મહેસાણા: પુરુષ તરીકે જન્મેલાં મહિલાની પોતાનું સ્ત્રીત્વ મેળવવાની કહાણી

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"ઑપરેશન બાદ પહેલી વાર મને માસિક આવ્યું ત્યારે મને હાશ થઈ. મને લાગ્યું કે હવે મારો સંસાર આગળ ચાલી શકશે. હું મારી જાતને હવે સંપૂર્ણ અનુભવવા લાગી છું."

આ શબ્દો છે, મહેસાણા જિલ્લાનાં સીમા (બદલાવેલું નામ)ના જેઓ કરોડોમાં એક કિસ્સામાં જોવા મળતી કુદરતી ક્ષતિને કારણે જન્મ સમયે શરીરની બહાર પુરુષનાં લિંગ અને શરીરની અંદર સ્ત્રીના પ્રજનનતંત્ર સાથે જન્મ્યાં હતાં.

સીમાનું એક મહિના પહેલાં વિસનગરની એક હૉસ્પિટલમાં તેમની સ્ત્રી તરીકેની વાસ્તવિક ઓળખ આપવા માટેનું ઑપરેશન કરવામાં આવ્યું. જેમાં તેમના શરીરમાંથી પાંચ ઇંચના લિંગને દૂર કરવામાં આવ્યું હતું. તેમજ તેમની વજાઇનોપ્લાસ્ટી અને વજાઇનલ ક્લિટરોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે.

પોતાની જાતીયતાની સમજ વિકસ્યા બાદ પસંદગીપૂર્વક નિર્ણય કરીને લિંગપરિવર્તન માટે કરાવવામાં આવતાં ઑપરેશનો કરતાં સીમાની સ્થિતિ સાવ અલગ છે અને ડૉક્ટરો પણ તેને ભાગ્યે જ જોવા મળતી દુર્લભ શારીરિક સ્થિતિ ગણાવે છે.

સીમાની આવી શારીરિક સ્થિતિ અંગે તેમનાં માતાપિતા, ભાઈ અને ભાભી સિવાય કોઈને જાણ ન હતી. તેમની સ્થિતિ અંગે કોઈને ખબર પડી જશે તો શું થશે? તેવા ડરમાં તેઓ સતત જીવતાં હતાં.

‘જ્યારે મને ખબર પડી ત્યારે હું ઊંઘી શકી ન હતી’

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સીમાએ પોતાની કહાણી જણાવી હતી.

તેમણે કહ્યું હતું કે, "હવે હું મારી જાતને સંપૂર્ણ અનુભવું છું. હાલ મારી ઉંમર 22 વર્ષની છે. હું જન્મી ત્યારે જ મારાં માતાપિતાને ખબર હતી કે મારું બાહ્ય ગુપ્તાંગ પુરુષનું અને અંદરનાં પ્રજનનાંગો સ્ત્રીનાં છે. મારાં માતાપિતાએ આ વાત નજીકના સગાથી પણ છુપાવીને રાખી હતી."

બાળપણથી જ સીમાનો ઉછેર સ્ત્રી તરીકે જ કરવામાં આવ્યો હતો. પણ તેમના મનમાં પોતાના સ્ત્રી તરીકેના ઉછેર અને શરીરના લૈંગિક વિરોધાભાસ વિશે સતત મૂંઝવણ રહ્યા કરતી.

તેમણે કહ્યું, "હું બાળપણમાં મારી માતાને પૂછતી કે મારાં અંગો અન્ય કરતાં કેમ અલગ છે? ત્યારે મારાં મમ્મી મને કહેતાં કે તું નાની છે, તને સમજ નહીં પડે. તું મોટી થઈશ એટલે હું તને સમજાવીશ."

આ શારીરિક આંતરવિગ્રહ વિશે મૂંઝવણની આ સ્થિતિની અસર તેમના માનસિક આરોગ્ય પર પડી.

સીમાએ કહ્યું, "હું હંમેશાં વિચારતી હતી કે આવું કેમ થયું હશે. પણ મારી પાસે આ અંગે કોઈ જ જવાબ ન હતો. જેમ-જેમ હું મોટી થતી ગઈ તેમ મને આ અંગે ખૂબ જ ચિંતા થવા લાગી હતી. જેની અસર મારા માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી હતી."

પાંચ વર્ષ પહેલાં સીમા જ્યારે 17 વર્ષનાં થયાં ત્યારે તેમનાં માતાએ તેમને તેમની શારીરિક સ્થિતિ અંગે જાણ કરી હતી.

સીમા કહે છે, "એ દિવસે હું ઊંઘી શકી નહોતી. મને કંઈ જ સમજાતું નહોતું, પરંતુ મારાં મમ્મી, પપ્પા, ભાઈ અને ભાભીએ મને ખૂબ જ સાથ આપ્યો અને તેમજ હિંમત આપી. તેઓ કહેતાં કે ડૉક્ટર પાસે જઈશું એટલે બધું બરાબર થઈ જશે."

સામાજિક અસ્વીકૃતિનો ભય અને ઑપરેશનની ચિંતા

પરિવારના પૂરતા સાથ-સહકાર અને આશ્વાસન છતાં સીમા એવા ડર સાથે જીવતાં કે જો તેમની બહેનપણીઓને તેની સ્થિતિ વિશે ખબર પડી જશે તો તેઓ એમનાથી દૂર થઈ જશે. આવા ડરની અસર તેમના અભ્યાસ પર પણ પડી.

તેમણે કહ્યું, "બાળપણમાં અને કિશોરાવસ્થામાં મારી બહેનપણીઓ મારી સાથે ફરતી હતી ત્યારે મારા મનમાં હંમેશાં ડર રહેતો હતો કે આ લોકોને કંઈ ખબર પડી જશે તો શું થશે? એ લોકો મારા મિત્રો રહેશે કે નહીં? આવો ડર મને સતત લાગતો હતો."

"તેની અસર મારા આત્મવિશ્વાસ પર પણ પડી હતી. હું દસમા ધોરણમાં નાપાસ થઈ પછી મેં ભણવાનું પણ છોડી દીધું હતું."

પોતાની સારવાર માટે કયા ડૉક્ટર પાસે જવું તેની સીમાને કે તેમના પરિવારને ખ્યાલ નહોતો આવતો.

સીમા કહે છે, "કયા દવાખાને જવું તે સમજાતું નહોતું. તે દરમિયાન મારાં ભાભીએ અખબારમાં વિસનગરની હૉસ્પિટલમાં આ પ્રકારના ઑપરેશન થયું હોવા અંગે વાચ્યું, જેથી મારાં ભાભી મને આ હૉસ્પિટલમાં ચેકઅપ માટે લાવ્યાં હતાં."

સીમાએ વિસનગરની નૂતન હૉસ્પિટલમાં પોતાનું ઑપરેશન કરાવ્યું છે.

તેમણે કહ્યું, "ઑપરેશન પહેલાં મારા મનમાં અજંપાભરી સ્થિતિ હતી. મને વિચારો આવતા કે મને કંઈ થઈ જશે તો? આ ઑપરેશન સફળ રહેશે કે નહીં? મારી સ્થિતિ બદલાશે કે નહીં? આવા વિચારો મનમાં આવતા રહેતા હતા."

ઑપરેશન કેટલું જટિલ હતું?

હૉસ્પિટલના ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. પંકજ નિમ્બાલકરે પોતાની સાથે એક પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર સાથે મળીને સીમાનું ઑપરેશન કર્યું હતું.

ડૉ. પ્રકાશ નિમ્બાલકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "અમારી હૉસ્પિટલમાં 22 વર્ષનાં દર્દી આવ્યાં હતાં. તેમને જન્મથી જ ગર્ભાશય અને અંડાશય બંને અવયવો હતાં. આ સ્થિતિને કન્જનાઇટલ ઍડ્રિનલ હાઇપરપ્લૅશિયા(CAH) કહેવામાં આવે છે."

તેમણે કહ્યું હતું કે, "દર્દી તેમની સ્થિતિ અંગે કોઈ સાથે ખૂલીને વાત કરી શકતાં નહોતાં. તેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી."

"ગાયનૅકૉલૉજિસ્ટ તરીકેના 35 વર્ષના મારા અનુભવમાં આ પ્રથમ કેસ જોયો છે. અમારી હૉસ્પિટલમાં અગાઉ આ પ્રકારની નહીં, પરંતુ થોડી અલગ પ્રકારની અલબત્ત ‘દુર્લભ સર્જરી’ કરવામાં આવી હતી. તે સર્જરી અંગે પ્રિન્ટ મીડિયામાં વાંચીને તેમના સંબંધી સીમાને અમારી હૉસ્પિટલમાં લઈને આવ્યાં હતાં."

હૉસ્પિટલમાં તેમનું મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું.

ડૉ. નિમ્બાલકરે વધુમાં જણાવ્યું, "તેમના સીટી સ્કૅન, એમઆરઆઇ તેમજ સોનોગ્રાફીના રિપોર્ટથી ખ્યાલ આવ્યો હતો કે તેમનાં શરીરનાં આંતરિક અવયવોમાં ગર્ભાશય હતું, પરંતુ જનનેદ્રિય તરીકે યોની નહીં પણ પુરુષોનું લિંગ હતું."

"તેઓ બાળપણથી જ મહિલા તરીકે જીવતાં હતાં. તેમજ આગળ પણ મહિલા તરીકે જીવવા માંગતાં હતાં. તેમના રિપોર્ટમાં પણ એ સામે આવ્યું હતું કે તેમનાં રંગસૂત્રો 44xxy હતા. એક y રંગસૂત્ર ઓછું હતું. જેને કારણે તેમને મહિલા તરીકે રાખવા અમારા માટે થોડી સરળતા રહી હતી."

તેઓ આગળ સમજાવતાં કહે છે, "તેમના શરીરમાં મહિલા અને પુરુષ બન્નેના અંતઃસ્રાવો (હૉર્મોન્સ) હતા. પુરુષોમાં જોવા મળતો ઍન્ડ્રોજન અંતઃસ્રાવ થોડા વધારે હતો અને મહિલાઓમાં મળતા ઍસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવો થોડા ઓછા હતા. ઑપરેશનના એક મહિના અગાઉ તેમને હૉર્મોન્સ માટેની થૅરપી આપી તેમના શરીરમાં પુરુષના હૉર્મોન્સ ઘટાડવાની તેમજ મહિલાના હૉર્મોન્સ વધારવા માટેની થૅરપી શરૂ કરવામાં આવી હતી. તેમજ તેમનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું."

ડૉ. પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, "તેમના શરીરમાંથી પાંચ ઇંચનું લિંગ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ તેમની વજાઇનલ ક્લિટોરોપ્લાસ્ટિ અને વજાઇનોપ્લાસ્ટિનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. ઑપરેશન કરીને યોની સાથે ગર્ભાશયનું જોડાણ કરવામાં આવ્યું છે."

"ઑપરેશન બાદ તેમનું શરીર સારો પ્રતિભાવ આપી રહ્યું છે. તેમને માસિક આવવાનું પણ શરૂ થઈ ગયું છે. હવે તેઓ લગ્ન કરી શકશે. તેઓ જાતીય રીતે સક્રિય થઈ શકશે અને બાળકને જન્મ પણ આપી શકશે. તેઓ મહિલા તરીકે એક સામાન્ય જિંદગી જીવી શકશે."

જેન્ડર અને સેક્સ બંને અલગ છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગાયનેકોલૉજી વિભાગના વડા એ.યુ. મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “આ પ્રકારના કેસ ખૂબ જ રેર હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ સમયે ખબર પડતી નથી. કિશોરાવસ્થા દરમિયાન ખબર પડતી હોય છે. તેમજ જે કિસ્સામાં ખબર પડે તેમાં પણ નવજાત બાળકોની આ પ્રકારની સર્જરી કરી શકાય નહીં.જે થી સર્જરી કરવામાં આવે છે. જે લોકો સેક્સચેન્જનું ઑપરેશન કરાવે છે. તેના કરતાં આ પ્રકારના કિસ્સા અલગ હોય છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “જેન્ડર અને સેક્સ બંને અલગ છે. ક્યારેક વ્યક્તિ પોતે મેલ જેન્ડર હોય પરંતુ પોતે સ્ત્રી તરીકે પોતાને માનતા હોય કે તે રીતે જીવતા હોય તેવા કિસ્સામાં સાયકોલૉજિકલ તેમજ જીનેટિક ઍસેસમેન્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ તેમની થૅરપી કર્યા બાદ સેક્સ ચેન્જ ઓપરેશન કરવતા હોય છે. આ પ્રકારની સર્જરી પ્લાસ્ટિક સર્જન દ્વારા કરવામાં આવતી હોય છે.”

ડૉ. પંકજ નિમ્બાલકરે કહ્યું હતું કે, “આ મહિલા સમાજની બીકને કારણે માનસિક રીતે ભાંગી ગયાં હતાં. સમાજની બીકને કારણે અંગે કોઇને કંઈ કહી શક્યાં ન હતાં. તેમણે જો શરૂઆતમાં ડૉક્ટરોનો સંપર્ક કર્યો હોત તો કદાચ તેમને આટલી તકલીફ ન ભોગવવી પડી હોત. કોઇ પણ પ્રકારની શારીરિક તકલીફમાં ડૉક્ટરોની સલાહ લેવી જોઇએ. જેથી તમને તે અંગે ચોક્કસ સમાધાન મળી શકે છે."

ઑપરેશન થયા બાદ સીમાનો અનુભવ કેવો છે?

ઑપરેશન પછી જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરતાં સીમા કહે છે, “ઑપરેશન બાદ મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. લોકોને ખબર પડી જશે તેવો જે ડર હતો તે જાણે ગાયબ થઈ ગયો છે.”

તેઓ કહે છે, “ઘણીવાર હું નાસીપાસ થઈ જતી, પરંતુ પરિવારના સાથને કારણે હું આ સ્થિતિમાંથી બહાર આવી શકી છું.”

તેઓ કહે છે, “સારવાર પહેલાં મારા શરીરના હાથ પગ પર ઘાટી રુવાંટી આવતી હતી. સારવાર બાદ હવે તે આછી રુવાંટી આવે છે. મારો છાતીનો ભાગ વિકસિત થયો નહોતો જે ઑપરેશન બાદ વધીને છોકરીઓ જેવો થઈ રહ્યો છે.”

ઑપરેશન બાદ સીમાને શરૂ થયેલાં માસિકે તેમને સ્રીત્વ પામ્યાનો આનંદ આપ્યો. હવે આગળની જિંદગી વિશે સીમા પાસે ઘણાં સપનાં છે.

તેમણે કહ્યું, “પહેલી વાર મારા પિરિયડ આવ્યા ત્યારે હું ખૂબ જ ખુશ હતી. મને થયું કે હવે મારો સંસાર આગળ ચાલશે. હવે હું પણ લગ્ન કરી શકીશ અને મારાં પણ બાળકો હશે.”

તેઓ કહે છે, “જીવનસાથીની જરૂર બધાને હોય જ છે. મને આ કમી મહેસૂસ થતી હતી. મારી ઉંમરની મારી બહેનપણીઓને તેમના પતિ કે સાથી સાથે જોઉં તો મને થતું કે મારે ક્યારે આવા દિવસ આવશે. મારા ડરને કારણે ક્યારેય મેં કોઈ છોકરાને એવી રીતે જોયો જ નથી. મારા પરિવારના લોકો હવે લગ્ન અંગે વિચારી રહ્યા છે. હવે તેઓ મારા માટે છોકરો શોધશે. મારા પરિવારની પસંદગીના યુવક સાથે જ હું લગ્ન કરીશ.”

લગ્નની સાથે સાથે હવે નવી જિંદગીનાં સપનાં જોઈ રહેલાં સીમાને તેમણે અધૂરો મૂકી દીધેલો અભ્યાસ પણ ફરીથી શરૂ કરવાનો અને આર્થિક રીતે સક્ષમ થવાનો ઉમંગ જાગ્યો છે.

તેમણે કહ્યું, "ઑપરેશન બાદ મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. હવે હું દસમા ધોરણની પરીક્ષા આપી આગળ ભણવા માંગુ છું, પગભર થવા માગું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.