત કરાઈ છે. આરોપીઓનાં કોરોના પરીક્ષણ બાદ તેમની ધરપકડ કરાશે.”

અમદાવાદ-સુરતમાં છઠ પૂજાની પરવાનગી નહીં

ડેક્કન હેરાલ્ડ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર કોરોનાને કાબૂમાં લેવા માટેની સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય ગાઇડલાઇન હળવી બનાવાતા ગુજરાતમાં કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

અહેવાલ પ્રમાણે મંગળવારે રાજ્યમાં 1125 નવા કેસો નોંધાયા છે, જે પૈકી 218 કેસો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે.

નોંધનીય છે કે અમુક દિવસો પહેલાં ગુજરાતમાં કોરોનાના એક હજારથી પણ ઓછા કેસો નોંધાઈ રહ્યા હતા. પરંતુ પાછલા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વાર વધારો નોંધાવાનું શરૂ થયું છે.

કેસોમાં વધારાને પગલે સ્થાનિક પ્રશાસન દ્વારા છઠ પૂજા માટે અમદાવાદ અને સુરતમાં પરવાનગી આપી નથી.

નોંધનીય છે કે આ વિસ્તારોમાં હજારો લોકો ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી કામધંધાર્થે આવીને વસે છે.

ACB દ્વારા આવક કરતાં વધુ સંપત્તિ મામલે 27 કર્મીઓ પર કેસ કરાયા

ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા આ વર્ષે રાજ્ય સરકારના 27 કર્મચારીઓ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ કરાયો છે.

આ 27 આરોપીઓ પૈકી એક આરોપી વર્ગ-1, આઠ અધિકારી વર્ગ-2 અને 16 અધિકારી વર્ગ-3ના કર્મચારી છે.

આવક કરતાં વધુ અને બેનામી સંપત્તિને ખુલ્લી પાડવાની પોતાની કવાયતમાં ACBએ એક વર્ષમાં 38.75 કરોડની જમીન અને મકાન અંગે કેસ દાખલ કરાયા છે.

આરોપીઓ પૈકી આઠ આરોપી ગુજરાત લૅન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના હતા. જ્યારે ત્રણ-ત્રણ આરોપી શહેરી વિકાસ અને રેવન્યુ વિભાગ, ચાર આરોપી પંચાયત વિભાગ, બબ્બે આરોપી PWD અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બૉર્ડ અને એક-એક આરોપી પોલીસ, શિક્ષણખાતા, સિંચાઈ, આરોગ્ય અને ખાણ અને ખનીજ વિભાગના હતા.

લદ્દાખમાં ચીની સેનાએ માઇક્રોવેવ હથિયારોનો ઉપયોગ નહોતો કર્યો : ભારતીય સેના

ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના સીમાઘર્ષણમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા માઇક્રોવેવ હથિયારો ઉપયોગ કરવાની વાતને નકારી કાઢી છે.

નોંધનીય છે કે ઘણા અખબારોમાં ચીનની સેના દ્વારા ભારતીય સેના પર માઇક્રોવેવ હથિયારોનો ઉપયોગ કરાયો હોવાનો દાવો કરાયો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આ દાવાનો છેદ ઉડાડતા સેનાના એક અધિકારીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને કહ્યું કે, “આ ખબર એકદમ પાયાવિહોણી છે. તેમજ મનોવૈજ્ઞાનિક રણનીતિનો ભાગ હોય તેવું લાગે છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ભારતીય સેના દ્વારા કૈલાશ રૅન્જની કેટલીક ચોકીઓ પર ભારતના કબજાની કાર્યવાહીના આંચકામાંથી હજી બહાર આવી શકી હોય એવું લાગતું નથી.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો