શ્રીકૃષ્ણ જન્મભૂમિ - શાહી ઇદગાહ વિવાદ : મથૂરામાં બન્ને પક્ષો વચ્ચે સમજૂતી હોવા છતાં કોર્ટમાં મામલો કેમ પહોંચ્યો?

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પછી હવે મથૂરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ મસ્જિદનો વિવાદ પણ ચર્ચાના ચગડોળે છે.

વાસ્તવમાં, મથૂરા જિલ્લા કોર્ટે સિવિલ કોર્ટ (સીનિયર ડિવિઝન)માં આ કેસની સુનાવણીનો આદેશ આપી દીધો છે.

સિવિલ કોર્ટમાં ફેબ્રુઆરી, 2020માં અરજી દાખલ કરવામાં આવી હતી કે શાહી ઇદગાહ મસ્જિદ શ્રીકૃષ્ણ જન્મભૂમિની ઉપર બનેલી છે, તેથી તેને હઠાવી દેવી જોઈએ. સાથે જ તે જમીનની બાબતે 1968માં થયેલી સમજૂતી ગેરકાયદે છે.

પરંતુ ત્યારે આ કેસમાં કોઈ સુનાવણીનો ઇનકાર કરતાં 30 સપ્ટેમ્બર, 2020ના આદેશમાં અરજી ખારિજ કરી દેવામાં આવી હતી. કોર્ટનું કહેવું હતું કે અરજદાર કૃષ્ણ વિરાજમાનના અનુયાયી છે અને કૃષ્ણ વિરાજમાન જાતે કેસ કરી શકે એમ નથી.

ત્યાર બાદ હિન્દુ પક્ષે મથૂરા જિલ્લા જજ કોર્ટમાં ફરીથી અરજી કરી હતી. હવે મથૂરા કોર્ટે અરજીનો સ્વીકાર કરીને કહ્યું છે કે સિવિલ કોર્ટ એની સુનાવણી કરે.

પરંતુ આ કેસ માત્ર વર્ષ 2020થી નથી, બલકે એનાં મૂળ વર્ષો જૂનાં છે. આ સમગ્ર વિવાદ વિશે જાણતાં પહેલાં આપણે તે સમજીએ કે હાલના સમયે શી સ્થિતિ છે અને અરજદારોનો દાવો શો છે.

વર્તમાન સમયે મથૂરાના 'કટરા કેશવદેવ' વિસ્તારને હિન્દુ દેવતા શ્રીકૃષ્ણનું જન્મસ્થળ માનવામાં આવે છે. અહીં કૃષ્ણમંદિર છે અને એના પરિસરને અડીને શાહી ઇદગાહ મસ્જિદ છે.

ઘણા હિન્દુઓનો દાવો છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. બીજી તરફ, ઘણાં મુસલમાન સંગઠન એ દાવાને નકારે છે.

વર્ષ 1968માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને ટ્રસ્ટ શાહી ઇદગાહ મસ્જિદની વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેમાં તથાકથિત જમીનને બે ભાગમાં વહેંચી દેવામાં આવી હતી. પરંતુ, સિવિલ કોર્ટમાં અપાયેલી અરજીમાં તે સમજૂતીને ગેરકાયદે ગણાવાઈ છે.

સિવિલ કોર્ટમાં કરાયેલી અરજીમાં શું છે?

હિન્દુ સમાજની એની માન્યતા છે કે, "શ્રીકૃષ્ણનો જન્મ કંસના કારાગારમાં થયો હતો અને આ જ શ્રીકૃષ્ણનું જન્મસ્થાન છે. આ આખો વિસ્તાર 'કટરા કેશવદેવ'ના નામથી જાણીતો છે, જે મથૂરા જિલ્લાના બજાર સિટીમાં સ્થિત છે. શ્રીકૃષ્ણના વાસ્તવિક જન્મસ્થળની 13.37 એકર જમીનના ભાગ પર ગેરકાયદેસર રીતે મસ્જિદ બનાવવામાં આવી છે."

"શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને ટ્રસ્ટ શાહી ઇદગાહ મસ્જિદની વચ્ચે 1963માં જે સમજૂતી થઈ હતી તે ગેરકાયદે હતી, એને રદ કરવામાં આવે. કટરા કેશવદેવ જમીન શ્રીકૃષ્ણને પાછી સોંપી દેવામાં આવે. મુસલમાનોને ત્યાં જતા રોકવામાં આવે. એ જમીન પર ઇદગાહ મસ્જિદનું જે માળખું બનેલું છે તેને હઠાવી દેવાય."

અરજદાર કોણ છે?

• ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન સખી રંજના અગ્નિહોત્રી દ્વારા

• અસ્થાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ સખી રંજના અગ્નિહોત્રી દ્વારા

• રંજના અગ્નિહોત્રી

• પ્રવેશકુમાર

• રાજેશમણિ ત્રિપાઠી

• કરુણેશકુમાર શુક્લા

• શિવાજીસિંહ

• ત્રિપુરારી તિવારી

બીજા પક્ષમાં કોણ છે?

• યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ

• ઇદગાહ મસ્જિદ કમિટી

• શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ

• શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન

કઈ રીતે શરૂ થયો વિવાદ

આ વિવાદના મૂળમાં 1968માં થયેલી સમજૂતી છે, જેમાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને ટ્રસ્ટ શાહી મસ્જિદ ઇદગાહે જમીન વિવાદનો નિવેડો લાવીને મંદિર અને મસ્જિદ માટે જમીન અંગે સમજૂતી કરી લીધી હતી.

પરંતુ સંપૂર્ણ માલિકી હક્ક અને મંદિર કે મસ્જિદ બંનેમાંથી પહેલાં કોનું નિર્માણ થયું, એ અંગે પણ વિવાદ છે. હિન્દુ પક્ષનો દાવો છે કે આ મામલાની શરૂઆત ઈ.સ. 1618થી થઈ હતી અને તે બાબતે ઘણી વાર કેસ થઈ ગયા છે.

અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં શું કહેવાયું છે?

• સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં હિન્દુ પક્ષનું કહેવું છે કે, મથૂરા ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થાન છે જેનાં દર્શન કરવા માટે ભારત અને વિદેશમાંથી તીર્થયાત્રીઓ આવે છે. હિન્દુ રાજાઓએ કટરા કેશવદેવમાં બનેલા મંદિરનાં સમયસમયાંતરે નિર્માણ અને સમારકામ કરાવ્યાં હતાં. ઈ.સ. 1618માં ઓરછાના રાજા વીરસિંહદેવ બુંદેલાએ કટરા કેશવદેવમાં શ્રીકૃષ્ણનું મંદિર બનાવડાવ્યું અથવા એને સરખું કરાવ્યું. એના માટે 33 લાખ રૂપિયા ખર્ચ થયો હતો.

• કેટલાંક પુસ્તકોનો આધાર ટાંકીને હિન્દુ પક્ષનો દાવો છે કે મુગલ શાસક ઔરંગઝેબે (1658-1707) હિન્દુ ધાર્મિક સ્થાનો અને મંદિરોને તોડવાનો આદેશ આપ્યો હતો. એમાં કટરા કેશવદેવ, મથૂરાના શ્રીકૃષ્ણમંદિરને 1669-70માં તોડવાનો આદેશ અપાયો હતો. આ મંદિરને તોડીને એક મસ્જિદ બનાવવામાં આવી જેને ઇદગાહ મસ્જિદ નામ અપાયું.

• ત્યાર બાદ મરાઠાઓએ 1770માં મુગલ શાસકો સામે ગોવર્ધનમાં યુદ્ધ જીતીને અહીં ફરીથી મંદિર બનાવ્યું. પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવ્યા પછી મથૂરા વિસ્તાર એમના હસ્તક જતો રહ્યો અને એમણે એને નજૂલ ભૂમિ જાહેર કરી દીધો. નજૂલ ભૂમિ એટલે એવી ભૂમિ જેના પર કોઈનો માલિકી હક્ક નથી હોતો. એવી જમીનને સરકાર પોતાના અધિકાર હેઠળ રાખીને ઉપયોગ કરે છે.

• 1815માં કટરા કેશવદેવની 13.37 એકર જમીનની હરાજી કરવામાં આવી, ત્યારે રાજા પટનીમલે સૌથી વધારે બોલીથી એને ખરીદી લીધી. ત્યાર બાદ આ જમીન રાજા પટનીમલના વંશજ રાજા નરસિંહદાસના હસ્તક આવી ગઈ. ત્યારે મુસ્લિમ પક્ષે રાજા પટનીમલના માલિકી હક્ક બાબતે વાંધો દર્શાવ્યો હતો પરંતુ કોર્ટે એને ખારિજ કરી દીધો હતો.

• ત્યાર બાદ 8 ફેબ્રુઆરી, 1944માં રાજા પટનીમલના વંશજો રાય કિશનદાસ અને રાય આનંદદાસે આ 13.37 એકર જમીન મદનમોહન માવલીય, ગોસ્વામી ગણેશ દત્ત અને ભીખેનલાલજી આત્રેના નામે કરી દીધી, જેના માટે જુગલકિશોર બિરલાએ 13,400 રૂપિયાનું ચુકવણું કર્યું. ત્યાર બાદ પણ મુસ્લિમ પક્ષે 1946માં એ ખરીદ-વેચાણ સામે સવાલ કર્યા. તેને પણ ખારિજ કરી દેવાયા અને અગાઉનો આદેશ જ માન્ય રહ્યો.

• ત્યાર બાદ જુગલકિશોર બિરલાએ આ જમીનના વિકાસ અને ભવ્ય કૃષ્ણમંદિરના નિર્માણ માટે 21 ફેબ્રુઆરી, 1951એ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવ્યું. એમણે 13.37 એકર જમીન ''ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન'ને સમર્પિત કરી દીધી. પરંતુ સમગ્ર જમીન પર કૃષ્ણમંદિરનું નિર્માણ ના થઈ શક્યું અને ઈ.સ. 1958માં ટ્રસ્ટ નિષ્ક્રિય થઈ ગયું.

• ત્યાર બાદ 1 મે, 1958એ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ નામથી એક સોસાયટી બનાવવામાં આવી. પછીથી એનું નામ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન કરી દેવામાં આવ્યું. અરજીમાં કહેવાયું છે કે સોસાયટી સંપૂર્ણ રીતે ટ્રસ્ટ કરતાં અલગ હતી. ત્યાર બાદ ટ્રસ્ટ તરફથી કાર્યવાહી કરવાનો અધિકાર નહોતો.

• ત્યાર બાદ મુસ્લિમ પક્ષે જમીન માટે ફરીથી કોર્ટમાં અરજી દાખલ કરી. તે સમયે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને ટ્રસ્ટ શાહી ઇદગાહ મસ્જિદ વચ્ચે વિવાદ હતો. પછીથી 1968માં બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ ગઈ. એ સમજૂતીમાં જમીનનો થોડોક ભાગ ટ્રસ્ટ શાહી ઇદગાહ મસ્જિદને આપી દેવામાં આવ્યો. બીજી તરફ, કેટલાક ભાગ પર વસવાટ કરતા ઘોસી મુસલમાનો વગેરેને હઠાવી દેવાયા અને તે ભાગ મંદિરના હિસ્સામાં આવ્યો.

અરજદારો અનુસાર સમજૂતી કરનારી સોસાયટીને એનો કોઈ અધિકાર નથી અને એ સમજૂતી જ ગેરકાનૂની છે. તે સમજૂતીમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને પણ પક્ષકાર નહોતું બનાવાયું.

મસ્જિદ પક્ષની દલીલો

ઇદગાહ મસ્જિદ કમિટીના વકીલ અને સેક્રેટરી તનવીર અહમદ અરજદારોના એ દાવાને નકારે છે. એમનું કહેવું છે કે, "જો એ સમજૂતી ગેરકાયદેસરની છે અને સોસાયટીને અધિકાર નથી તો ટ્રસ્ટ તરફથી કોઈ આગળ કેમ ના આવ્યું? અરજી કરનારા બહારના લોકો છે. સમજૂતી સામે સવાલ કરવાનો એમનો કઈ રીતે અધિકાર છે?"

"અહીં તો આપણે હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરીએ છીએ. એક તરફ આરતી થાય છે તો બીજી તરફ અઝાનનો અવાજ આવે છે. અહીંના લોકોને કોઈ સમસ્યા નથી. જે થયું તે ભૂતકાળની વાત હતી પરંતુ હવે તેઓ જાણીબૂજીને એવા વિવાદ ઊભા કરી રહ્યા છે. જમીન ક્યાં સુધી છે એની એમની સરખી જાણકારી પણ નથી."

તનવીર અહમદ મંદિર તોડાયાના દાવા સામે સવાલ કરે છે. એમણે કહ્યું, "ઔરંગઝેબે કટરા કેશવદેવમાં 1658માં મસ્જિદ બનાવેલી પરંતુ એની પહેલાં અહીં મંદિર હોવાનું કોઈ પ્રમાણ નથી. કોર્ટમાં મંદિર તોડવાના ઔરંગઝેબના જે આદેશનો આધાર ટાંકવામાં આવ્યો છે તે માત્ર લિખિત સ્વરૂપે છે, એ આદેશની કોઈ કૉપી કે નકલ આપવામાં નથી આવી. એ જોતાં મંદિર તોડવાના આદેશ આપ્યાનું પ્રમાણ નથી મળતું. અહીં 1658થી જ મસ્જિદ બનેલી છે અને 1968માં સમજૂતી થયાથી વિવાદ પૂરો થઈ ગયો હતો."

આ બાબતે ઇદગાહ મસ્જિદ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર ઝેડ હસને કહ્યું કે, "1968ની સમજૂતીમાં સ્પષ્ટપણે વિસ્તાર વહેંચાયેલો છે, જેમાં વિવાદની કશી શક્યતા જ નથી. પરંતુ કાયદો હાથમાં હોય તો તમે કંઈ પણ કરી શકો છો. ત્યાં હિન્દુ-મુસલમાન ખૂબ પ્રેમ-સદ્‍ભાવથી રહે છે. મેં ક્યારેય સમુદાયના બે વ્યક્તિને એના વિશે વાદ-વિવાદ કરતા નથી જોયા. તેઓ ઇચ્છે છે કે મથૂરામાં શાંતિ જળવાઈ રહે."

અરજદારની દલીલો

વકીલ રંજના અગ્નિહોત્રીનું કહેવું છે કે, "મેં શ્રીકૃષ્ણનાં ભક્ત હોવાના લીધે આ અપીલ કરી છે. બંધારણ અધિકાર આપે છે કે જો ભક્તને લાગે કે એમના ભગવાનની જમીન અસુરક્ષિત છે અને એનો દુરુપયોગ થઈ રહ્યો છે તો તે વાંધો નોંધાવી શકે છે."

એમણે કહ્યું કે, "મુદ્દો જૂની વાત ઉખેડવાનો નથી. વિવાદ પૂરો થયો જ નથી. આજે પણ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મસ્જિદો કે સ્મારકોમાં એવી જગ્યાઓએ છે જે પગમાં આવે છે. આ આસ્થાની સાથોસાથ ભારતના પ્રાચીન ગૌરવને સંરક્ષિત કરવાનો મુદ્દો પણ છે."

મસ્જિદના નિર્માણ અંગે બંને પક્ષમાં મતભેદ જોવા મળે છે. હિન્દુ પક્ષે અરજીમાં કહ્યું છે, "1815માં જમીનની હરાજી વખતે ત્યાં કોઈ મસ્જિદ નહોતી. ત્યારે કટરા કેશવદેવના છેડે માત્ર એક જર્જરિત માળખું હતું. ગેરકાયદેસર સમજૂતી થયા પછી અહીં કથિત શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી."

પરંતુ સેક્રેટરી તનવીર અહમદનું કહેવું છે કે 1658થી જ તે જમીન પર મસ્જિદ બનેલી છે.

ઉપાસનાસ્થળ અધિનિયમ હેઠળ આવે છે કેસ?

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ મસ્જિદ વિવાદમાં ઉપસનાસ્થળ (ખાસ જોગવાઈ) અધિનિયમ, 1991નો ઉલ્લેખ જરૂર થાય છે. આ અધિનિયમ અનુસાર ભારતમાં 15 ઑગસ્ટ, 1947એ જે ધાર્મિક સ્થળ જે સ્વરૂપે હતું, તે એ જ સ્વરૂપમાં રહેશે. આ બાબતમાં અયોધ્યા વિવાદને છૂટ આપવામાં આવી હતી. પરંતુ શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે જો સુનાવણી થાય તો એવો સવાલ ઊભો થાય કે તે ઉપાસનાસ્થળ અધિનિયમ હેઠળ કેમ નથી આવતો?

રંજના અગ્નિહોત્રીનું કહેવું છે કે અધિનિયમની કલમ 4 (3)(બી)ના કારણે આ કેસ ઉપાસનાસ્થળ અધિનિયમ હેઠળ નથી આવતો. આ કલમ અનુસાર કોઈ વાદ, અપીલ કે અન્ય કાર્યવાહી જે આ અધિનિયમ બન્યા પહેલાં ન્યાયાલય, અધિકરણ કે અન્ય પ્રાધિકારીમાં નિવેડો લાવી દેવાયો હોય તેને આ કાયદામાંથી છૂટ મળશે. આ કેસમાં 1968માં બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ ગઈ હતી, જેનો આદેશ 1973 અને 1974માં અપાયો હતો.

જોક, તનવીર અહમદે કહ્યું કે, તેઓ આ કેસની સુનાવણીને ઉપાસનાસ્થળ અધિનિયમ હેઠળ હાઈ કોર્ટમાં પડકારશે.

રંજના અગ્નિહોત્રી અયોધ્યા કેસ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં પણ તફાવત દર્શાવે છે. એમનું કહેવું છે કે અયોધ્યા મામલામાં શ્રીરામના જન્મસ્થળને સાબિત કરવું પડ્યું હતું પરંતુ શ્રીકૃષ્ણના મામલામાં જન્મસ્થળ સાબિત કરવાની જરૂર નથી. એમાં સ્પષ્ટ છે કે જમીન ક્યારે કોની પાસે હતી અને આગળ કોને આપવામાં આવી. આ બહુ જ સીધો કેસ છે.

જોકે, બંને કેસમાં એવો દાવો છે કે મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે અને મસ્જિદની જમીન પર મંદિરના અવશેષ જોવા મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો