ફારૂક એન્જિનિયરઃ વિકેટકીપરમાં એક સમયે અવ્વલ ગણાતા ગુજરાતી ક્રિકેટર કોણ છે?

આજથી ચારેક દાયકા કે તેથી વધારે પાછળ જઈએ તો લોકપ્રિયતા માત્ર રમતને કારણે આવતી ન હતી, પરંતુ દેખાવ અને વર્તનને કારણે પણ આવતી હતી. મેદાન પર રનના ઢગલા ખડકનારા કે વિકેટોનો વરસાદ વરસાવનારા પણ ક્યારેક એવી લોકપ્રિયતા હાંસલ કરી શકતા ન હતા જે તેમના કરતાં પ્રમાણમાં ઓછો સારો દેખાવ કરનારાને મળતી હતી.

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પ્રારંભથી જ આવા કેટલાક ક્રિકેટર જોઈએ તો કેટલાંક નામ નજરે ચડે એમાં મનસુરઅલીખાન પટૌડી, સલીમ દુરાનીનો સમાવેશ થાય. પરંતુ તેમાં ત્રીજું નામ ઉમેરવું હોય તો મૂળ પારસી-ગુજરાતી ક્રિકેટર ફારુક એન્જિનિયરને મૂકી શકાય.

ફારુક એન્જિનિયર આજે પણ કોઈ ટીવી શોમાં કે કાર્યક્રમમાં કે જાહેરમાં દેખાઈ જાય તો ચાર દાયકા અગાઉના તેમના દીવાનાઓ લાઇન લગાવી દેતા હોય છે.

એન્જિનિયર ભારતે આપેલા કેટલાક વિશ્વશ્રેષ્ઠ વિકેટકીપર પૈકીના એક અને વિશ્વમાં સૌથી વધારે લોકપ્રિયતા ધરાવતા ભારતીય ક્રિકેટર્સ પૈકીના એક છે. આ વાત આજની નહીં પરંતુ સચીન તેંડુલકર કે વિરાટ કોહલીના જન્મ અગાઉથી પ્રચલિત છે.

હકીકતમાં ભારતે ભલે 1932માં ટેસ્ટ રમવાનો પ્રારંભ કર્યો હોય પરંતુ નિષ્ણાત વિકેટકીપરમાં એન્જિનિયરને મૂકવા પડે. તેમના આગમન બાદ જ કદાચ ભારતે વિકેટકીપરની કામગીરીની ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું.

હોનહાર વિકેટકીપર

એવું ન હતું કે અગાઉ ભારત પાસે કોઈ વિકેટકીપર જ ન હતા, પરંતુ આ વાત તો કપિલદેવના આગમન પછી ભારતમાં ઝડપી બૉલિંગના યુગનો પ્રારંભ થયો તેવી છે.

અગાઉ જેમ સ્પિનર્સનું સામ્રાજ્ચ હતું તેવી રીતે કપિલના આગમન બાદ માત્ર સ્પિનર પર જ નહીં પરંતુ ઝડપી બૉલર પર પણ ભારતે નજર દોડાવી અને આજે સ્થિતિ એ છે કે એવા બૉલર્સને કારણે જ ભારત વિદેશી ધરતી પર સફળતા હાંસલ કરી રહ્યું છે.

ભારતના ખ્યાતનામ સ્પિનર્સ બિશનસિંઘ બેદી, એરાપલ્લી પ્રસન્ના, ભગવત ચંદ્રશેખર અને વેંકટરાઘવનની બૉલિંગમાં કેવી રીતે કીપિંગ કરાય તે એન્જિનિયરે ભારતને દેખાડી દીધું અને ત્યાર બાદ સૈયદ કિરમાણીનો ઉદય થયો.

પછી તો ખાસ સ્પિનરને ધ્યાનમાં રાખીને વિકેટકીપર આવ્યા અને આજના વિકેટકીપર રવિચંદ્રન અશ્વિન કે રવીન્દ્ર જાડેજાની સાથે સાથે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી કે ઉમેશ યાદવ કે મોહમ્મદ સિરાઝની બૉલિંગ સામે પણ સારી રીતે કીપિંગ કરી શકે છે.

પરંતુ સ્પિનરના એ સુવર્ણયુગમાં ફારુક એન્જિનિયરે જે કલા દાખવી હતી તે અદ્વિતીય હતી.

સુનીલ ગાવસ્કર કે ગુંડપ્પા વિશ્વનાથને બાદ કરતાં કોઈ ખેલાડી 40થી વધારે ટેસ્ટ રમશે તેવી ચર્ચા ચાલે તો તેમાં એન્જિનિયરનું નામ પહેલા આવતું હતું.

વિકેટ પાછળની શિકાર કરવાનો રેકૉર્ડ

ભારત માટે એન્જિનિયરે 1961/62ની સિરીઝથી રમવાનું શરૂ કર્યું અને આગામી 14 વર્ષમાં તેઓ 46 ટેસ્ટ રમ્યા. યાદ રહે એ સમયમાં વર્ષમાં ભાગ્યે જ ત્રણ કે ચાર ટેસ્ટ રમવા મળતી હતી.

ભારતીય ટીમ ઘરઆંગણે ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધીમાં કોઈ ટીમ પ્રવાસે આવી હોય તો વધુમાં વધુ ત્રણ કે પાંચ ટેસ્ટ રમતી અને એ વર્ષે ઇંગ્લૅન્ડનો પ્રવાસ હોય તો (અને તો જ) વધારાની ત્રણેક ટેસ્ટ રમવા મળતી હતી.

આ સમયે તેઓ 46 ટેસ્ટ રમ્યા હતા જેમાં 66 કેચ અને 16 સ્ટમ્પિંગ એટલે કે 82 શિકાર ઝડપવા તે કોઈ નાનીસૂની સિદ્ધિ ન હતી.

ઘણા સમય સુધી વિકેટ પાછળ આટલા શિકાર કરવાનો રેકૉર્ડ તેમના નામે રહ્યો જે પાછળથી સૈયદ કિરમાણીએ તોડ્યો.

ફારુક એન્જિનિયરે બરાબર એક મહિના અગાઉ તેમના જીવનનાં 85 વર્ષ પૂરાં કર્યાં. હાલમાં તેઓ મોટા ભાગે ઇંગ્લૅન્ડમાં રહેતા હોય છે પરંતુ ભારતમાં નિયમિતપણે આવતા જતા રહે છે.

ખરેખર તો તેમણે જીવનની મોટા ભાગની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઇંગ્લૅન્ડમાં જ રમ્યા છે જે તેમનું બીજું વતન છે.

પોતાના 23મા જન્મદિવસ (24 ફેબ્રુઆરી 1938)ના એક દિવસ બાદ એટલે કે 1958ની 24મી ફેબ્રુઆરીએ 1960માં તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું અને બે વર્ષ બાદ એન્જિનિયર વેસ્ટ ઇન્ડીઝના અત્યંત કપરા પ્રવાસે ભારતીય ટીમની સાથે હતા.

પરંતુ તે અગાઉ 1961ના અંત ભાગમાં તેઓ ઇંગ્લૅન્ડથી આવેલી ટીમ સામે ભારતીય ધરતી પર ટેસ્ટ રમી ચૂક્યા હતા.

યાદગાર ઇનિંગ

અહીં એક વાત યાદ આવે છે કે 1962માં ભારતની ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગઈ ત્યારે બ્રિજટાઉન (બાર્બાડોઝ) ખાતેની ટેસ્ટ અગાઉ ત્રણ દિવસની મૅચ રમાઈ હતી જેમાં નરી કૉન્ટ્રાક્ટર ઘાયલ થયા હતા.

એ સમયે ચાર્લી ગ્રિફિથ અને વેસલી હૉલ સામે રમવું કોઈના માટે આસાન ન હતું. કૉન્ટ્રાક્ટર ઘાયલ થયા તે ઇનિંગ્સમાં રૂસી સુરતી, પટૌડી સહિત કેટલાક બૅટ્સમૅન શૂન્ય પર આઉટ થયા હતા.

ભારતીય ટીમમાંથી માત્ર બે જ બૅટ્સમૅન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા અને તેમાંના એક હતા ફારુક એન્જિનિયર. તેમણે ટીમના 86 રનના સ્કોરમાં સર્વોચ્ચ એવા 36 રન ફટકાર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ સામે તેઓ સૌથી સફળ રહ્યા હતા. વિકેટકીપિંગ અને બેટિંગ બંનેમાં. 1967માં ભારત આવેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ અત્યંત ખતરનાક હતી.

લગભગ ક્લાઇવ લોઇડની 1983ની ટીમ જેવી જ ખતરનાક. તેમાં ચાર્લી ગ્રિફિથ અને વેસલી હૉલ ઉપરાંત મહાન સ્પિનર લાન્સ ગિબ્સ અને વળી ગેરી સોબર્સ તો ખરા જ.

આ ટીમ સામે મૅચના પ્રથમ દિવસે ભારતે પહેલા બેટિંગ કરી અને લંચ સુધીમાં તો એન્જિનિયર 94 રનના સ્કોરે રમતા હતા અને ભારતનો સ્કોર વિના વિકેટે 125 રન હતો.

આ એ જમાનાની વાત છે જ્યારે ટી20 તો દૂરની વાત છે હજી વનડે ક્રિકેટનો પણ પ્રારંભ થયો ન હતો.

મજાની વાત તો એ હતી કે ત્રણ ટેસ્ટની એ સિરીઝમાં પ્રથમ બે ટેસ્ટમાં તો એન્જિનિયર રમ્યા પણ ન હતા અને બુદ્ધિ કુંદરને કીપર તરીકેની ફરજ બજાવી હતી.

આમ કેરેબિયન બૉલિંગ સામે એ સિરીઝમાં એન્જિનિયર પહેલી જ વાર રમી રહ્યા હતા અને તેમણે ઝંઝાવાત સર્જ્યો હતો.

જોકે આટલી ફાંકડી બેટિંગ છતાં તેઓ લંચ અગાઉ સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી શક્યા ન હતા.

અડધાથી વધુ રન અંગ્રેજોની ભૂમિ પર ફટકાર્યા

ફારુક એન્જિનિયર ગુજરાતી ખરા પરંતુ તેઓ ક્યારેય ગુજરાત કે ગુજરાત રાજ્યની કોઈ ટીમ વતી રમ્યા ન હતા. તેઓ મોટા ભાગે મુંબઈ માટે જ રમતા રહ્યા હતા.

આ ઉપરાંત તેમનો બીજો લગાવ કાઉન્ટી ક્રિકેટ હતો. એટલે સુધી કે 1975ના જૂન મહિનામાં ઇંગ્લૅન્ડમાં વનડે વર્લ્ડકપ રમાયો ત્યારે તેઓ ભારત માટે ત્રણ મૅચ રમ્યા હતા.

સાતમી જૂને લૉર્ડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામે રમતા અગાઉ ચોથી જૂને તેઓ લેસ્ટર ખાતે લેસ્ટરશાયર સામે રમતા હતા અને 14મી જૂને ભારત વર્લ્ડકપમાં તેની અંતિમ લીગ મેચ રમ્યું તેના બે દિવસ બાદ તેઓ માન્ચેસ્ટર ખાતે મિડલસેક્સ સામે રમતા હતા.

ભારતમાં એ વખતે બેટિંગમાં વિકેટકીપર પાસેથી ખાસ અપેક્ષા રખાતી ન હતી ત્યારે એન્જિનિયરે 46 ટેસ્ટમાં 2611 રન નોંધાવ્યા હતા, જેના અડધાથી વધારે રન તેમણે એકલા ઇંગ્લૅન્ડ સામે જ ફટકાર્યા હતા.

આવી જ રીતે ઇંગ્લૅન્ડ સામેના 1100 કરતાં વધારે રનમાંથી 563 રન તો તેમણે અંગ્રેજ ભૂમિ પર ફટકાર્યા હતા.

નિવૃત્તિ બાદ રેફરી તરીકે સેવા બજાવી

ઇંગ્લૅન્ડ સામે વધુ સફળ રહેવાનું કદાચ એક કારણ લેંકેશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમવાનું પણ હોઈ શકે. તેઓ ભારત માટે 46 ટેસ્ટ રમ્યા તો મુંબઈ માટે 39 રણજી મૅચ રમ્યા હતા અન રેસ્ટ ઑફ ઇન્ડિયા તથા વેસ્ટ ઝોન માટે 13-13 મૅચ રમ્યા હતા.

જેની સરખામણીએ માત્ર લેંકેશાયર માટે 175 ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા હતા. આ મૅચોમાંથી મોટા ભાગની મૅચમાં તેમના સાથી રહ્યા હતા વેસ્ટ ઇન્ડીઝના મહાન બૅટ્સમૅન અને કૅપ્ટન ક્લાઇવ લોઇડ. આ 175 મૅચમાં તેમણે વિકેટ પાછળ 464 શિકાર ઝડપ્યા હતા.

હજી ભારતમાં વનડે ક્રિકેટનો માંડમાંડ પ્રારંભ થયો હતો ત્યારે તેઓ લેંકેશાયર કાઉન્ટી માટે લિસ્ટ - (ફર્સ્ટ ક્લાસ વનડે) 154 મૅચ રમ્યા હતા અને તેમાં તેમના શિકારનો આંક 200થી થોડો ઓછો રહ્યો હતો, પણ સાથે જ 2800 જેટલા રન પણ ખરા.

ફારુક એન્જિનિયરે નિવૃત્તિ બાદ પણ ક્રિકેટ સાથે નાતો જળવાઈ રહે તે માટે મૅચ રેફરી તરીકે પણ ફરજ બજાવી હતી. તેઓ આઇપીએલમાં પણ મૅચ રેફરી રહી ચૂક્યા છે.