You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૌતમ અદાણીએ વિશ્વમાં પોતાનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું?
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
ફોર્બ્સના ડેટા અનુસાર અદાણી ગ્રૂપના ચૅરમૅન ગૌતમ અદાણી એલવીએમએચ મોટ હૅનેસીના ચૅરમૅન અને સહસંસ્થાપક બર્નાર્ડ આર્નૉલ્ટને પાછળ કરીને દુનિયાની બીજી સૌથી ધનવાન વ્યક્તિ બના ગયા છે.
ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયનર્સ લિસ્ટ અનુસાર શુક્રવારે અદાણી અને તેમના પરિવારની સંપત્તિ 155.4 અબજ ડૉલર જેટલી હતી જ્યારે આર્નૉલ્ટની સંપત્તિ 155.2 અબજ ડૉલર હતી.
ડેટા અનુસાર સ્પેસ એક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપત્તિ 273.5 અબજ ડૉલર હતી. તેઓ દુનિયામાં સૌથી ધનવાન છે. તેમના પછી ગૌતમ અદાણી અને ઍમેઝોનના સંસ્થાપક જેફ બેઝોઝ આવે છે.
હાલમાં જ બ્લૂમબર્ગ બિલિયૉનર ઇન્ડેક્સ મુજબ મૂળ ગુજરાતના બિઝનેસમૅન ગૌતમ અદાણી સંપત્તિ મામલે જેફ બેઝોસ અને બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના ત્રીજા ક્રમના સૌથી વધુ ધનિક બન્યા હતા.
બ્લૂમબર્ગ બિલિયૉનર ઇન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ 137 અબજ 40 કરોડ જેટલી અંદાજવામાં આવી હતી.
આજે આપણે ગૌતમ અદાણીની બિઝનેસ સફર વિશે વાત કરીશું. જેમાં જાણીશું કે કેવી રીતે તેમણે નાના પાયે શરૂ કરેલા વેપાર થકી વિશ્વમાં સફળતાની નવી ગાથા લખી.
ઈ.સ. 1978ની વાત છે. કૉલેજનો એક નવયુવક ભણવાની સાથે એક સપનું જોઈ રહ્યો હતો. એક દિવસ એણે અચાનક જ કૉલેજનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો.
એ નવયુવકની ગણતરી હાલ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં થવા લાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૌતમ અદાણીની આ કહાણી છે.
ઘરના કરિયાણાથી માંડીને કોલસાની ખાણ સુધી, રેલવે, ઍરપૉર્ટ, બંદરોથી માંડીને વીજળી ઉત્પન્ન કરવા સુધીના સંખ્યાબંધ કારોબાર એવા છે. જેમાં ગૌતમ અદાણીની મોટી હાજરી છે. ગૌતમ અદાણીની આ સફળતાનું રહસ્ય શું છે? એમની જિંદગી અને વેપારની પ્રવાસયાત્રા કેવી છે?
સફરની શરૂઆત ક્યાંથી થઈ?
મીડિયામાં પ્રકાશિત રિપૉર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણીએ 1978માં પોતાનું કૉલેજ શિક્ષણ અધૂરું મૂકીને મુંબઈના હીરાબજારમાં હાથ અજમાવ્યો હતો.
પરંતુ, એમની કિસ્મત ચમકવાની શરૂઆત થઈ 1981થી, જ્યારે તેમના મોટાભાઈએ તેમને અમદાવાદ બોલાવ્યા. તેમના ભાઈએ સામાન પૅક કરવા માટેની પ્લાસ્ટિકની એક કંપની ખરીદી હતી, પરંતુ એ બરાબર ચાલતી નહોતી. એ કંપનીને જે કાચો માલ જોઈતો હતો એ પૂરો નહોતો પડતો. જેને એક અવસરમાં પલટતાં અદાણીએ કંડલા પૉર્ટ પર પ્લાસ્ટિક ગ્રૅન્યુઅલ્સની આયાત શરૂ કરી અને 1988માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ બની, જેણે ધાતુ, કૃષિ ઉત્પાદનો અને કપડાં જેવી વસ્તુઓનું કૉમોડિટી ટ્રેડિંગ શરૂ કર્યું.
થોડાંક જ વર્ષોમાં એ કંપની અને અદાણી આ ઉદ્યોગનું એક મોટું નામ બની ગયાં.
અદાણી એન્ટરપ્રાઇઝ અનુસાર ઈ.સ. 1994માં બીએસઇ અને એનએસઇમાં કંપનીના શૅર લિસ્ટ થયા હતા. તે વખતે તેમના એક શૅરનો ભાવ 150 રૂપિયા હતો. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી.
મુંદ્રા પૉર્ટ
ઈ.સ. 1995માં અદાણી જૂથે મુંદ્રા પૉર્ટનું સંચાલન શરૂ કર્યું. લગભગ 8 હજાર હૅક્ટરમાં વિસ્તરેલું અદાણીનું મુંદ્રા પૉર્ટ આજે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે.
મુંદ્રા બંદર પરથી ભારતના લગભગ એક ચતુર્થાંશ માલનું આવાગમન થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને ઓડિશા જેવાં સાત સમુદ્રી રાજ્યોમાં 13 સ્થાનિક બંદરમાં અદાણી ગૂપની હાજરી છે.
એમાં કોલસાથી ચાલનારું વિશાળ ઇલેક્ટ્રિક સ્ટેશન અને વિશેષ આર્થિક ક્ષેત્ર પણ છે.
મુંદ્રા બંદર પર દુનિયામાં કોલસાની સૌથી મોટી માલ ઉતારવાની ક્ષમતા છે. આ બંદર સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન અંતર્ગત બનાવાયું છે, જેનો અર્થ એવો થાય કે, તેની પ્રમોટર કંપનીએ કશો ટૅક્સ ભરવાનો નથી હોતો.
આ ઝોનમાં વીજળી પ્લાન્ટ, ખાનગી રેલવે લાઇન અને ખાનગી ઍરપૉર્ટ પણ છે.
કરિયાણાના સામાનનો વેપાર
જાન્યુઆરી 1999માં અદાણી ગ્રૂપે વિલ એગ્રી બિઝનેસ ગ્રૂપ વિલ્મર સાથે સમજૂતી કરીને ખાદ્ય તેલના બિઝનેસમાં પદાર્પણ કર્યું. આજે દેશમાં સૌથી વધારે વેચાતું ફૉર્ચ્યુન ખાદ્ય તેલ અદાણી–વિલ્મર કંપની જ બનાવે છે.
ફૉર્ચ્યુન તેલ ઉપરાંત અદાણી ગૂપ વપરાશની વસ્તુઓના ક્ષેત્રમાં લોટ, ચોખા, દાળ, ખાંડ જેવી સંખ્યાબંધ વસ્તુઓ બનાવે છે.
2005માં અદાણી ગૂપે ભારતીય ખાદ્ય નિગમની સાથે મળીને દેશમાં મોટા મોટા સાઇલોઝ બનાવવાની શરૂઆત કરી. સાઇલોઝમાં મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે.
શરૂઆતમાં 20 વર્ષના કૉન્ટ્રેક્ટ સાથે અદાણી ગ્રૂપે દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં સાઇલોઝનું નિર્માણ કર્યું. તેની કનેક્ટિવિટી માટે અદાણી ગ્રૂપે ખાનગી રેલવે લાઇનો પણ બનાવી, જેથી સાઇલોઝ યુનિટથી આખા ભારતમાંનાં વિતરણ કેન્દ્રો સુધી અનાજના પરિવહનને સરળ કરી શકાય.
આજની તારીખે અદાણી એગ્રી લૉજિસ્ટિક્સ લિમિટેડ દેશમાં ભારતીય ખાદ્ય નિગમ અને મધ્ય પ્રદેશ સરકારના અનાજને પોતાના સાઇલોઝમાં રાખે છે. એમાં ભારતીય ખાદ્ય નિગમના 5.75 લાખ મૅટ્રિક ટન અને મધ્ય પ્રદેશ સરકારના 3 લાખ મૅટ્રિક ટન અનાજનો સમાવેશ થાય છે.
કોલસાની ખાણો
ફૉર્ચ્યુન ઇન્ડિયા મૅગેઝિન અનુસાર, ઈ.સ. 2010માં અદાણીએ ઑસ્ટ્રેલિયાની લિંક એનર્જી પાસેથી 12,147 કરોડમાં કોલસાની ખાણ ખરીદી હતી. ગેલી બેસ્ટ ક્વિન આયર્લૅન્ડમાંની આ ખાણમાં 7.8 બિલિયન ટનનો ખનિજ ભંડાર છે, જેમાંથી દર વર્ષે 60 મિલિયન ટન કોલસો મેળવી શકાય છે.
ઇન્ડોનેશિયામાં તેલ, ગૅસ અને કોલસા જેવાં પ્રાકૃતિક સંસાધનો ખૂબ જ પ્રમાણમાં છે, પરંતુ આધારભૂત સગવડોના અભાવના લીધે આ સંસાધનોનો પૂરતા પ્રમાણમાં લાભ લેવો અશક્ય હતો.
2010માં અદાણી ગ્રૂપે ઇન્ડોનેશિયાના દક્ષિણી સુમાત્રાથી કોલસાના પરિવહન માટે દોઢ અબજ ડૉલરના મૂડીરોકાણની જાહેરાત કરી હતી. એ માટે દક્ષિણી સુમાત્રામાં બનનારી રેલ પરિયોજના માટે ત્યાંની પ્રાંતીય સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
એ સમયે ઇન્ડોનેશિયા નિવેશ બોર્ડે એની માહિતી આપતાં કહેલું કે, અદાણી જૂથ પાંચ કરોડ ટનની ક્ષમતા ધરાવતા એક કોલ હૅન્ડલિંગ પૉર્ટનું નિર્માણ કરશે અને દક્ષિણી સુમાત્રા દ્વિપની કોલસાની ખાણોમાંથી કોલસો બહાર કાઢવા માટે 250 કિલોમીટરની રેલવે લાઇન પાથરશે.
વેપારનો વિસ્તાર
અદાણી સામ્રાજ્યનો કારોબાર 2002માં 76.5 કરોડ ડૉલર હતો, જે વધીને 2014માં 10 અબજ ડૉલરનો થઈ ગયો હતો.
ઈ.સ. 2015 પછી અદાણી જૂથે સૈન્યને સુરક્ષા સંબંધી સામગ્રીનો પુરવઠો પૂરો પાડવાનું કામ પણ શરૂ કર્યું. થોડા સમય પછી પ્રાકૃતિક ગૅસના ક્ષેત્રમાં બિઝનેસ આગળ ધપાવ્યો. 2017માં સોલાર પીવી પૅનલ બનાવવાનું શરૂ કર્યું.
2019માં અદાણી જૂથે ઍરપૉર્ટના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. અમદાવાદ, લખનઉ, મંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ્ એ છ ઍરપૉર્ટના આધુનિકીકરણ અને સંચાલનની જવાબદારી અદાણી જૂથ પાસે છે. અદાણી જૂથ 50 વર્ષ સુધી આ છ ઍરપૉર્ટનું સંચાલન, વહીવટ અને વિકાસનું કામ સંભાળશે.
ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રૂપની મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડમાં 74 ટકા ભાગીદારી છે. મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ દિલ્હી પછી દેશનું સૌથી મોટું એરપૉર્ટ છે.
અદાણી સાથે સંકળાયેલા વિવાદ
અદાણી જૂથને ભારતના સૌથી મોટા બંદર મુંદ્રા માટે કોડીઓના ભાવે જમીન આપવાનો ગુજરાત સરકાર પર આરોપ મુકાતો રહ્યો છે.
2010ના ફેબ્રુઆરી મહિનામાં અદાણીના ભાઈ રાજેશ અદાણીની કથિત રીતે કસ્ટમ ડ્યૂટી ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ અદાણી ગ્રૂપના વહીવટી નિર્દેશક છે.
2014માં ઑસ્ટ્રેલિયાની ફેરફૅક્સ મીડિયાએ ઇન્વેસ્ટિગેટિવ રિપૉર્ટ તૈયાર કર્યો હતો. ફેરફૅક્સ મીડિયાએ ગુજરાતમાં બની રહેલા લક્ઝુરી હાઉસિંગ પ્રોજેક્ટમાં કામ કરતા 6 હજાર મજૂરોની દયનીય હાલત વિશે રિપૉર્ટ છાપ્યો હતો. રિપૉર્ટમાં મજૂરોની કથિત દયનીય સ્થિતિ માટે અદાણી જૂથને જવાબદાર ઠરાવાયું હતું. એ મજૂરો અદાણી જૂથ માટે કામ કરતા ઠેકેદારોએ રાખ્યા હતા. જોકે, અદાણી ગ્રૂપનું કહેવું હતું કે એમણે કાયદાનો ભંગ નથી કર્યો.
વીજળીના ઉત્પાદન માટે ઉપયોગી ઉપકરણોની આયાતની કિંમતને કથિત રીતે લગભગ 1 અબજ ડૉલર વધારીને રજૂ કરવા સબબ મે 2014માં સરકારી અધિકારીઓએ નોટિસ જારી કરી હતી.
ઉત્તર ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ રાજ્યમાં કાર્માઇકલ કોલસાની ખાણ છે. ત્યાં અદાણીની કંપનીને કોલસાખનનની મંજૂરી મળી છે. એ બાબતે અદાણી ગૂપને ઘણા વિરોધનો સામનો કરવો પડે છે.
મોદી સાથેના સંબંધો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૌતમ અદાણીના નજીકના સંબંધો ઈ.સ. 2002થી જ દેખાવા લાગ્યા હતા, જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા.
ગુજરાતમાં ત્યારે સાંપ્રદાયિક તોફાનો થયેલાં, એના પછી ઉદ્યોગજગતની સંસ્થા કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝ (સીઆઇઆઇ) સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓએ એ સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં ઢીલ કરવા બદલ મોદીની ટીકા પણ કરી હતી.
બીજી તરફ, મોદી રોકાણકારો સમક્ષ ગુજરાતને રોકાણની ઉત્તમ જગ્યારૂપે પ્રસ્તુત કરવાના પ્રયાસો કરતા હતા. એમાં ગૌતમ અદાણીએ ગુજરાતના અન્ય ઉદ્યોગપતિઓને મોદીના પક્ષમાં કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમણે સીઆઇઆઇની સમાંતર એક અન્ય સંસ્થા ઊભી કરવાની ચેતવણી પણ આપી હતી.
માર્ચ 2013માં અમેરિકાના વ્હાર્ટન સ્કૂલ ઑફ બિઝનેસના એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને મુખ્ય વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓના વિરોધ પછી નરેન્દ્ર મોદીને મુખ્ય વક્તાપદેથી હઠાવી દેવાયા હતા.
ત્યારે આ આયોજનના મુખ્ય પ્રાયોજકોમાંના એક અદાણી ગ્રૂપે આર્થિક સહાય પાછી ખેંચી લીધી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો