કેવી રીતે અમદાવાદ બ્લાસ્ટ સાથે જોડાયેલા હતા બટલા હાઉસ ઍન્કાઉન્ટરના તાર?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

શુક્રવારે અમદાવાદની વિશેષ અદાલતે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપ્યો, જેમાં એકસાથે 38 ગુનેગારોને ફાંસીની સજા સંભળાવવામાં આવી, જ્યારે 11 અન્યને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ગુજરાત પોલીસે દિવસરાત સઘન મહેનત કરીને લગભગ 20 દિવસમાં જ કેસને ઉકેલી નાખવાનો દાવો કર્યો હતો, જોકે તેની તપાસ મહિનાઓ સુધી ચાલતી રહી તથા અનેક આરોપીઓની ધરપકડ ચાલુ રહી. દેશનાં અનેક શહેરો અને રાજ્યો સાથે આ કાવતરાના તાર જોડાયેલા હતા.

આવું જ એક શહેર એટલે દિલ્હી અને સ્થળ એટલે બટલા હાઉસ. જ્યાં થયેલું ઍન્કાઉન્ટર ચુકાદા બાદ ફરી એક વખત ચર્ચામાં છે. તા. 19મી સપ્ટેમ્બર 2008ના થયેલા કથિત ઍન્કાઉન્ટરમાં 'ઇન્ડિયન મુજાહિદ્દીન'ના બે ઉગ્રવાદીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે દિલ્હી પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું.

બટલાહાઉસના ગુજરાત તાર

દિલ્હી પોલીસના અધિકારી મોહનચંદ શર્માનું બટલા હાઉસ ઍન્કાઉન્ટર દરમિયાન મૃત્યુ થયું હતું

વરિષ્ઠ પત્રકાર શિશિર ગુપ્તાના પુસ્તક 'ઇન્ડિયન મુજાહિદ્દીન'માં સમગ્ર ઘટનાક્રમ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જે મુજબ :

તા. 20મી ઑગસ્ટ (2008) ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તથા કેન્દ્રીય એજન્સીઓને એક નંબર આપ્યો હતો, જેને છેક બીજી સપ્ટેમ્બરે સર્વેલન્સ ઉપર મૂકવામાં આવ્યો.

બીજી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર દરમિયાન આ નંબર ઉપર અનેક વખત કૉલ થયા હતા, જેની વાતચીતનો ભેદ અધિકરીઓ પામી શક્યા ન હતા. 13મી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં કનૉટ પ્લૅસ, પહાડગંજ, ગ્રૅટર કૈલાશ તથા બારાખમ્ભામાં શ્રેણીબંધ બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેમાં અનુક્રમે 30 લોકોનાં તથા 100થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

એ પછી ફરી એક વખત ગુજરાત પોલીસે આપેલા ફોન નંબર અને તેના ઉપર થયેલી ચર્ચાઓ ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું. જેમાંથી બ્લાસ્ટના આયોજન અને હવાલાથી નાણાં મેળવવાની માહિતી બહાર આવી.

દિલ્હી પોલીસે કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજને ટાંકતાં ગુપ્તા લખે છે કે, તા. 18મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓ પાસેથી અહેવાલ મળ્યા હતા કે આતિફ ઉર્ફે બશીરે 11 લોકો સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી અને આઈ.ઈ.ડી. (ઇમ્પ્રૂવાઇઝ્ડ ઍક્સ્પ્લૉઝિવ ડિવાઇસ) વિસ્ફોટક તૈયાર કર્યા હતા.

અન્ય લોકો તા. 26મી જુલાઈએ 'રાજધાની એક્સપ્રેસ' દ્વારા 12 લોકો અમદાવાદથી દિલ્હી આવ્યા હતા. એ જ દિવસે સાંજે અમદાવાદમાં 70 મિનિટના ગાળામાં શ્રેણીબંધ બૉમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 55થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વિસ્ફોટનાં અનેક સ્થળ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના મતવિસ્તાર હેઠળ આવતાં હતાં. ગુજરાત પોલીસે શંકાની સોઈ ઉગ્રવાદી સંગઠન 'ઇન્ડિયન મુજાહિદ્દીન' ઉપર તાકી હતી.

તા. 17મી સપ્ટેમ્બરે આઈ.એમ. સાથે સંકળાયેલા અબુ બશરે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ટી. એસ. પટેલને નવી દિલ્હીમાં એક ઇમારત દેખાડી હતી, જેનું સરનામું હતું, ફ્લેટ નંબર-108, એલ-18 બટલા હાઉસ.

બટલા હાઉસ ઍન્કાઉન્ટર સમયે...

કર્નલસિંહે સમગ્ર ઘટનાક્રમ ઉપર BATLA HOUSE: An Encounter That Shook the Nation 'બટલા હાઉસ : એ ઍન્કાઉન્ટર જેણે દેશને હચમચાવી નાખ્યો' ના નામથી પુસ્તક લખ્યું છે. તેઓ પોતાના પુસ્તકમાં લખે છે :

તા. 18મી સપ્ટેમ્બરે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની નાનકડી ટુકડીએ બટલા હાઉસનું નિરીક્ષણ કર્યું હતું, જેથી વિસ્તાર વિશે ચોક્કસ માહિતી રહે.

રાત્રે લગભગ 12 લોકોને થઈ રહે તેટલું ભોજન ફ્લેટ નંબર-108માં મંગાવવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસની શંકા પ્રબળ બની હતી. સ્પેશિયલ સેલના અધિકરીઓ એ વાતે એકમત હતા કે ત્યાં લોકો રહે છે, તેઓ 'કામના' છે અને ત્યાં રેડ કરવી જોઈએ.

જોકે ટીમ સામે એ સવાલ હતો કે ક્યારે રેડ કરવી અને કઈ રીતે? કારણ કે તે સમયે મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલતો હતો. બટલા હાઉસનો વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો હોવાથી સાંજના સમયે કે રાત્રે કાર્યવાહી થઈ શકે તેમ ન હતી, કારણ કે આમ કરવાથી સામાન્ય નાગરિકોના જીવ ઉપર પણ જોખમ ઊભું થાય એમ હતું.

આથી, સવારે જ તપાસ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું. પોલીસનું માનવું હતું કે તે સમયે સંદિગ્ધો ઘરે હશે અને આરામ કરી રહ્યા હશે. સ્પેશિયલ સેલે બે ટીમનું ગઠન કર્યું, જેમાંથી એક ટીમનું નેતૃત્વ દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા કરી રહ્યા હતા, જેમને 'વૅરિફિકેશન'ની કામગીરી સોંપવામાં આવી હતી.

સ્ક્રિપ્ટ પ્રમાણે, સવારે 11 વાગ્યાની આસપાસ દિલ્હી પોલીસનો એક કર્મચારી ટેલિકૉમ કંપનીના માણસ તરીકે ત્યાં જઈ અને કસ્ટમર વૅરિફિકેશનના આધારે અંદરની સ્થિતિનો સરવે કરે. બીજી ટીમનું નેતૃત્વ એ સમયના એસીપી. (આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ) સંજીવકુમાર યાદવ કરી રહ્યા હતા.

શર્માએ તેમની ટીમના માત્ર એક કર્મચારીને પોલીસ યુનિફૉર્મ પહેરવાની અને બાકીના સભ્યોને સાદા વેશમાં રહેવા તાકિદ કરી હતી, જેથી કરીને કંઈ ન મળે અને પરત ફરવાનું થાય તો ખાસ કોઈ હિલચાલ વગર કામગીરીને અંજામ આપી શકાય.

આ ટીમે કપડાંમાં છુપાવી શકાય તેવાં નાનાં હથિયાર પોતાની સાથે રાખ્યાં હતાં. જો તેઓ સાદાં કપડાં ઉપર બુલેટપ્રૂફ જૅકેટ પહેરે તો તેમની હાજરી છતી થઈ જાય તેમ હતી. આ નિર્ણયનાં પરિણામ પણ ઍન્કાઉન્ટરમાં જોવા મળ્યાં.

બીજી ટીમ ખલિલુલ્લાહ મસ્જિદ પાસે હતી. તેઓ બુલેટપ્રૂફ જૅકેટ તથા એકે-47 જેવાં હથિયારોથી સજ્જ હતાં.

યાદવે એ દિવસના ઘટનાક્રમ અંગે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "વૅરિફિકેશન માટે મોહનને મોકલવામાં આવ્યો હતો. થોડા સમય પછી અમને માહિતી મળી કે ત્યાં ગોળીબાર થયો છે અને ઇન્સ્પેક્ટર શર્મા તથા અન્ય એક હેડ-કૉન્સ્ટેબલને ગોળી વાગી છે, તથા એક આતંકવાદી જમીન ઉપર ઘાયલ અવસ્થામાં પડ્યો છે."

"આ માહિતી મળતાં અમારી ટીમ ત્યાં ધસી ગઈ હતી. એક બંધ રુમમાં બે હથિયારબંધ આતંકવાદી હતા. અમે તેમને સરન્ડર કરવા માટે કહ્યું. પરંતુ અંદરથી ગોળીબાર થયો, જેથી અમારી ટીમે સ્વબચાવમાં ગોળીબાર કર્યો, જેમાં એક હેડ કૉન્સ્ટેબલના બુલેટપ્રૂફ જૅકેટ ઉપર ગોળીઓ વાગી, તેમજ એક આતંકવાદી પણ ઘાયલ થયો, જેને અમે હૉસ્પિટલમાં શિફ્ટ કરી દીધો."

સમગ્ર ઘટનાક્રમ ઉપર વર્ષ 2019માં બનેલી ફિલ્મ 'બટલા હાઉસ'માં જોન અબ્રાહમે એ.સી.પી. યાદવની જ્યારે રવિકિશને ઇન્સ્પેક્ટર શર્માની ભૂમિકા ભજવી હતી.

પોતાના પુસ્તકમાં કર્નલસિંહ લખે છેકે 'મારી ઉપર સંજીવનો ફોન આવ્યો,જેમાં તેમણે શર્મા તથા અન્ય એક હેડ કૉન્સ્ટેબલને ગોળી લાગી હોવાથી તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વાત કહી હતી. તેમણે અંદર એક આતંકવાદી ઘાયલ અવસ્થામાં પડ્યો હોવાનું પણ જણાવ્યું હતું.'

યાદવને સંદિગ્ધોને ઘેરી રાખવાની સૂચના આપીને કર્નલસિંહ પોતે અને સ્પેશિયલ સેલના ડી.સી.પી. (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) આલોકસિંહ ઘટનાસ્થળે ધસી ગયા.

સિંહ, ગુજરાત અને બીજું ઍન્કાઉન્ટર

પોતાના પુસ્તકમાં કર્નલસિંહ લખે છે કે ગુજરાત પોલીસે આપેલા ફોન નંબરને કારણે જયપુર (13 મે, 2008), અમદાવાદ તથા દિલ્હીના બ્લાસ્ટને ઉકેલવામાં મદદ મળી હતી.

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ ઉપર ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. 1984 બેચના દિલ્હી કૅડરના આઈ.પી.એસ. (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર કર્નલસિંહને ટીમના વડા નિમવામાં આવ્યા.

જોકે, બાદમાં તેમની મિઝોરમ બદલી થઈ અને તેઓ તપાસમાંથી હઠી ગયા. ગુજરાત પોલીસનો દાવો છે કે ઇશરત જહાં તથા તેમના ત્રણ સાથી 2004માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યાં હતાં, ત્યારે તેમની સાથે અથડામણ થઈ, જેમાં ચારેયનાં મૃત્યુ થયાં હતાં.

આજે આ કેસના મોટાભાગના આરોપીઓ બહાર છે અને કેસ કાયદાકીય પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યો છે.

2014માં કેન્દ્રમાં નેશનલ ડેમૉક્રટિક અલયાન્સની સરકાર બની અને મોદી દેશના વડા પ્રધાન બન્યા. ત્યારબાદ 'દિલ્હી કૉલેજ ઑફ ઇંજિનિયરિંગ' તથા 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી, કાનપુર' માંથી ઇંજિનિયરિંગનો અભ્યાસ કરનારા કર્નલસિંહને ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટરેટના વડા બનાવ્યા. 34 વર્ષની સેવા બાદ તેઓ નિવૃત થયા.

સમગ્ર ઘટનાક્રમ ચાર-પાંચ મિનિટમાં પતી ગયો, પરંતુ તે પછી ઘણું બધું થયું અને દિવસો સુધી આ ઘટનાક્રમ મીડિયામાં છવાયેલો રહ્યો અને રાજકારણમાં આજે પણ સમયાંતરે તેની ગૂંજ સાંભળવા મળે છે.

કાયદો, કલહ અને કામગીરી

ડિસેમ્બરમાં દિલ્હી વિધાનસભા તથા 2009માં લોકસભા ચૂંટણી યોજાવાની હતી, એટલે તેમાં રાજકીય રંગ ભળવો પણ સ્વાભાવિક હતો.

જામિયા યુનિવર્સિટીના પ્રોફેસર, વિદ્યાર્થીઓ તથા સ્થાનિકો દ્વારા બટલા હાઉસ મુદ્દે 'જનસુનાવણી'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી અગ્નિવેશ, રાજકીય કાર્યકર જોન દયાલ સહિત માનવાધિકાર કાર્યકર્તઓ સામેલ થયા હતા. આરોપીઓના વાલીઓ, પ્રત્યક્ષદર્શીઓ તથા સ્થાનિકોનાં નિવેદનોને આધારે ઍન્કાઉન્ટર ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા.

તૃણમુલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, કૉગ્રેસના નેતા દિગ્વિજયસિંહે પણ આવા જ સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે ભાજપના નેતાઓએ દિલ્હી પોલીસના સમર્થનમાં નિવેદન કર્યાં.

કર્નલસિંહના મતે, "મીડિયા ટ્રાયલને કારણે તપાસ તથા જે લોકોની તપાસ ચાલી રહી હોય, તેના વિશે લોકોનાં મનમાં એક છાપ ઊભી થાય છે. કેસમાં મીડિયાને રસ હોય, તેના કરતાં વધુ સમય સુધી પોલીસ તપાસ ખેંચાઈ જતી હોય છે. એટલે તપાસ બાદ જે કંઈ બહાર આવે, પરંતુ લોકો એ વાત જ માને છે, જે મીડિયાએ તેમને કહે છે."

કર્નલસિંહે પોતાના પુસ્તકમાં લખે છે, 'જન સુનવાઈમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોગંધનામા ઉપર કોઈ નિવેદન ન આપ્યું, કારણ કે તેમની પાસે આ અંગે પ્રત્યક્ષ માહિતી ન હતી.'

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશના આધારે બે મહિનામાં તપાસ પૂર્ણ કરી અને દિલ્હી પોલીસને ક્લીનચિટ આપી. 'ઍક્ટ નાઉ ફૉર હાર્મની ઍન્ડ ડેમૉક્રસી' નામની સ્વૈચ્છિક સંસ્થાએ ન્યાયિક તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, જે ફગાવી દેવામાં આવી.

ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માને શાંતિ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોકચક્ર' એનાયત થયો. યાદવ સહિત ઍન્કાઉન્ટર ટીમના અન્ય કેટલાક સભ્યોને 'રાષ્ટ્રપતિ પુરસ્કાર' એનાયત થયાં.

દિલ્હીની સ્થાનિક કોર્ટે સજ્જાદ અહમદ નામના આરોપીને ઇન્સ્પેક્ટર મોહનચંદની હત્યાના કેસમાં (દિલ્હી બ્લાસ્ટ કેસમાં નહીં) આજીવન કેદની સજા ફટકારી. જ્યારે અરીઝ ખાનને દોષિત ઠેરવી તેમને ફાંસીની સજા સંભળાવી હતી. અરીઝખાને પોતાની સજાને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો