You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું લેસ્બિયન છું એટલે તેણે તેનાં ગુપ્તાંગ વિશે વાતો કરી, મારા પૈસા લૂંટી લીધા'
દેશમાં સંખ્યાબંધ લોકો રૂઢી-પરંપરાને અનુસરે છે ત્યારે આપણા સમાજમાં પોતે હોમોસેક્સ્યુઅલ કે (સમલિંગકામી) છે, એવું જાહેર કરવું તે કોઈ પુરુષ માટે મોટો પડકાર છે, પરંતુ કોઈ સ્ત્રી માટે લેસ્બિયન તરીકે પોતાની ઓળખ જાહેર કરવી એ તો અગ્નિપરીક્ષા જ છે.
જોકે, દેશમાં આવી ઘણી મહિલાઓ છે, જેમણે ભેદભાવનો સામનો કર્યો છે અને સમાજ સમક્ષ પોતાની લૈંગિક ઓળખ જાહેર કરી છે અને આજે એવી સ્ત્રીઓ વાસ્તવમાં નાયિકા બની છે.
આવી જ એક હિરોઇન છે સૌંદર્યા. તામિલનાડુના સાલેમ જિલ્લામાં રહેતી સૌંદર્યાએ તેના પરિવાર તથા સમાજ સમક્ષ પોતાના પ્રેમનો ખુલાસો કર્યો ત્યારે તેણે જોરદાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સૌંદર્યા દૃઢનિશ્ચય સાથે અડગ રહી હતી.
સૌંદર્યા સવાલ કરે છે કે “સ્ત્રીના શરીરની બહાર મારી એક ઓળખ છે તેને હું શા માટે છુપાવું?”
લેસ્બિયન સૌંદર્યાએ પોતાની વ્યથા બીબીસી સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી.
“હું લેસ્બિયન છું એ વાત મેં મારી બહેન તથા કાકાને ત્રણ વર્ષ પહેલાં જણાવી હતી અને એ બેમાંથી કોઈને તેની સામે વાંધો ન હતો. તેઓ મારી પડખે હતા, પણ મેં મારી માતાને આ વાત કહી ત્યારે તેમની આંખો કંઈક જુદું જ વ્યક્ત કરતી હતી.
લગભગ દોઢ વર્ષ પહેલાં હું મારી બહેન તથા કાકાને સાથે લઈને મારી સમલૈંગિક ઓળખ વિશે મારાં માતા-પિતાને જણાવવા ગઈ હતી. મારી માતાએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે પણ મારી માતા મને લગ્ન માટે દબાણ કરે છે.
પરિવાર ઉપરાંત સમાજ દ્વારા ભેદભાવનો સામનો પણ કરવો પડ્યો હતો. હું નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે મને સૌથી પહેલો એ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે છોકરા જેવા વાળ શા માટે કપાવ્યા છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સવાલના જવાબમાં મેં, હું લેસ્બિયન છું એવું કહ્યું ત્યાર પછી ઇન્ટરવ્યૂ લેનાર ટીમના લીડર મારી નજીક આવ્યા હતા. એ વખતે સોશિયલ મીડિયા પર મેં મારી ઓળખ જાહેર કરી દીધી હતી.
'મિટિંગમાં બિનજરૂરી વાત કરતા'
મેં તેમને વિગતવાર માહિતી આપી હતી, જેથી મારા વિશે કોઈ ગેરસમજ ન થાય. મને મારા પરિવારજનોનો ટેકો નથી એ જાણ્યા પછી તેમણે મને ખુલ્લેઆમ હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
ઑફિસની મિટિંગ છે એવું કહીને ટીમ લીડર મને રાતે 10 વાગ્યા પછી ફોન કરતા હતા. મિટિંગની ચર્ચા પાંચ મિનિટમાં થઈ જતી હોવા છતાં ટીમ લીડર મારી સાથે ફોન પર લાંબા સમય સુધી બિનજરૂરી વાતો કરતા હતા.
એક વખત મિટિંગ મધરાત સુધી ચાલી હતી, પરંતુ ચર્ચા જુદી જ દિશામાં આગળ વધી રહી હતી. તેથી મેં મારી બહેનને બાજુમાં બેસાડીને મિટિંગના સ્ક્રીન શોટ્સ લીધા હતા.
ટીમ લીડર મને સતત દબાણ કરતો હતો. તેણે એવી ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો કે મારી સમસ્યાના નિરાકરણ માટે હું બીજા કોઈ પાસે જઈ ન શકું અને જઈશ તો વરિષ્ઠ અધિકારીઓ મને નિશાન બનાવશે.
એક મિટિંગમાં તેમણે તેમના ગુપ્તાંગ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું. પરિવારનો ટેકો ન હોવાને કારણે હું કશું કરી શકીશ નહીં, એવું વિચારીને તેઓ શરૂઆતથી મારી સાથે દુર્વ્યવહાર કરતા હતા.
હું નાની હતી ત્યારે મારું યૌનશોષણ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન જે બન્યું હતું તેના આઘાતમાંથી હું હજુ પણ બહાર આવી ન હતી ત્યાં ઑફિસમાં આ ટીમ લીડરના ગેરવર્તનને કારણે મારા પર વધુ તણાવ સર્જાયો હતો. એ કારણે મારે કાઉન્સેલિંગ શરૂ કરવું પડ્યું હતું.
પછી એક સમય એવો આવ્યો કે વધુ સહન કરવાનું મારા માટે શક્ય ન હતું. આખરે મેં કંટાળીને અમારા મૅનેજરને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે એવું કહ્યું હતું કે ફરિયાદ કરીને હું સારી ટીમને બગાડી રહી છું.
મૅનેજરે મને કહ્યું હતું કે ગેરસમજ કરશો નહીં, માત્ર તમારા કામ પર ધ્યાન આપો. મારાથી તે સહન થયું નહીં. તેથી મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો.
એ વખતે મને કંપનીના એચઆર વિભાગના અધિકારી સાથે વાત કરવાની તક મળી હતી. મારી સાથે શું થયું હતું એ મેં જણાવ્યું ત્યારે તેમણે તત્કાળ પગલાં લીધાં હતાં.”
‘મારો પ્રેમ છીનવી લીધો’
આ સ્ત્રી લેસ્બિયન છે. તેથી તેને તેનો પરિવાર ટેકો આપતો નથી, એવી લોકોને ખબર પડે પછી લોકો એ સ્ત્રી સાથે ગેરવર્તન કરવા માંડે છે. એ સ્ત્રીની ઑફિસ હોય કે મિત્રો, આવું થવું સ્વાભાવિક છે.
મકાનમાલિકો સમલૈંગિક વ્યક્તિને મકાન ભાડે પણ આપતા નથી. જાહેર સ્થળે શૌચાલયનો ઉપયોગ કરવાની સમસ્યા સર્જાય છે. મારી સાથે આ બધી ઘટનાઓ બની છે. હું તેનો સામનો કરું છું.
હું પુરુષ જેવાં વસ્ત્રો પહેરતી હોવાથી અને મારી હેર સ્ટાઈલ પુરુષો જેવી હોવાથી પબ્લિક ટૉઇલેટમાં મારો પીછો કરવામાં આવે છે. આજે પણ હું જાહેરમાં જાઉં છું ત્યારે લોકો મને તાકતા રહે છે. તેમની આંખમાં મને એવો સવાલ દેખાય છે કે ‘આ છોકરી આવી કેમ છે?’
હું લેસ્બિયન છું એવું મેં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરેલું છે. ક્યારેક સામેની વ્યક્તિ પોતે લેસ્બિયન હોવાનો ઢોંગ કરીને મને ફસાવે છે.
સોશિયલ મીડિયા મારફત મારી મૈત્રી એક યુવતી સાથે થઈ હતી. સમય જતાં તે મૈત્રી પ્રેમમાં પરિવર્તિત થઈ હતી, પરંતુ એ પછી મારી સામે સમસ્યાઓ સર્જાવા લાગી હતી. મારી પાસેથી પૈસા પડાવવાના પ્રયાસ પણ થયા હતા.
હું જે યુવતીના પ્રેમમાં પડી હતી, તેની મોટી બહેન અમારી લાગણી સમજી શકી હતી અને તેણે અમને મદદનું વચન આપ્યું હતું.
તમે વિજાતીય વ્યક્તિને પ્રેમ કરો ત્યારે તમારા મિત્રો, ભાઈઓ, બહેનો અને ક્યારેક માતા-પિતા પણ તમારા પ્રેમને સમર્થન આપે છે, પરંતુ સમલૈંગિક સંબંધને ટેકો આપવાનો પ્રસંગ આવે ત્યારે ભાઈ-બહેન ભાગ્યે જ મદદે આવે છે. તેથી તેની બહેને મદદરૂપ થવાનું વચન આપ્યું એ જાણીને મને આનંદ થયો હતો.
જોકે, તેણે અમારા સંબંધનો દુરુપયોગ મારી પાસેથી પૈસા પડાવવા માટે કર્યો હતો. ઘરમાં તકલીફ છે એવું કહીને તે અવારનવાર મારી પાસેથી પૈસા માગતી હતી.
હું જે યુવતીને પ્રેમ કરતી હતી તેની બહેને અમારા સંબંધનો લાભ લીધો અને મારી પાસેથી ઘણા પૈસા પડાવ્યા હતા. આખરે મેં તેને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું.
‘મારી ઓળખ મારી તાકાત છે’
એ પછી હું જેને પ્રેમ કરતી હતી તે યુવતીએ મારી પાસે પૈસા માગવાની શરૂઆત કરી હતી, પરંતુ મેં પૈસા આપવાની ના પાડી ત્યારે તેણે સંબંધ તોડી નાખ્યો હતો.
મેં ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર પણ લેસ્બિયન તરીકેની મારી ઓળખ જાહેર કરેલી છે. તેથી મને કોઈ મદદ કરશે નહીં, એવું ધારીને તેણે મારો ગેરલાભ લીધો હતો અને મને સત્ય સમજાયું ત્યાં સુધીમાં હું ઘણા પૈસા ગુમાવી ચૂકી હતી.”
“આટલી બધી મુશ્કેલીનો સામનો કરવા છતાં મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે હું મારી સાચી ઓળખ શા માટે છતી કરું છું? તેનું કારણ એ છે કે હું મારી સાચી ઓળખ જાહેર કરું છું ત્યારે મને મારા અંતઃકરણમાંથી શક્તિ મળે છે.
અગાઉની સરખામણીએ મારા મિત્રો હવે ઓછા છે, કારણ કે જેમની સાથે સલામતી અનુભવું છું તેઓ જ આજે મારી નજીક છે.
મારા ઘણા મિત્રો ઉચ્ચ શિક્ષિત છે, પરંતુ તેમને મારી સાચી ઓળખની જાણ થઈ ત્યારે એ પૈકીના ઘણાએ મને બ્લૉક કરી દીધી હતી. તે દર્શાવે છે કે શિક્ષિત સમાજ પણ આ બાબતથી અજાણ છે.
આપણા સમાજમાં શૌચાલયના ઉપયોગથી માંડીને વસ્ત્રોની પસંદગી સુધીની અનેક સમસ્યાઓ છે.
કોઈ છોકરીને શાળા અભ્યાસ દરમિયાન તેની જાતીયતા સમજાય પછી છોકરા જેવાં વસ્ત્રો શા માટે ન પહેરી શકે? તેનું કારણ એ છે કે શાળા-કૉલેજોમાં આ વિશેની ગેરસમજ દૂર કરવાનો અભિગમ જ નથી.
તમે પુરુષ તરીકે જન્મ્યા હો તો તમને પુરુષ જેવાં વસ્ત્રો પહેરવાની ફરજ પાડવામાં આવે છે અને સ્ત્રી તરીકે જન્મ્યાં હો તો સ્ત્રી જેવાં વસ્ત્રો પહેરવાની. શાળા-કૉલેજોમાં આ વિશેનું વલણ બદલાશે તો જ જનજાગૃતિ કેળવાશે.
આજે મારો પરિવાર મારા વિશે જાણે છે. મારા મિત્રો મારા વિશે જાણે છે.
રસપ્રદ વાત એ છે કે મેં મારા સમુદાયના લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું છે. તેનાથી મારામાં સલામતીની ભાવના સર્જાઈ છે.
પહેલાં મને સમાજમાં હળવા-ભળવાનો ડર લાગતો હતો. જો તેમને મારી સાચી ઓળખની ખબર પડશે તો શું થશે, એ વિચારીને હું ભયભીત થઈ જતી હતી.
વિજાતીય લોકો જે રીતે એકમેકના પ્રેમમાં પડે છે, તેવી જ રીતે સમલૈંગિક લોકોને પણ પ્રેમ થઈ શકે છે, પરંતુ તેની કોઈને પરવા નથી. તેની મને માઠી અસર થશે તેવો ડર હતો, પણ હવે એવો ડર લાગતો નથી.
સોશિયલ મીડિયા પર બીભત્સ સવાલો પૂછતા લોકોને જવાબ કઈ રીતે આપવો તે હવે હું જાણું છું. હું તેમનાથી ડરતી નથી.
આજે મારી પાસે કોઈ પણ સમસ્યાનો સામનો કરવાની હિંમત છે. મારી ખરી ઓળખ જાહેર કરી તેને લીધે આ શક્ય બન્યું છે. હવે હું કોઈના માટે પીછેહઠ કરવા તૈયાર નથી.”