ગુજરાતમાં પાછલાં 11 વર્ષમાં દર બીજે દિવસે SC-ST પરિવારને પોલીસરક્ષણની જરૂર પડી : RTI

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી
  • ગુજરાતમાં દર બીજા દિવસે SC-ST પરિવારને પોલીસરક્ષણની જરૂરિયાત
  • ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાતી 'સલામત ગુજરાત' છબિ રાજ્યમાં વંચિત વર્ગની સામાજિક સુરક્ષા બાબતે સમગ્રલક્ષી ચિત્ર રજૂ કરતી ન હોવાનો દાવો
  • ગુજરાતમાં પાછલાં લગભગ 11 વર્ષોમાં ગુજરાતના જુદા જુદા જિલ્લામાં 2,789 કિસ્સામાં દલિત અને આદિવાસી પરિવારોને પોલીસરક્ષણની જરૂર પડી હોવાની માહિતી બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલ એક માહિતી અધિકારની અરજી અંતર્ગત પ્રાપ્ત થઈ છે

"28 જૂન 2022ના રોજ અમારા પાડોશીએ દારૂ પીધેલી અવસ્થામાં મારાં વૃદ્ધ માતાપિતા, પત્ની અને બાળક પર લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે મારા પિતાને ફ્રેક્ચર થયું હતું. આ અંગે અમે એટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી અને પોલીસરક્ષણની માગણી કરી હતી."

હાલોલ તાલુકાના 41 વર્ષીય વિજય ધુળાભાઈ મકવાણા તાજેતરમાં જ તેમના પરિવાર પર થયેલા હુમલા અંગે જણાવતાં ઉપરોક્ત વાત કરે છે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી 'સલામત ગુજરાત'ની છબિ આગળ ધરી રાજ્ય કાયદા અને વ્યવસ્થા બાબતે આગળ પડતું હોવાની વાત કરવામાં આવે છે.

ગુજરાતમાં પાછલાં લગભગ 11 વર્ષોમાં જુદા જુદા જિલ્લામાં 2,789 કિસ્સામાં દલિત અને આદિવાસી પરિવારોને પોલીસરક્ષણની જરૂર પડી હોવાની માહિતી બીબીસી ગુજરાતી દ્વારા કરાયેલ એક માહિતી અધિકારની અરજી અંતર્ગત પ્રાપ્ત થઈ છે.

દલિત અને આદિવાસી કર્મશીલોનું આ બાબતે કહેવું છે કે આ આંકડા ગુજરાતમાં દલિત-આદિવાસી પરિવારોની સુરક્ષા બાબતે 'સ્વસ્થ ચિત્ર' રજૂ કરતા નથી.

આ આંકડાઓનું મહત્ત્વ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની દૃષ્ટિએ વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે બીબીસી ગુજરાતીએ કર્મશીલો અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી સાથે વાત કરી હતી.

'સમરસપણાની નહીં સમાનતાની જરૂર'

ગુજરાતમાં જ્ઞાતિ નિર્મૂલન સમિતિના કો-કન્વીનર રોહિત મનુ ઉપરોક્ત આંકડા અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા નથી.

તેઓ જણાવે છે કે, "ગુજરાતમાં સરકાર સમરસતાની વાત કરે છે. પરંતુ સમાનતાની વાત કરતી નથી. અમારી દૃષ્ટિએ સમરસતા એ સમાનતા નથી. તે દરેક જ્ઞાતિના લોકોને સમાન હક કે માનવાધિકારોની વાત નથી કરતી. જો સમાજમાં સમાનતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ થાય અને બધા માટે સમાન અધિકારોની વાત થાય તો આવી પરિસ્થિતિ ન ઉદ્ભવે."

આ આંકડાઓ ગુજરાતમાં વંચિત વર્ગની કેવી સ્થિતિ સૂચવે છે તે અંગે રોહિત મનુ જણાવે છે કે, "ભૂતકાળની સરખામણીમાં વંચિત વર્ગોની સામાજિક સ્થિતિમાં ગુજરાતમાં સુધારો આવ્યાની વાત સમગ્રપણે સાચી નથી. સમય સાથે રાજ્યમાં વંચિત વર્ગ સામે હિંસક બનાવોની સંખ્યા વધી રહી છે. તેમાં ઘટાડો નથી દેખાઈ રહ્યો."

આદિવાસી કર્મશીલ આનંદ મઝગાંવકર જણાવે છે કે આ આંકડા ગુજરાતમાં હજુ પણ બળૂકા વર્ગથી વંચિત વર્ગના લોકોને કાયદાના રક્ષણ છતાં ગભરાટ અનુભવાતો હોવાની સ્થિતિ છતી કરે છે.

તેઓ કહે છે કે, "વંચિત વર્ગ આર્થિક રીતે બહુ આગળ પડતો નથી, શિક્ષણ અને સંશાધનોનો અભાવ પણ દેખીતો છે, આવી પરિસ્થિતિમાં પોલીસરક્ષણના આ આંકડા પાછલાં વર્ષોમાં સરકારો દ્વારા વંચિત વર્ગોને સક્ષમ બનાવવા માટે પૂરતું કામ થયું નથી તેવું સૂચવે છે."

આનંદ મઝગાંવકર આગળ જણાવે છે કે, "તાજેતરની રાજકીય પરિસ્થિતિને જોતાં જુદીજુદી જ્ઞાતિ અને સમાજો વચ્ચેનો ભેદભાવ અને વેરઝેર વધશે તેવું જણાય છે. કારણ કે સામાજિક સમાનતા સુનિશ્ચિત કરવાની જગ્યાએ કેટલાંક ચોક્કસ તત્ત્વો દ્વારા આ દિશામાં પીછેહઠ થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. જે આવનારો સમય વંચિત વર્ગની સુરક્ષા માટે આગામી સમયમાં વધુ ગંભીર પરિસ્થિતિ હશે તેવું સૂચવે છે."

'આંકડો વાસ્તવિક અત્યાચારો કરતાં ઘણો ઓછો છે'

ગુજરાત પોલીસમાં વર્ષો સુધી સેવા આપનાર નિવૃત ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (IGP) રમેશ સવાણી 2,789ના આ આંકડાને ગુજરાતમાં વંચિત વર્ગ સામે થતા ખરા અત્યાચારના આંકડા કરતાં ખૂબ ઓછો ગણાવે છે.

તેઓ કહે છે કે, "કોઈ પણ રાજ્યમાં વંચિત વર્ગે પોલીસ પ્રૉટેક્શન મેળવવું પડે કે રાજ્ય દ્વારા તે આપવું પડે તે સમાજમાં કાયદો-વ્યવસ્થાની સ્વસ્થ સ્થિતિ સૂચવતું નથી."

રમેશ સવાણી આ આંકડાને ખૂબ ઓછો ગણાવતાં કહે છે, "RTI થકી મળેલ આ આંકડો ખૂબ નાનો છે અને વાસ્તવિક પરિસ્થિતિ આના કરતાં ગંભીર છે. આ કિસ્સાઓમાં મોટા ભાગે ગુનો બન્યા બાદ પોલીસરક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ પોલીસે કે રાજ્યે સામે ચાલીને સંવેદનશીલ વિસ્તારોનું સ્ક્રીનિંગ કરીને પોલીસ પ્રૉટેક્શન આપ્યું નથી. 'ધ શિડ્યૂલ્ડ કાસ્ટ્સ ઍન્ડ શિડ્યૂલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટીઝ) રુલ્સ'ની જોગવાઈ અનુસાર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર અમુક કિસ્સામાં સામે ચાલીને પ્રૉટેક્શન આપી શકે છે. પરંતુ આવું જવલ્લે જ જોવા મળે છે."

'ધ શિડ્યૂલ્ડ કાસ્ટ્સ ઍન્ડ શિડ્યૂલ્ડ ટ્રાઇબ્સ' (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટીઝ) રુલ્સ 6(2)(iv)ની જોગવાઈ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કે સબ-ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કે અન્ય કોઈ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ અને સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ / ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે જે તે વિસ્તાર કે સ્થળની તપાસ કરી એ જ સમયે સાક્ષીઓને, ભોગ બનનારને અને ભોગ બનનાર તરફ કૂણી લાગણી ધરાવતી વ્યક્તિઓને સુરક્ષા આપવા માટે જરૂરી અને કાર્યક્ષમ પગલાં તાત્કાલિક લેવાં.

ગુજરાતમાં આદિવાસી અને દલિતોને અપાતા પોલીસરક્ષણના કિસ્સાની સંખ્યા અન્ય સમાજની વ્યક્તિઓ દ્વારા આવી કરાયેલી આવી માગણીઓના સંદર્ભમાં વધુ હોવાનો મત તેઓ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે, "ગુજરાતમાં વંચિત વર્ગને આવક અને સંશાધનોની અસમાનતાના કારણે અન્ય સમાજની વ્યક્તિઓની સરખામણીએ અત્યાચારનો વધુ ભોગ બનવું પડે તેવી સ્થિતિ છે તેમાં કોઈ બેમત નથી."

આ આંકડા અંગે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી અને તેમનો મત જાણવાનો બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

દેશમાં અને ગુજરાતમાં SC-ST સામે અત્યાચારના કિસ્સા

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના અહેવાલ અનુસાર વર્ષ 2019, 2020 અને 2021માં સમગ્ર ભારતમાં અનુક્રમે 45,961, 50,291 અને 50,900 દલિત અત્યાચારને લગતી એટ્રોસિટીના ગુના નોંધાયા છે.

ગુજરાતમાં વર્ષ 2019, 2020 અને 2021માં અનુક્રમે આ કિસ્સાની સંખ્યા 1,416, 1,326 અને 1,201 હતી.

જ્યારે સમગ્ર ભારતમાં વર્ષ 2019, 2020 અને 2021 દરમિયાન આદિવાસી સમાજના લોકો સામે થતાં અત્યાચારના અનુક્રમે 7,570, 8,272 અને 8,802 બનાવ નોંધાયા છે.

જે પૈકી ગુજરાતમાં અનુક્રમે 321, 291 અને 341 બનાવ ST એટ્રોસિટીને લગતા નોંધાયા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો