You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
17 મહિલાને લગ્નની જાળમાં ફસાવી કરોડો રૂપિયા ઠગનાર કેવી રીતે ઝડપાયો?
- લેેખક, સંદીપ સાહૂ
- પદ, ભુવનેશ્વરથી, બીબીસી હિન્દી માટે
ક્યારેક ડૉક્ટર તો ક્યારેક કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને 17 મહિલાને પોતાની જાળમાં ફાંસીને તેમની સાથે લગ્ન કરીને પૈસા પડાવનારા ઠગની ઓડિશાની ભુવનેશ્વર પોલીસે ધરપકડ કરી છે.
66 વર્ષીય રમેશ ચંદ્ર સ્વાઈને સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
રમેશ ઉપર આરોપ છે કે તેમણે પોતાની વાક્પટુતાથી આઠ રાજ્યમાં 17 મહિલા સાથે છેતરપિંડીપૂર્વક લગ્ન કર્યાં અને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. તેમણે ઓડિશાનાં ચાર, દિલ્હી અને આસામમાં ત્રણ-ત્રણ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં બે-બે તથા ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં એક-એક મહિલાને ફસાવી હતી.
ભુવનેશ્વરના ડીસીપી ઉમાશંકર દાસે બીબીસી સાથેની વાતચીત દરમિયાન આશંકા વ્યક્ત કરી હતી કે આ 17 મહિલા ઉપરાંત અન્ય કેટલીક મહિલાઓને પણ રમેશે પોતાની જાળમાં ફસાવી હોય.
દાસે જણાવ્યું, "17માંથી ત્રણ મહિલા વિશે અમને રમેશની ધરપકડ બાદ માહિતી મળી હતી. જેઓ આસામ, છત્તીસગઢ તથા ઝારખંડનાં રહેવાસી છે. આ ત્રણેય મહિલા ઉચ્ચશિક્ષિત છે. રમેશને રિમાન્ડ પર લેવામાં આવશે અને આ દરમિયાન પૂછપરછ પછી જ માલૂમ થશે કે તેમણે 17 સિવાય અન્ય કોઈ મહિલાને ફસાવી છે કે નહીં."
રમેશ તથા તેના કરતૂતો વિશે ભુવનેશ્વર મહિલા પોલીસ સ્ટેશનનાં પ્રભારીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.
આ સિવાય રમેશના મોબાઇલની ફૉરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે અને તેના આર્થિકવ્યવહારો વિશે પણ તપાસ કરવામાં આવશે.
તપાસ અને હાથતાળી
ડીસીપી દાસના કહેવા પ્રમાણે, "છેલ્લા કેટલાય સમયથી અમે તેને શોધી રહ્યા હતા અને તેને ઝડપી લેવા માટે જાળ પાથરી હતી, પરંતુ તે અનેક મહિના સુધી ભુવનેશ્વરની બહાર હતો અને પોતાનો મોબાઇલ નંબર પણ બદલી નાખ્યો હતો. છેવટે રવિવારે અમને એક બાતમીદાર મારફત જાણ થઈ કે રમેશ ભુવનેશ્વર આવ્યા છે. એજ રાત્રે અમે રમેશને તેના ખંડગિરિ ઍપાર્ટમેન્ટ ખાતેથી ઝડપી લીધા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવારે તેમને સબડિવિઝનલ મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમણે રમેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. રમેશ દ્વારા ઠગાયેલાં એક મહિલાએ જ ભુવનેશ્વરમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.
રમેશે પોતાની ઓળખ આરોગ્ય વિભાગના ઉપ મહાનિદેશક તરીકે આપીને મહિલા સાથે લગ્ન કર્યું હતું. વર્ષ 2020માં આર્યસમાજ વિધિથી તેમની સાથે લગ્ન કર્યું હતું. કેટલાક દિવસ મહિલા સાથે રહીને રમેશ તેમને ભુવનેશ્વર લાવ્યાં હતાં અને ખંડગિરિ ખાતે એક એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા હતા.
....અને રમેશ પકડાઈ ગયા
ભુવનેશ્વરમાં રોકાણ દરમિયાન કોઈક રીતે દિલ્હીનાં આ મહિલાને જાણ થઈ હતી કે રમેશ અગાઉથી જ પરિણીત છે. આ અંગે પૂરતી ખાતરી થયા બાદ જુલાઈ-2021માં ભુવનેશ્વરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવીને તેઓ દિલ્હી પરત ફર્યા હતા.
પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 498 (એ), 419, 468, 471 તથા 494 હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. પરંતુ રમેશને આ અંગે અણસાર આવી ગયા હતા, એટલે તેમણે પોતાનો મોબાઇલ નંબર બદલી નાખ્યો હતો અને ભુવનેશ્વરમાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે, 'આ દરમિયાન તેઓ ગૌહાટીમાં રહેતાં પોતાનાં અન્ય એક પત્નીને ત્યાં રહ્યા હતા.'
'સાતેક મહિના પછી રમેશને લાગ્યું કે હવે જૂનો કેસ ઠંડો પડી ગયો હશે, એટલે તેઓ ભુવનેશ્વર પરત ફર્યા હતા. પરંતુ તેઓ જાણતા ન હતા કે દિલ્હીનાં મહિલાએ રમેશના ખંડગિરિના ફ્લેટ ખાતે એક બાતમીદારને કામે લગાડી રાખ્યો હતો.'
'જેણે રમેશના આગમન વિશે મહિલાને જાણ કરી હતી અને તે મહિલાએ પોલીસને સતર્ક કરી હતી.'
છેવટે અનેક મહિલાઓ સાથે લગ્ન કરીને વર્ષો સુધી કાયદાને હાથતાળી આપનાર રમેશ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
આમ થઈ શરૂઆત
પોલીસ પૂછપરછમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લાના પાટકુરાના રહેવાસી રમેશનું પહેલું લગ્ન 1982માં થયું હતું. પ્રથમ પત્નીથી રમેશને ત્રણ દીકરા થયા. ત્રણેય ડૉક્ટર છે અને વિદેશમાં રહે છે.
પોતાના લગ્નનાં 20 વર્ષ બાદ 2002માં રમેશે પ્રથમ વખત એક મહિલાને પોતાની જાળમાં ફસાવ્યાં હતાં. મૂળ ઝારખંડના આ મહિલા ઓડિશાના પારાદ્વીપ ખાતે એક ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતી હૉસ્પિટલમાં ડૉક્ટર હતાં.
થોડા દિવસો બાદ મહિલાની બદલી ઉત્તર પ્રેદશના અલાહાબાદ ખાતે થઈ હતી. રમેશ ત્યાં જઈને પોતાનાં "પત્ની" સાથે રહેવા લાગ્યા હતા. દરમિયાન અલગ-અલગ બહાના હેઠળ તેમની પાસેથી પૈસા અને દાગીના પડાવતા હતા.
ભુવનેશ્વર પોલીસને પ્રારંભિક તપાસમાં મળેલી માહિતી મુજબ, તેમણે દિલ્હીનાં ટીચરપત્ની પાસેથી રૂ. 13 લાખ તથા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસનાં મહિલા અધિકારી પાસેથી રૂ. 10 લાખ પડાવ્યા હતા.
મહિલા, મોહપાશ અને મોહભંગ
ચાલાક રમેશ પોતાનો 'ટાર્ગેટ' ખૂબ જ સાવચેતીપૂર્વક પસંદ કરતા હતા. પોતાનો શિકાર શોધવા માટે તેઓ મોટાભાગે મેટ્રિમૉનિયલ વેબસાઇટનો ઉપયોગ કરતા.
રમેશ એવી મહિલાઓ શોધતા, જેમના મોટી ઉંમરે પણ લગ્ન ન થયા હોય, અથવા છૂટાછેડા થઈ ગયા હોય અથવા જે પતિથી અલગ થઈ ગઈ હોય. નોકરિયાત અથવા ધનવાન મહિલા રમેશની પ્રથમ પસંદ રહેતી.
ટાર્ગેટ નક્કી કર્યા બાદ મેટ્રિમૉનિયલ સાઇટ મારફત રમેશ જે-તે મહિલા સાથે સંપર્ક પ્રસ્થાપિત કરતા. ત્યારબાદ રૂબરૂ મળીને પોતાની વાક્પટુતાથી મહિલાનો વિશ્વાસ જીતતા.
રમેશ ક્યારેક પોતાની ઓળખ ડૉક્ટર તરીકે તો ક્યારેક કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારી તરીકે આપતા.
ભુવનેશ્વર પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાનો વિશ્વાસ હાંસલ કરવા માટે તેમણે બિધુભૂષણ સ્વાઈ તથા રમણી રંજન સ્વાઈનાં નામોથી પોતાના નકલી ઓળખપત્રો પણ બનાવડાવ્યા હતા. આ સિવાય તેઓ આરોગ્ય મંત્રાલયની છાપવાળા બનાવટી પત્રોનો પણ ઉપયોગ કરતા હતા. ખંડગિરિ ખાતેના એપાર્ટમેન્ટ પર રેડ દરમિયાન પોલીસને આવી કેટલીક સામગ્રી મળી આવી હતી.
રમેશે કોચ્ચીમાંથી પૅરામેડિકલ, લૅબોરેટરી ટેકનૉલૉજી તથા ફાર્મસીનો ડિપ્લોમા અભ્યાસ કર્યો છે. અહીં મળેલી તબીબી વિજ્ઞાન સંબંધિત આંશિક માહિતીનો ઉપયોગ તેઓ મહિલાઓને પ્રભાવિત કરવા માટે કરતા હતા.
છેતરપિંડીના અન્ય કિસ્સા
લગ્નની લાલચ આપીને માત્ર મહિલાઓને જ નહીં, પરંતુ અન્ય કેટલાક લોકોને પણ રમેશે ઠગ્યા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. તેમણે મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાની લાલચ આપીને દેશભરના અનેક યુવાનોને ફસાવ્યા હતા અને તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા.
આ કેસમાં હૈદરાબાદ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તેમની ધરપકડ પણ કરી હતી, પરંતુ પછી તેઓ જામીન ઉપર છૂટી ગયા હતા. બહાર નીકળીને ફરી એક વખત તેમણે છેતરપિંડીનું કામ બહાલ કરી દીધું હતું. આ મુદ્દે વધુ માહિતી મેળવવા ભુવનેશ્વર પોલીસે હૈદરાબાદની પોલીસનો સંપર્ક સાધ્યો છે.
આ સિવાય વર્ષ 2006માં કેરળની અલગ-અલગ બૅન્કોમાંથી સ્ટુડન્ટ લૉનના નામે રૂ. એક કરોડથી વધુની છેતરપીંડી કરી હતી. આ કેસમાં પણ તેમની ધરપકડ થઈ હતી, પરંતુ પછી જામીન ઉપર છૂટી ગયા હતા.
એટલું જ નહીં, એક ગુરૂદ્વારાને મેડિકલ કૉલેજની મંજૂરી અપાવવાની લાલચ આપીને રૂ. 13 લાખ ઠગી લીધા હતા. દેશના અનેક રાજ્યોમાં અનેક લોકો સાથે છેતરપીંડી કરવા છતાં, બે-બે વખત કાયદાના ચુંગાલમાં ફસાવા છતાં, અનેક મહિલાઓની સાથે લગ્ન કરતાં રહ્યાં અને તેમને છેતરતાં રહ્યાં છતાં તેઓ કેમ ઝડપાયા ન હતા, તે આશ્ચર્ય પમાડનારી બાબત છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો