માથું કાપી નાખેલા શરીર પર લખાયેલો સંદેશ, અપહરણ કરાયેલા વિદેશી પ્રવાસી અને મસૂદ અઝહરને છોડવાની માગ: 30 વર્ષ પહેલાં પહલગામ નજીક બનેલી ઘટના જે આજે પણ રહસ્ય છે

    • લેેખક, વિક્રમ મહેતા
    • પદ, બીબીસી સંવાદદાતા

(અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે)

તારીખ 13 ઑગસ્ટ,1995

સવારનો સમય. જમ્મુ- કાશ્મીર પ્રદેશની નયનરમ્ય પહાડીઓ પર સૂરજના સોનેરી કિરણો પથરાઈ ગયા હતા.

અનંતનાગ જિલ્લાના પાંઝમુલ્લા ગામની મહિલાઓ રોજના ક્રમની જેમ લાકડાં કાપવા માટે જંગલ વિસ્તાર જવા નીકળી.

આ મહિલાઓ ગામનો ધુળિયો રસ્તો પાર કરીને બહાર જંગલ વિસ્તારમાં લાકડા કાપવા માટે હજું પહોંચી ત્યાં જ એક મહિલાની આંખો સામેનું દૃશ્ય જોઈને ફાટી ગઈ અને એના મોઢામાંથી સવારની શાંતિને ચીરતી એક ચીસ નીકળી ગઈ.

બીજી ડરી ગયેલી મહિલાઓએ પોતાના ચહેરા છુપાવી લીધા. આંખ સામેનું દૃશ્ય જ ભલભલાને ધ્રુજાવી નાખે એવું હતું.

આ મહિલાઓની આંખ સામે એક અજાણ્યા પુરુષની લાશ પડી હતી. આ લાશ પર માથું ન હતું. માથું મૃતદેહથી થોડે દૂર પડેલું હતું. માથાના વાંકડિયા વાળ ધૂળથી ભરેલા હતા.

થોડીવારમાં તો દાવાનળની જેમ વાત ફેલાઈ ગઈ. સ્થાનિકો મૃતદેહની આસપાસ ભેગા થઈ ગયા. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો. મૃતક કોણ છે, ક્યાંથી આવે છે વગેરેની તપાસ શરૂ થઈ.

પોલીસે માથું ધડની બાજુમાં રાખીને તપાસ કરી તો જણાયું કે મૃતકની છાતી પર અલ-ફરાન નામ કોતરવામાં આવ્યું છે.

મૃતકના શર્ટના ખિસ્સામાં કેટલાક કાગળના ટુકડા હતા, જેના પર મૃતકે કવિતાઓ લખી હતી. આ ઉપરાંત પોલીસને મૃતકના શર્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી. જેમાં ઉર્દૂ ભાષામાં લખેલું હતું:

"અમે બંધકને મારી નાખ્યો છે. કારણ કે સરકારે અમારી માંગણીઓ સ્વીકારી નથી. જો 48 કલાકમાં અમારી માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો બાકીના બંધકોનું પણ એજ પરિણામ આવશે."

આ કિસ્સો 'રેન્સમ: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઇન્ટરનેશનલ કિડનેપિંગ' નામના અંગ્રેજી પુસ્તકમાં ટાંકવામાં આવ્યો છે.

એ માથા વગરનો મૃતદેહ કોનો હતો? કેમ એનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું? અલ ફરાન શું હતું? શું હતી એની માંગણીઓ?

કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે ત્યારે ત્રણ દાયકા પહેલાં જમ્મુ-કાશ્મીરની ધરતી પર ઘટેલી છ વિદેશી પ્રવાસીઓના અપહરણની એક ભેદી અને ખૌફનાક કહાણીની વરવી યાદ તાજી થઈ છે.

તાજેતરની પહલગામની હુમલાની ઘટના અને આજથી ત્રણ દાયકા પહેલાં- 1995માં બનેલી પ્રવાસીઓના અપહરણની ઘટના વચ્ચે સમાનતા છે.

એક તો આ કહાણીના તાર પણ પહલગામ સાથે જોડાયેલા છે. 1995માં પણ ઉગ્રવાદીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા હતા. વધુ એક સામ્યતા એ જોવા મળે છે કે તાજેતરમાં થયેલા પહલગામ હુમલામાં મહિલાઓને બાકાત રાખવામાં આવી હતી. 1995ની ઘટનામાં પણ મહિલાઓને જીવિત રાખવામાં આવી હતી અને માત્ર પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

જ્યારે છ વિદેશી નાગરિકોને બંધક બનાવાયા

1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ ચરમ પર પહોંચી રહ્યો હતો ત્યારે વિદેશી પ્રવાસીઓના અપહરણની ઘટના બની હતી જેણે આખા વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો હતો.

આ આખી ઘટના પરથી પત્રકારો એડ્રિયન લેવી અને કેથી સ્કૉટ કલાર્કે 'ધ મેડો: કાશ્મીર 1995- વેર ધ ટેરર બિગેન' નામનું સંશોધન આધારિત એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પરથી 1995 અપહરણની ઘટનાની અજાણી બાબતો તરફ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

આ આખી કહાણીના કેન્દ્રમાં અમેરિકા, બ્રિટન, જર્મની અને નૉર્વેના એમ કુલ મળીને છ વિદેશી નાગરિકો છે.

'ધ મેડો'માં જૂન 1995ના સમયનું વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રમાણે, એક અમેરિકન દંપતી, 42 વર્ષીય ડોનાલ્ડ હચિંગ્સ અને તેમનાં પત્ની જેન શેલી, કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં 12 દિવસના ટ્રૅક માટે પોતાના સામાન પૅક કરી રહ્યાં હતાં. હચિંગ્સ, એક ન્યુરોસાયકોલૉજિસ્ટ હતા. દર ઉનાળામાં, હચિંગ્સ તેમની પ્રૅક્ટિસમાંથી એક મહિનાની રજા લેતા અને તેમનાં પત્ની જેન શેલી સાથે સ્વિટ્ઝર્લૅન્ડ, બોલિવિયા અને ભારતમાં ટ્રેકિંગ કરતા હતા.

બીજી તરફ, ઇંગ્લૅન્ડના ઉત્તર-પૂર્વ ભાગમાં, જૂલી અને કેથ મંગન પણ ટ્રેકિંગ માટે થનગની રહ્યાં હતાં. તો લેન્કેશાયરમાં, 24 વર્ષીય ફોટોગ્રાફી વિદ્યાર્થી પૉલ વેલ્સ તેમનાં ગર્લફ્રેન્ડ કેથરિન મોસેલીને જમ્મુ-કાશ્મીરમાં તેમની સાથે પ્રવાસ કરવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતા. આખરે પૉલ વેલ્સ સફળ પણ થાય હતા.

ત્રીજી બાજુ એક અમેરિકન, જૉન ચાઇલ્ડ્સ, એક જર્મન ટ્રેકર ડર્ક હેસર્ટ અને નોર્વેજીયન નાગરિક હૅન્સ ક્રિશ્ચિયન ઑસ્ટ્રો કે જે કથકના વિદ્યાર્થી અને અભિનેતા-કવિ હતા, તેઓ પણ જમ્મુ-કાશ્મીરના પ્રવાસના આયોજનમાં લાગેલા હતા.

આખરે સૌ કોઈ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામના લિદ્દરવાટ વિસ્તારના એક કેમ્પસાઇટમાં એકઠા થાય છે.

જોકે અનાયાસે ભેગા થયેલા આ વિદેશી પ્રવાસીઓની તકદીર હવે એમને એક અણધાર્યા અને ભયાવહ વળાંક તરફ દોરી જવાની હતી.

અંધારી રાતે અજાણ્યા હથિયારધારી શખ્સો આવી ચડ્યા

'ધ મેડો' પુસ્તકનાં લેખિકા એડ્રિયન લેવી અને કેથરિન સ્કૉટ-ક્લાર્કે આ ઘટનામાંથી બચી ગયેલા લોકોના પણ ઇન્ટરવ્યૂ કર્યા હતા અને તેમની આપવીતી જાણી હતી.

આ પુસ્તકમાં અપહરણમાં જીવિત રાખવામાં આવેલા લોકોના ઇન્ટરવ્યૂના આધારે લખવામાં આવ્યું છે એ પ્રમાણે પહલગામ નજીકના લિદ્દરવાટ વિસ્તારની એક કેમ્પસાઇટમાં રોકાયેલા વિદેશી પ્રવાસીઓ હરિયાળા ઘાસનાં મેદાનો અને સફેદ પહાડીઓના સૌંદર્યનો લુત્ફ લઈ રહ્યા હતા ત્યાં જ રંગમાં ભંગ પાડતી ઘટના ઘટી.

તારીખ 4 જુલાઈ,1995ની એ અંધારી રાતે કેટલાક હથિયારધારી અજાણ્યા શખ્સો આવી ચડ્યા અને જૉન ચાઇલ્ડ્સ (અમેરિકન નાગરિક), ડોનાલ્ડ હચિંગ્સ (અમેરિકન નાગરિક), કીથ મંગન (બ્રિટિશ નાગરિક) અને પૉલ વેલ્સ (બ્રિટિશ નાગરિક) એમ ચાર વિદેશી પ્રવાસીઓને એકે-47 જેવી ઘાતક બંદૂકના નાળચે બંધક બનાવે છે.

બંદૂકના નાળચે બંધક બનાવેલા વિદેશી પ્રવાસીઓની યાદીમાં ડર્ક હેસર્ટ (જર્મન નાગરિક) અને હૅન્સ ક્રિશ્ચિયન ઑસ્ટ્રો (નોર્વેજીયન નાગરિક) નામના બે કમનસીબ વિદેશી પ્રવાસીઓનો પણ ચાર દિવસ પછી ઉમેરો થવાનો હતો!

'ધ મેડો' પુસ્તક અને અન્ય એક મુલાકાતમાં જેન શેલી એ રાતના બિહામણા અનુભવને યાદ કરતા કહે છે, "અમે રાતનું ભોજન લેવાની તૈયારી કરી રહ્યા હતા એ સમયે એક ડઝન જેટલા બંદૂકધારીઓ ટેકરીઓમાંથી બહાર આવ્યા. જેમાંથી મોટાભાગે કિશોરાવસ્થામાં હતા. તેમની પાસે ઑટોમેટિક રાઇફલ્સ હતી."

"બે જણે તેમના લોકલ ગાઇડ દ્વારા મને (જેન શેલી) અને હચિંગ્સને બેસવા અને અમારા પાસપોર્ટ બતાવવા કહ્યું. બંદૂકધારી માણસોએ હચિંગ્સને તંબુમાં જવા માટે અને ગરમ કપડાં પહેરીને આવવા માટે આદેશ આપવામાં આવ્યો. તંબુમાં, હચિંગ્સે પોતાનો પૈસાનો પટ્ટો કાઢીને ધાબળામાં લપેટીને મને આપી દીધો."

જેન શેલી આગળ કહે છે, "એ રાત્રે લગભગ 8 વાગ્યે, મોટાભાગના પ્રવાસીઓને બીજી કેમ્પસાઇટ પર ખસેડવામાં આવ્યા હતા જ્યારે અમેરિકન અને બ્રિટિશ પુરુષોને હથિયારધારી માણસોએ બંદૂકના નાળચે પોતાની પાછળ ચાલવા આદેશ કર્યો હતો."

"બંદૂકધારીઓએ ગાઇડને કહ્યું હતું કે જો તેમના પાસપોર્ટ પરની બધી માહિતી તપાસવામાં આવે તો તેમને પહેલી જ રાતે ગામમાંથી છોડી દેવામાં આવશે."

'ધ મેડો' પુસ્તક પ્રમાણે બંદૂકધારીઓ બંધકોને પહાડીઓમાં લઈ ગયા હતા. બીજા દિવસે પણ હચિંગ્સ સહિતના અન્ય પુરુષો પાછા ન ફર્યા એટલે જેન શેલી અને અન્ય મહિલાઓને કશુંક અઘટિત બન્યાની ફાળ પડી.

એ હથિયારધારીઓએ ગાઇડને છોડી મૂક્યો હતો અને એક ચિઠ્ઠી આપીને રવાના કર્યો હતો. આ ચિઠ્ઠીમાં ભારતીય જેલમાં બંધ હરકત અઝહર મસૂદ અને સજ્જાદ અફઘાની સહિતના 21 ઉગ્રવાદીઓને છોડવા માટે માંગ કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં અલ-ફરાન દ્વારા સહી કરવામાં આવી હતી.

શું હતું અલ-ફરાન?

ભારત પ્રવાસે આવેલા છ પશ્ચિમી પ્રવાસીઓના અપહરણની ઘટનાને કાશ્મીરી ચરમપંથી સંગઠન અલ-ફરાને અંજામ આપ્યો હતો.

સાઉથ એશિયા ટેરેરિઝમ પોર્ટલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ચરમપંથી સંગઠન હરકત-ઉલ-જિહાદ-એ-ઇસ્લામી અને હરકત-ઉલ-મુઝાહિદ્દીન સંગઠન બંનેએ સંયુક્ત રીતે ભેગા મળીને હરકત-ઉલ-અંસાર નામનું ચરમપંથી સંગઠન બનાવ્યું હતું. અલ-ફરાન હરકત-ઉલ-અંસારનું એક ગુપ્ત સંગઠન હતું. અલ ફરાનનો અર્થ થાય છે 'ખુશી'.

પહલગામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. ભારતીય પોલીસે બંધકોને મુક્ત કરાવવા માટે ઉગ્રવાદીઓ સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. એફબીઆઈ અને સ્કૉટલૅન્ડ યાર્ડના ટોચના અધિકારીઓ ભારત દોડી આવ્યા.

ટૉઇલેટ જવાનું બહાનું કાઢીને એક બંધક ભાગી છુટ્યો

મીડિયા રિપોર્ટ અનુસાર અપહરણના ચાર દિવસ પછી, અપહૃત અમેરિકન જૉન ચાઇલ્ડસે મરડો થયો હોવાનું બહાનું ધરીને બહાર શૌચક્રિયા જવા માટે મંજૂરી લીધી હતી.

જૉન ચાઇલ્ડસ અંધારી રાતે તકનો લાભ લઈને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છટકી ગયા હતા.

42 વર્ષીય ચાઇલ્ડસ ઊંચા પર્વતો પર ચઢી ગયા હતા, આ દરમિયાન અમરનાથ યાત્રા સંદર્ભે હેલિકૉપ્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓએ તેમને જોઈ લીધા હતા અને જૉન ચાઇલ્ડસને બચાવી લીધા.

જોકે, તે જ દિવસે, અલ-ફારાને જર્મન ટ્રેકર ડર્ક હેસર્ટ અને નોર્વેજીયન હૅન્સ ક્રિશ્ચિયન ઑસ્ટ્રોને એ જ પર્વતીય પટ્ટામાંથી બંધક બનાવ્યા હતા.

સમગ્ર વિશ્વમાં આ ઘટનાના પડઘા પડ્યા હતા અને વર્લ્ડ મીડિયા હવે જમ્મુ-કાશ્મીર અને ભારત સરકારની આગામી કાર્યવાહી પર મીટ માંડીને બેઠું હતું.

અપહરણને અંજામ આપનારાઓ કોણ હતા?

આ અપહરણની ઘટનાને અંજામ આપનારા મુખ્ય સૂત્રધારો અંગે 'ધ મેડો'માં લખવામાં આવ્યું છે એ પ્રમાણે 1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં લડનારા સિકંદર નામના કાશ્મીરી ઉગ્રવાદીના નેતૃત્વમાં ટીમ બની હતી. સિકંદરે અગાઉ એક ઑપરેશન લીડ કર્યું હતું.

જેમાં જૂન 1994માં બે બ્રિટિશ નાગરિકો, કિમ હાઉસેગો અને ડેવિડ મેકીનું અપહરણ કર્યું હતું અને મસૂદ અઝહરને છોડવાનો પ્રયાસ કર્યો હતો પણ આ પ્રયાસમાં સફળતા મળી ન હતી. આ પછી અલ ફરાન જૂથની રચના થઈ હતી.

જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર મકબૂલ સાહિલે 1995 અપહરણના મુખ્ય સૂત્રધાર ઉગ્રવાદી સિકંદર ઉર્ફે જાવેદ અહમદનો ઇન્ટરવ્યૂ કરવાનો દાવો કર્યો હતો.

એમણે સિકંદર સાથેના ઇન્ટરવ્યૂને વાગોળતા લખ્યું છે કે, "કાશ્મીરમાં હરકત-ઉલ-મુજાહિદ્દીન સાથે જોડાયેલા કમાન્ડર સિકંદર તરીકે ઓળખાતા જાવેદ અહેમદે વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. સિકંદરના કાર્યકરો એને બાબા તરીકે સંબોધન કરતા હતા."

"હરકત-ઉલ-મુજાહિદ્દીન સંગઠન જે પાછળથી હરકત-એ-જેહાદ એ ઇસ્લામી સાથે ભળી ગયું અને હરકત-ઉલ-અંસારની રચના કરવામાં આવી. હું સિકંદરની પાછળ હતો કારણ કે મને ખબર હતી કે તે આ વિસ્તારમાં એક પ્રભાવશાળી અને સક્રિય કમાન્ડર છે અને જિલ્લા ઇસ્લામાબાદના ઘણા ઉગ્રવાદી સંગઠનોની સંકલન સમિતિના વડા તરીકે પણ કામગીરી કરે છે."

મકબૂલ સાહિલના કહેવા પ્રમાણે એમની સાથેની વાતચીતમાં જાવેદ અહમદે કેટલાક ખુલાસા કર્યા હતા. જે પ્રમાણે પહેલાં તો ઉગ્રવાદીઓએ ઉરી સિવિલ અથવા કિશ્તવાડમાં દુલ હસ્તી જેવા ઘણા હાઇડ્રો-ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ્સમાં કામ કરતા એન્જિનિયરોના અપહરણની યોજના બનાવી હતી. પરંતુ આ પછી પાકિસ્તાનમાં હરકત-ઉલ-અંસારના વડાઓએ કેટલાક મહત્ત્વપૂર્ણ વિદેશી બંધકોને લેવા માટે સારી રીતે તાલીમ પામેલા કમાન્ડોનું એક ખાસ મિશન તૈયાર કર્યું.

આ કમાન્ડોના જૂથને અલ-ફરાન નામ આપવામાં આવ્યું હતું. અલ-ફરાન લગભગ 25 જેટલા ઉગ્રવાદીઓનું એક જૂથ હતું. વિદેશીઓનું અપહણ કરીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની, જંગલમાં એ લોકોને છુપાવવાની ખાસ તાલીમ આપવામાં આવી હતી.

એ પ્રવાસી કે જેનું માથું કાપી નાખવામાં આવ્યું

"મને પકડવામાં આવ્યો ત્યારથી, હું પર્વતો અને ઘાટોમાંથી ચાલી રહ્યો છું અને હું થાકી ગયો છું. હું ભારત સરકાર અને નોર્વેજીયન સરકારને અપીલ કરું છું કે તેઓ અમને છોડાવવા માટે કંઈ પણ કરે કારણ કે અમને ખબર નથી કે અમને ક્યારે મારી નાખવામાં આવશે."

"હું ખાસ કરીને પ્રવાસન કાર્યાલયને અપીલ કરું છું કારણ કે ત્યાં બધાએ મને કહ્યું હતું કે આ સ્થળ સલામત છે. એક અધિકારીએ મને પોતાનું કાર્ડ પણ આપ્યું અને કહ્યું કે જો કોઈ સમસ્યા હોય તો હું તેમને ફોન કરી શકું છું. હું હમણાં ફોન કરી રહ્યો છું."

હૅન્સ ક્રિશ્ચિયન ઑસ્ટ્રોના આ શબ્દો છે. એ જ હૅન્સ ક્રિશ્ચિયન ઑસ્ટ્રો કે જેમનો માથું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

'ધ મેડો' પુસ્તકની નોંધ અનુસાર હૅન્સ ક્રિશ્ચિયન ઑસ્ટ્રો કલાકાર હતા. કવિતા અને કથક સાથે એમને પ્રેમ હતો. પણ હૅન્સ ક્રિશ્ચિયન ઑસ્ટ્રો વારંવાર ઉગ્રવાદીઓ સાથે શાબ્દિક દલીલબાજી કરતા. ઑસ્ટ્રોને આની કિંમત ચૂકવવી પડી. એક દિવસ એમની માથું કપાયેલી લાશ મળી આવી.

હૅન્સ ક્રિશ્ચિયન ઑસ્ટ્રોનાં ફિલ્મમેકર બહેન અનેટ ઑસ્ટ્રોએ પોતાના ભાઈની દારૂણ કહાણી પરથી ધ ગોલ્ડન સ્વાન નામની ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી હતી.

અન્ય બંધકો: જમીન ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું?

ઉગ્રવાદીઓની માગણી સામે તત્કાલીન સરકાર ઉગ્રવાદીઓની માંગ સામે સહેજ પણ મચક આપી રહી ન હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જેન શેલીએ પોતાના પતિની ભાળ મેળવવા માટે આકાશપાતાળ એક કરી નાખ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ ક્લિન્ટન, પાકિસ્તાની વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને અસંખ્ય સરકારી અધિકારીઓ પાસે મદદની ગુહાર કરી જોઈ.

શેલીએ પાંચ મહિના ભારતમાં વિતાવ્યા, એવી આશામાં કે જ્યારે તેમના પતિ મુક્ત થશે ત્યારે તેઓ ત્યાં જ હશે. સમયનો કાંટો તેજ ગતિએ આગળ ધપતો ગયો પરંંતુ કશું જ ભાળ કે નક્કર માહિતી મળી નહીં.

'ધ મેડો' પુસ્તકની નોંધ પ્રમાણે અનંતનાગ જિલ્લાના એક ગામમાં સૈન્ય સાથેની અથડામણમાં અપહરણકાંડના મુખ્ય સૂત્રધારમાના એક ઉગ્રવાદી અબ્દુલ હમીદ તુર્કીનું મોત થયું હતું.

મે, 1996માં જ્યારે એક પકડાયેલા એક ઉગ્રવાદીએ ભારતીય તપાસકર્તાઓ અને એફબીઆઈ એજન્ટો આગળ તારીખ 13 ડિસેમ્બર, 1995 ના રોજ ચારેય બંધકોને ગોળી મારી દેવાની વાત સાંભળી હોવાની વાત કરી હતી. આ માહિતીના આધારે શ્રીનગરથી દૂર આવેલા માગમ જંગલ વિસ્તારમાં 10 દિવસ સુધી ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ કોઈ મૃતદેહ મળ્યો ન હતો.

'ધ મેડો: કાશ્મીર 1995 - વ્હેર ધ ટેરર બિગેન' પુસ્તકમાં, એડ્રિયન લેવી અને કેથી સ્કૉટ-ક્લાર્કનો દાવો છે કે બંધકોને સુખનોઈ ગામના એક ગેસ્ટહાઉસમાં અને વરવાનની ખીણોમાં અઠવાડિયા સુધી રાખવામાં આવ્યા હતા. સરકાર સમર્થક ઉગ્રવાદી આઝાદ નબીએ અલ ફરાનમાંથી આ ચાર અપહરણકારોને ચાર લાખ રૂપિયામાં ખરીદ્યા અને અપહરણ કરાયેલા ચાર પશ્ચિમી નાગરિકોને 2 ડિસેમ્બર, 1995ના રોજ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ શહેરથી પાંચ કલાકના અંતરે આવેલા માટી અને ગાવરન નામનાં દૂરનાં જોડિયા ગામોમાં મારી નાખવામાં આવ્યા હતા.

જોકે આ અંગે મતમતાંતર છે. પત્રકાર મકબૂલ સાહિલના કહેવા પ્રમાણે એમણે જેન શેલીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. જેન શેલીએ ડૉન હચિંગ્સની ભાળના બદલામાં યુએસ એમ્બેસી જે જોઈએ તે આપવાની વાત કહી હતી. વર્ષ 1996ના 13 ફેબ્રુઆરીના રોજ એમણે (મકબૂલ સાહિલે) કમાન્ડર સિકંદરનો ફરીવાર ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને બંધકોને છોડી દેવાનું અનેક રીતે લાભદાયી હોવાનું સમજાવ્યું હતું. ટેલિફોનિક વાતચીતમાં સિકદંરે ત્રણ બંધકો જીવિત હોવાનો નિર્દેશ કર્યો હતો. જોકે મકબૂલ સાહિલ સિકંદરને નિશ્ચિત થયેલી તારીખે મળે એ પહેલાં સિંકદરનું બૉમ્બવિસ્ફોટમાં મોત થયું હતું.

સૂત્રધારો માર્યા ગયા હોવા છતાં ચરમપંથીઓ જેલમાં બંધ અઝહર મસૂદને છોડાવવાનો પ્રયાસ છોડ્યો ન હતો.

બંદૂકના નાળચે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અઝહર મસૂદને છોડાવવા માટેનો પ્રયાસ 1995 બાદ ભવિષ્યમાં(1999)માં કંદહારકાંડના રૂપમાં પુનરાવર્તન પામ્યો.

આજે ત્રણ દાયકા બાદ પણ આજદિન સુધી અપહૃત થયેલા વિદેશી પ્રવાસીઓના મૃતદેહ મળ્યા નથી.

આખા વિશ્વના મીડિયા જગતમાં વર્ષો સુધી ગાજતા રહેલા આ અપહરણ કેસની કેટલીક કડીઓ ફરતે હજુ પણ રહસ્યનું ભેદી આવરણ ઢંકાયેલું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન