You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિરણ પટેલ : 'VVIP સુવિધાઓ સાથે કાશ્મીરમાં પિકનિક માણતો' ગુજરાતી કેવી રીતે ઝડપાયો?
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી હિન્દી માટે, શ્રીનગરથી
ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીર પોલીસે એક વિચિત્ર કેસમાં કિરણ પટેલ નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે.
અમદાવાદના રહેવાસી કિરણ પટેલ પર આરોપ છે કે તેમણે વડા પ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનો દાવો કરીને સરકારી સુવિધાઓ લીધી હતી.
પટેલની પોલીસે ત્રીજી માર્ચ 2023ના રોજ ધરપકડ કરી હતી.
પોલીસ અનુસાર પટેલે પોતે નવી દિલ્હીમાં વડા પ્રધાન કાર્યાલયના એડિશનલ ડાયરેક્ટર હોવાનો દાવો કર્યો પરંતુ તેઓ ત્યાં આવા કોઈ પદ પર નથી.
શુક્રવારે પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે, કિરણ પટેલ પાસેથી દસ નકલી વિઝિટિંગ કાર્ડ અને બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
હાલ કિરણ પટેલ 17 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર છે.
"કિરણ પટેલ કાશ્મીરમાં પિકનિક પર માણી રહ્યા હતા"
કિરણ પટેલ સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસની દેખરેખ હેઠળ કાશ્મીરના અનેક હેલ્થ રિસોર્ટમાં પિકનિક પર ગયા હતા, જ્યાં તેમણે ઘણા વીડિયો બનાવ્યા હતા અને તેમના ટ્વિટર હૅન્ડલ પર શેર કર્યા હતા.
આ દરમિયાન પટેલને સુરક્ષા અને બુલેટપ્રુફ ગાડી પણ આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ટેલિજન્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "ધરપકડ કરાયા પહેલાં પણ કિરણ પટેલ પોતે પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટરના તરીકે બે વાર કશ્મીર જઈ ચૂક્યા હતા."
તેમનું કહેવું હતું કે, "જ્યારે કિરણ પટેલ બીજીવાર કશ્મીર આવ્યા હતા, ત્યારે તેમના પર દેખરેખ રાખવામાં આવી હતી." તેમનું એમ પણ કહેવું હતું કે, બીજી ટ્રીપમાં તેમનો પરિવાર પણ તેમની સાથે હતો.
પોલીસના સૂત્રોએ કહ્યું હતું કે, "કિરણ પટેલ દરેક પ્રવાસે કશ્મીર આવીને વિવિધ બહાના કાઢીને સુવિધા મેળવતા હતા અને ફરવા જતા હતા."
તેમની વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, તેઓ પૈસા અને સુવિધાઓ લેવા માગતા હતા.
ગુજરાતમાં પણ ત્રણ કેસ દાખલ
કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મીરમાં નિશાન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 419, 420, 467 અને 471નો ગુનો નોંધાયો છે.
પોલીસ અનુસાર તેમણે ઘણા સંબંધિત લોકો પાસેથી આ વિશે પૂછપરછ કરી હતી. કેસની તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. સમગ્ર તપાસ પછી જ વધુ માહિતી શેર કરવામાં આવશે.
કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે.
સરકારને ગેરમાર્ગે દોરવા બદલ જાવિદ ખાનની ધરપકડ
કિરણ પટેલની ધરપકડના સમાચાર ગુરુવારે એ સમયે સામે આવ્યા, જ્યારે તેમને શ્રીનગરની એક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
ઇન્ટેલિજન્સના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, "કાશ્મીર જેવા સ્થળે સુરક્ષાના સંદર્ભમાં આ એક મોટી ભૂલ છે."
સોશિયલ મીડિયા પર કિરણ પટેલને સુરક્ષા આપવા અને સરકારને ગેરમાર્ગે દોરવા અંગે અનેક સવાલો ઊઠી રહ્યા છે.
પોલીસના એક અધિકારે કહ્યું હતું કે, "લગભગ 11 વર્ષ પહેલાં જાવિદ ખાન નામની એક વ્યક્તિની પણ ગેરમાર્ગે દોરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી."