You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધી પાસે લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ કયા કાયદાકીય વિકલ્પો બચ્યા છે?
- લેેખક, શુભમ કિશોર
- પદ, બીબીસી સંવાદદાતા
- ગુરુવારે સુરતની કોર્ટે ‘મોદી’ અટક મામલે કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીને ગુનાહિત બદનક્ષીના આરોપમાં બે વર્ષની સજા સંભળાવી હતી
- સજાની જાહેરાત થયા બાદ શુક્રવારે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું
- સભ્યપદ રદ થયા બાદ આ સમગ્ર મામલો સમાચારોમાં છવાઈ ગયો હતો અને હવે રાહુલ ગાંધી પાસે રહેલા ન્યાયિક વિકલ્પો અંગે કુતૂહલ સર્જાયું છે
- શું રાહુલ ગાંધી પાસે એવો કોઈ વિકલ્પ છે જેનાથી તેઓ પોતાનું સભ્યપદ ફરી પાછું મેળવી શકે? જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ
કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરી દેવાયું છે. શુક્રવારે લોકસભા સચિવાલયે એક જાહરનામું પ્રસિદ્ધ કરીને રાહુલનું સભ્યપદ રદ કરાયાની જાણકારી આપી.
જાહેરનામામાં જણાવાયું છે કે કેરળની વાયનાડ બેઠકથી સાંસદ રાહુલ ગાંધીને સજા સંભળાવાયા બાદના દિવસથી એટલે કે 23 માર્ચ, 2020થી અયોગ્ય ઠેરવવામાં આવે છે.
માનહાનિ મામલામાં રાહુલ ગાંધીને ગુરુવારે સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. સજા સંભળાવતાં જ કોર્ટે આ નિર્ણયને એક મહિના માટે ટાળી દીધો હતો.
આ નિર્ણય બાદ બીબીસીએ ભૂતપૂર્વ એડિશનલ સૉલિસિટર જનરલ કે. સી. કૌશિક સાથે વિસ્તારપૂર્વક વાત કરી અને આ નિર્ણયનાં કાયદાકીય પાસાં અને રાહુલ પાસે હવે રહેલા વિકલ્પોને સમજવાનો પ્રયાસ કર્યો.
લોકસભના સ્પીકર બંધાયેલા હતા કે કાર્યવાહીની રાહ જોઈ શકાઈ હોત?
ગુરુવારે સજા સંભળાવતાં જ કોર્ટે રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપ્યો હતો જેથી તેઓ અપીલ કરી શકે.
તેથી એ વાતની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે લોકસભા કદાચ તેમના પર હાલ કોઈ કાર્યવાહી કદાચ નહીં કરે.
કે. સી. કૌશિક કહે છે કે સ્પીકરનું આ પગલું ઉતાવળભર્યું લાગી રહ્યું છે.
તેમણે કહ્યું, “આ મામલો એવો નથી જેમાં સ્પીકર મહોદયે આટલી ઉતાવળ કરવાની જરૂર હતી. તેમણે પોતાનો નિર્ણય એક માસ માટે ટાળી દેવો જોઈતો હતો, કારણ કે જ્યારે કોર્ટે જ પોતાનો નિર્ણય એક મહિના માટે ટાળી દીધો છે, તો ટેકનિકલી સજા મોકૂફ છે. આના પર સ્પીકરે નિર્ણય લેવો એ મારા મતે ન્યાયના સહજ સિદ્ધાંત વિરુદ્ધ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભાજપનું કહેવું છે કે કાયદા પ્રમાણે દોષિત જાહેર કરાયા બાદ સભ્યપદ રદ કરવા માટે સ્પીકર નોટિસ આપે એ જરૂરી હતું.
શું રાહુલ આ નિર્ણયને પડકારી શકે?
રાહુલ ગાંધી પાસે એ અધિકાર છે કે તેઓ પોતાનું સભ્યપદ રદ કરવાના સ્પીકરના આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
હાઇકોર્ટમાંથી રાહત મળી તો શું થશે?
રાહુલ ગાંધી સુરત કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરશે.
જો હાઇકોર્ટ તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂકે, કે તેમની સજા ઘટાડી દે તેમ છતાં તેમનું સભ્યપદ ફરી એકવાર બહાલ નહીં થાય. આના માટે રાહુલ ગાંધીએ ફરી એક વાર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવું પડશે.
કૌશિક પ્રમાણે, “મારું માનવું છે કે સ્પીકર જાતે પોતાના આદેશનો રિવ્યૂ નહીં કરે. તેઓ હાઇકોર્ટ કે બંધારણીય બેન્ચના નિર્ણયની રાહ જોશે.”
શું વાયનાડમાં ચૂંટણી કરાવી શકાય છે?
રાહુલ ગાંધીને જો સ્પીકરના નિર્ણય વિરુદ્ધ રાહત ન મળે, તો પછી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં માનહાનિ મામલામાં અપીલ કરવાની રહેશે અને તેમને સ્ટે ન મળ્યો તો આ પ્રક્રિયા આગળ વધશે અને આ દરમિયાન વાયનાડ બેઠક પર ચૂંટણીની જાહેરાત પણ કરી શકાય છે.
કૌશિક પ્રમાણે, “જો ચૂંટણીપંચ બેઠકને ખાલી જાહેર કરીને ચૂંટણીની જાહેરાત કરે, તો ત્રીજું લિટિગેશન થઈ શકે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું છે કે ચૂંટણીપંચના ઑર્ડરને પડકારી શકાય છે.”
“પરંતુ જો એક વાર રિટર્નિંગ ઑફિસર ચૂંટણીનું ટાઇમટેબલ જાહેર કરી દે, તો મને નથી લાગતું કે હાઇકોર્ટ પાસેથી કોઈ રાહત મળી શકશે.”
એટલે કે રાહુલ ગાંધી તેમની બેઠક પર ચૂંટણી ફરી યોજાય એવું ન ઇચ્છતા હોય, તો જ્યારે ચૂંટણીપંચ બેઠક ખાલી પડ્યાની જાહેરાત કરે તેમણે હાઇકોર્ટ જવું પડશે.
જો રાહુલની સજા ઘટાડી દેવાય તો?
સુરતની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી છે અને ઉપરી અદાલતને જો એવું લાગશે કે સજા વધુ છે તો કોર્ટ તે ઘટાડી પણ શકે છે.
જો જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 પર એક નજર કરીએ તો,
- કલમ 8(1) પ્રમાણે બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહિત કરવી, લાંચ સ્વીકારવી કે પછી ચૂંટણીમાં પોતાના પ્રભાવનો ખોટો ઉપયોગ કરવાથી સભ્યપદ જઈ શકે છે.
- કલમ 8(2) અંતર્ગત સંગ્રહખોરી, નફાખોરી અને ખાવા-પીવાની વસ્તુઓમાં ભેળસેળ કે પછી દહેજ પ્રતિબંધક અધિનિયમ અંતર્ગત દોષિત જાહેર કરાય અને ઓછામાં ઓછી છ માસની સજા મળે તો સભ્યપદ રદ કરાશે.
- કલમ 8(3) અંતર્ગત જાય્રે કોઈ વ્યક્તિને દોષિત જાહેર કરવામાં આવે છે અને તેને બે કે તેથી વધુ વર્ષની સજા મળે છે તો તે ગૃહનું સભ્યપદ જાળવી રાખવા માટે અયોગ્ય ગણાશે. અંતિમ નિર્ણય ગૃહના સ્પીકરનો રહેશે.
તેથી રાહુલ ગાંધીની સજા જો હાઇકોર્ટ ઘટાડી દે તો, એવું શક્ય છે કે તેઓ ભવિષ્યમાં ચૂંટણી લડી શકે અને પોતાની હાલની બેઠક બચાવી શકે.
રાહુલ પાસે હવે કયા વિકલ્પો બચ્યા છે?
કૌશિક પટેલ પ્રમાણે, “સૌપ્રથમ રાહુલ ગાંધીને સુરત કોર્ટના આદેશ વિરુદ્ધ ઉપરની અદાલતમાં અપીલ દાખલ કરવી જોઈએ.”
“અપીલ દાખલ કરતાં જ વચગાળાની અરજીની વાત કરવી જોઈએ અને સજા પર સ્ટેની માગ કરવી જોઈએ. બની શકે કે તેમના વકીલ એવી સલાહ આપે કે તેઓ સ્પીકરના ઑર્ડરને પણ પડકારે.”
સ્પીકરના ઑર્ડરને હાઇકોર્ટમાં પડકારી શકાય છે.
શું સમગ્ર મામલો?
વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કથિતપણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના કોલારમાં નિવેદન આપ્યું હતું.
તેમણે કથિતપણે કહ્યું હતું કે, “આ તમામ ચોરોનું ઉપનામ (સરનેમ) મોદી કેમ છે?”
રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત મામલો દાખલ કરાયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 499માં ગુનાહિત બદનક્ષી મામલે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે.
રાહુલ ગાંધીની વકીલોની ટીમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોઈ પણ સમુદાયને પોતાના નિવેદનથી નારાજ કરવા માગતા નહોતા.