વિનોદ કાંબલી 60,000 પ્રેક્ષકો સામે કેમ રડી પડ્યા હતા?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પૂર્વ ભારતીય ક્રિકેટર સચીન તેંદુલકર અને તેમના ખાસ મિત્ર વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ વીડિયોમાં બંનેની મુલાકાત થાય છે. આ ઇવેન્ટમાં વિનોદ કાંબલી પોતાના ગુરુ રમાકાંત આચરેકરને શ્રદ્ધાંજલિ આપતા એક ગીત પણ ગાતા જોવા મળે છે.

વીડિયોમાં વિનોદ કાંબલી શારીરિક રીતે કમજોર જણાઈ રહ્યા છે.

1996ના વિશ્વ કપમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ બૅંગલુરુમાં હાઈ-પ્રેશર ક્વાર્ટર ફાઇનલ મૅચ જીતી તેનો ઉન્માદ એટલો જબરો હતો કે તેના ચાર દિવસ પછી શ્રીલંકા સામેની સેમી ફાઇનલ મૅચ સુધી ભારતીય ટીમ તેમાંથી બહાર આવી શકી ન હતી.

ભારતીય ટીમના કોચ અજિત વાડેકર જાણતા હતા કે એક મોટી મેચ જીત્યા બાદ બધી બાબતોને સામાન્ય ગણવાની ભારતીય ટીમની આદત છે.

સંજય માંજરેકરે પોતાની આત્મકથા ‘ઇમ્પર્ફેક્ટ’માં લખ્યું છે, “મને યાદ છે કે એક દિવસ મૅચ જીત્યા પછી અમે બધા પ્લેનમાં એકમેકની સાથે મસ્તી કરતા હતા. એ સાંજે હોટલમાં ટીમ મીટિંગ દરમિયાન અજિત વાડેકર અમારા પર અચાનક ગુસ્સે થઈ ગયા અને કહ્યુ, "તમે પોતાને શું સમજો છો? તમે ટુર્નામેન્ટ જીતી લીધી છે? ફ્લાઇટમાં શું થઈ રહ્યું હતું? એ કેવું વર્તન હતું?”

શ્રીલંકાને પહેલા બેટિંગ આપવાનો નિર્ણય ભારે પડ્યો

શ્રીલંકા સામેની સેમીફાઇનલ પહેલાં પણ અજિત વાડેકર એવા જ મૂડમાં હતા. ટીમ મીટિંગમાં તેઓ સતત બોલતા રહ્યા હતા. એ પછી કૅપ્ટન અઝહરુદ્દીન થોડું બોલ્યા હતા.

એ મીટિંગ લગભગ એક કલાક ચાલી હતી, પરંતુ તેમાં 50 મિનિટ સુધી એક જ મુદ્દે ચર્ચા થઈ હતી કે શ્રીલંકાના ઓપનર્સ રોમેશ કાલુવિતરણા અને સનત જયસૂર્યાને કેવી રીતે રોકવા જોઈએ. એ બન્નેએ થોડા દિવસ પહેલાં દિલ્હીમાં રમાયેલી લીગ મૅચમાં ભારત સામે બહુ સારી રમત રમીને ભારતના 272 રનના સ્કોરને આસાનીથી પાર કર્યો હતો.

તેમની બેટિંગ એટલી જબરદસ્ત હતી કે મનોજ પ્રભાકરે ઑફ સ્પિન બૉલિંગ કરવી પડી હતી અને ત્યાંથી તેમની કારકિર્દીના અંતની શરૂઆત થઈ ગઈ હતી.

કલકત્તા પહોંચેલી ભારતીય ટીમને જણાવવામાં આવ્યું હતું કે ઈડન ગાર્ડનની પીચ પર તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવેલી માટી બિછાવવામાં આવી છે. પહેલી નજરે તો તે પીચ ઑસ્ટ્રેલિયન પીચ જેવી નક્કર દેખાતી હતી.

સચીન તેંદુલકર પોતાની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’માં લખે છે, “પીચ જોતાંની સાથે જ અમે નક્કી કર્યું હતું કે અમે ટોસ જીતીશું તો પહેલાં ફિલ્ડિંગ કરીશું. તેનું એક કારણ એ પણ હતું કે શ્રીલંકાએ ત્યાં સુધી સફળતાપૂર્વક તેના લક્ષ્યાંકને સફળતાપૂર્વક સર કર્યું હતું.

'તેમના ઓપનિંગ બૅટ્સમૅન જયસૂર્યા તથા કાલુવિથન્ના પહેલા બૉલથી જ ફટકાબાજી કરતા હતા અને મોટાભાગની મૅચોમાં શ્રીલંકાને સારી શરૂઆત આપવામાં સફળ રહ્યા હતા. તેઓ અમને લીગ મૅચમાં હરાવી ચૂક્યા હતા. તેથી શરૂઆતમાં જ તેમની વિકેટ પાડીને તેમના પર દબાણ લાવવાનું જરૂરી હતું.”

ઓપનિંગ જોડી તોડી પણ ડીસિલ્વા અને મહાનામાએ નિર્ણાયક સ્કોર ખડક્યો

ભારતે ટોસ જીતીને શ્રીલંકાને પહેલાં બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પહેલી જ ઓવરમાં બન્ને ઓપનરને પેવેલિયન ભેગા કરી દીધા પછી ભારતીય ટીમ બહુ આનંદમાં આવી ગઈ હતી.

સંજય માંજરેકર લખે છે, “મેં શ્રીનાથે ફેંકેલા બૉલ પર કાલુવિતરણાનો કૅચ થર્ડ-મૅન પર ઝીલી લીધો હતો અને વેંકટેશ પ્રસાદે જયસૂર્યાનો કૅચ ઝડપી લીધો હતો. એ પછી શું કરવું તેની અમને ખબર ન હતી. મહાભારતમાં અભિમન્યુની માફક અમે ખુદને લક્ષ્યના ચક્રવ્યૂહમાં ઘૂસવા માટે તૈયાર તો કર્યા હતા, પરંતુ ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે આવવું તેની તૈયારી કરી ન હતી.

''થોડીવાર માટે અમારું ફોકસ મૅચ પરથી હટી ગયું હતું અને અરવિંદ ડીસિલ્વાએ તેનો બરાબર લાભ લઈને 47 બૉલમાં 66 રન ફટકાર્યાં હતા. મહાનામાએ પણ 58 રન કરીને શ્રીલંકાને પ્રારંભિક નુકસાનમાંથી ઉગારી લીધું હતું. ઇનિંગ્ઝના અંત સુધીમાં રણતુંગાના 35, તિલકરત્નેના 32 અને ચમિંડા વાસના 22 રનની મદદથી શ્રીલંકાની ટીમ સ્કોરને 251 રન સુધી લઈ ગઈ હતી. સચિન તેંડૂલકર બૉલિંગ કરવા આવ્યા ત્યારે તેમને સમજાયું હતું કે પીચને સમજવામાં તેમણે ભૂલ કરી છે.”

સચીને પોતાના આત્મકથામાં લખ્યું છે, બૉલ બૅટ્સમૅન તરફ રોકાઈને જઈ રહ્યો હતો. પીચની ઉપરની સપાટી ભલે મજબૂત દેખાતી હોય, પરંતુ તેની નીચેની માટી બંધાયેલી ન હતી. પીચ 50 ઓવર સુધી ઝીંક ઝીલવાની ન હતી તે નક્કી હતું. શ્રીલંકાનો સ્કોર મર્યાદિત રાખવામાં આવે તે જરૂરી હતું. તેમ છતાં તેઓ 50 ઓવરમાં 251 રન બનાવવામાં સફળ થયા હતા, જે આખરે અમને ભારે પડ્યું હતું.

પછી રણતુંગાએ સ્વીકાર્યું હતું કે તેમનું લક્ષ્યાંક 275-280 રન બનાવવાનું હતું, પરંતુ બૉલને સ્પિન થતો નિહાળીને તેમને એવું લાગવા માંડ્યું હતું કે આ પીચ પર તો 220 રન પણ પૂરતા છે.

98 રને સચીન તેંદુલકરનું સ્ટમ્પિંગ થયું અને બાજી પલટાઈ

બધાને આશા હતી કે સચીન તેંદુલકર ભારતને સારી શરૂઆત આપશે. તેમણે દર્શકોને નિરાશ પણ કર્યા ન હતા. સ્પિન થતી પીચ પર તેઓ પોતાના સ્કોરને 65 રન સુધી લઈ ગયા હતા અને 98ના રનના સ્કોર પર વિચિત્ર રીતે સ્ટમ્પ આઉટ થયા હતા.

તેંદુલકર લખે છે, “જયસૂર્યા લેફ્ટ આર્મ સ્પિન બૉલિંગ કરી રહ્યા હતા. તેમનો એક બૉલ મારા પૅડ સાથે ટકરાઈને ઑન સાઈડ તરફ વળી ગયો. મેં વિચાર્યું કે ઝડપથી એક રન લેવાની તક છે. તેથી હું ક્રીઝની બહાર નીકળ્યો, પરંતુ ત્યારે મેં જોયું તો બૉલ વિકેટકીપર કાલુવિતરણાની બહુ નજીક આવીને રોકાઈ ગયો હતો.”

“મારી પાસે રન લેવાનો કે ક્રીઝમાં પાછા આવવાનો સમય ન હતો. કાલુવિતરણાએ એક જ ક્ષણમાં વિકેટ પરથી ચકલી ઉડાડી દીધી. મેં થર્ડ અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વિના પેવેલિયન તરફ ચાલવાનું શરૂ કરી દીધું, કારણ કે હું આઉટ હતો તે જાણતો હતો. હું પેવેલિયન તરફ આગળ વધતો હતો ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે મારા પછીના બૅટ્સમૅનોનું કામ આસાન નહીં હોય.”

પીચ ઝડપથી ટર્ન લેવા લાગી અને ભારતની વિકેટો ખરવા લાગી

બીજી વિકેટ માટે સચીન અને માંજરેકર વચ્ચે 90 રનની ભાગીદારી થઈ ત્યાં સુધી કમસે કમ પ્રેક્ષકોને સમજાયું ન હતું કે પીચ ખરાબ થઈ રહી છે.

સંજય માંજરેકર લખે છે, “કુમાર ધર્મસેનાએ અઝહરુદ્દીનને ઑફ બ્રૅક બૉલ ફેંક્યો. બૉલનો ટપ્પો ઑફ સ્ટમ્પની બહાર પડ્યો, જેને કાલુવિતરણાએ લેગ સાઇડમાં છાતીની ઉંચાઈએ કલેક્ટ કર્યો હતો. તે બૉલને વાઇડ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ એ પછી ધર્મસેનાના ચહેરા પર જે સ્મિત આવ્યું હતું એ હું ક્યારેય ભૂલીશ નહીં.”

“કદાચ એ સમયે જ તેમને ખબર પડી ગઈ હતી કે તેઓ મૅચ જીતી ગયા છે અને ફાઇનલ મૅચ રમવા માટે ભારતીય નહીં, પરંતુ તેમની ટીમ લાહોર જશે. શ્રીલંકાની એ ટીમમાં ધર્મસેના ઉપરાંત બે અન્ય સ્પિનર, મુથૈયા મુરલીધરન અને જયસૂર્યા પણ હતા. અરવિંદ ડિસિલ્વા જરૂર પડ્યે સ્પિન બૉલિંગ કરી શકતા હતા. તેંદુલકર પછી ટોચના બે વધુ બૅટ્સમૅન આઉટ થઈ ગયા, ત્યારે અમને મનોમન સમજાઈ ગયું હતું કે હવે બધું ખતમ થવાનું છે.”

દર્શકોએ મેદાન પર બૉટલ્સ ફેંકવાનું શરૂ કર્યું

અઝહરુદ્દીન એક પણ રન બનાવ્યા વિના પેવેલિયનમાં પાછા ફર્યા. માંજરેકરને જયસૂર્યાએ ક્લિન બોલ્ડ કર્યા. જાવાગલ શ્રીનાથને અજય જાડેજાની પહેલાં બેટિંગ કરવા મોકલવામાં આવ્યા હતા, જેથી તેઓ ડાબોડી બૅટ્સમૅન વિનોદ કાંબલીને સાથ આપી શકે, પરંતુ તેઓ 6 રનના સ્કોરે આઉટ થઈ ગયા.

જાડેજા પણ 11 બૉલ રમીને એક પણ રન કર્યા વિના પેવેલિયન પાછા ફર્યા. નયન મોંગિયા અને આશિષ કપૂર આઉટ થતાંની સાથે જ ભારતીય ટીમની ઇનિંગ્ઝનો અંત સ્પષ્ટ દેખાવા લાગ્યો. ત્યાં સુધીમાં ઈડન ગાર્ડનના પ્રેક્ષકો ધીરજ ગુમાવી ચૂક્યા હતા.

ભારતીય ટીમના જીતવાની આશા નથી એવું સમજાઈ ગયું પછી તેમણે પ્લાસ્ટિક તથા કાચની બૉટલો મેદાનમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. એ વખતે 15 ઓવર ફેંકવાની બાકી હતી અને ભારતનો સ્કોર આઠ વિકેટે 120 રન હતો. પ્રેક્ષકોને શાંત કરવા માટે બન્ને અમ્પાયર અને મેચ રેફરી ક્લાઇવ લોઇડે બન્ને ટીમના ખેલાડીઓને મેદાનમાંથી બોલાવી લીધા.

અડધા કલાક પછી રમત ફરી શરૂ થઈ, પરંતુ મુથૈયા મુરલીધરને પોતાની ઓવરનો બીજો બૉલ ફેંક્યો કે તરત જ પ્રેક્ષકોએ ફરીથી મેદાનમાં બૉટલ્સ ફેંકવાનું શરૂ કર્યું. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહેલા શ્રીલંકાના ફિલ્ડર પીચની પાસે પહોંચી ગયા હતા.

પોતાની નજર સામે ભારતીય ટીમનો પરાજય થાય એ સ્વીકારવા દર્શકો તૈયાર ન હતા. એ વખતે મૅચ રેફરીએ મૅચ રોકીને શ્રીલંકાને વિજેતા જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.

10 રન સાથે અણનમ રહેલા વિનોદ કાંબલી પેવેલિયનમાં પાછી ફરી રહ્યા હતા, ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. પ્રેક્ષકોને એ વાતનો ખ્યાલ ન હતો કે તેમના વર્તનને કારણે દેશ બદનામ થઈ રહ્યો છે. એ ઘટનાએ કલકત્તાની ખેલ પરંપરાને મોટું નુકસાન કર્યું હતું.

પહેલાં ફિલ્ડિંગ કરવાનો ખોટો નિર્ણય સાબિત થયો

મહાન ભારતીય સ્પિનર એરાપલ્લી પ્રસન્નાએ સ્થાનિક ટેલિગ્રાફ દૈનિકમાં પ્રકાશિત એક લેખમાં લખ્યું હતું કે ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવી જોઇતી હતી. પહેલાં ફિલ્ડિંગ કરવાનો ભારતનો નિર્ણય મનોવૈજ્ઞાનિક હતો, તે કોઈ વ્યૂહરચના અનુસાર કરવામાં આવ્યો ન હતો. કૅપ્ટન અઝહરુદ્દીને મૅચ બાદની પત્રકાર પરિષદમાં કબૂલ્યું હતું કે શ્રીલંકા લક્ષ્યનો પીછો કરે એવું તેઓ ઇચ્છતા ન હતા.

ભારતીય ટીમમાં નવજોત સિદ્ધુ એકમાત્ર એવા ખેલાડી હતા, જે ઇચ્છતા હતા કે ભારતે પહેલાં બેટિંગ કરવી જોઈએ, પરંતુ તેમની વાત કોઈએ માની ન હતી. બાદમાં ગ્રાઉન્ડ્સમૅને પણ જણાવ્યું હતું કે પહેલાં બેટિંગ કરવાની સલાહ તેમણે ભારતીય કૅપ્ટનને આપી હતી, પરંતુ તેમણે એ વાતને ધ્યાનમાં લીધા વિના પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

હોટલ પહોંચ્યા પછી માંજરેકર, તેંદુલકર, જાડેજા અને બે અન્ય ખેલાડી એક રૂમમાં એકઠા થયા હતા. સંજય માંજરેકર લખે છે, “એ સમયે વિનોદ કાંબલી રૂમમાં દાખલ થયા હતા. અજય જાડેજાએ ટીમની હાર સંબંધે જાહેરમાં રડવા બદલ તેમની ઝાટકણી કાઢી હતી. કાંબલીએ પોતાની લાગણી પર કાબૂ ન રાખ્યો એ જાડેજાને ગમ્યું ન હતું, પરંતુ કાંબલી કદાચ એ વાતથી નિરાશ હતા કે ભારત માટે મૅચ સેવિંગ ઇનિંગ્ઝ રમવાની તક તેમના હાથમાંથી ચાલી ગઈ હતી.”

શ્રીલંકાનો વિજયરથ ત્યાં જ રોકાયો ન હતો. ચાર દિવસ પછી શ્રીલંકાએ લાહોરમાં રમાયેલી ફાઈનલ મૅચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પહેલીવખત વિશ્વ કપ જીત્યો હતો.