'ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડ માટે ગર્ભવતી થયો'- કેરળના ટ્રાન્સજેન્ડર કપલની કહાણી

  • સહદ અને જિયાએ બાળકને જન્મ આપવાનું કેમ નક્કી કર્યું?
  • જિયા અને સહદની રિ-અસાઇનમેન્ટની ટ્રીટમેન્ટ ચાલી રહી છે
  • સહદ કેવી રીતે બાળકને જન્મ આપશે?
  • સહદ એક ખાનગી કંપનીમાં ઍકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને જિયા એક ડાન્સર છે

કેરળનાં સહદ અને જિયા ટ્રાન્સજેન્ડર છે. થોડાડ દિવસોમાં તેઓ માતા-પિતા બનવાનાં છે. સહદની પ્રેગનેન્સીના ફોટો વાઇરલ થઈ રહ્યા છે.

કેરળના કોઝિકોડ-ઉમ્માલાથુર વિસ્તારના સહદ અને જિયા બંને ખૂબ ખુશ છે. સહદ તુલસી મહિલા તરીકે જન્મ્યાં હતાં અને પુરુષ બન્યા હતા. એ જ રીતે જિયા પાવલ ટ્રાન્સજેન્ડર છે, જે પુરુષ તરીકે જન્મ્યા હતા અને મહિલા બન્યાં છે.

તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહે છે. તેઓ પ્રથમ સંતાનની ઇચ્છાના કારણે બાળકને દત્તક લેવા માગતાં હતાં, પરંતુ કેટલીક કાયદાકીય બાબતોના કારણે તેમણે જાતે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું અને ડૉક્ટરનો સંપર્ક કર્યો.

જોકે સહદના સ્તન સેક્સ રિ-અસાઇનમેન્ટ સર્જરીમાં કાઢી નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમના ગર્ભાશય સહિતનાં અંગો હજુ કાઢવાનાં બાકી હતાં. તેથી ડૉક્ટરોએ કહ્યું કે તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા ગર્ભવતી બની શકે છે. જોકે જિયા અને સહદ બંનેની રિઅસાઇમેન્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, પરંતુ ડૉક્ટરે કહ્યું છે કે સહદ ગર્ભવતી થઈ શકે છે, કારણ કે તેઓ હજુ સંપૂર્ણપણે વિકસિત નથી.

તે મુજબ, જિયાના શુક્રાણુને લૅબોરેટરીમાં પુન:પ્રાપ્ત કરવામાં આવ્યા અને તેને સહદના ગર્ભાશયમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યા. સહદે આ રીતે ગર્ભ ધારણ કર્યો, સહદ ફેબ્રુઆરી મહિનામાં સિઝેરિયન સેક્શન દ્વારા બાળકને જન્મ આપવાના છે.

જિયા 'માતા' શબ્દ સાંભળવાની રાહ જોઈ રહ્યાં છે

જિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે, "હું જન્મથી એક છોકરી ન હતી, પરંતુ મારું પોતાનું એક બાળક હોય એવું મારું સપનું હતું, જે મને 'મા' કહીને બોલાવે."

તેમણે વધુમાં કહ્યું હતું, "અમે સાથે રહેવાનું શરૂ કર્યું તેને ત્રણ વર્ષ થઈ ગયાં. જેમ મારું માતા બનવાનું સપનું છે, તે જ રીતે સહદનું પિતા બનવાનું સપનું છે. હવે આઠ મહિનાનો જીવ તેના ગર્ભમાં ઉછરી રહ્યો છે."

જિયાએ કહ્યું છે કે, જ્યાં સુધી તેને ખબર છે, ભારતમાં આ પ્રકારના કિસ્સામાં પહેલી વાર ગર્ભ રહ્યો હોય તેવું બન્યું છે. સહદે બીબીસી તામિલ સાથે વાત કરી હતી.

સહદ તિરુવંતપુરમના રહેવાસી છે અને જિયા કોઝિકોડ જિલ્લાનાં રહેવાસી છે. સહદ એક ખાનગી કંપનીમાં ઍકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે, જિયા એક ડાન્સર છે.

કેવી રીતે થયો પ્રેમ?

સહદે કહ્યું છે કે, "હું જિયાને પહેલીવાર 2020માં મળ્યો હતો, જ્યારે કોરોના મહામારી ચાલી રહી હતી. ત્યારથી જ અમારી વચ્ચે પ્રેમ થયો."

સહદે 6 વર્ષ પહેલાં ઘર છોડી દીધું હતું.

"તેમણે મને તેમના ઘરમાં સ્વીકારી લીધો છે. હું ઘરે જતો રહેતો હતો, પરંતુ પ્રેમ થયા બાદ હું બે વર્ષ સુધી ઘરે ગયો નથી, કારણ કે મને ડર હતો કે મારી માતા શું વિચારશે અને સમાજ શું વિચારશે."

સહદે કહ્યું કે, "હવે મારો સ્વીકાર કરવામાં આવ્યો છે. મારાં માતા અને નાની બહેન દરેક મને મળવાં આવે છે."

સહદે કહ્યું કે, "જિયા માટે એવું નથી. જિયા એક પરંપરાગત મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેમના પરિવારે હજુ પણ તેમનો સ્વીકાર કર્યો નથી."

સહદ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા, ત્યારે પોતાને પુરુષ સમજતા હતા. તેમણે કહ્યું કે, "મે માસ્ટેક્ટૉમી કરાવી છે. હું હોર્મોન થેરાપી લઉં છું. જોકે મારે ગર્ભ હોવાથી, અમે બંનેએ હોર્મોન થેરેપી બંધ કરી દીધી છે. બાળકના જન્મ બાદ અમે તે ફરી શરૂ કરીશું."

બાળકના વિચાર વિશે સહદે કહ્યું છે કે, "અમે બે વર્ષ સુધી સાથે રહ્યા બાદ જ બાળક ઉછેરવાનો નિર્ણય કર્યો હતો. અમે દત્તક લેવાનો વિચાર કર્યો, પરંતુ ટ્રાન્સજેન્ડર કપલની સામે આવતી કાયદાકીય સમસ્યાઓના કારણે બાળક દત્તક લેવું શક્ય ન હતું. "

"ત્યારબાદ અમે આ નિર્ણય લીધો છે. અમે તપાસ કરી છે કે હોર્મોન ટ્રીટમેન્ટ લેવાથી કોઈ સમસ્યા તો થતી નથી ને. પ્રાથમિક સારવાર દરમિયાન ગર્ભની રચના થઈ ન હતી."

તેમણે કહ્યું હતું કે, "આ બીજી વખત ગર્ભની રચના થઈ હતી. ખાતરી થયા બાદ સૌથી પહેલાં મારી બહેનને જણાવ્યું હતું. તે ઘણી ખુશ હતી. બાળક આ જ મહિને આવવાનું છે."

પ્રેગ્નન્સીની વાઇરલ થઈ રહેલી તસવીરો વિશે વાત કરતા સહદે કહ્યું કે, "અમે પોતાના માટે તસવીર લીધી હતી, પરંતુ અમને આટલો પ્રેમ અને આવકારો મળવાની આશા ન હતી."

તેઓએ કહ્યું છે કે, "નકારાત્મક ટિપ્પણીઓ આવે છે, પણ અમે તેને સકારાત્મક રૂપમાં જોઈએ છે. અમે હવે બાળકનો ઉછેર કેવી રીતે કરીશું તેની તૈયારી કરી રહ્યા છીએ. બાળકને તેનું લિંગ નક્કી કરવા દઈએ, આવો બાળકનો એક સારા વ્યક્તિના રૂપમાં વિકાસ કરીએ. મારું સિઝેરિયન સેક્શન હશે. અમે હિસ્ટેરેક્ટૉમી કરવા જઈ રહ્યા છીએ."

સહદ અને જિયાનું કહેવું છે કે, બાળક એક વર્ષનું થાય, ત્યારપછી જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

"જિયા ઉત્સુક છે કે બાળક ક્યારે જન્મશે. હું આ બાળકનો પિતા છું અને જિયા માતા છે."

સહદે કહ્યું છે કે, "એક મહિલાએ સ્વૈચ્છિક રીતે અમારા બાળકને માતાનું દૂધ દાન કરવાનું કહ્યું છે. અમે ખુશ છીએ કે લોકોએ અમને સ્વીકાર્યાં છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો