હર્ષદ મહેતા : શૅરબજારમાં અસમાન્ય ઉછાળો લાવનાર એ ગુજરાતી, જેના કૌભાંડે અનેકને ડુબાડી દીધા

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

1991માં રાજીવ ગાંધીના મૃત્યુ પછી પી. વી. નરસિહ્મારાવે અલ્પમતવાળી કૉંગ્રેસની સરકાર સંભાળી. અગાઉની બે સરકારોના અલ્પજીવી કાર્યકાળ તથા ઉપરાછપરી ચૂંટણી અને પૉલિસી પૅરાલિસિસને કારણે દેશનો ખજાનો ખાલી થઈ ગયો હતો. દેશનું સોનું ઇંગ્લૅન્ડની બૅન્કમાં ગીરવે મૂકીને નાણાં ઊભા કર્યાં ત્યારે દેશનું ગાડું ગબડ્યું.

આ સંજોગોમાં લાઇસન્સરાજની નાબૂદી અને દેશનું બજાર વિદેશો માટે ખોલવું એ તત્કાલીન નાણાંમંત્રી ડૉ. મનમોહનસિંહની નીતિ પણ હતી અને મજબૂરી પણ હતી. તેમને તત્કાલીન વડા પ્રધાનનું પૂરેપૂરું પીઠબળ હાંસલ હતું.

ઉજ્જવળ ભવિષ્યની આશાએ લોકોનું શૅરબજાર તરફ આકર્ષણ વધવા લાગ્યું. લગભગ સાત-આઠ વર્ષ પહેલાં બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જનું કામ શરૂ કરનારા મૂળ ગુજરાતી હર્ષદ મહેતાને તેમાં તક દેખાઈ. તેણે કહ્યું કે લિબ્રલાઇઝેશન, ગ્લૉબલાઇઝેશન તથા પ્રાઇવેટાઇઝેશન (એલપીજી નીતિ)ને કારણે હવે આંતરરાષ્ટ્રીય રોકાણ કંપનીઓ ભારતમાં આવશે. આ સંજોગોમાં શૅરબજાર વધશે અને લોકો પૈસા બનાવી શકશે.

સામાન્ય રીતે કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં શાણા રોકાણકારો દ્વારા કંપનીની આવક, ખર્ચ, મૅનેજમૅન્ટ, ભાવિ તકો સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ મહેતાએ પોતાની પસંદગીની કંપનીના શૅરોમાં રોકાણકારોનું આકર્ષણ વધારવા માટે 'કોસ્ટ રિપ્લેસ્મૅન્ટ' થિયરી આપી હતી.

મહેતાનું કહેવું હતું કે 'આજે આ કંપની જે કદની છે, તેવી નવી કંપની ઊભી કરવા માટે પાંચ ગણી રકમની જરૂર પડે, જ્યારે બજારમાં ઉપલબ્ધ શૅરના આધારે જોવામાં આવે તો તે (ઉદાહરણ માત્ર) અડધી કિંમતે ઉપલબ્ધ છે. મતલબ કે કંપનીના શૅર હજુ 10 ગણા ઉછળી શકે તેમ છે.'

હર્ષદ મહેતાનું શૅરબજારમાં વિશ્વાસુ બ્રોકરોનું મોટું નેટવર્ક હતું. જે મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાં કેન્દ્રિત હતું. હર્ષદ પહેલાં પોતાના તથા ક્લાયન્ટના પૈસાથી શૅરના ભાવોમાં ઉછાળો લાવતા, લોકોમાં આકર્ષણ વધતું, એટલે ભાવ વધવા લાગે, એટલે લોકોને મહેતાની વાતમાં વિશ્વાસ બેસે.

પ્રારંભિક તેજીમાં હર્ષદ મહેતાએ ટૉયોટા લેક્સસ ગાડી ખરીદી હતી, તેની પાસે મુંબઈના પોશ વર્લી વિસ્તારમાં સી-ફેસિંગ ઍપાર્ટમેન્ટ હતું. નરિમાન પૉઇન્ટ ખાતે ઓફિસ હતી. પોતાની કંપનીના શૅરોના ભાવોને કૃત્રિમ રીતે ઊંચા લાવવા તથા રાખવા માટે ઉદ્યોગપતિઓ સાથે ફાઇવ-સ્ટાર હોટલમાં બેઠકો ચાલતી. ઉદ્યોગપતિઓ આને માટે ભંડોણ પણ પૂરું પાડતા.

હર્ષદ મહેતા મીડિયાના લાડલા બની ગયા હતા. લેકસસ ગાડી સાથેની તસવીરો પ્રસારમાધ્યમોમાં છપાતી અને શૅરબજારમાં રાતોરાત ધનવાન બની શકાય, તેનું જીવંત ઉદાહરણ તેમની સામે હતું.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં 1991- ' 92ની તેજી સમયે લખપતિ બની ગયાના અનેક કિસ્સા સાંભળ્યા છે, તો પરપોટો ફૂટ્યા પછી આત્મહત્યા કરવી પડી હોય કે નાદાર થયા હોય તેવા પણ અનેક કિસ્સા સાંભળ્યા અને વાંચ્યા છે.

શૅરોના ભાવને ઊંચા રાખવા માટે હર્ષદ મહેતાની આવકનો એક સ્રોત બીજો હતો, જેણે તેના પતનમાં મુખ્ય ભૂમિકા ભજવી.

જ્યારે મહેતાની ટક્કર સૌપ્રથમ શૅરબજારના 'બેઅર' સાથે થઈ

શૅરબજારમાં હર્ષદ મહેતા 'બૂલ' (તેજીમાં માનનાર) હતા, તો મનુ માણેક 'બેઅર' હતા. બંને વચ્ચે સૌ પહેલી ટક્કર 1984માં થઈ, ત્યારે હર્ષદ મહેતાએ શૅરબજારમાં હજુ સુધી કાઠું નહોતું કાઢ્યું.

1992ના કૌભાંડને બહાર લાવનારાં સુચેતા દલાલે તેમના પુસ્તક મનુ માણેક તથા હર્ષદ મહેતા વચ્ચેની પ્રથમ ટક્કરનો ઉલ્લેખ કર્યો છે :

હર્ષદ મહેતાએ 1984માં બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જનું કાર્ડ ખરીદ્યું હતું. 1985- '86 આસપાસ SPICના (સર્ધન પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશન) શૅરમાં હર્ષદ મહેતાનું વલણ તેજીતરફી હતું, તેણે વ્યક્તિગત રીતે તથા ક્લાયન્ટનું રોકાણ કરેલું હતું, જ્યારે મનુ માણેકની કાર્ટેલે તેમાં મંદીનું વલણ અપનાવ્યું હતું.

તા. 28મી ફેબ્રુઆરીએ વી. પી. સિંહનું બજેટ નિરસ રહ્યું હતું, જેના કારણે બજારનો મૂડ ખરાબ થઈ ગયો હતો.જોતજોતામાં અમુક ટ્રૅડિંગ સેશનમાં જ SPIC શૅરનો ભાવ રૂ. 180થી ઘટીને રૂ. 125 ઉપર આવી ગયો હતો. મંદીવાળાએ અફવા ફેલાવી કે હર્ષદ મહેતાએ અફવા ફેલાવી કે 'હર્ષદ મહેતા તૂટી ગયો છે અને તે પૈસા ચૂકવી શકે તેમ નથી.'

હર્ષદ મહેતાના અનેક અસીલોએ ખોટ વેઠી અને જેમણે નુકસાન વેઠવાની તૈયારી ન દાખવી, તેમની રકમ ભરપાઈ હર્ષદે કરી દીધી. આ વાતે મંદીવાળા ખેલાડીઓને આંચકો આપ્યો અને પહેલાં રાઉન્ડમાં મહેતાને ખાસ નફો ન થયો, પરંતુ મંદીવાળા બરબાદ ન કરી શક્યા.

હર્ષદ મહેતાનાં પત્ની જ્યોતિએ આના વિશે સ્પષ્ટતા કરતા કહે છે કે, "મનુ માણેકની ખૂબ જ નજીકની વ્યક્તિ દ્વારા અગાઉથી જ હર્ષદ મહેતાને આના વિશે માહિતી આપી દેવામાં આવી હતી. એટલે અફવાઓને બંધ કરવા માટે હર્ષદે નિર્ધારિત સમય કરતાં 14 દિવસ પહેલાં જ નાણા જમા કરાવી દીધા."

"જોકે, હર્ષદને અંદાજ આવી ગયો હતો કે જો મોટા બનવું હોય તો અસીલોના પૈસાથી મોટું નહીં બની શકાય, એટલે ધંધામાં વૈવિધિકરણ કર્યું."

હર્ષદ મહેતાના મૃત્યુનાં લગભગ 20 વર્ષ સુધી મૌન રાખ્યા બાદ મૃત પતિ ઉપર લાગેલા આરોપો અને તેમાં થયેલા ખુલાસા અને અંગત બાબતો ઉપર પ્રકાશ પાડતી વેબસાઇટ રજૂ કરી છે. જોકે, કોર્ટમાં ચાલતા કેસો ઉપર તેમાં ટિપ્પણી નથી કરી. જ્યોતિનું કહેવું છે કે મહેતા પરિવાર સામે લગભગ 1200 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

હર્ષદ મહેતાના નસીબમાં વધુ મોટા બનવાનું અને પાંચ વર્ષ બાદ માણેક તથા મહેતા વચ્ચે વધુ એક ખરાખરીનો જંગ ખેલાવાનો હતો, જે બંને માટે ઘાતક સાબિત થવાનો હતો.

હર્ષદ મહેતાથી શૅરબજારના અમિતાભ સુધી

હર્ષદ મહેતાની ઓળખ એક સમયે 'શૅરબજારના અમિતાભ બચ્ચન', 'સામાન્યથી સફળની કહાણી' અને ગુજરાતીઓ માટે 'હર્ષદભાઈ' હતા, જેમણે અનેક ટ્રૅડર્સને રાતોરાત લખપતિ બનાવી દીધા હતા. તો અનેક રોકાણકારોને રાતે પાણીએ રોવડાવ્યા હતા.

કૌભાંડ બહાર આવ્યા પછી હર્ષદ મહેતાએ દેશના તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહ્મારાવ તથા કૉંગ્રેસ પાર્ટીને રૂ. એક કરોડની ચૂકવ્યા હોવાનો દાવો કર્યો હતો.

અનેક કેસમાં મુખ્ય આરોપી હર્ષદ મહેતાને કૌભાંડમાં કોણે-કોણે સાથ આપ્યો હતો તે અંગે હજુ રહસ્ય પર પડદો પડેલો હતો. એક વખત કૌભાંડના આરોપી બન્યા બાદ હર્ષદે ફરી એક વખત શૅરબજારમાં પ્રવેશ કર્યો હતો પરંતુ કૌભાંડમાં પણ દોષિત ઠર્યા બાદ જેલવાસ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

મહેતા પરિવાર સામે કુલ 1 હજાર 200 જેટલા કેસ દાખલ થયા, જે ભારતીય કાયદાવ્યવસ્થામાં એક આગવી ઘટના છે.

1992ના શૅરબજારના કૌભાંડ પછી ભારતીય શૅરબજારો ઉપર અનેક નિયંત્રણ આવ્યાં હતાં અને સરકારી નિયંત્રણો વધુ સુદ્રઢ બન્યા હતા, જેથી કરીને રોકાણકારોના હિતોને જાળવી શકાય. છતાં તેમાં રહેલી ખામીઓ સમયાંતરે બહાર આવતી રહે છે.

હર્ષદ મહેતાને 'બિગ બૂલ' તરીકે ઓળખવામાં આવે છે, જેણે શૅરબજારને 'બિગ બેઅર' એવા મનુ માણેકની પકડમાંથી છોડાવ્યું હતું અને તેજીભર્યું વલણ રાખીને પણ શૅરબજારમાં પૈસા બનાવી શકાય છે, તે વાત પુરવાર કરી આપી હતી.

...ને પરપોટો ફૂટી ગયો

ત્રણ-ચાર વર્ષમાં હર્ષદ મહેતાનો સિતારો ગર્દિશમાં હતો. સરકારી સ્રોતોમાંથી આવતા પૈસાના જોરે બજારને એકલાહાથે ઊંચુ લાવવામાં મહેતાને સફળતા મળી હતી. ચારેક વર્ષ પહેલાં સુધીનો અજાણ્યો શૅર બ્રૉકર 'શૅરબજારનો અમિતાભ બચ્ચન', 'હર્ષદભાઈ' અને 'બિગ બૂલ' બની ગયો હતો.

એ અરસામાં મંદી રમનારા રાકેશ ઝુનઝુનવાલાએ એક જાહેરકાર્યક્રમમાં કહ્યું હતું કે, 'હર્ષદ મહેતાએ એસીસી (ઍસોસિયેટ સિમેન્ટ કંપની)ના શૅરમાં તેજીનું વલણ અપનાવ્યું હતું અને તેના શૅરને રૂ. 10 હજાર સુધી લઈ ગયા હતા. વાસ્તવમાં કંપનીનું એટલું મૂલ્યાંકન ન હતું, એટલે મંદી કરવાની શરૂ કરી હતી.'

મંદીવાળા ખેલાડીઓને હતું કે ટૂંકસમયમાં મહેતાએ ઊભો કરેલો પરપોટો ફૂટી જશે. જોકે, સરકારી સ્રોતોમાંથી નાણાં મેળવનારા મહેતાને તેજી યથાવત્ રાખવામાં સફળતા મળી. આથી, માણેક તથા તેમના સાથીઓની સ્થિતિ ભારે કફોળી થઈ ગઈ હતી. ભારે ખોટ ગઈ અને કંપનીના શૅરનો ભાવ રૂ. 10 હજાર પર પહોંચી ગયો.

જ્યોતિ મહેતાનું કહેવું છે કે માત્ર રૂ. 500 કરોડના જોરે કોઈ વ્યક્તિ સમગ્ર બજારમાં ચારગળો ઉછાળો લાવી ન શકે.

એ અરસામાં મહેતાના આર્થિક સ્રોતો તથા કથિત ગેરરીતિના અહેવાલ માધ્યમોમાં છપાયા. પોતાની પાસે રહેલા શૅર મહેતા વેંચી ન શક્યા અને તેમનો ભાવ સતત ગગડવા લાગ્યો.

મહેતા આર્થિક રીતે બરબાદ થઈ ગયો અને તેની ધરપકડ પણ થઈ. તેમની સામે અનેક કેસ દાખલ થયા. જોકે, મનુ માણેક પણ ખુંવાર થઈ ગયા હતા અને તેમણે બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જમાં પોતાના કાર્ડ તથા બીજી અમુક સ્થાવર-જંગમ મિલ્કતો વેંચવી પડી હોવાનું કહેવાય છે.

એ અરસામાં મંદી કરનારા રાધાકૃષ્ણ દામાણીએ (ડીમાર્ટના સ્થાપક) કથિત રીતે તેમના મિત્રોને કહ્યું હતું કે જો હર્ષદ મહેતાએ વધુ સાત દિવસ માટે પોતાની પૉઝિશન જાળવી રાખી હોત, તો મારે ભીખ માગવાનો વારો આવ્યો હોત.

મુશ્કેલીના સમયમાં મહેતાએ લેકસસ સહિતની પોતાની વૈભવી કારોને વેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ગાડીને કારણે જ તે નજરે ચડ્યો અને તેની માઠી બેઠી હોવાનું માનવામાં આવતું એટલે આયાત થયેલી વૈભવી કારો સસ્તામાં મળતી હોવા છતાં અંધશ્રદ્ધાને કારણે કેટલાક ઉદ્યોગપતિઓ તથા શૅરબજાર સાથે સંકળાયેલા લોકોએ તેને ખરીદવાનો ઇન્કાર કરી દીધો હતો.

હર્ષદ મહેતાનો 'કુબેર ભંડાર'

સૌપહેલાં આ કૌભાંડનો પર્દાફાશ કરનારા સુચેતા દલાલના કહેવા પ્રમાણે, 1992નું કૌભાંડ એ 'સ્ટૉક માર્કેટ સ્કૅમ' કરતાં 'સિક્યૉરિટીઝ સ્કૅમ' વધુ હતું. તેણે દેશની નાણાંવ્યવસ્થામાં રહેલી અનેક ત્રુટિઓને ખુલ્લી કરી દીધી હતી.

એ સમયમાં બૅન્કોએ તેમની થાપણોના લગભગ 66 ટકા હિસ્સો રાહતદરે ધિરાણ આપવા માટે અથવા તો પરાણે ચોક્કસ જામીનગીરી વગેરેમાં રોકવો પડતો હતો, જેના કારણે તેમનો નફો નીચો રહેતો. આવા સમયે હર્ષદ મહેતાએ તેમને ઊંચી આવકની આશા દેખાડી.

તેણે બૅન્કના અધિકારીઓ સાથે મળીને બૅન્ક રિસિપ્ટ મેળવતો, જે એ વાતની ખાતરી સમાન હતું કે બ્રૉકર પાસે સરકારી જામીનગીરી છે. જે અન્ય બૅન્કને દેખાડવામાં આવતી અને તેના ઉપર નાણાં મેળવવામાં આવતા. ધીરનાર બૅન્કને લાગતું હતું કે તે સરકારી જામીનગીરીની સામે નાણાં ધીરી રહી છે.

હર્ષદ મહેતા આ નાણાં શૅરબજારમાં રોકતો અને જંગી નફો રળતો દરમિયાન દિવસના હિસાબથી વ્યાજની ગણતરી કરીને બૅન્કોને નાણાં પરત કરી દેતો.

ત્રિલોક કુમાર જૈન તેમના પુસ્તક 'ક્રિમિનલ ઍન્ટરપ્રૅન્યૉરશિપ'માં લખે છે કે હર્ષદ મહેતા દ્વારા પાંચ શહેરમાં 20 બૅન્કની 37 શાખામાં 165 જેટલાં એકાઉન્ટ ઑપરેટ કરતો હતો, જેનું ટર્નઑવર તા. પહેલી એપ્રિલ 1991થી 30મી મે 1992ની વચ્ચે કુલ્લે રૂ. 72 હજાર 212 કરોડ જેટલું હતું અને કૌભાંડનો કુલ આંકડો રૂ. ચાર હજાર કરોડ કરતાં વધુનો હતો.

જૈન લખે છે કે, નાણાંકીય વર્ષ 1991- '92 દરમિયાન જાહેરસાહસની બૅન્કોનો જામીનગીરીઓનો કુલ વેપાર રૂ. 48 હજાર 562 કરોડ આસપાસનો હતો, જેમાંથી રૂ. 17 હજાર 300 કરોડ જેટલા વેપાર મહેતા મારફત કરવામાં આવ્યા હતા. જે કુલ વ્યવહારોના લગભગ 35.5 ટકા જેટલા છે.

બીઆરના આધારે પૈસા મેળવવાની હર્ષદની વ્યવસ્થા પ્રત્યે આંખ આડા કાન કરવાના આરોપસર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

જ્યોતિ મહેતાનું કહેવું છે કે બૅન્કો અને હર્ષદ મહેતાને બીએસઈના નિયમો અને નિયંત્રણો બંધનકર્તા હતા, બૅન્કો દ્વારા કરવામાં આવતા ગુપ્ત પત્રવ્યવહાર અંગે સ્વાભાવિક રીતે હર્ષદ મહેતાને જાણ ન હોય અને એટલે જ તે તેમને બંધનકર્તા ન રહે.

જ્યારે મહેતા પર આવકવેરા ખાતાના દરોડા પડ્યા ત્યારે શૅરબજારનું સેન્ટિમૅન્ટ ખરડાઈ ગયું તથા મહેતાની પસંદગીની કંપનીના શૅરોને જ નહીં, પરંતુ પ્રમાણમાં સારી કંપનીના શૅરના ભાવ પણ તૂટ્યા હતા.

1990ના દાયકાના અંત ભાગમાં હર્ષદ મહેતા ફરી એક વખત શૅરબજારમાં પરત ફર્યો અને પ્રારંભિક સફળતા પણ મળી પણ અગાઉ જેવો પ્રભાવ ઊભો કરવામાં નિષ્ફળતા મળી. બાદમાં શૅરબજારમાં ગેરરીતિ આચરવાના આરોપ લાગ્યા, જે સાબિત પણ થયા. દરમિયાન જૂના કેસમાં સુનાવણી અને સજા પણ થઈ.

આ કૌભાંડે તપાસ એજન્સીઓને વિચારતી કરી મૂકી

હર્ષદ મહેતાના કૌભાંડમાં અધિકારીઓ તથા નેતાઓના ભ્રષ્ટાચારના ઍંગલથી તપાસ કરનારા તત્કાલીન આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) આમોદ કંઠે અગાઉ આ લખનારને જણાવ્યું હતું, "હર્ષદ મહેતા ખૂબ જ ચાલાક ગુનેગાર હતો. તેને શૅરબજાર, જાહેરસાહસો, અર્થતંત્ર તથા દેશની નાણાંકીયવ્યવસ્થાની ઊંડી સમજ હતી."

"પહેલી વખત મારી અને તેની મુલાકાત બૉમ્બેમાં થઈ હતી, ત્યારે તે સીબીઆઈની કસ્ટડીમાં હતો. તેણે મને કહ્યું હતું કે 'આવતા મહિને મારો જન્મદિવસ છે, એ પહેલાં મને જામીન મળી જશે અને હું બહાર જ મારો જન્મદિવસ ઊજવીશ. તેનો આત્મવિશ્વાસ જોઈને મને આશ્ચર્ય થયું હતું."

"ત્યારબાદ હર્ષદને દિલ્હી લાવવામાં આવ્યો. અહીં તે એક મહિના કરતાં વધુ સમય સુધી મારી કસ્ટડીમાં રહ્યો. તે મૃદુભાષી હતો. તેનું કહેવું હતું કે 'મને પકડીને તમને શું મળ્યું, અંતે તો બધાના પૈસા ધોવાયા. જો મને બહાર નીકળવા દેવામાં આવે તો હું થોડા સમયમાં જ બાકી નીકળતા પૈસા ચૂકવી દઇશ.' જોકે આમ કરવું શક્ય ન હતું. "

કંઠનું કહેવું છે કે અન્ય શૅર દલાલોની સરખામણીમાં તે સારું અંગ્રેજી બોલી શકતો હતો અને તેની હિંદી થોડી ગુજરાતી ટોનવાળી રહેતી. તેઓ ઉમેરે છે કે મહેતાએ દેશની તપાસ એજન્સીઓને આર્થિક ગુનાઓ તથા તેની બારીકાઈઓ વિશે ઘણું નવું શીખવા માટે મજબૂર કર્યાં.

હર્ષદ મહેતાએ જ્યારે દેશના વડા પ્રધાન પર આરોપો મૂક્યા

જ્યારે 1992ના કૌભાંડની ચર્ચા ચરમ પર હતી, ત્યારે 1993માં હર્ષદ મહેતાએ આરોપ મૂક્યો હતો કે તેણે રૂ. એક કરોડ તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિહ્મારાવને લાંચ પેટે ચૂકવ્યા હતા.

મહેતાએ પોતાના વકીલ રામ જેઠમલાણીની હાજરીમાં, બૉમ્બેની (હાલનું મુંબઈ) ફાઇવ-સ્ટાર હોટલમાં પત્રકારોની હાજરીમાં બૅગમાં રૂ. 67 લાખ ભરવાનું નિદર્શન કરી દેખાડ્યું હતું. અન્ય લોકો પણ કૌભાંડમાં સામેલ હોવા છતાં માત્ર હર્ષદ મહેતાને 'બલિનો બકરો' બનાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ જેઠમલાણી પિતા-પુત્ર દ્વારા મૂકવામાં આવ્યો હતો.

તત્કાલીન વાણિજ્ય પ્રધાન પી. ચિદમ્બરમ સુધી મહેતાના કૌભાંડનો રેલો પહોંચ્યો હતો, એ સમયે તેમણે કૌભાંડમાં સંડોવણીનો ઇન્કાર કર્યો અને પદ પરથી રાજીનામું આપી દીધું. રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર, જાહેર સાહસની બૅન્કો, નાણાકીય એકમો સહિત અનેક સંસ્થાના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ થઈ કે તેમની પૂછપરછ થઈ.

અને પછી...

1991ના કૌભાંડ પછી સેબી (સિક્યૉરિટી ઍક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા)એ નિયમોને વધુ કડક બનાવ્યા, છતાં હજુ તે કેટલા સઘન છે, તેના ઉપર સમયાંતરે સવાલ ઉઠતા રહે છે. શૅરના સર્ટિફિકેટ તથા અન્ય જામીનગીરીઓ ડિમટિરિયલાયઝ (ડિમેટ, મતલબ કે ભૌતિક સ્વરૂપે નહીં) બની છે.

બીએસઈ તથા કલકત્તા સ્ટૉક ઍક્સચેન્જની મૉનૉપૉલી તોડવાને માટે નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) અસ્તિત્વમાં આવ્યું. વ્યાજબદલાની જગ્યાએ ફ્યૂચર્સના સોદા અસ્તિત્વમાં આવ્યા અને વ્યવહારો કમ્પ્યૂટરીકૃત બન્યા.

હર્ષદ મહેતા ઉપર ચોક્કસ કંપનીના શૅર ઉપર લઈ જવાના આરોપ લાગ્યા હતા, જેમાંથી અમુક બંધ થઈ ગઈ છે, જ્યારે બીજી કેટલીક કંપનીઓ હજુ ચાલુ છે, તેના શૅર બજારમાં ટ્રૅડ થાય છે.

બેએક વર્ષ અગાઉ ઓટીટી (ઓવર ધ ટૉપ પ્લૅટફૉર્મ) પર રજૂ થયેલી અભિષેક બચ્ચનઅભિનિત ફિલ્મ 'ધ બિગબૂલ', આ સિવાય વેબસિરીઝ 'સ્કૅમ: 1992', વેબસિરીઝ 'ધ બૂલ ઑફ દલાલ સ્ટ્રીટ' અને ફિલ્મ 'ગફલા' કથિત રીતે હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે.

હર્ષદ મહેતાની કહાણીમાં સફળતા છે, સસ્પેન્સ છે, ડ્રામા છે, નિષ્ફળતા છે. એક સફળ ફિલ્મ કે વેબસિરીઝ માટે જરૂરી તમામ તત્વો એમાં છે, એટલે તેણે સર્જકોને આકર્ષ્યા છે અને કદાચ આગળ પણ આકર્ષશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો