You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ થવાના ઘટનાક્રમ પર સવાલ કેમ ઊભા થઈ રહ્યા છે?
- લેેખક, ચંદનસિંહ રાજપૂત
- પદ, બીબીસી હિંદી માટે
વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં આપેલાં ભાષણના મુદ્દે સુરતની કોર્ટે 23 માર્ચ, 2023ના રોજ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી. તેનાં બીજા જ દિવસે તેમની લોકસભાની સદસ્યતા રદ કરી દેવામાં આવી.
આ ઘટના પછી એક તરફ વિપક્ષના ઘણા નેતાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં ઉતર્યા, તો બીજી તરફ સત્તાપક્ષ ભાજપના નેતાઓએ કહ્યું કે જે થયું એ કાયદાનુસાર થયું છે.
ગુનાહિત માનહાનિના કેસમાં મહત્તમ બે વર્ષની સજાની જોગવાઈ છે.
રાહુલ ગાંધી સાથે 'ભારત જોડો યાત્રા'માં સામેલ થયેલાં 'સ્વરાજ ઈન્ડિયા'ના પ્રમુખ યોગેન્દ્ર યાદવ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થવા પર સવાલો ઉઠાવી રહ્યા છે અને તેના ઘટનાક્રમ તરફ ઈશારો કરી રહ્યા છે.
યોગેન્દ્ર યાદવની નજરે ઘટનાક્રમ
યોગેન્દ્ર યાદવ કહે છે, "એમ કહી શકાય કે રાહુલ ગાંધીએ તે સમયે આપેલું ભાષણ કટાક્ષ હતું, પણ સાથે જ એ ધારદાર પણ હતું. જોકે, એના પછી શું થયું એ સમજવાની જરૂર છે. 16 એપ્રિલે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ નોંધાવી. બીજી મેના રોજ આ મામલે ફરિયાદ નોંધાઈ અને કોર્ટમાં સુનાવણી શરૂ થઈ."
સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદીએ કોર્ટને કહ્યું કે જ્યારે પણ તારીખ પડે ત્યારે રાહુલ ગાંધી પોતે હાજર રહે તેવો આદેશ થવો જોઈએ. પરંતુ તત્કાલીન જજે એવો આદેશ ન આપ્યો.
એ પછી હાઈકોર્ટે આ મામલે સ્ટે-ઑર્ડર આપી દીધો.
યોગેન્દ્ર યાદવ કહે છે, "એક વખત જો કોઈ કેસ પર સ્ટે લાગી જાય છે તો એ વર્ષો સુધી રોકાઈ જાય છે પરંતુ પૂર્ણેશ મોદીએ કરેલો આ કેસ અચાનક જ ઘોડાની ઝડપે દોડવા લાગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ સાત ફેબ્રુઆરીએ સંસદમાં આપેલા ભાષણને યોગેન્દ્ર યાદવ મહત્ત્વપૂર્ણ માને છે.
તેઓ કહે છે, "આ ભાષણ પછી 16 ફેબ્રુઆરીએ અરજદાર પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટ સમક્ષ સ્ટે પાછો ખેંચવાની માગ કરી. સામાન્ય રીતે આ દેશમાં ફરીથી સુનાવણી થવામાં વર્ષો લાગે છે પણ આ કેસમાં તે 27 ફેબ્રુઆરીએ એટલે કે 11મા દિવસે શરૂ થઈ ગઈ. નોંધવા જેવી અન્ય એક બાબત એ છે કે સુનાવણી કરનારા જજનાં પ્રમોશનની પણ તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી."
તેઓ કહે છે, "તમે કહી શકો છો કે આ સામાન્ય વાત છે કે નહીં. હું તેમણે આપેલા ચુકાદાને તેમના પ્રમોશન સાથે જોડી રહ્યો નથી પરંતુ અરુણ જેટલીએ એક વખત સંસદમાં એવું કંઈક કહ્યું હતું. જેના લીધે તેનો ઉલ્લેખ કરી રહ્યો છું."
અરુણ જેટલીએ સંસદમાં કહ્યું હતું કે ન્યાયાધીશોને મળનારો કોઈ પણ પ્રકારનો લાભ તેમના અગાઉના કે આગળના નિર્ણયો સાથે જોડાયેલો હોઈ શકે છે.
ભાજપનો જુદો દૃષ્ટિકોણ
ભાજપના પ્રવક્તા અને વરિષ્ઠ વકીલ અમિતાભ સિન્હાએ બીબીસીને કહ્યું, "પહેલાં હારનાર પક્ષ ન્યાયપ્રણાલીની મર્યાદા રાખતો હતો. તેઓ જાહેરમાં કોઈ ટિપ્પણી કરતા ન હતા પરંતુ ભારતમાં હાલ નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જો ન્યાયપાલિકા તેમના પક્ષમાં ચુકાદો ન આપે તો તેના પર જ સવાલો ઉઠાવવામાં આવે છે."
તેઓ આગળ કહે છે, "આ માનવસ્વભાવ છે કે જે જીતે છે તે ખુશ થાય છે અને હારનાર પક્ષ ન્યાયપાલિકા પર જ પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરે છે."
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધી વિરુદ્ધ આવેલા કોર્ટના ચુકાદા બાદ કહ્યું હતું કે જ્યારે જજને બદલવામાં આવી રહ્યા હતા, ત્યારથી અમને ખબર હતી કે આવું કંઈક થવા જઈ રહ્યું છે.
આ નિવેદનને લઈને અમિતાભ સિન્હા કહે છે, "ન્યાયપાલિકામાં ફેરફારમાં સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. ભલે ને તે જિલ્લા ન્યાયાલય હોય, હાઈકોર્ટ હોય કે પછી સુપ્રીમ કોર્ટ. જોકે, આ વિષય પર ઘણી વાતચીત થઈ રહી છે. આજના સમયનું સત્ય એ છે કે ન્યાયપાલિકા સંપૂર્ણ રીતે સ્વાયત્ત છે અને જજોની નિયુક્તિમાં રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા હોતી નથી."
તરત ચુકાદો અને તરત કાર્યવાહી
યોગેન્દ્ર યાદવ કહે છે, "નવા જજ 27 ફેબ્રુઆરીએ સુનાવણી શરૂ કરે છે અને 23 માર્ચે આદેશ આવી જાય છે. આ કેસમાં થતી મહત્તમ સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવે છે. આદેશ આવ્યાના 24 કલાકમાં લોકસભા સચિવાલય તેની નોંધ લઈને રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દે છે."
અમિતાભ સિન્હા કહે છે, "રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ્સ ઍક્ટના સૅક્શન 8(સી)માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સ્તરે ચૂંટાયેલા જનપ્રતિનિધિને જો બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો ચુકાદો આવતાની સાથે જ તે સભ્યપદ માટે અયોગ્ય થઈ જાય છે. તેની આગળની કાર્યવાહી લોકસભા સચિવાલય ગમે ત્યારે કરી શકે છે. તેમાં ટાઇમિંગ જેવું કંઈ નથી. સ્પીકર ઑફિસમાંથી નૉટિફિકેશન જાહેર થતા પહેલાં જ કાયદાકીય રીતે કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધી સદસ્યતા ગુમાવી ચૂક્યા હતા."
સ્ટે લાગેલો કેસ અચાનક કેવી રીતે શરૂ થઈ ગયો?
સ્ટે લાગ્યો હોવા છતાં અચાનક કેસ ખુલવા પર યોગેન્દ્ર યાદવ સવાલ ઉઠાવે છે.
તેઓ કહે છે, "આ કેસ એક વર્ષથી રોકાયેલો હતો. ત્યારે કોઈને તેની ચિંતા ન હતી તો અચાનક કેવી રીતે થવા લાગી. આ કેસ અચાનક પાછો શરૂ કેમ અને કેવી રીતે થયો?"
યોગેન્દ્ર યાદવ આ મામલાની સુનાવણીની ઉતાવળ તરફ ઇશારો કરે છે.
તેઓ કહે છે, "સામાન્ય રીતે જો કેસની સુનાવણી થાય તો આપણે આશા રાખીએ છીએ કે તત્પરતા હોય. તેની ફરિયાદ તો ન કરવી જોઈએ પણ અહીં તો કેસ એક મહિનામાં જ સાંભળી લેવામાં આવ્યો છે."
અમિતાભ સિન્હાનું કહેવું છે કે, "હાલના સમયમાં કોર્ટમાં સુનાવણી ઝડપથી થઈ શકે છે. આ કેસમાં ચુકાદો એકપક્ષીય નથી. બંને પક્ષોને સાંભળવામાં આવ્યા છે, બંને પક્ષોની વાત સાંભળવામાં આવી છે અને પછી ચુકાદો આપવામાં આવ્યો છે. આવા માનહાનિના કેસમાં સામાન્ય રીતે કોર્ટ માફી માગવાની તક આપે છે. રાહુલ ગાંધીને પણ એ તક આપવામાં આવી હતી."
રાહુલ ગાંધીને આટલી સજા કેમ?
યોગેન્દ્ર યાદવ કહે છે, "જાણકારો પ્રમાણે માનહાનિના ઘણા ઓછા કેસમાં કોર્ટ સજા સંભળાવે છે અને જો સંભળાવે તો પણ તે ઘણી ઓછી હોય છે."
યોગેન્દ્ર યાદવ કહે છે, "બે વર્ષની સજાનો અર્થ એ છે કે રાહુલ ગાંધીએ કરેલો ગુનો અતિગંભીર છે. જોગાનુજોગ સંસદમાંથી સદસ્યતા રદ થવા માટે પણ બે વર્ષની સજા થવી જરૂરી છે. જો રાહુલ ગાંધીને બે વર્ષથી ઓછી સજા સંભળાવવામાં આવી હોત તો તેમનું સભ્યપદ રદ ન થતું. આ કેટલો રસપ્રદ સંજોગ છે."
અમિતાભ સિન્હા કહે છે, "આ સ્વતંત્ર કોર્ટનો સ્વતંત્ર ચુકાદો છે અને આઈપીસીની કલમો અનુસાર જ છે. આઈપીસીની કલમ 499 અને 500માં એ વાત કહેવામાં આવી છે કે આ કેસમાં બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. એક વાત એ પણ છે કે કોર્ટના વિવેક પર નિર્ભર કરે છે કે કેટલી સજા આપવી છે. હોઈ શકે છે કે કોર્ટ રાહુલ ગાંધીના ઘમંડથી નારાજ થઈ હોય."
તેઓ કહે છે, "કોર્ટે તેમને બે વખત માફી માગવા કહ્યું, કેટલાક લોકોના નામ લઈને તેમણે સમગ્ર સમાજને ટાર્ગેટ કર્યો છે. હવે તેઓ સજા ભોગવશે."
રાહુલ ગાંધીને સજા અને સંસદનું સભ્યપદ રદ થવા પર ભાજપનું કહેવું છે કે જે કંઈ પણ થયું છે તે નિયમો અનુસાર થયું છે.
યોગેન્દ્ર યાદવ કહે છે, "આમાં બે બાબતો છે. એક છે કે આર્ટિકલ 103 પ્રમાણે જો કોઈ પણ કારણે કોઈ સાંસદનું સભ્યપદ રદ થાય છે તો એવી સ્થિતિમાં રાષ્ટ્રપતિએ આ વિશે એક આદેશ જાહેર કરવો પડે છે અને એમ કરતા પહેલાં ચૂંટણીપંચનો અભિપ્રાય લેવો પડે છે."
"બીજી બાબત છે કે આ પહેલાંના તમામ કિસ્સામાં નોટિસ જાહેર થવામાં એકાદ-બે મહિનાનો સમય લાગ્યો હતો. આદેશ આવવામાં અને નોટિસ આવવા વચ્ચે એકથી દોઢ મહિનાનો સમય આપવામાં આવે છે. શું આ મામલે એવું કંઈ થયું છે?"