શૅરબજારમાં કરેલું રોકાણ તમને ઝડપથી પૈસાદાર બનાવી શકે?

    • લેેખક, આઈવીપી કાર્તિકેય
    • પદ, બીબીસી માટે

શૅરબજારમાં રોકાણ કરવાનું પહેલાં કરતાં હવે ઘણું સરળ બની ગયું છે. વર્તમાન પેઢી પાસે ઑનલાઇન સેમિનાર, મોબાઇલ ફોન ઍપ્લિકેશન વગેરે જેવી ઘણી સુવિધાઓ છે, જેમાંથી તેઓ ઍકાઉન્ટ કઈ રીતે ખોલાવવું અને માર્કેટમાં રોકાણ માટે શું કરવું તે શીખે છે.

શૅરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે.

બીજી તરફ ગયા વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય માર્કેટમાંથી રૂ. એક લાખ 20 હજાર કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું હતું. ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ત્યારે માર્કેટને નુકસાન થયું હતું.

જોકે, આ વર્ષે બહુ મોટું નુકસાન થયું નથી, કારણ કે 2022માં સ્થાનિક નાના રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ મારફત માર્કેટમાં રૂ. 74,000 કરોડનું રોકાણ કર્યું હતું. તેમાં SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વૅસ્ટમેન્ટ પ્લાન દ્વારા કરવામાં આવેલું રોકાણ પણ મહત્ત્વનું છે.

પર્સનલ ફાઇનાન્સ મૅનેજમૅન્ટ વિશે વિપુલ પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ હોવા છતાં બહુ ઓછા લોકો રોકાણ વિશે મર્યાદિત સમજ ધરાવે છે.

તેના કારણે ઘણી વખત એવું પણ બને છે કે ખોટા નિર્ણયોને કારણે ઘણા રોકાણકારો પોતાની મરણમૂડી ગુમાવી દે છે. ઘણી વાર તેમની સાથે છેતરપિંડી પણ થઈ જાય છે.

તેના કારણે એવી સલાહ આપવામાં આવે છે કે રોકાણકારે હંમેશાં પોતાની જાતે રોકાણ કરતા પહેલાં જે-તે રોકાણની યોજના વિશે પૂરતી માહિતી મેળવી લેવી અને તેની સાથે સંકળાયેલાં જોખમો વિશે જાણી લેવું.

લોકપ્રિય અભિનેતા અરશદ વારસીને સાંકળતો એક વિવાદ તાજેતરમાં સર્જાયો હતો. એક યૂટ્યૂબ ચેનલ આધારિત કૌભાંડમાં ઘણા રોકાણકારોએ પૈસા ગુમાવ્યા હતા.

આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે વ્યક્તિગત નાણાકીય આયોજન વિશેનાં કેટલાંક મૂળભૂત પાસાં સમજી લેવાં જરૂરી છે.

વગર જોખમે રોકાણ કરી ઝડપથી પૈસાદાર થવાય?

  • શૅરબજારમાં રોકાણ કરીને ઘણા લોકોએ મજબૂત નાણાકીય સંસાધનો બનાવ્યાં છે, પરંતુ એ પૈકીના કોઈએ ટૂંકા ગાળામાં બહુ બધી કમાણી કરી નથી.
  • ઘણા નવા રોકાણકારો એવું માને છે કે શૅરબજાર ઝડપથી પૈસાદાર થવાનું પ્લૅટફૉર્મ છે. આ માન્યતા સદંતર ખોટી છે.
  • કોઈ કંપનીના શૅરમાં રોકાણ કરશો તો એક વર્ષમાં બમણો નફો થશે અને બે વર્ષમાં તેનાથી પણ વધારે કમાણી થશે, એવી જાહેરાતો આપણને જોવા મળે છે.
  • આ સંદર્ભમાં બહુ કાળજી રાખવી જોઈએ. જોખમ-મુક્ત રોકાણ જેવી કોઈ ચીજ આ દુનિયામાં નથી.
  • ટૂંકા ગાળામાં બહુ બધી કમાણી થતી હોય તો તેમાં સામેલ જોખમને અવગણી શકાય નહીં.
  • એ ઉપરાંત ફ્યુચર્સ-ઑપ્શનના સંદર્ભમાં એવી ઘણી કથાઓ પણ સાંભળવા મળે છે કે કોઈ વ્યક્તિએ એક વર્ષમાં તેના રોકાણના પ્રમાણમાં અનેક ગણી વધુ કમાણી કરી હતી.
  • આ રોકાણનો બહુ જ જોખમી માર્ગ છે. પર્સનલ ફાઇનાન્સના સિદ્ધાંત અનુસાર, રોકાણ લાંબા ગાળાની બાબત છે.

રોકાણ કરતી વખતે શું ધ્યાન રાખવું?

આ માન્યતા, શૅરબજાર વિશેની ઘણી માન્યતાઓ પૈકીની એક છે.

તમારા માસિક પગાર કરતાં પણ વધુ કમાણી કરવાનો એક માર્ગ શૅરબજાર છે એમ માનવું ભૂલભરેલું છે. સમય ખર્ચ્યા વિના કમાણી થશે એમ કહેવું યોગ્ય નથી.

રોકાણ માટેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે મજબૂત પોર્ટફોલિયો બનાવવા માટે તમે જે સમય ખર્ચો છો તે યોગ્ય છે.

આપણે આપણા નાણાકીય લક્ષ્યાંકો અને જોખમ ઉઠાવવાની ક્ષમતા બાબતે વિચારવું જરૂરી છે. એ પછી પોર્ટફોલિયો બનાવવો જરૂરી છે.

આ પ્રક્રિયામાં સમય લાગે છે. પોર્ટફોલિયો બનાવ્યા પછી પણ તેમાંથી મળતા વળતર પર દર છ મહિને નજર રાખવી જોઈએ.

કોઈ રોકાણપદ્ધતિ અપેક્ષિત વળતર ન આપતી હોય તો તેનું વિશ્લેષણ કરીને જરૂરી પગલાં લેવાં જોઈએ.

આ બધું આપણે સમયનું રોકાણ કરીએ તો જ થઈ શકે.

ખર્ચ કરવાને પ્રાધાન્ય આપવો કે રોકાણને?

આપણે બૅન્કમાંથી જે પૈસા ઉપાડીએ છીએ તેમાંથી દરેક રૂપિયો ખર્ચવામાં આવે છે કે પછી તેનું રોકાણ કરવામાં આવે છે એ જાણવું અનિવાર્ય છે. મોંઘી વસ્તુઓ સહિતની અન્ય લક્ઝરી માટેનો ખર્ચ આપણી આવક સાથે સુસંગત હોય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

દાખલા તરીકે, મોંઘો ફોન ખરીદવા માટે મોટો ખર્ચ કરવો પડે, પરંતુ એ જ મોંઘા ફોનનો ઉપયોગ આપણે અભ્યાસ કે ભવિષ્યના કોઈ મહત્ત્વના કામ માટે કરીએ તો તે રોકાણ ગણાય.

ઘણા લોકો અન્યોની સંપત્તિ, જીવનશૈલી પર નજર રાખતા હોય છે અને તેમની આવક આવી વસ્તુઓ પર ખર્ચ કરતા હોય છે. આ બાબત નાણાકીય આયોજનના સિદ્ધાંતોની તદ્દન વિરુદ્ધ છે.

વૉરન બફેટે કહ્યું હતું કે, “લોકો તેમને જરૂરી ન હોય એવી જે વસ્તુ ખરીદે છે એ જ વસ્તુ એક દિવસ જરૂરિયાત સંતોષવા માટે વેચવી પડે છે.”

વોરન બફેટની આ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ.

નાણાકીય આયોજન માટે શું ધ્યાને રાખવું?

નીચે આપેલા પ્રશ્નોના જવાબ પ્રામાણિકપણે આપવાથી નાણાકીય આયોજનની દિશામાં યોગ્ય શરૂઆત થશે.

  • કોઈ અણધાર્યા અકસ્માત કે જાનહાનિના કિસ્સામાં પરિવારને નાણાકીય સલામતી પૂરી પાડવા માટેનું અનામત ભંડોળ તમારી પાસે છે?

સામાન્ય રીતે આવું વિચારવાથી મનોબળ નબળું પડે છે, પરંતુ નાણાકીય આયોજનની બાબતમાં લાગણીને કોઈ સ્થાન હોતું નથી. આ તમારા પરિવારની નાણાકીય સલામતીની વાત છે એ ભૂલશો નહીં. તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટે પૂરતો જીવન વીમો હોવો જરૂરી છે.

  • કોઈ અણધાર્યા કારણસર મારી નોકરી છૂટી જાય તો પણ હું મારી વર્તમાન જીવનશૈલી મુજબ જીવવાનું ચાલુ રાખી શકું?

સરકારી કર્મચારીઓને નોકરીની જે સલામતી મળે છે તેવી સલામતી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળતી નથી. 2008ની નાણાકીય કટોકટીને કારણે ઘણા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એવી સ્થિતિ ફરી સર્જાવાની શક્યતા નથી, પરંતુ તેમાંથી પાઠ ભણીને આપણે નાણાકીય યોજના બનાવવી જોઈએ.

  • સંતાનના ઉચ્ચ શિક્ષણના ખર્ચને પહોંચી વળવા માટે તમારાં વર્તમાન નાણાકીય સંસાધનો પૂરતાં છે?

આ સવાલ કાલ્પનિક લાગશે, પરંતુ વર્તમાન પેઢી માટે બાળકોના શિક્ષણનો ખર્ચ સૌથી મોટો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સંતાનના સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસ માટે તમારી પાસે પૂરતાં નાણાકીય સંસાધનો હોય તે સુનિશ્ચિત કરજો અને તેમાં ફુગાવાને ધ્યાનમાં લેવાનું ભૂલશો નહીં.

  • નિવૃત્તિ પછીનું જીવન પણ આરામદાયક બની રહે એવાં નાણાકીય સંસાધનો છે કે નહીં?

નિવૃત્તિ તો હજુ ઘણી દૂર છે એવી ગેરસમજ ઘણા લોકોમાં હોય છે, પરંતુ પર્સનલ ફાઇનાન્સના સિદ્ધાંત અનુસાર, આપણે અનિવાર્ય ખર્ચ વિશે માહિતગાર હોઈએ તો આપણે તેને પહોંચી વળવાની વ્યવસ્થા કરવી જોઈએ.

  • પરિવારમાં કોઈને વારસાગત રોગ છે?

આ પણ મહત્ત્વનું છે, કારણ કે 40 વર્ષની વય પછી આવી ઊણપને દૂર કરી શકાતી નથી. એ વખતે વીમો મેળવવાનું પણ મુશ્કેલ હોય છે. તેથી વારસાગત રોગનો પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકો હાઇ કવરેજ સાથેની વીમા પૉલિસી કઢાવી લે તો ઉત્તમ.