You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજય રૂપાણી સરકારની નવી સોલર પાવર પૉલિસીથી કોને લાભ થશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારપરિષદ યોજીને આગામી પાંચ વર્ષ માટે ગુજરાતની 'સોલર પાવર પૉલિસી'ની જાહેરાત કરી હતી.
તેમણે આ પૉલિસી જાહેર કરતાં કહ્યું, “ગુજરાત બેસ્ટ ઇન્વેસ્ટમૅન્ટ ડેસ્ટિનેશન સ્ટેટ બન્યું છે, જે કારણે રાજ્યમાં ઘણું રોકાણ થઈ રહ્યું છે. આ પૉલિસીના કારણે નાના અને મોટા ઉદ્યોગકારો માટે પાવર કોસ્ટ ઘટશે.”
“હાલ ઔદ્યોગિક એકમોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ પાવર મળે છે. પાવર એ ઉત્પાદનખર્ચનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.”
આ પૉલિસીનો હેતુ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતના ઉદ્યોગકારોની પ્રોડક્શન કોસ્ટ ઘટે અને સમગ્ર વિશ્વમાં મેડ ઇન ગુજરાત બ્રાન્ડ હરિફાઈમાં ટકી શકે અને પર્યાવરણ માટે અનુકૂળ શુદ્ધ વીજઉત્પાદનને વેગ મળે તે હેતુ માટે નવી સોલર પૉલિસી જાહેર કરવામાં આવી છે.
મુખ્ય મંત્રી દ્વારા પુન:પ્રાપ્ય ઊર્જાઉત્પાદન માટે આ પૉલિસીમાં અનેક અનુકૂળ જોગવાઈઓ કરવામાં આવી છે.
નવી 'સોલર પાવર પૉલિસી'ની ખાસ બાબતો?
રાજ્યની નવી સોલર પાવર પૉલિસી-2021 પ્રમાણે હવે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કે ડેવલપર કે ઉદ્યોગ પોતાની જમીનમાં કોઈ પણ પ્રકારની મર્યાદા વિના પોતાની જરૂરિયાત મુજબ સોલર પ્રોજેક્ટ સ્થાપી શકશે.
આ સિવાય સોલર પ્રોજેક્ટ સ્થાપવા ઉદ્યોગો માટે સેન્કશન્ડ લૉડ કે કૉન્ટ્રેક્ટ ડિમાન્ડના 50%ની વર્તમાન મર્યાદા પણ દૂર કરાઈ છે.
નવી પૉલિસીની જોગવાઈ પ્રમાણે ગ્રાહકો તેમની છત કે જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમજ પોતાની છત કે જગ્યા જે તે પરિસરમાં વીજઉત્પાદન અને વીજવપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે.
નવી પૉલિસી અંતર્ગત વીજકંપનીઓને PPA (પાવર પરચેસિંગ ઍગ્રિમેન્ટ) માટે આપવાની સિક્યૉરિટી ડિપૉઝિટની રકમ પ્રતિ મેગાવૉટ 25 લાખ રૂપિયાથી ઘટાડીને પાંચ લાખ રૂપિયા પ્રતિ મેગાવૉટ કરાઈ છે.
નવી પૉલિસી અંતર્ગત એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી સોલર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો