ક્રિકેટ વર્લ્ડકપ : જ્યારે ગાવસ્કર પાસેથી 36 રન સાથે અણનમ રહેવા પર ખુલાસો માગવામાં આવ્યો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પ્રથમ વર્લ્ડકપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનના સંકેતો શરૂઆતથી જ મળવા લાગ્યા હતા.

ઇંગ્લૅન્ડમાં જૂન, 1975માં યોજાયેલા પ્રથમ વિશ્વકપ માટે સ્પિનર વેંકટ રાઘવનને ભારતીય ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા.

વેંકટ રાઘવન એ દિવસોમાં ડર્બીશાયર કાઉન્ટી તરફથી રમતા હતા. તેથી તેઓ ઇંગ્લૅન્ડ માટે પહેલેથી જ રવાના થઈ ગયા હતા.

ભારતીય ટીમ માટે ઇંગ્લૅન્ડ રવાના થતા પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ દિવસની નેટ પ્રેક્ટિસ રાખવામાં આવી હતી. એ નેટ પ્રેક્ટિસમાં ભાગ લેવા માટે માત્ર છ ખેલાડી હાજર હતા, કારણ કે બાકીના પાંચ ખેલાડી તો પહેલેથી જ ઇંગ્લૅન્ડમાં હતા.

ભારતીય ટીમ રવાના થઈ એ પહેલાં સૈયદ કિરમાણી અને મોહિંદર અમરનાથે વાનખેડે સ્ટેડિયમમાં હાજરી આપી હતી.

બધા ખેલાડી સ્ટેડિયમમાં જ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક ખેલાડી સુનીલ ગાવસ્કર અને એકનાથ સોલકરને ભારતીય મેનેજર રામચંદે રાતે તેમના ઘરે જવાની મંજૂરી આપી હતી.

ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ થયા નારાજ

ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના તત્કાલીન અધ્યક્ષ પી.એમ. રુંગટા એક દિવસ સવારે વાનખેડે સ્ટેડિયમ અચાનક પહોંચી ગયા હતા. તેઓ ખેલાડીઓ સાથે નાસ્તો કરી રહ્યા હતા ત્યારે સુનીલ ગાવસ્કર પોતાના ઘરેથી ત્યાં પહોંચ્યા હતા.

ગાવસ્કરને જોતાં જ રુંગટાએ પૂછ્યું હતું, “તમે સ્ટેડિયમમાં રોકાઓ છો કે રોજ રાત્રે ઘરે જાઓ છો?”

ગાવસ્કર તેમની આત્મકથા ‘સની ડેઝ’માં લખે છે, “મેં તેમને જણાવ્યું હતું કે હું રોજ રાતે મારા ઘરે ચાલ્યો જાઉં છું. તેથી તેઓ નારાજ થયા અને બોલ્યા, ખેલાડીઓમાં ટીમની ભાવના સર્જાય એટલા માટે બધા ખેલાડીઓના રહેવાની વ્યવસ્થા વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવી છે એ તમને ખબર છે?”

“તમારે પણ અહીં રહેવું જોઈએ. તમે ટીમના વાઈસ-કેપ્ટન છો. તમારે ટીમ સામે દાખલો બેસાડવો જોઈએ, એવું તેમણે કહ્યું ત્યારે મેં સ્પષ્ટતા કરી હતી કે મેં રાતે ઘરે જવા માટે મેનેજરની પરવાનગી લીધી હતી.”

રુંગટાએ એકનાથ સોલકરને પણ એ જ સવાલ પૂછ્યો હતોઃ “તમે પણ રોજ રાતે ઘરે ચાલ્યા જાઓ છો?”

ગાવસ્કર લખે છે, “એ સવાલના જવાબમાં સોલકરે કહ્યું હતું કે તેઓ સ્ટેડિયમમાં જ રોકાય છે. એ હળાહળ જુઠ્ઠાણું હતું. સોલકર રોજ રાતે પોતાના ઘરે ચાલ્યો જતો હતો એ બધા જાણતા હતા.”

“અમારા મેનેજર રામચંદ ત્યાં હાજર હતા અને અમને રાતે ઘરે જવાની છૂટ આપી હોવાની વાત તેમણે સ્વીકારી શા માટે ન હતી એ મને સમજાયું ન હતું.”

“સોલકર જેવા ક્રિકેટ ખેલાડીને ક્રિકેટ પ્રશાસક સામે ખોટું બોલવાની જરૂર શા માટે પડી રહી છે એ વાતથી પણ મને આંચકો લાગ્યો હતો.”

ગાવસ્કરનું બેટ ચાલ્યું નહીં

વર્લ્ડ કપની પહેલી મૅચ ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે લૉર્ડ્સમાં રમાઈ હતી. 1975ની નવમી જૂને રમાયેલી તે મૅચ નિહાળવા ગયેલા ભારતીય પ્રશંસકો માટે એ દિવસ બહુ ખરાબ સાબિત થયો હતો.

રમત આગળ વધી તેમ પિચ ધીમી પડતી ગઈ હતી. ઇંગ્લૅન્ડે નિર્ધારિત 60 ઓવરમાં ચાર વિકેટના ભોગે 334 રન નોંધાવ્યા હતા.

ભારતની બેટિંગની શરૂઆતમાં જ જ્યૉફ આર્નોલ્ડની ઑવરના બીજા જ બૉલને કટ મારવાનો પ્રયાસ ગાવસ્કરે કર્યો હતો. બૉલ તેમના બૅટને જરાક સ્પર્શ્યો હતો, પરંતુ ઇંગ્લૅન્ડના કોઈ ખેલાડીએ કૅચની અપીલ કરી ન હતી.

ગાવસ્કરે ઇચ્છ્યું હોત તો ઇમાનદારી દેખાડીને પૅવેલિયનમાં પાછા ફરી શક્યા હોત, પરંતુ તેમણે પિચ છોડી નહીં. એ પછી જે થયું તેનાથી ગાવસ્કરને બહુ દુઃખ થયું હશે.

એ પછી ગાવસ્કરે એક ક્રૉસ બૅટેડ શૉટ લગાવ્યો અને ત્યાર બાદ ગાવસ્કરના બેટમાંથી રન નીકળવાનું જાણે કે બંધ જ થઈ ગયું.

ઇંગ્લૅન્ડના બોલર્સ પ્રોફેશનલ બોલિંગ કરતા હતા અને એક પણ લૂઝ બૉલ ફેંકતા ન હતા. ગાવસ્કર જે શૉટ મારતા હતા તે બધા સીધા ફિલ્ડર્સ પાસે જતા હતા.

એ દરમિયાન દર્શકોએ ગાવસ્કરની ધીમી બૅટિંગથી નારાજ થઈને પોતાના બિયરના કેન વગાડવાનું શરૂ કરી દીધું હતું.

ગાવસ્કરે આઉટ થવાની ઇચ્છા વ્યક્ત કરી

ગાવસ્કર લખે છે, "હું જાણી જોઈને આઉટ થઈ જાઉં, એવું મેં ટીમ મેનેજરને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તને રન બનાવવામાં તકલીફ થતી હોય તો એક કે બે રન બનાવવા પર ધ્યાન આપ."

"ઇંગ્લૅન્ડે આક્રમક ફિલ્ડિંગ સેટ કરી હતી અને તેમાં એક કે બે રન લેવાનું મુશ્કેલ હતું. આ બૉલને હું શૉટ લગાવીશ એવું હું વિચારતો હતો, પરંતુ મારા પગ ડિફેન્સિવ શોટ ખેલવાની મુદ્રામાં આવી જતા હતા."

"દર્શકોના અવાજથી હું વિચલિત થઈ ગયો હતો. અમે શરૂઆતમાં જ સ્વીકારી લીધું હતું કે આટલા તોતિંગ સ્કોરનો પીછો કરી શકાશે નહીં."

ગાવસ્કર આગળ લખે છે, "તે મારા જીવનની કદાચ સૌથી ખરાબ ઇનિંગ હતી. એ દરમિયાન મેં ઘણી વખત વિચાર્યું હતું કે આખી વિકેટ ખુલ્લી છોડી દઉં અને બોલ્ડ થઈ જાઉં. પીડાથી છૂટકારો પામવાનો તે માર્ગ મને યોગ્ય લાગતો હતો."

"એ દરમિયાન મારા ત્રણ કૅચ છોડવામાં આવ્યા, બહુ જ આસાન કૅચ. મારી હાલત વિચિત્ર હતી. હું રનની ગતિ વધારી શકતો ન હતો કે જાણીજોઈને આઉટ પણ થઈ શકતો ન હતો."

તે ઇનિંગ પછી લોકોએ ગાવસ્કર વિશે ઘણી વાતો કહી હતી અને તે તેમના પ્રશંસકોને બહુ ખરાબ લાગી હતી.

દેવેન્દ્ર પ્રભુદેસાઈ ગાવસ્કરની જીવનકથા ‘એસએમજી’માં લખે છે, "કેટલાક લોકો માનતા હતા કે વેંકટ રાઘવનને કૅપ્ટન બનાવવામાં આવ્યા હોવાથી ગાવસ્કર નારાજ થયા હતા અને એટલે તેમણે એવું કર્યું હતું."

એક અંગ્રેજ સમીક્ષકે તો ત્યાં સુધી કહ્યું હતું કે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ જાણીજોઈને ગાવસ્કરના કૅચ છોડી દેતા હતા, જેથી ઇંગ્લૅન્ડની જીત સુનિશ્ચિત થઈ જાય.

વિખ્યાત ક્રિકેટ સમીક્ષક જૉન વુડકૉકે ધ ટાઇમ્સ અખબારમાં લખ્યું હતું, "ભારતે અને ખાસ કરીને ગાવસ્કરે આ પ્રકારની બૅટિંગ શા માટે કરી હતી તે સમજવા માટે આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતીય ટીમ અગાઉ લૉર્ડ્ઝ પર રમી ત્યારે તેનું પ્રદર્શન કેવું હતું."

"આખી ટીમ માત્ર 42 રનમાં આઉટ થઈ ગઈ હતી. વળી તે ટેસ્ટ મૅચ હતી. તેમના મનમાં ક્યાંકને ક્યાંક એવો વિચાર હશે કે તેઓ ઇંગ્લૅન્ડને હરાવી નહીં શકે. તેથી તેમણે એવા પ્રયાસ કરવા જોઈએ કે તેઓ 1974માં થયા હતા એવી રીતે ધરાશાયી ન થાય."

કેટલાક વર્તુળોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગાવસ્કરે 60 ઑવર સુધી તેમની ઇનિંગ ચાલુ રાખી, જેથી તેમની સરેરાશ બહેતર થાય.

ગાવસ્કરે તેનો જવાબ આપતાં કહ્યું હતું, "આનાથી વધારે વાહિયાત વાત બીજી કોઈ ન હોઈ શકે. એ ઉપરાંત 60 ઓવર હું એકલો રમ્યો ન હતો. વિશ્વનાથને બાદ કરતાં એકેય ભારતીય ખેલાડીએ પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો ન હતો."

ભારતીય ટીમ નિર્ધારિત 60 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી હતી. ગાવસ્કરે 174 બોલ રમીને કુલ 36 રન કર્યા હતા અને તેઓ અણનમ રહ્યા હતા.

ગાવસ્કર પાસેથી ખુલાસો માગવામાં આવ્યો

મૅચ પછી ભારતીય ટીમના મૅનેજર રામચંદે ગાવસ્કર પાસે તેમના આ પ્રદર્શન બાબતે લેખિત ખુલાસો માગ્યા હતો, જે તેમણે આપ્યો હતો.

એ સમયે ગાવસ્કરને એવું લાગ્યું હતું કે તેમના ખુલાસાથી રામચંદ સંતુષ્ટ છે, કારણ કે ગાવસ્કર અને વેંકટ રાઘવન સાથે રામચંદ બીજી મૅચ માટેની ભારતીય ટીમની પસંદગી કરવા બેઠા ત્યારે તેઓ ગાવસ્કરની પાછલી ઇનિંગ બાબતે એક શબ્દ બોલ્યા ન હતા.

એ પછીની ઘટનાઓએ સાબિત કર્યું કે એ વાત સાચી ન હતી.

ભારતની બીજી મૅચ પૂર્વ આફ્રિકા સામે હતી. તેની ટીમ ટુર્નામેન્ટમાં સૌથી નબળી ટીમ હતી. ભારતે તેને આસાનીથી દસ વિકેટે પરાજય આપ્યો હતો.

પૂર્વ આફ્રિકાની આખી ટીમ 120 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ભારતના મીડિયમ પેસર્સ આબિદ અલી, મોહિંદર અમરનાથ અને મદનલાલને ત્રણ-ત્રણ વિકેટો મળી હતી.

ગાવસ્કર અને ફારુખ એન્જિનિયરે અણનમ ઇનિંગ્ઝ રમીને 29.5 ઓવરમાં ભારતને વિજય અપાવ્યો હતો. તેમાં ગાવસ્કરે અણનમ 65 રન નોંધાવ્યા હતા.

સેમી-ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમની આગામી ટક્કર ન્યૂઝીલૅન્ડ સામે હતી.

ભારતે પહેલો દાવ લઈને નિર્ધારિત 60 ઓવરમાં 230 રન કર્યા હતા. આબિદ અલી 70 રનના વ્યક્તિગત જુમલા સાથે ટોપ સ્કોરર બન્યા હતા.

ન્યૂઝીલૅન્ડે ગ્લૅન ટર્નરના અણનમ 114 રનની મદદથી ભારતને હરાવ્યું હતું અને સેમિ-ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

તે આખી ટુર્નામેન્ટમાં સુનીલ ગાવસ્કરે ભારત તરફથી સૌથી વધારે 113 રન બનાવ્યા હતા. બે વાર અણનમ રહેવાને કારણે તેમની સરેરાશ 113 રન હતી.

લેખિત ખુલાસાની માગ

એ ટુર્નામેન્ટ પછી યુરોપમાં એક મહિનો વેકેશન માણ્યા પછી ગાવસ્કર ભારત પાછા ફર્યા ત્યારે તેમને ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રુંગટા તરફથી એક પત્ર મળ્યો હતો. ઇંગ્લૅન્ડ સામેની તેમની બૅટિંગ બાબતે ખુલાસો કરવા એ પત્ર મારફત ગાવસ્કરને જણાવવામાં આવ્યું હતું.

ભારતીય ટીમના મૅનેજરે બોર્ડના અધ્યક્ષને આપેલા અહેવાલમાં જણાવ્યુ હતું કે “ગાવસ્કરે જાણીજોઈને, ટીમના હિત વિરુદ્ધ ધીમી બૅટિંગ કરી હતી.”

મૅનેજરનો આરોપ હતો કે "તેનાથી યુવા ખેલાડીઓના મનોબળ પર અવળી અસર થઈ હતી. તેમનું પણ એવું કહેવું હતું કે ગાવસ્કરે વાઈસ-કેપ્ટનની ભૂમિકા યોગ્ય રીતે ભજવી ન હતી અને ખુદને ટીમના અન્ય સભ્યોથી અલગ રાખ્યા હતા."

છેક ત્યારે ગાવસ્કરને ખબર પડી હતી કે ઇંગ્લૅન્ડમાં પોતાની બૅટિંગ વિશે મૅનેજરને જે સ્પષ્ટતા આપી હતી તે સંતોષકારક ન હતી.

બોર્ડ અધ્યક્ષના પત્રનો જવાબ આપતાં ગાવસ્કરે લખ્યુ હતું, "ટીમના સભ્યોથી અલગ રહેવા અને તેમને પ્રોત્સાહિત ન કરવા સિવાય, તમે મારા પર કોઈ પણ આરોપ મૂકી શકો છો."

"14 સભ્યોની ભારતીય ટીમના આઠ સભ્યોને બોલાવવામાં આવે અને તેઓ એમ કહે કે મેં ટીમના સભ્યોને પ્રોત્સાહિત કર્યા ન હતા, તો હું ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લઈશ."

ગાવસ્કરે તેમની આત્મકથામાં લખ્યું છે, "રમતના મેદાનમાં સારું પ્રદર્શન ન કરવા બદલ તમે શિસ્ત સંબંધી કાર્યવાહી કેવી રીતે કરી શકો? જો આવું જ હોય તો કોઈ બોલરની બૉલિંગમાં વધારે રન થાય તેણે પણ ખુલાસો કરવો પડશે અને કોઈ ફિલ્ડર કેચ છોડશે તો તેણે પણ જણાવવું પડશે કે કેચ શા માટે છૂટ્યો હતો?"

"મારું પ્રદર્શન ખરાબ હતું તો બોલર્સનું પ્રદર્શન પણ બહુ સાધારણ જ હતું. તેમની બૉલિંગમાં 334 રન થયાં હતાં. હું સૌથી પહેલાં સ્વીકારું છું કે 36 રન બનાવવા એ મારું સૌથી ખરાબ પ્રદર્શન હતું, પરંતુ મેં જાણીજોઈને એવું કર્યું હતું એમ કહેવું વધારે પડતું છે."

બોર્ડના અધ્યક્ષે ગાવસ્કરને ફરી પત્ર લખીને જણાવ્યું હતું કે, "તમારો ખુલાસો સંતોષકારક નથી, પરંતુ તમને શંકાનો લાભ આપવામાં આવે છે અને તમારી સામેની કાર્યવાહી રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."

આ પ્રકરણને કારણે ગાવસ્કર અને ભારતીય ક્રિકેટની પ્રતિષ્ઠા સમગ્ર દુનિયામાં ખરડાઈ હતી.