અમિત શાહનો કાશ્મીર મામલે 'ગુપકર ગૅંગ' કહેવાનો અર્થ શું છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરી નેતાઓને નિશાને લેતાં તેમને 'ગુપકર ગૅંગ' કહ્યા છે.

અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું, "ગુપકર ગૅંગ હવે વૈશ્વિક થઈ રહી છે. એ લોકો ઇચ્છે છે કે વૈશ્વિક તાકાતો હવે જમ્મુ-કાશ્મીરમાં હસ્તક્ષેપ કરે."

"ગુપકર ગૅંગ ભારતીય તિરંગાનું પણ અપમાન કરે છે. શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ ગુપકર ગૅંગનું સમર્થન કરે છે? તેમણે પોતાની સ્થિતિ ભારતના લોકો સામે સ્પષ્ટ કરવી જોઈએ."

અમિત શાહના આ ટ્વીટ બાદ ફરી જમ્મુ-કાશ્મીર મુદ્દે રાજકારણ ગરમાયું છે. અમિત શાહના ટ્વીટનો મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલાએ પણ જવાબ આપ્યો છે.

મહેબુબા મુફ્તીએ કહ્યું, "ભાજપની હકીકત એ છે કે પહેલાં તે ટૂકડે-ટૂકડે ગૅંગ ભારતના સાર્વભૌમકત્વને જોખમમાં મૂકી રહી છે, તેવું કહેતી હતી, હવે તે ગુપકર ગૅંગ પર્યાયોક્તિ વાપરીને અમને દેશ વિરોધી ચીતરી રહી છે."

ઓમર અબ્દુલાએ પણ અમિત શાહને જવાબ આપતાં કહ્યું, "માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નેતાઓને લોકશાહી પદ્ધતિનું સમર્થન અને ચૂંટણી ભાગ લેવા જતાં તેમની અટકાયત કરાય છે અને તેમને દેશ વિરોધી કહેવાય છે."

ગુપકર ઘોષણા શું છે?

પીપલ્સ અલાયન્સ ફૉર ગુપકર ડિક્લેરેશન (પીએજીડી) સાત પાર્ટીઓ નેશનલ કૉન્ફરન્સ (એનસી), પીપલ્સ ડૅમોક્રેટિક પાર્ટી (પીડીપી), કૉંગ્રેસ, પીપલ્સ કૉન્ફરન્સ, સીપીઆઈ, સીપીઆઈએમ, અવામી નેશનલ કૉન્ફરન્સ અને જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ (જેકેપીએમ)નો સમૂહ છે.

આ વર્ષે ચાર ઑગસ્ટના રોજ આ પાર્ટીઓએ એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી અનુચ્છેદ 370 અને 35એને રદ કરવા વિરુદ્ધ એક થઈને લડાઈ લડવાની ઘોષણા કરી હતી.

ગયા વર્ષે પાંચ ઑગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને રદ કરતાં રાજ્યને મળેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કરી દીધો હતો.

અનુચ્છેદ 370ને નિરસ્ત કર્યા બાદ અહીંના ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓ સહિત મુખ્યધારાની રાજકીય પાર્ટીઓના સેંકડો લોકો અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.

સાથે જ જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરીને લદ્દાખને તેનાથી અલગ કરી દીધું હતું.

ચાર ઑગસ્ટના રોજ કરેલી એ જાહેરાત 'ગુપકર ઘોષણા' તરીકે ઓળખાય છે.

ગુપકર શબ્દ ક્યાંથી આવ્યો?

પીપલ્સ અલાયન્સ ફૉર ગુપકર ડિક્લેરેશન (પીએજીડી)ની બેઠકમાં અનુચ્છેદ 370ને રદ કરવાના વિરોધમાં રણનીતિ ઘડાઈ હતી.

આ બેઠકમાં આ સંગઠનને એક સામાન્ય સ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું. જેમાં ફારુક અબ્દુલાને આ ગ્રૂપના પ્રેસિડેન્ટ અને મહેબુબા મુફ્તીને આ ગ્રૂપનાં વાઇસ પ્રેસિડેન્ડ બનાવવામાં આવ્યાં હતાં.

આ બેઠક બાદ ફારુક અબ્દુલાએ કહ્યું હતું કે આ સંગઠન જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો પરત મળે તે માટે કામ કરશે અને આ એક ભાજપ વિરોધી સંગઠન છે ના કે દેશ વિરોધી.

હવે એ પણ જાણી લો કે આ જાહેરાતને 'ગુપકર ઘોષણા' કેમ કહેવામાં આવે છે. એટલે કે ગુપકર શબ્દ તેમાં ક્યાંથી આવ્યો.

આ તમામ પક્ષના નેતાઓ નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલાના શ્રીનગરના ગુપકર રોડ પર આવેલા નિવાસસ્થાને મળ્યા હતા.

આ સ્થળના કારણે ઘોષણાપત્રમાં ગુપકર શબ્દ જોડવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવી બેઠકો જે સ્થળે મળે તેનું નામ તેના નિવેદન સાથે જોડવામાં આવતું હોય છે.

અમિત શાહનો વાર અને કાશ્મીરની ચૂંટણીઓ

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત ડીડીસી (જિલ્લા વિકાસ પરિષદ)ની ચૂંટણીઓ થઈ રહી છે. અનુચ્છેદ 370ને રદ કર્યા પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રિસ્તરીય પંચાચત પ્રણાલી (ગ્રામ સ્તરે, બ્લૉક સ્તરે, જિલ્લા સ્તરે) ન હતી.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતી રાજ અધિનિયમ, 1989માં સંશોધન કરી પોતાની સહમતિ આપી દીધી હતી.

હવે આ ચૂંટણી દ્વારા જમ્મુ ક્ષેત્રની 10 અને કાશ્મીર ઘાટીની 10 સહિત કુલ 20 જિલ્લાઓમાં ડીડીસીનું ગઠન કરવામાં આવશે.

કેન્દ્રશાસિત પ્રદેશના પ્રત્યેક જિલ્લામાં 14 મત વિસ્તાર હશે. આવી રીતે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં કુલ 280 મત વિસ્તારો માટે આ ચૂંટણીઓના માધ્યમથી લોકો ડીડીસીના પ્રતિનિધિઓને ચૂંટશે.

હવે આ ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરની બધી મુખ્યધારાની રાજકીય પાર્ટીઓ એક સાથે મળીને ભાજપનો સામનો કરશે એટલે કે ભાજપ સામે એકજૂટ થઈને ચૂંટણી લડશે.

અનુચ્છેદ 370ને રદ કર્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટી રાજકીય ગતિવિધિ હશે. જે રાજકીય પાર્ટીઓએ આ ચૂંટણી માટે હાથ મિલાવ્યા છે તેમણે ગુપકર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

ગુપકર હસ્તાક્ષરકર્તાઓનું કહેવું છે કે ડીડીસી ચૂંટણીમાં એકજૂટ થઈને ભાગ લેવો અનુચ્છેદ 370ની બહાલી માટે સંઘર્ષ કરવા માટે જરૂરી છે. સાથે જ સાંપ્રદાયિક તાકાતોને આ ક્ષેત્રથી બહાર રાખવા માટે પણ આવશ્યક છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો