અમરસિંહ : વિદેશમાં 100 વિકેટ લેનારા પહેલા બૉલર, જેમને ઇંગ્લૅન્ડ કાઉન્ટીએ ક્રિકેટ રમવા રોકી લીધા

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ભારતીય ક્રિકેટના ઇતિહાસ સાથે સૌરાષ્ટ્રને સીધો સંબંધ છે. ભારતની પહેલી ટેસ્ટ ટીમના કૅપ્ટન પોરબંદરના મહારાજા નટવરસિંહ હતા અને વાઇસ કૅપ્ટન લીંબડીના ઘનશ્યામસિંહ. તે પહેલાં નવાનગર (જામનગર)ના જામ રણજી બૅટ્સમૅન તરીકે અત્યંત જાણીતા બન્યા હતા. અમરસિંહ પણ જામનગરની જ દેન હતા.

અમરસિંહના પિતા લધાભાઈ રાજરજવાડાંના કૉન્ટ્રાક્ટર હતા. તેમના કામ પ્રમાણે રહેવાનાં સ્થળ બદલાય. એટલે અમરસિંહનો ઉછેર અને અભ્યાસ રાજકોટમાં થયાં. ક્રિકેટના પહેલા પાઠ તે (ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે) આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં શીખ્યા. તેમની ઇચ્છા બૅટ્સમૅન બનવાની હતી, પણ તેમની છ ફૂટથી પણ વધુ ઊંચાઈ અને કદકાઠી ધ્યાનમાં રાખીને કોચ વેલજી માસ્તરે તેમને ફાસ્ટ બૉલર બનવા માટે પ્રોત્સાહન આપ્યું.

અમરસિંહથી દસ વર્ષે મોટા ભાઈ રામજી તેમની બૉડીલાઇન બૉલિંગ દ્વારા ફાસ્ટ બૉલર તરીકેની ‘નામના’ મેળવી ચૂક્યા હતા. તે પણ અમરસિંહના ઘડતરમાં સહાયરૂપ થયા. એક વાર પોરબંદર અને રાજકોટ વચ્ચેની મૅચમાં રાજકોટની વિકેટ ટપોટપ પડવા લાગી, ત્યારે વિદ્યાર્થી અમરસિંહથી એ ન જોવાયું. લાંબું શર્ટ, લફરસફર લેંઘો અને કાળા બુટ—એ જ વેશે, કૅપ્ટનને વિનંતી કરીને, તે મેદાને ઊતર્યા અને પોરબંદરના બૉલરોને ધોઈ કાઢ્યા. તે જોઈને ત્યાં ઉપસ્થિત (જામ રણજીના ભત્રીજા-ક્રિકેટર) દુલીપસિંહ પ્રસન્ન થયા અને જામનગર સ્ટેટમાં નોકરી આપી.

ઑલરાઉન્ડ સિદ્ધિઓનો આરંભ

વિદ્યાર્થી રામજી એટલા નસીબદાર કે તેમને ક્રિકેટ કારકિર્દી તરીકે અપનાવવાની તક મળી. ગુજરાતમાં તે વખતે ચાર ક્રિકેટ ટીમ હતીઃ સોરઠ, હાલાર, ઝાલાવાડ અને ગોહિલવાડ. જામ રણજી ઉપરાંત અમરસિંહ તથા તેમના ભાઈ રામજી પણ હાલારની ટીમમાંથી રમતા હતા. 1932માં પહેલી ટેસ્ટ મૅચ રમતાં પહેલાં બૉલિંગ અને બેટિંગ—બંને ક્ષેત્રોમાં અમરસિંહનો દેખાવ અસાધારણ હતો.

વિખ્યાત ક્રિકેટ સમીક્ષક અને આંકડાશાસ્ત્રી (દિવંગત) આણંદજી ડોસાએ એકત્ર કરેલી વિગતો પ્રમાણે, 1932 સુધીમાં બેટિંગ એવરેજની બાબતે હાલારની ટીમમાં જામ રણજી પંદરમા અને અમરસિંહ ચોથા ક્રમે હતા. (અમરસિંહના 14 દાવમાં 495 રન) એ સમયગાળામાં ચારેય ટીમની મૅચમાં કુલ ચાર સદી નોંધાઈ હતી, જેમાંથી બે અમરસિંહની હતી. વર્ષ 1930માં સોરઠ સામેની એક મૅચમાં અમરસિંહ અને કુમાર ઇન્દ્રવિજયસિંહે છઠ્ઠી વિકેટ માટે 193 રનની ભાગીદારી નોંધાવી હતી, જે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી ભાગીદારી હતી. બૅટ્સમૅન તરીકે આક્રમક અમરસિંહનો ખરો તાપ બૉલિંગમાં હતો. એક ઇનિંગમાં સૌથી વધુ—9 વિકેટ અને અને એક મૅચમાં સૌથી વધુ—16 વિકેટ લેવાનો વિક્રમ સૌરાષ્ટ્રમાં અમરસિંહના નામે હતો.

વર્ષ 1932માં ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે પહેલી ભારતીય ટેસ્ટ ટીમની પસંદગી કરવાની હતી, ત્યારે રામજીભાઈની કાતિલ બૉલિંગનો ભોગ બની ચૂકેલા પતિયાલાનરેશ ભૂપેન્દ્રસિંઘ અને પોરબંદરના મહારાણા નટવરસિંહને કારણે રામજીની ટીમમાંથી બાદબાકી થઈ. તેમના ભાઈ હોવાના ‘ગુના’ બદલ અમરસિંહને પણ ટીમમાંથી બાકાત રખાયા હતા. પરંતુ દુલીપસિંહની સમજાવટ અને ‘અમરસિંહ નિષ્ફળ જશે તો તેમનો ખર્ચ જામસાહેબ આપશે’—એવી શરત પછી અમરસિંહનો ભારતની પહેલી ટેસ્ટ ટીમમાં સમાવેશ થયો.

ઇંગ્લૅન્ડમાં નોંધપાત્ર સફળતા

ભારતીય ક્રિકેટ ટીમમાં અમરસિંહ અને મહંમદ નિસારની બૉલિંગ જોડી તરખાટ મચાવનારી નીવડી. નિસાર ફાસ્ટ બૉલર હતા અને અમરસિંહ મીડિયમ પેસ. પરંતુ તે ઊંચાઈનો પૂરો ફાયદો બૉલિંગમાં લેતા હતા. સ્વિંગ અને સીમ પર તેમનું પ્રભુત્વ હતું. સિરીઝની એકમાત્ર ટેસ્ટમાં અમરસિંહે બંને ઇનિંગમાં બબ્બે વિકેટ લીધી, પણ તેમની બૉલિંગ બહુ વખણાઈ. બીજી ઇનિંગમાં અમરસિંહે 51 રન કર્યા, જે ભારતની ટીમમાંથી સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો.

ઇંગ્લૅન્ડ ગયેલી ભારતીય ટીમની અન્ય મૅચો જુદી જુદી સ્થાનિક કાઉન્ટી સાથે હતી. તેમાં અમરસિંહની બૉલિંગનો ઇંગ્લૅન્ડના ખેલાડીઓને સારો એવો પરચો મળ્યો. તેમણે ત્રણ મૅચમાં (બંને ઇનિંગમાં થઈને) દસ-દસ વિકેટ લીધી અને એક વાર એક ઇનિંગમાં 90 રન આપીને 8 વિકેટ લીધી. ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન રમાયેલી નાનીમોટી તમામ મૅચમાં થઈને તેમણે 111 વિકેટ લીધી અને વિદેશની ધરતી પર 100 વિકેટ લેનારા પહેલા બૉલર બન્યા.

ઇંગ્લૅન્ડની લેંકેશાયર કાઉન્ટીની કોલ્ન ક્લબે અમરસિંહને કરારબદ્ધ કર્યા. તેની રકમનો આંકડો જાણવા મળ્યો નથી, પણ પહેલી ટેસ્ટ મૅચમાં તેમને મળેલા રૂ. 50ના મહેનતાણા કરતાં તો તે ઘણો વધારે હશે. ત્યાર પછી બર્નલી કાઉન્ટી માટે પણ તે રમ્યા. બર્નલીમાં અમરસિંહે 23 મૅચમાં 806 રન બનાવ્યા અને 101 વિકેટ લીધી હતી, જે કાઉન્ટીમાં છેલ્લાં 26 વર્ષનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત દેખાવ હતો. લગભગ ત્રીસીના દાયકાના અંત સુધી તે કોલ્ન (લેંકેશાયર) અને પછી બર્નલી સાથે સંકળાયેલા રહ્યા.

આખી કારકિર્દીમાં અમરસિંહ ફક્ત 7 ટેસ્ટ મૅચ રમ્યા. તેમાં તેમણે 28 વિકેટ લીધી. જામ રણજીના અવસાન પછી 1934થી શરૂ થયેલી રણજી ટ્રૉફી મૅચમાં પહેલાં તે ‘વેસ્ટર્ન ઇન્ડિયન સ્ટેટ્સ ક્રિકેટ ઍસોસિયેશન’ની ટીમમાં અને પછી નવાનગરની ટીમમાં હતા.

પ્રસિદ્ધિથી પર એવું વ્યક્તિત્વ

બે દાયકા પહેલાં અમરસિંહના પુત્ર વિજયભાઈને તેમના રાજકોટના નિવાસસ્થાન ‘અમરવિલા’માં મળવાનું થયું, ત્યારે તેમની પાસેથી અમરસિંહને લગતી ઘણી સામગ્રી ઉપરાંત તેમના વિશેની વાતો પણ મળી. વિજય મર્ચંટ સાથે અમરસિંહની આત્મીયતા એવી હતી કે અમરસિંહે તેમના પુત્રનું નામ પાડ્યું વિજય અને વિજય મર્ચંટે તેમના પુત્રનું નામ અમર પાડ્યું હતું.

પિતાની ઉદારતાના અનેક કિસ્સા વિજયભાઈએ અમરસિંહના સાથી ક્રિકેટરો પાસેથી અને કુટુંબમાંથી સાંભળ્યા હતા. “ઘરમાં સિગારેટનો મોટો ડબ્બો ભરીને કાંડા ઘડિયાળો હતી. પણ ગમે તે સગાંવહાલાં ઘરે આવે અને તેમને ઘડિયાળ જોઈતી હોય તો તરત એ ડબ્બામાંથી ઘડિયાળ આપી દે.”

વિજયભાઈના જણાવ્યા પ્રમાણે, અમરસિંહનો એક ખાસ સાથીદાર હતો અહમદ. અમરસિંહ તેને ‘આમદો’ કહેતા અને જ્યાં જાય ત્યાં તેને સાથે રાખતા-ચીજવસ્તુઓ પણ ઉદારતાથી તેને આપતા.

અમરસિંહ વિશેના લેખોની એક ફાઇલ વિજય મર્ચંટે સાચવી રાખી હતી. તે અમરસિંહને તેમની જ કોઈ સિદ્ધિ વિશેનું કટિંગ આપતા, ત્યારે અમરસિંહ કહેતા હતા, “એ તમારી પાસે જ રાખો. હું આનાથી વધુ સારો રેકૉર્ડ કરીશ.” વિજય મર્ચંટે અમરસિંહને મળેલા ગોલ્ડ મેડલમાંથી એક સ્મૃતિચિન્હ તરીકે રાખી લીધો હતો, જે બંનેના મૃત્યુ પછી અમરસિંહના પુત્ર વિજયભાઈને મર્ચંટના પુત્ર અમરભાઈએ લાગણીપૂર્વક પાછો આપ્યો હતો. વિજયભાઈ પાસે અમરસિંહને લગતાં ઘણાં કટિંગ, રેકૉર્ડ, તેમનું વિઝિટિંગ કાર્ડ, ઇંગ્લૅન્ડનું ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજો અને કેટલીક ભેટસોગાદો સચવાયેલાં હતાં.

વર્ષ 1940માં અમરસિંહ તેમના પરમ મિત્ર માણાવદરના ખાનસાહેબને ત્યાં લગ્નમાં ગયા. ત્યાં મિત્રો સાથે ખૂબ તર્યા. તેમાંથી અચાનક તાવ ચડ્યો. જામનગર આવીને પણ તેમની સ્થિતિ સુધરી નહીં અને ટૂંકી માંદગી પછી તેમનું અવસાન થયું. મુખ્ય આધાર અકાળે જતો રહેતાં ઘરની સ્થિતિ ડગુમગુ થઈ. વિજયભાઈના ભાગે બહુમૂલ્ય સ્મૃતિઓની સાથે કપરો સંઘર્ષ પણ આવ્યો. તેમનાં માતા મણિબહેન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આપેલો રૂ. 25 હજારનો ચેક જોઈને 1985માં ગયાં. વિજયભાઈએ આજીવન એસ.ટી.માં નોકરી કરી. અમારી મુલાકાત વખતે તે નિવૃત્ત થઈ ચૂક્યા હતા. થોડાં વર્ષ ઉપર તેમના અવસાનના સમાચાર પણ મળ્યા. તેમની પાસે રહેલા મૂલ્યવાન દસ્તાવેજી ખજાનાનું શું થયું, તે જાણવા મળ્યું નથી.

ક્રિકેટના ઇતિહાસકારો માને છે કે ભારતીય ક્રિકેટ ટીમમાં અમરસિંહ-નિસાર જેવી બૉલિંગ જોડી ત્યાર પછી થઈ નથી. સ્પિનરોના દેશ ગણાતા ભારતમાં તેજ ઑલરાઉન્ડર તરીકે કપિલદેવનો ઉદય થયો અને તેમણે સિદ્ધિ મેળવી ત્યારે તેમને બિરદાવતા એક લેખમાં ‘જન્મભૂમિ પ્રવાસી’ના તંત્રી હરીન્દ્ર દવેએ કપિલદેવને ‘અમરસિંહ-નિસારના વારસ’ તરીકે ઓળખાવ્યા હતા.

ફક્ત 29 વર્ષના જીવનમાં દાયકાઓ સુધી યાદ કરવું પડે એવું પ્રદાન કરીને ગયેલા અમરસિંહ ક્રિકેટના હાડોહાડ વ્યાવસાયીકરણના સમયમાં સાવ વિસરાઈ જાય, તેના માટે સમયની તાસીર ઉપરાંત ઇતિહાસવૃત્તિનો અભાવ પણ એટલો જ કારણભૂત ગણાય.