એ મુસ્લિમ મહિલાની કહાણી, જેણે અનાથ હિંદુ બાળકોને પોતાનાં સંતાનોની જેમ ઉછેર્યાં

    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે

ઝફર ખાન કહે છે કે જ્યારે તેમણે જ્યારે તેમની માતા વિશેની ફિલ્મ જોઈ ત્યારે તેમની આંખોમાં આંસુ હતાં, પરંતુ તેમની બાજુમાં બેઠેલા શ્રીધરન સતત રડી રહ્યા હતા.

આ ફિલ્મ ધાર્મિક મુસલમાન મહિલા થેનનદન સુબૈદા અંગેની છે, જેમણે શ્રીધરન અને તેમની બે બહેનો, રમાણી અને લીલાને પોતાનાં સગાં બાળકો ગણીને ઉછેર્યાં હતાં. ઉછેર દરમિયાન સુબૈદાએ તેમને ક્યારેય ઇસ્લામ સ્વીકારવાનું કહ્યું પણ નહોતું.

ઓમાનમાં કામ કરી રહેલા શ્રીધરને 17 જૂન 2019ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી તે પછી મલયાલમ ફિલ્મ 'એન્નુ સ્વાથમ શ્રીધરન' અથવા ગુજરાતીમાં કહીએ તો 'મારો પોતાનો શ્રીધરન' પર કામ શરૂ થયું હતું.

એ પોસ્ટમાં સરળ શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે, "મારી ઉમ્માને અલ્લાએ બોલાવી લીધી છે. કૃપા કરીને તેમના માટે દુઆ કરો જેથી તેમનું જન્નતમાં શાનદાર સ્વાગત થાય." કેરળમાં મુસલમાનોમાં માતા માટે અમ્મા અથવા ઉમ્મા શબ્દ વાપરવામાં આવે છે.

આ પોસ્ટ સામે એક મૂળભૂત પ્રશ્ન ઉઠ્યો કે 'તમે શ્રીધરન છો, તમે તમારી માતાને ઉમ્મા કેમ કહો છો?'

કોઝીકોડથી લગભગ 70 કિલોમિટર દૂર કાલિકાવૂમાં બીબીસી સાથે વાત કરતા શ્રીધરન કહે છે, "લોકો પૂછી રહ્યા હતા કે તમે કોણ છો, તેઓ કદાચ એટલા માટે પૂછી રહ્યા હતા કારણ કે મારું નામ શ્રીધરન છે એટલે લોકોને શંકા હતી અને શંકા થાય તે સ્વાભાવિક પણ છે."

'ક્યારેય ધર્મપરિવર્તન કરવા કહ્યુ નથી'

શ્રીધરને ઉમ્માએ તેમનો કેવી રીતે ઉછેર કર્યો તે અંગે જણાવ્યું.

શ્રીધરન કહે છે, "મારી મા, ઉમ્મા અને ઉપ્પા (પિતા)ના ઘરે કામ કરતી હતી. મારી મા (ચક્કી) અને ઉમ્મા વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. મારી માતાનું સગર્ભાવસ્થામાં જ અવસાન થઈ ગયું."

પોતાની પોસ્ટના અંતમાં શ્રીધરને લખ્યું છે કે ઉમ્મા અને ઉપ્પાએ તેમને દત્તક લઈને ક્યારેય ધર્મપરિવર્તન કરવા કહ્યું નથી.

તેઓ કહે છે, "મારા માટે એ દુઃખદ હતું કે મને ઉછેરનારી મારી માતા અને પિતાએ અમારી સાથે ક્યારેય ધર્મ અને જાતિને લઈને વાત નથી કરી. તેમણે અમને કહ્યું કે આપણામાં સારપ હોય એ જરૂરી છે."

અનુસૂચિત જાતિના શ્રીધરન કહે છે, "મેં ઉમ્માને પૂછ્યું હતું કે તેમણે અમારૂં ઇસ્લામમાં ધર્મપરિવર્તન કેમ ન કરાવ્યું. તેમણે જવાબ આપ્યો હતો કે ઇસ્લામ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય કે હિંદુ ધર્મ હોય, બધા એક જ વાત શીખવે છે. તે એ કે બધાને પ્રેમ કરો અને બધાનો આદર કરો."

શ્રીધરનનાં બહેન લીલા કહે છે, "મારી ઉમ્મા મને મંદિરમાં જવા દેતી હતી અને ભગવાનની પૂજા કરવા દેતી હતી. જ્યારે પણ અમને મંદિરમાં જવાનું મન થતું ત્યારે અમને મંદિરે તો જવા દેવામાં આવતાં હતાં, પરંતુ તે સમયે પરિવહનની સારી સુવિધા નહોતી એટલે અમને એકલાં જવાની પરવાનગી નહોતી. તેથી અમે તહેવારોમાં કે ખાસ પ્રસંગોએ જ મંદિરે જતાં હતાં અને તે અમને લઈ જતી હતી."

જ્યારે તેઓ સુબૈદાના ઘરે આવ્યા ત્યારે શું થયું?

અબ્દુલ અઝીઝ હાજી અને સુબૈદાના મોટા પુત્ર શાહનવાઝ કહે છે, "હું ત્યારે સાત વર્ષનો હતો. મને ખબર હતી કે ઉમ્મા તેમના ઘરે ગઈ હતી કારણ કે તે સવારે મૃત્યુ પામી હતી. જ્યારે તે સાંજે ઘરે પાછી આવી ત્યારે તેણે શ્રીધરનને તેડેલો હતો. તે લગભગ બે વર્ષનો હતો. લીલા મારી ઉંમરની હતી અને રમાણી 12 વર્ષની હતી. લીલા અને રમાણી એમની પાછળ ચાલી રહ્યાં હતાં. માતાએ એટલું જ કહ્યું કે હવે આ બાળકોનું કોઈ નથી, તેઓ આપણા ઘરે જ રહેશે.

શાહનવાઝ કહે છે, "ઉમ્મા ઘરની અંદર આવી ત્યારે લીલા પણ તેની પાછળ આવી ગઈ, પણ રમાણી બહાર ઊભી રહી. તે અમારા કરતાં થોડી મોટી હતી એટલે તે થોડી ખચકાતી હતી. મારી દાદીએ મને કહ્યું કે તેને ઘરની અંદર લઈ આવ."

"હું બહાર ગયો અને હાથ પકડીને તેને ઘરમાં લઈ આવ્યો. તે પછીથી અમે સાથે મોટાં થયાં. અમે બધાં નીચે ભોંયપથારીમાં સૂતાં હતાં. ઝફર ખાન અને શ્રીધરન બંને બહું નાના હતા એટલે તેઓ ઉમ્મા અને ઉપ્પા સાથે સૂતાં હતાં. દાદીમા પલંગ પર સૂતાં અને અમે ત્રણેય નીચે સૂતા હતા. અમારી નાની બહેન જોશીનાનો જન્મ ચાર વર્ષ પછી થયો હતો."

જ્યારે બાળકો મોટાં થઈ રહ્યાં હતાં ત્યારે શ્રીધરન અને ઝફર ખાન જોડિયા જેવા દેખાતા હતા. બંને અત્યારે 49 વર્ષના છે. તેઓ એક સાથે શાળાએ જતા અને ઘરે પણ સાથે રમતા. ઝફરને નહોતું ગમતું કે શ્રીધરન ઘરે આવીને ઉમ્માને શાળામાં તેમનાં તોફાનોની ચાડી ખાય, એટલે તેણે શાળામાં અલગ ભાષાનો અભ્યાસ કર્યો અને આમ બંનેના વર્ગ અલગ થઈ ગયા.

ઝફર ખાન કહે છે, "ઉમ્મા શ્રીધરનની બધી વાત માની લેતી હતી, તે તેની બહુ નજીક હતો. મા તેને જે કહે તે તે માનતો અને હું કામચોરી કરતો."

"અમે શાળાએ જતા ત્યારે રમાણી અમને મૂકીને થોડે દૂર આવેલી તેની શાળાએ જતી હતી. જ્યારે ઉમ્મા બહાર હોય અને અમે શાળાએથી આવતા ત્યારે લીલા જમાડતી હતી."

શાહનવાઝ અને ઝફરને ઈર્ષ્યા થતી હતી?

શાહનવાઝ અને ઝફર બંને એ વાત માનતા હતા કે શ્રીધરન માતાનો સૌથી લાડકો હતો.

શાહનવાઝને ક્યારેય ઈર્ષ્યા થઈ?

"ના… મને એક જ વાત યાદ આવે છે કે જ્યારે ઉમ્મા તેમને ઘરે લઈ આવી હતી ત્યારે મેં મારી દાદીને પૂછ્યું હતું કે મા ઉજળા રંગનાં બાળકોને ઘરે કેમ ન લઈ આવી. મારી દાદીએ હોઠે આંગળી રાખીને ચૂપ રહેવાનો ઈશારો કરતા કહ્યું કે તારે ક્યારેય આવી વાત ન કરવી. રંગ આપણને અલ્લા આપે છે. જ્યારે હું ખાડીના દેશોમાં કામ કરીને ઘરે પાછો આવતો ત્યારે મારી દાદી કહેતી કે હું વિદેશમાં રહીને ગોરો થઈ ગયો છું અને ઘરે રહીને તે કાળી થઈ ગઈ છે.”

ઝફર ખાન યાદ કરતા કહે છે કે શુક્રવારની નમાજ પછી જ્યારે તેઓ કબ્રસ્તાનમાં તેમનાં માતા-પિતા અને દાદીની કબરોની મુલાકાત લેતા ત્યારે તે જગ્યા હંમેશાં સ્વચ્છ જોવા મળતી. તેઓ કહે છે, શ્રીધરન હંમેશાં તેને સાફ કરી દેતો હતો.

તો તમારો શ્રીધરન સાથેનો સંબંધ શું છે? ઝફર ખાન કહે છે, "આમ તો તે ભાઈ છે પણ અમારા માટે તે તેનાથી પણ વિશેષ છે. તે હંમેશાં મારી સાથે રહ્યો છે. તે મારો સાથી છે."

'શ્રીધરનને સૌથી વધુ પ્રેમ કરતી હતી'

પારિવારિક મિત્ર અશરફ કહે છે, "ઉમ્માને બધાં બાળકોમાં શ્રીધરન સૌથી લાડકો હતો. તેથી તે જાણતો હતો કે આનો લાભ કેવી રીતે લેવો. મેં એકવાર મારી આંખે જોયું હતું. ઉમ્મા શાળાએ જતાં પહેલાં બાળકોને દસ-દસ રૂપિયા આપતી હતી, ઝફર દસ રૂપિયા લઈને બહાર જતો રહ્યો અને શ્રીધરન ફરી ઉમ્મા પાસે આવ્યો અને કહ્યું કે તેને વધુ દસ રૂપિયા જોઈએ છે અને ઉમ્મા તેને દર વખતે આપી દેતી.”

લીલા ઉમ્માને કેવી રીતે યાદ કરે છે?

પોતાનાં આંસુ લૂછતાં લીલા કહે છે, "તેમણે અમને કોઈ પણ મુશ્કેલી વિના ઉછેર્યા. હું અહીં આ ઘરમાં જ તેમને માતા-પિતા માની મોટી થઈ છું. મારી પાસે ઉમ્મા સાથે વાત કરવા માટે માત્ર સારી યાદો છે અને અગણિત યાદો છે. હું તમને બતાવી નથી શકતી કે તેમનાં ગયા પછી મને કેવું લાગ્યું. જ્યારે પણ મને ઉમ્માની યાદ આવે છે ત્યારે હું બહું ઉદાસ થઈ જાઉં છું."

શ્રીધરન પણ ઉમ્માને યાદ કરીને રડવા લાગે છે અને કહે છે, "દરેક પાસે તેમની માતા વિશે કહેવા માટે માત્ર સારી યાદો જ હોય છે, મારી પાસે પણ માત્ર સારી યાદો જ છે."

શાહનવાઝે એક અલગ જ વાત કહી

શાહનવાઝ પાસે પણ તેમની ઉમ્મા વિશેનો એક અલગ જ અનુભવ છે.

તેઓ સમજાવે છે, "તેમના મૃત્યુ પછી જ અમને ખબર પડી કે તેમણે કેટલા લોકોને અને કેટલી હદે મદદ કરી હતી. હું શરૂઆતમાં કામ કરવા માટે અખાતના દેશમાં ગયો હતો અને પછી ત્યાં મારો વ્યવસાય શરૂ કર્યો હતો. મને ખબર પડી કે ઉમ્માએ તેમની 12 એકર જમીનમાંથી કેટલીક વેચવા કાઢી છે. આ જમીન ઉમ્માને તેમના પિતા પાસેથી વારસામાં મળી હતી. તે દેવાદારોનું દેવું ચૂકવવા માટે જમીન વેચી રહી હતી."

કોઈ પણ વ્યક્તિ સુબૈદા પાસે આવીને ભણવા, શાદી કે સારવાર માટે પૈસા માંગી લેતી હતી. તે જાણીતા વેપારીઓને ફોન કરીને મદદ કરવા કહી દેતાં હતાં. આ મદદમાં વેપારીઓ પણ પોતાનો હિસ્સો ઉમેરી દેતા હતા અને સુબૈદા પાછળથી પૈસા ચૂકવી દેતાં હતાં. તે ઉધાર લઈને મદદ કરતાં હતાં અને બાદમાં ઉધારી ચૂકવવા માટે જમીનનો ટૂકડો વેચી નાખતાં હતાં.

એક સમય એવો આવ્યો જ્યારે સ્થાનિક મંદિર સમિતિએ અબ્દુલ અઝીઝને કહ્યું કે તેમનાં પત્ની એક વર્ષ સુધી દાન આપવાની ચિંતા ન કરે કેમકે તેઓ જાણતા હતા કે હવે સુબૈદા પાસે પૈસા નથી.

શાહનવાઝ કહે છે, "તે મંદિર, મસ્જિદ અને ચર્ચને સમાન રીતે દાન આપતી હતી. તેની પાસે ઘરની પાસે પણ થોડી જમીન હતી જે તે વેચવા માંગતી હતી. મેં તેને પૂછ્યું કે કેટલી કિંમત કરો છો, તો તેણે 12 લાખ કહ્યું. મેં કહ્યું કે મારી પાસેથી પંદર લાખ લઈ લો અને મને આપી દો. પરંતુ તેણે ના પાડી દીધી કારણ કે તેણે ખરીદનારને 12 લાખ રૂપિયામાં જમીન આપવાનું વચન આપી દીધું હતું."

શાહનવાઝ કહે છે, "અમારી માએ અમારામાંથી કોઈ ભાઈ-બહેનને જમીનમાં કોઈ હિસ્સો આપ્યો નથી. જે જમીન પર અમારું ઘર બનેલું છે તે અમારા પિતાની છે."

જ્યારે શાહનવાઝ 2018માં ખાડીમાંથી પરત ફર્યા ત્યારે સુબૈદા બીમાર પડી ગયાં હતાં. શાહનવાઝે ઝફર ખાનને જલદી પાછા આવી જવા કહ્યું કારણ કે તે એકલા તેની માતાની સંભાળ રાખવામાં અસમર્થ હતા. સુબૈદાએ તેમના પુત્રોને કહ્યું હતું કે ‘શ્રીધરનને મારી બીમારી વિશે કહેતા નહીં, નહીંતર તે ઓમાનની નોકરી છોડીને ઘરે આવી જશે.’

"અમે ધ્યાન રાખ્યું કે તે તેમની પત્નીની નજીક રહે, પરંતુ ઉમ્માથી દૂર રહે."

પછી શાહનવાઝ કહે છે, "જ્યારે ઉમ્માનું અવસાન થયું અને અમે ફેસબુક પર શ્રીનું રિએક્શન જોયું ત્યારે અમને સમજાયું કે લોકો અમારામાં તફાવત જુએ છે, પરંતુ વાસ્તવમાં અમે આજે પણ એક જ છીએ."

ફિલ્મ કેવી રીતે બની?

આ ફિલ્મનું નિર્માણ સિદ્દીક પરવૂરે કર્યું છે જેમની અગાઉની ફિલ્મ 'થાહીરા' ગોવામાં 51મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી.

સિદ્દીકને શ્રીધરનની પોસ્ટ વિશે જાણ થઈ અને તેણે તે જ સમયે 'એન્નુ સ્વાથમ શ્રીધરન' બનાવવાનું નક્કી કરી લીધું.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "આ કહાણીમાં માનવતાને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણા સમાજને તેની ભારે જરૂર છે."

તેમણે કહ્યું કે કોઈ દેશ ત્યારે જ વિકસિત થઈ શકે છે જ્યારે ત્યાં માનવતાને મહત્ત્વ આપવામાં આવે.

સિદ્દીકને આ ફિલ્મના નિર્માતા શોધવામાં ઘણો સમય લાગ્યો. પરંતુ હવે જ્યારે ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે, ત્યારે તેઓ કોઈ એવી વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે જે ફિલ્મને થિયેટરોમાં લઈ જાય.