You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરફાન પઠાણ : સ્વિંગ અને ઈનસ્વિંગ એવા કરે કે બૅટ્સમૅનને ખબર ન પડે ને ડાંડી ઊલળી જાય
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ક્રિકેટ ઇતિહાસમાં ભારતે ઘણા ઑલરાઉન્ડર આપ્યા છે. જોકે મોટા ભાગના સ્પિન બૉલિંગ ઑલરાઉન્ડર છે. વીનુ માંકડથી શરૂ કરીએ તો હાલમાં તરખાટ મચાવી રહેલા રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા કે અક્ષર પટેલ સુધીમાં આ પ્રકારના ઘણા ઑલરાઉન્ડર આવી ગયા.
પણ, કપિલદેવ એક વાસ્તવિક ઑલરાઉન્ડર આવ્યા. અગાઉ અમરસિંહ હતા પરંતુ તેમની કારકિર્દીનો 1940માં તેમના નિધન સાથે અકાળે અંત આવ્યો હતો. આમ તેમને ખાસ ટેસ્ટ રમવા મળી ન હતી.
કપિલદેવ બાદ ઝડપી બૉલિંગ ઑલરાઉન્ડર ઘણા મળ્યા પરંતુ તેમને એક ઉપયોગી બૅટ્સમૅનથી વિશેષ ગણી શકાય તેમ ન હતા.
કેમ કે તેઓ સમગ્ર કારકિર્દી દરમિયાન એક બૉલર તરીકે રમ્યા અને ક્યારેક ટીમને જરૂર પડે ત્યારે ઉપયોગી બેટિંગ કરી શકતા હતા.
અથવા તો તેમનામાં બેટિંગને અનુરૂપ ક્ષમતા હતી પરંતુ 2000ની સાલ બાદ ભારતને એક ઉમદા ઑલરાઉન્ડર મળ્યા જે માત્ર બેટિંગની તાકાત પર ટીમમાં રહી શકે તેમ હતા.
એ વાત અલગ છે કે તે પોતાની બૉલિંગને કારણે વિશ્વભરના બૅટ્સમૅનને હંફાવતા હતા અને ભારતના મુખ્ય ઝડપી બૉલર પણ બની ગયા હતા પરંતુ તેમની સમગ્ર કારકિર્દી પર નજર કરીએ તો તેમણે તમામ પ્રકારના ક્રિકેટમાં બેટ અને બૉલ બંને દ્વારા કમાલ કરી દેખાડી હતી.
આ ઑલરાઉન્ડર એટલે વડોદરાના ઇરફાન પઠાણ.
ટેસ્ટ ક્રિકેટમાં પહેલી જ ઓવરમાં હેટ્રિક લેનારો એકમાત્ર બૉલર
ઇરફાન પઠાણ આજે તો ભારતના શ્રેષ્ઠ કૉમેન્ટેટર બની ગયા છે, તો સાથે સાથે લિજેન્ડ ક્રિકેટ લીગમાં પણ રમતા રહે છે અને તેને કારણે તેઓ આજે પણ એટલા જ ફિટ દેખાય છે જેટલા 2006માં દેખાતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2006 એટલે યાદ આવે કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી જ ઓવરમાં હેટ્રિક લેનારા તેઓ એકમાત્ર બૉલર છે અને આ સિદ્ધિ તેમણે 2006માં પાકિસ્તાનના ગઢ મનાતા કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે નોંધાવી હતી.
એ વખતે પાકિસ્તાનના ત્રણ મોખરાના બૅટ્સમૅન હતા. ઓપનર સલમાન બટ્ટ, કૅપ્ટન યુનૂસ ખાન અને મોહમ્મદ યુસૂફ (યોહાના).
આ ત્રણને અને તેમાંથી બેને તો પહેલા બૉલે આઉટ કરવા કાઈ માટે આસાન ન હતું. યુનૂસ તો ત્રેવડી લકી ફટકારનારા પાકિસ્તાની બૅટ્સમૅન હતા.
એ વાત અલગ છે કે એ જ ટેસ્ટના બીજા દાવમાં પાકિસ્તાને 599 રનનો વિશાળ સ્કોર ખડકીને અંતે 341 રનના સજ્જડ માર્જીનથી ભારતને હરાવ્યું હતું
પરંતુ એ સિરીઝ ભારત માટે એકંદરે ઉમદા નીવડી હતી. હવે ઇરફાન તરફ આવીએ તો પાકિસ્તાનમાં રમવાનો ઇરફાનને અગાઉ પણ અનુભવ હતો, કેમ કે તેઓ 2003માં ભારતની અંડર-19 ટીમ તરફથી એશિયા કપ રમવા પાકિસ્તાન ગયા હતા.
અંબાતી રાયડુની ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને એશિયા કપ જીત્યો ત્યારે ઇરફાનની બૉલિંગ કામ આવી હતી.
પાકિસ્તાન ગયેલી ભારતની એ જુનિયર ટીમમાં રાયડુ ઉપરાંત સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, પીયૂષ ચાવલા અને દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ હતા જે આગામી વર્ષો સુધી તેની સાથે રમવાના હતા.
આવી જ રીતે પાકિસ્તાન સામે રમવાનો તેમને લાભ એ થયો કે ભવિષ્યમાં ટેસ્ટ કારકિર્દીમાં એ જ પાકિસ્તાન સામે તેઓ તેમની શ્રેષ્ઠ રમત દાખવવાના હતા.
કારકિર્દીના પ્રારંભિક કાળથી જ ઇરફાનમાં એક સારા ઑલરાઉન્ડરનાં દર્શન થવા લાગ્યા હતા. 2003-04માં તેમને ઑસ્ટ્રેલિયા જનારી ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા અને ભારતના એક શ્રેષ્ઠ ઑલરાઉન્ડરની કારકિર્દીનો સૌથી કપરા હરીફ સામે રમીને પ્રારંભ થયો.
પહેલી વાર રણજી ટ્રૉફી ટાઇટલ જીત્યું
1984ની 27મી ઑક્ટોબરે વડોદરામાં જન્મેલા ઇરફાન પઠાણે 2001માં માત્ર 17 વર્ષની વયે ફર્સ્ટ ક્લાસ કારકિર્દીનો પ્રારંભ કર્યો.
બરોડા માટે રણજી ટ્રૉફી રમવાની સાથે તેઓ ક્રિકેટની દુનિયામાં એક નવા સિતારા તરીકે સ્થાન હાંસલ કરી શક્યા અને એ જ સિઝનમાં બરોડાએ લગભગ અડધા દાયકા બાદ પહેલી વાર રણજી ટ્રૉફી ટાઇટલ જીત્યું.
એ સમયે ભારતમાં રણજી પછી ટેસ્ટ ટીમમાં સ્થાન હાંસલ કરવા માટે બેસ્ટ પ્લૅટફૉર્મ હતું દુલીપ ટ્રૉફીનું. આ ઝોનલ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોનની ટીમ માટે તેમની પસંદગી થઈ અને તેમની કરિયરમાં મોટો પલટો આવ્યો.
એ અરસામાં ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને એવામાં રાજકોટમાં દુલીપ ટ્રૉફીની ફાઇનલ આવી જેમાં ઇરફાને મૅચમાં દસ વિકેટ લીધી. આગામી સિઝનમાં તેઓ ભારતની ટીમમાં હતા.
પ્રિય હરીફ ટીમ પાકિસ્તાન સામે ટેસ્ટ કરિયરની એકમાત્ર સદી
બન્યું એવું કે ત્યાર પછી બરોડાની બીજી ઇનિંગ્સ આવી જેમાં ચાર સિક્સર સાથે ઇરફાને 58 રન ફટકારી દીધા.
એટલું પર્યાપ્ત ન હોય તેમ બૉલિંગમાં ત્રાટક્યા અને 47 રન આપીને ગુજરાતની છ વિકેટ ખેરવી દીધી. જોકે એ મૅચમાં પાર્થિવ પટેલની ગુજરાતની ટીમનો વિજય થયો હતો.
જોકે આ તો તેમની કારકિર્દીનો અંતિમ તબક્કો હતો. પણ, ત્યારબાદ અને તે અગાઉ તેમણે ભારત માટે ઘણાં કારનામાં દેખાડ્યાં હતાં.
તેમની પ્રિય હરીફ ટીમ પાકિસ્તાન સામે તેમણે ટેસ્ટ કરિયરની એકમાત્ર સદી ફટકારી હતી. બૅંગ્લુરુમાં રમાયેલી એ મૅચમાં ભારતે 626 રનનો જંગી સ્કોર ખડક્યો હતો.
જેમાં ભારતના ત્રણ ડાબેરી બૅટ્સમૅને સદી ફટકારી હતી. સૌરવ ગાંગુલી, યુવરાજસિંઘ અને ઇરફાન પઠાણ.
એ અગાઉ જાન્યુઆરી 2006માં એ જ પાકિસ્તાન સામે ફૈસલાબાદમાં પણ તેમણે 90 રન ફટકાર્યા હતા.
આવી જ રીતે તેમણે અમદાવાદમાં શ્રીલંકા સામે 82 રન ફટકાર્યા હતા. પરંતુ તેમની સૌથી યાદગાર ઇનિંગ્સ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે રહી હતી. જે આગળ જતાં તેમની અંતિમ ટેસ્ટ બની રહી.
મૅચના પ્રથમ જ દિવસે લંચ સમયે ભારતની ટીમ માત્ર 78 રનમાં આઉટ થઈ ગઈ. કોઈ ટીમ પહેલા જ દિવસે લંચ અગાઉ ઑલઆઉટ થઈ જાય તેવું ભાગ્યે જ બને છે અને તેમાં ભારત વતી સૌથી વધુ રન (21) ઇરફાને ફટકાર્યા હતા.
આ તો થઈ તેમની બેટિંગની વાત પરંતુ તેઓ મૂળ તો બૉલર ગણાય અને પ્રારંભમાં તેમને એક બૉલર તરીકે જ ટીમમાં સ્થાન મળ્યું હતું.
કપિલદેવ સાથેની તેની સરખામણીની શરૂઆત પણ આવી જ રીતે થાય છે કે મહાન કપિલને પણ પ્રારંભમાં તો બૉલર તરીકે જ સ્થાન મળ્યું હતું.
એ વખતે ભારતમાં સ્પિનર્સનું વર્ચસ્વ હતું એટલે કપિલદેલને માત્ર શરૂઆતની થોડી ઓવર ફેંકવી તેમ કહીને સામેલ કરાયા હતા અને તેઓ ભારતનો જ નહીં વિશ્વના મોખરાના બૉલર (અને સાથે સાથે ઑલરાન્ડર) બની ગયા.
બસ, આવું જ ઇરફાન સાથે બન્યું.
બેટિંગ અને બૉલિંગ બંનેમાં ઉમદા પ્રદર્શન
ઇરફાન વિશે એમ પણ કહેવાય છે કે તેઓ દરેક હરીફ સામે ચાલ્યા ન હતા. તેમણે ઇનિંગ્સમાં સાત વખત પાંચ વિકેટ લીધી તેમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામે વધારે વખત આમ કરેલું છે.
પરંતુ કોઈ પણ ટેસ્ટ બૉલર માટે 15 ઓવરમા સાત વિકેટ ઝડપવી આસાન હોતી નથી, પછી હરીફ ગમે તે હોય.
ઇરફાને પાકિસ્તાન સામે પણ પાંચ વિકેટ ઝડપી છે. ઇરફાન તેમની કારકિર્દીની શરૂઆતમાં પાકિસ્તાન ગયા હતા અને ત્યાં તેમને મહાન વસીમ અકરમની ટિપ્સ મળી જ હશે, કેમ કે છેલ્લા ત્રણ દાયકામાં વસીમ અકરમ જેવા જ સ્વિંગ અને ઇનસ્વિંગ કરાવી શકે તેવા ઇરફાન સિવાય કોઈ બૉલર જોવા મળ્યા નથી.
ઑફ સાઇડમાં અત્યંત બહાર પીચ પડીને બૉલ અંદર આવે અને બૅટ્સમૅન કાંઈ સમજે તે પહેલાં તેનું સ્ટમ્પ ઉડાવી દે અથવા તો લેગબિફોર કરી દે તેવા બૉલ વસીમ અકરમ અને ઇરફાનની ખાસિયત હતી. આ વાત ખુદ ઇરફાન અને પાછળથી વસીમ અકરમે પણ કબૂલી છે.
વનડેમાં તો બેટિંગ અને બૉલિંગ બંનેમાં તેમની કમાલ જોવા મળી છે. એકંદરે તેઓ તમામ પ્રકારના ક્રિકેટમાં ઉમદા પ્રદર્શન કરનારા ઑલરાઉન્ડર છે.
ટેસ્ટમાં એક હજારથી વધારે રન અને 100 વિકેટ, વનડેમાં 1544 રન અને 173 વિકેટ, ટી20 ઇન્ટરનેશનલમાં 24 મૅચમાં 28 વિકેટ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4559 રન અને 384 વિકેટ, લિસ્ટ-એ ક્રિકેટમાં 2454 રન અને 272 વિકેટ, ટી20 ઓવરઓલ ક્રિકેટમા બે હજારથી વધારે રન અને 173 વિકેટ, આઇપીએલમાં એક હજારથી વધારે રન અને 80 વિકેટ....
આ તમામ આંકડા સૂચવે છે કે કપિલદેવ બાદ કદાચ ભારતના કોઈ સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર હોય તો તે ઇરફાન પઠાણને જ ગણવા પડે.