Gangubai Kathiawadi : કમાઠીપુરાના વેશ્યાગૃહનાં માલકણ જ્યારે જવાહરલાલ નહેરુને મળ્યાં

    • લેેખક, અમૃતા દુર્વે
    • પદ, બીબીસી મરાઠી

'ગંગૂબાઈ કાઠિયાવાડી', સંજયલીલા ભણસાલીની એ ફિલ્મ જેમાં આલિયા ભટ્ટે મુંબઈના કમાઠીપુરામાં એક વેશ્યાગૃહ ચલાવતાં મહિલાની ભૂમિકા નિભાવી છે.

આલિયા ભટ્ટને ફિલ્મફેયર ઍવૉર્ડ્સમાં બેસ્ટ એક્ટરને ઍવૉર્ડ મળ્યો છે.

આ કાલ્પનિક કહાણી કે કાલ્પનિક પાત્ર નથી, આ વાસ્તવિક પાત્ર છે. આખરે આ ગંગૂબાઈ કાઠિયાવાડી હતાં કોણ?

એક ધનાઢ્ય ભણેલા-ગણેલા ગુજરાતી કુટુંબનાં દીકરી મુંબઈના કમાઠીપુરાના વેશ્યાલયમાં કેવી રીતે પહોંચી ગયાં?

કઈ રીતે તેઓ સામાન્ય મહિલાથી મુંબઈના અંડરવર્લ્ડનું સૌથી ચર્ચિત નામ બની ગયાં?

પ્રેમી સાથે પોતાનું ઘર છોડીને ભાગી ગયેલાં મહિલા કઈ રીતે મુંબઈના કુખ્યાત ડોન કરીમલાલાના બહેન બની ગયાં?

આ તમામ પ્રશ્નોના જવાબ કરતાં ઘણી રસપ્રદ 'ગંગૂબાઈ'ના જીવનની કહાણી છે.

ગંગૂબાઈનું આખું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. તેઓ કાઠિયાવાડમાં જન્મ્યાં અને મોટાં થયાં.

એસ. હુસૈન ઝૈદીએ તેમના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ'માં કરેલા ઉલ્લેખ પ્રમાણે ગંગા કાઠિયાવાડી એક વેપારી પરિવારનાં પુત્રી હતાં.

તેમનું કુટુંબ ધનવાન હોવાની સાથે શિક્ષિત પણ હતું.

કુટુંબના સભ્યો પૈકી કેટલાક વકીલ અને શિક્ષક પણ હતા.

ખૂબ જ નાની ઉંમરે ગંગા રમણિકલાલ નામના એક એકાઉન્ટન્ટના પ્રેમમાં પડી ગયાં.

તેમને લાગ્યું કે રમણિક સાથેનો તેમનો સંબંધ તેમના પરિવારને નહીં ગમે.

આ બીકના કારણે તેઓ રમણિક સાથે ઘર છોડીને ભાગી ગયાં

પરંતુ ગંગાને ખબર નહોતી કે તેઓ પ્રેમની લાલચમાં પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી બેઠાં છે.

તેમના પ્રેમી રમણિકલાલ દગાબાજ નીકળ્યા.

રમણિકે ગંગાને મુંબઈના કમાઠીપુરાના વેશ્યાલયમાં 500 રૂપિયામાં વેચી દીધાં.

આવી રીતે શિક્ષિત-સંપન્ન પરિવારનાં ગુજરાતી યુવતી મુંબઈના વેશ્યાલયમાં પહોંચી ગયાં.

ત્યાં પહોંચી ગયા બાદ તેમને લાગ્યું કે તેઓ હવે કયા મોઢે પોતાના પરિવાર પાસે પરત ફરશે.

આવા વિચાર સાથે જ તેમણે પોતાની પરિસ્થિતિ સાથે સમાધાન કરીને વેશ્યાવૃત્તિને જ પોતાનું નસીબ માની લીધું.

ગંગાથી ગંગૂ સુધીની સફર

1960-70ની આ વાત છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેઓ કમાઠીપુરાના એ જ વેશ્યાગૃહનાં હેડ બની ગયાં.

ગંગાનું નામ હવે 'ગંગૂ' થઈ ગયું હતું અને ધીરેધીરે ગંગૂબાઈ 'ગંગૂમેડમ'ના નામે ઓળખાવા લાગ્યાં.

ત્યારબાદ તેમણે કમાઠીપુરાથી ચૂંટણી પણ લડી અને જીત્યાં પણ ખરાં.

સમય પસાર થતાં તેઓ ત્યાં રહેતી મહિલાઓ, જેમને દગાખોરીથી વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાઈ હતી, તેમનાં માતા બની ગયાં.

તેમના મનમાં હંમેશાં દગાખોરીથી વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાયેલી યુવતીઓ માટે સંવેદના હતી.

તેઓ આવી રીતે આ ધંધામાં જોડી દેવાયેલી મહિલાઓની મદદ કરવા માટે હંમેશાં તત્પર રહેતાં.

આ સિવાય તેઓ દરેક મુસીબતમાં ફસાયેલાં મહિલાની મદદ કરતાં, તેમને રક્ષણ આપવા માટે હંમેશાં તૈયાર રહેતાં.

દરેક શહેરમાં વેશ્યાવૃત્તિ માટે અલગ જગ્યા ફાળવાયેલી હોવી જોઈએ, એવો તેમનો અંગત મંતવ્ય હતો.

મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવવા તેમણે મુંબઈના આઝાદ મેદાનમાં મહિલાના વિકાસ અને અધિકારો વિષય પર ભાષણ પણ આપ્યું હતું. જેની ઘણા સમય સુધી ચર્ચા પણ થઈ હતી.

કરીમલાલા અને ગંગૂબાઈ

ગંગૂબાઈ કોઈ ગૅંગસ્ટર નહોતાં, તેમનો દૂરદૂર સુધી અંડરવર્લ્ડ સાથે કોઈ નાતો નહોતો.

તો પછી તેઓ એક સામાન્ય મહિલામાંથી મુંબઈના ડોન કરીમલાલાનાં બહેન કેવી રીતે બની ગયાં?

તેમના જીવનનો આ પ્રસંગ પણ ખૂબ જ રસપ્રદ છે.

ગંગૂબાઈના ગ્રાહકો પૈકી 'પઠાણ' નામના ગ્રાહક હંમેશાં તેમની સાથે ગેરવર્તણૂક કરતા.

પઠાણ ક્યારેય સંબંધ બાંધ્યા બાદ ગંગૂબાઈને પૈસા પણ નહોતા આપતાં.

ઘણી વાર તો તેઓ ગંગૂબાઈ સાથે બળજબરી પણ કરતા. આ રીતે પઠાણ વારંવાર તેમનું શોષણ કરતા.

એક વખત તો પઠાણે ગંગૂબાઈને એટલાં માર્યાં કે તેમને હૉસ્પિટલ જવું પડ્યું.

એક વાર તેમણે આ વ્યક્તિ આખરે છે કોણ? ક્યાંથી આવે છે? વગેરે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું.

પ્રયત્નો થકી ગંગૂબાઈને માલૂમ પડ્યું કે આ વ્યક્તિનું આખું નામ 'શૌકત પઠાણ' છે અને તેઓ કરીમલાલાની ગૅંગના સભ્ય છે.

આટલી માહિતી મેળવીને તેઓ સીધા કરીમલાલા પાસે પહોંચી ગયાં. તેમને પોતાની વ્યથા કહી સંભળાવી. કરીમલાલાએ ગંગૂબાઈને અભયવચન આપ્યું.

બીજી વાર જ્યારે પઠાણ ગંગૂબાઈના વેશ્યાલયમાં ગયા, ત્યારે કરીમલાલાના વચન પ્રમાણે પઠાણને ખૂબ માર પડ્યો.

આ ઘટના બાદ કરીમલાલાએ ગંગૂબાઈને પોતાનાં બહેન જાહેર કર્યાં અને રક્ષણ પૂરું પાડ્યું. આમ વિસ્તારમાં ગંગૂબાઈનો રુઆબ ઓર વધી ગયો.

અભિનેત્રી બનવા માગતાં હતાં ગંગૂબાઈ

તેઓ બાળપણથી હીરોઇન બનવા માગતાં હતાં. ફિલ્મીક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઇચ્છા તેમના જીવન દરમિયાન ક્યાંક કોરણે મુકાઈ ગઈ.

કોઈ ફિલ્મની નાયિકાની જેમ જ તેઓ અનિચ્છાએ વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ ગયેલી યુવતીઓની મદદ કરવા લાગ્યાં હતા.

આવી યુવતીઓને તેઓ તેમના ઘરે પાછા જવામાં મદદ કરતાં. ફિલ્મો પ્રત્યેનો તેમનો પ્રેમ તેમનાં વસ્ત્રો અને ઘરેણાં પરથી દેખાઈ આવતો.

તેઓ હંમેશાં ગોલ્ડન બૉર્ડરવાળી સફેદ સાડી પહેરતાં. તેમના બ્લાઉઝમાં પણ ગોલ્ડન બટન રહેતાં. તેઓ ચશ્માં પણ ગોલ્ડન ફ્રેમવાળા પહેરતાં.

આ સિવાય તેઓ હંમેશાં કારમાં જ સફર કરવાનું પસંદ કરતાં. તેમને ઘરેણાંનો ખૂબ જ શોખ હતો.

તેમના મૃત્યુ પછી વેશ્યાગૃહમાં મુકાયેલાં તેમનાં ચિત્ર અને મૂર્તિ પરથી એ વિસ્તારમાં તેમની લોકપ્રિયતાનો અંદાજ આવી જાય છે.

જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત?

1960ના દાયકામાં જ કમાઠીપુરામાં સેન્ટ ઍન્થનીઝ ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થવાની હતી અને શાળાના અધિકારીઓ વિસ્તારમાં આવેલા વેશ્યાગૃહને ખસેડવાની માગ કરી રહ્યા હતા.

તેમનો તર્ક હતો કે આ વિસ્તારમાં વેશ્યાઓ હરેફરે છે, તેની વિદ્યાર્થિનીઓ પર એની ખરાબ અસર પડી શકે.

ગંગૂબાઈને લાગ્યું કે એક સદી કરતાં પણ વધારે સમયથી આ સ્ત્રીઓ આ જગ્યા પર પોતાનું ગુજરાન ચલાવવા માટે વેશ્યાવૃત્તિ કરે છે, વેશ્યાલયો બંધ થઈ જશે તો આ સ્ત્રીઓનું શું થશે?

તેમણે આ જગ્યાને બચાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી. પોતાના રાજકીય સંપર્કોનો ફાયદો ઉઠાવીને તેઓ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને મળવા પહોંચી ગયાં.

જોકે, આ મિટિંગ અંગે ક્યાંય આધિકારિક નોંધ જોવા મળતી નથી.

પરંતુ 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' પુસ્તકના લેખક હુસૈન ઝૈદી આ પ્રસંગ વિશે લખે છે :

"ગંગૂબાઈને મળીને જવાહરલાલ નહેરુ આશ્ચર્યચકિત થઈ ગયા હતા."

"નહેરુએ ગંગૂબાઈની હાજરજવાબીની પ્રશંસા કરી. તેમના વિચારોની સ્પષ્ટતા જોઈને નહેરુ દંગ રહી ગયા."

"નહેરુએ તેમને પૂછ્યું પણ ખરું, તમે શા માટે આવા કામ સાથે સંકળાયેલાં છો?"

"તમને તો સરળતાથી કોઈ પણ સારી નોકરી કે પતિ મળી શકે."

પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, નીડર ગંગુબાઈએ વડા પ્રધાન નહેરુના આ પ્રશ્નોના જવાબમાં તરત તેમને લગ્ન માટે પૂછી લીધું.

ગંગૂબાઈએ કહ્યું : "જો તમે મને પોતાની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર હોવ તો હું આ કામ છોડી દેવા તૈયાર છું."

ગંગૂબાઈની આવી વાત સાંભળીને નહેરુ ચોંકી ગયા અને તેમણે અસહમતી દર્શાવી.

ગંગૂબાઈએ તરત સ્પષ્ટતા કરતાં કહ્યું : "વડા પ્રધાનસાહેબ, મહેબાની કરીને ગુસ્સે ન થતા."

"મેં બસ મારી વાતને ખરી સાબિત કરવા માટે આવું કહ્યું હતું."

"હવે તમને પણ સમજાઈ ગયું હશે કે સલાહ આપવી સરળ છે, પરંતુ જાતે સલાહનો અમલ કરવો ખૂબ જ મુશ્કેલ છે."

પુસ્તકમાં કરાયેલ વર્ણન પ્રમાણે, વડા પ્રધાન નહેરુ ગંગૂબાઈની આ વાતનો કોઈ જ જવાબ નહોતો આપી શક્યા.

નહેરુએ જતાંજતાં ગંગૂબાઈને વચન આપ્યું કે તેઓ તેમની રજૂઆત પર ધ્યાન આપશે.

બસ, ત્યારનો દિવસ છે અને આજનો દિવસ, કમાઠીપુરાનાં વેશ્યાલયો હજુ પણ એ જ જગ્યા પર છે.

'ગંગૂબાઈ'ના જીવન પર બની રહેલી આ ફિલ્મ અંગે બીબીસીએ 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ'ના લેખક એસ. હુસૈન ઝૈદી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે તેઓ સંજય લીલા ભણસાલી દ્વારા 'ગંગૂબાઈ'ના જીવન પર ફિલ્મ બનાવાઈ રહી હોવાની વાતથી ખૂબ જ ખુશ છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે : "ભણસાલી પોતાની દરેક ફિલ્મનાં પાત્રોને 'લાર્જર ધૅન લાઇફ' અવતાર આપતા હોય છે, મને આશા છે કે તેઓ આ મહિલાના પાત્રને દમદાર રીતે રજૂ કરવામાં જરૂર સફળ થશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો