'લવજેહાદ' : 'પ્રેમમાં ગીતા કે કુરાનનું બંધન ન હોવું જોઈએ' – હિંદુ-મુસ્લિમ યુગલની આપવીતી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું મૂળ આણંદનો છું, પણ ઘણા વખતથી ભરૂચમાં સેલ્સમૅનની નોકરી કરું છું. ભરૂચમાં મારા ઘણા મુસ્લિમ મિત્રો થયા. મેં ઇસ્લામને સમજવાનો પ્રયાસ કર્યો અને મુસ્લિમ થવા માગતો હતો, પણ અલગઅલગ મંજૂરીને કારણે બે વર્ષથી બધું અટવાયેલું પડ્યું હતું. છેવટે હું હાઈકોર્ટમાં ગયો અને હવે હું મુસ્લિમ થઈ શકીશ."

બે વર્ષથી કાનૂની લડાઈ લડી રહેલા જિજ્ઞેશ પટેલ નવા કાયદાથી ઘણા વ્યથિત હતા, પણ હાઈકોર્ટે નવા કાયદાની કલમો મામલે 'સ્ટે' આપ્યા પછી હવે તેઓ રાહતની લાગણી અનુભવે છે.

33 વર્ષીય જિજ્ઞેશને લગ્ન માટે ધર્મપરિવર્તન નથી કરવું, પરંતુ તેમને ઇસ્લામ ધર્મ ગમે છે એટલે ધર્મપરિવર્તન કરવું છે. જેથી તેઓ નવો પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો નવેસરથી કઢાવી શકે.

જિજ્ઞેશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આણંદમાં નોકરીના સારા સ્રોત નહોતા એટલે હું ભરૂચ ગયો. અહીં સેલ્સમૅનની નોકરી દરમિયાન મારા ઘણા મુસ્લિમ મિત્રો બન્યા. શરૂઆતમાં હું મારા હિંદુ ધર્મ પ્રમાણે વર્તતો ત્યારે એમને કોઈ વાંધો પણ નહોતો."

"નોકરી પછી રાત્રે હું બીજાં પુસ્તકોની સાથેસાથે કુરાન પણ વાંચતો હતો. મને કુતૂહલ થયું, હું ઘણા મૌલવીને મળ્યો. હું સાત વર્ષથી નિયમિત રમજાન પાળું છું, પાંચ ટાઈમ નમાઝ પણ પઢું છું. અને બીજા રિવાજો પણ."

"છેવટે ઘણું વિચારી મેં મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું નક્કી કર્યું. મારો ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો દિવસ 2020ની જાન્યુઆરી હતો અને ઇમરાન પટેલ દ્વારા ઇસ્લામ અંગીકાર કરવાનો હતો."

પ્રેમીયુગલોને કેવી મુશ્કેલી પડી રહી છે?

જિજ્ઞેશ કહે છે, "મેં સરકારી નિયમ પ્રમાણે અરજી કરી. સરકારી બાબુઓને હું કોઈ બળજબરીથી કે કોઈ લોભ લાલચથી ધર્મપરિવર્તન નથી કરી રહ્યો એની એફિડેવિટ સુપરત કરી."

તેઓ કહે છે, "મારી માતા વિલાસબહેન પટેલ અને મારાં બહેન સેજલ પટેલે પણ મને ધર્મપરિવર્તન કરવાની મંજૂરી આપતી એફિડેવિટ કરી આપી. પણ બે વર્ષથી મને ધર્મપરિવર્તનની મંજૂરી ન મળતા છેવટે હાઈકોર્ટમાં અરજી કરી અને કોર્ટે દલીલો સાંભળ્યા બાદ બે મહિનામાં ધર્મપરિવર્તન અંગેનો અંતિમ નિર્ણય લેવાનું કહ્યું છે."

"લવજેહાદના કાયદામાં અમુક કલમો પર હાઈકોર્ટના સ્ટે પછી મારું મુસ્લિમ બનવાનું સપનું પૂરું થશે."

બીજી એક કહાણીની વાત કરીએ, તો કપડવંજની નસરીન અમદાવાદની સરકારી હૉસ્પિટલમાં પેરા-મેડિકલ સ્ટાફમાં નોકરી કરે છે.

હૉસ્પિટલ આવવા-જવા માટે નસરીન રોજ કપડવંજથી અમદાવાદ અપ-ડાઉન કરે છે.

આ સમયમાં તેમને સુધીર નામના યુવાન સાથે પ્રેમ થઈ ગયો. બંને લગ્ન કરવા માગતાં હતાં. એમના પરિવારના લોકોને શરૂઆતમાં વાંધો હતો.

સુધીર અને નસરીને પોતાના પરિવારને ભારે જહેમતથી આંતરધર્મીય લગ્ન કરવા માટે તૈયાર કર્યાં.

તેમની કહાણી વિશે સુધીર બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "અમારા વચ્ચે પ્રેમ થયો અને જ્યારે અમારા ઘરમાં ખબર પડી ત્યારે ભારે આફત ઊભી થઈ. નસરીનને નોકરી છોડાવવા સુધીની નોબત આવી ગઈ."

"મારે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે હું હિંદુ અને નસરીન મુસ્લિમ છે."

તો નસરીન કહે છે, "મારા ઘર અને સમાજને ખૂબ વાંધો હતો. મારાં લગ્નની વાત થતી તો હું કહી દેતી કે હું હિંદુ છોકરાના પ્રેમમાં છું, આથી અમારા સમાજમાં વાત ફેલાઈ ગઈ. હું લગ્ન કરવા માટે તૈયાર હતી."

"છેવટે મારાં માતાપિતાએ મંજૂરી આપી, તો સુધીરે એના ઘરમાં કહી દીધું કે એ મારા સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરે. આમ બે વર્ષની મહેનત બાદ અમારા બંનેનાં માતાપિતા અમારાં લગ્ન માટે માની ગયાં. પણ કથિત લવજેહાદનો કાયદો આવ્યા પછી કોઈ અમારાં લગ્ન કરાવવા તૈયાર નહોતા."

"કારણ કે નવા કાયદામાં લગ્ન કરાવનાર ધર્મગુરુ, લગ્નમાં મદદ કરનાર લોકો અને કોઈ સ્વૈચ્છિક સંસ્થા પણ મદદ કરે તો એની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે એમ હતું. આમ અમે બંને નિરાશ થઈ ગયાં. પણ ગુજરાત હાઈકોર્ટે કથિત લવજેહાદના કાયદાની અમુક કલમ પર સ્ટે મૂક્યો છે એટલે અમે હવે લગ્ન કરી શકીશું."

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ) સામેની પિટિશનમાં જે વચગાળાનો આદેશ કરી સ્ટે આપ્યો હતો તેની સામેની ફેરવિચારણાની અરજી પણ હવે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને સ્ટે જાળવી રાખ્યો છે.

આ અંગે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં પિટિશનર મુજાહિદ નફીસે કહ્યું કે, "માનનીય ગુજરાત હાઈકોર્ટે વચગાળાના આદેશમાં આ મામલે જે વલણ લીધું હતું તે બરકરાર રાખ્યું છે અને કલમ-5ના વચગાળાના આદેશમાં ફેરફારનો ઇનકાર કર્યો છે."

તો આનો અર્થ શું થઈ શકે એ બાબતે મુજાહિદ નફીસ જણાવે છે કે, "ગુજરાત હાઈકોર્ટે જે વચગાળાના આદેશમાં અલગઅલગ કલમ પર સ્ટે આપ્યો હતો તેમાં કલમ 5 પરનો સ્ટે જાળવી રાખ્યો છે."

"જેનો અર્થ એ છે કે કોઈ પણ આંતરધર્મીય લગ્નમાં જો લગ્ન કરનાર કોઈ પણ વ્યક્તિ ધર્મપરિવર્તન કરવા માગતી હોય તો એમ કરવા માટે કલેકટરની પરવાનગી જરૂરી રહેશે નહીં."

"હવે અમને લાગે છે કે અમારું લગ્નજીવન શરૂ થઈ શકશે"

આવો જ એક કિસ્સો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના યુગલનો છે.

ઉત્તર ગુજરાતની એક જ્ઞાતિની છોકરી સરકારી નોકરી કરતી હતી અને એનો પરિચય નોકરી દરમિયાન ટ્રેનિંગ સમયે એના સાથી કર્મચારી નાસિર સાથે થયો.

રચના અને નાસિરને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. રચના ઉત્તર ગુજરાતના શહેરમાં રહેતાં હતાં અને નાસિરની નોકરી સુરતમાં હતી. બંને બહાર મળતાં. પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

28 વર્ષીય રચના અને નાસિર ગુજરાતમાં લગ્ન કરે તો એની સરકારી કચેરીમાં મંજૂરી લેવી પડે એમ હતું.

રચના અને નાસિર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "અમે બંને સરકારી નોકરી કરતાં હતાં એટલે આંટીઘૂંટીથી જાણકાર હતાં."

તેમણે ગુજરાતના બદલે રાજસ્થાનના આબુ જઈ કોર્ટમાં લગ્ન કર્યાં અને હનીમૂન માટે કેરળ જતાં રહ્યાં.

પરંતુ રચનાના શહેરમાં હંગામો થઈ ગયો. નાસિર અને તેમના સંબંધીઓ ઉત્તર ગુજરાતના શહેરમાં રહેતા હતા. નાસિરનાં સગાં અને રચનાના મિત્રો સામે કેસ થયો.

છેવટે બંનેએ ગુજરાત હાઈકોર્ટમાં રક્ષણ માંગ્યું અને જસ્ટિસ સોનિયા ગોકાણીએ બંનેના પરિવાર અને સંબંધીઓને પોલીસરક્ષણ આપ્યું. કોર્ટના આદેશ બાદ હવે એ સુરતમાં પોતાનું લગ્નજીવન વિતાવી રહ્યાં છે.

પણ આ યુગલ કહે છે, "પ્રેમને કુરાન અને ગીતાનું બંધન ન હોવું જોઈએ."

કથિત લવજેહાદ કાયદામાં જોગવાઈ શું છે?

ગુજરાત સરકારના જૂન મહિનાથી અમલમાં આવેલા કથિત લવજેહાદના કાયદાને કોર્ટમાં જમિયત ઉલેમા ગુજરાત એકમના સચિવ મોહમ્મદ અસ્લમ કુરેશીએ પડકાર્યો હતો.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "અમે એન.જી.ઓ. ચલાવીએ છીએ. ગુજરાતના તમામ જિલ્લામાં અમારી ઑફિસ છે. ત્યાંથી આ કાયદાને કારણે મદદ માટે ઘણા યુવાનોના ફોન આવતા હતા. આ કાયદો માત્ર હિંદુ-મુસ્લિમ માટે નથી તમામ ધર્મના લોકોને લાગુ પડે છે."

"હિન્દુ અને ખ્રિસ્તી, હિન્દુ અને પારસી કે શીખ સાથે લગ્ન કરે તો પણ આ કાયદો લાગુ પડે છે. વળી પારસી-શીખ કે ખ્રિસ્તી-પારસી લગ્ન કરે તો પણ લાગુ પડે. એટલે અમે નક્કી કર્યું કે દેશના બંધારણમાં દરેકને પ્રેમ કરવાની છૂટ અપાઈ છે, ત્યારે આ કાયદો ભારતના બંધારણ વિરુદ્ધ છે."

તેમના કહેવા અનુસાર, "અમારી કાનૂનવિદોની ટીમે આ કાયદાને પડકાર્યો અને આંતરધર્મ લગ્ન માટે બાધારૂપ કાયદાની કેટલીક કલમો પર હાઈકોર્ટનો સ્ટે આવ્યો છે, જે લોકશાહીના બંધારણની રક્ષા કરનાર છે."

કુરેશી વધુમાં કહે છે, "આ લડાઈ લડવી એટલે જરૂરી હતી કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કાયદો આવ્યા પછી 66 દિવસમાં 30 હિંદુ-મુસ્લિમ યુવક-યુવતીઓએ લગ્ન કર્યાં છે."

તદુપરાંત જમિયત ઉલેમા ગુજરાત એકમના કાનૂની ટીમના નિષ્ણાત વસીમ અબ્બાસીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાત સરકારે ફ્રીડમ ઑફ રિલીજન ઍક્ટમાં 2012માં ઍમેન્ડમૅન્ટ કર્યો હતો, જેમાં કલમ 3, 4, 4A, 4C અને 5, 6 તથા 6A સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે."

"આ કલમ 3 અને 4 અનુસાર કોઈ વ્યક્તિ લોભ, બળજબરી, છેતરપિંડી ઠગાઈ કે લગ્ન દ્વારા ધર્મપરિવર્તન કરાવી શકશે નહીં. જો કોઈ તેનો ભંગ કરે તો એને 3 વર્ષની સજા અને 50 હજારનો દંડ થાય છે."

"અને જો મહિલા એસસી (શિડ્યુલ કાસ્ટ) કે એસટી (શિડ્યુલ ટ્રાઇબ) સમુદાયની હોય તો આરોપીને 4 વર્ષની સજા અને એક લાખનો દંડ થાય એવી જોગવાઈ હતી."

"તો કલમ 4Aમાં લગ્ન દ્વારા કે લગ્નમાં મદદ કરનારી વ્યક્તિને 3થી5 વર્ષની કેદ અને 2 લાખના દંડની જોગવાઈ હતી. કલમ 4B હેઠળ ધર્મપરિવર્તન માટે અયોગ્ય રીતે લગ્ન થયાં હોય તો ફૅમિલી કોર્ટ દ્વારા આ લગ્ન અમાન્ય ગણવામાં આવશે."

"જ્યારે કલમ 4C હેઠળ ગેરકાયદે ધર્મપરિવર્તનમાં કોઈ સંસ્થા કે સંગઠન હશે તો એની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે."

"ઉપરાંત કલમ 5 હેઠળ જે તે ધર્મના ધર્મગુરુએ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે, કલમ 6 અનુસાર ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટ અને સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટની ધર્મપરિવર્તન કરાવનાર આરોપી સામે કાર્યવાહી કરતાં પહેલાં અગાઉથી મંજૂરી લેવી પડશે."

"અને કલમ 6A પ્રમાણે ધર્મપરિવર્તન બળજબરીપૂર્વક નથી કરાવ્યું એ આરોપીએ સાબિત કરવાનું રહેશે."

વકીલ અબ્બાસી કહે છે કે, "આ તમામ જોગવાઈ બંધારણની જોગવાઈની વિરુદ્ધની છે, કારણ કે લગ્ન કરાવનારા ધર્મગુરુ, સંસ્થા અને સંગઠન સામે ક્રિમિનલ કાર્યવાહી કરી ન શકાય."

"આ ઉપરાંત એવી જોગવાઈ હતી કે આરોપીએ પોતે સાબિત કરવાનું રહે કે એ નિર્દોષ છે. ખરેખર જેની સામે આરોપ હોય એની સામેના ફરિયાદીએ સાબિત કરવાનું હોવું જોઈએ. તેણે સાબિત કરવાનું હોય કે જેની સામે કાનૂની કાર્યવાહી થઇ રહી છે એ આરોપી છે."

તેઓ વધુમાં ઉમેરે છે, "ઉપરોક્ત તમામ જોગવાઈઓ બંધારણની વિરુદ્ધ હતી જેના પર અમે દલીલો કરી. જેમાં અમારી જીત થઈ છે. હવે પ્રેમ કરનારા સામે કોઈ બંધન નહીં રહે. 66 દિવસમાં 30 આંતરધર્મીય લગ્ન થયાં છે. આથી હાઈકોર્ટનો આ ચુકાદો પ્રેમયુગલો માટે મદદરૂપ પુરવાર થશે."

(યુગલોનાં નામ બદલેલ છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો