જયરાજસિંહ પરમાર હવે BJPમાં, ભાજપ પટેલોને બાજુમાં મૂકી OBC અને ક્ષત્રિયોને લઈ રહ્યો છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભાજપના ગુજરાત પ્રદેશ કાર્યાલય 'કમલમ્' ખાતે ગુજરાત કૉંગ્રેસના મજબૂત નેતા જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપમાં જોડાઈ ગયા છે.

તેમણે પાછલા સપ્તાહના ગુરુવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું, તે સાથે જ તેમની ભાજપ સાથે જોડાવાની અટકળો શરૂ થઈ ગઈ હતી.

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ભાજપ દ્વારા પહેલા મધ્ય ગુજરાત, બાદમાં દક્ષિણ ગુજરાત અને હવે ઉત્તર ગુજરાતનાં બિનપટેલ નેતાઓને પોતાના પડખે લેવામાં આવી રહ્યા છે. તેની પાછળ નાના માર્જિનથી હાર-જીત થઈ શકે તેવી ચાર ડઝનથી વધુ બેઠકો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.

કહેવાઈ રહ્યું છે કે ભાજપ કૉંગ્રેસની મજબૂત વોટબૅન્કનો આધાર મનાતા નેતાઓને પોતાના પક્ષમાં લઈ બિનપટેલોને આકર્ષવાની વ્યૂહરચના અપનાવી રહ્યો છે.

નોંધનીય છે જયરાજસિંહ પરમારની ભાજપ સાંસદ દેવુસિંહ ચૌહાણ સાથેની બેઠક બાદ 16 ફેબ્રુઆરીએ ક્ષત્રિય ઠાકોર અને ઓબીસીના કૉંગ્રેસના 150 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ત્યાર બાદ જયરાજસિંહ પરમારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

કૉંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહેલી કાર્યકર્તાઓની આ હિજરત અંગે રાજકીય વિશ્લેષક અને જાણકરોના તર્ક જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયત્ન કર્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ સંદર્ભે જાણીતા સેફોલૉજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાન જણાવે છે કે, "ગુજરાતમાં ભાજપને સૌથી વધુ હંફાવનારી ચૂંટણી 2017ની હતી."

"આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ, અપક્ષ અને નોટાનો વોટ-શૅર અનુક્રમે 49.1 ટકા, 41.4 ટકા, 4.3 ટકા અને 1.7 ટકા હતો. તેનો અર્થ એ થાય છે કે ભાજપ 7.7 ટકા વધુ વોટ મેળવીને માત્ર 99 બેઠકો પર જીત્યો હતો."

તેમના જણાવ્યા પ્રમાણે, નોટાને મળેલા વોટને ફ્લોટિંગ વોટ અથવા તો ફૅન્સિંગ વોટ ગણવામાં આવે તો માર્જિન છ ટકા થાય છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે થયેલા ખરાખરીના જંગ વિશે વાત કરતાં ડૉ. ખાન કહે છે કે, "33 બેઠકો એવી હતી કે જ્યાં ભાજપ કે કૉંગ્રેસની દસ હજારથી ઓછા વોટથી જીત થઈ અને 25 બેઠકો એવી હતી કે જ્યાં ત્રણ હજારથી ઓછા વોટથી હાર-જીત થઈ."

"એ ચૂંટણીમાં પોતાની પરંપરાગત પટેલ વોટબૅન્ક પર આધારિત ભાજપને મોટો ફટકો પડ્યો હતો."

ડૉ. ખાન ગુજરાતમાં બદલાઈ રહેલા રાજકીય પ્રવાહો વિશે વાત કરતાં કહે છે કે, "2021માં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણી શકાય છે."

"તેમાં ભાજપનો દેખાવ ભલે સારો રહ્યો હોય, પરંતુ પરંપરાગત વોટબૅન્ક તેમના હાથમાંથી સરકી રહી છે અને તેમાંનો મોટો ભાગ આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમ અને બીટીપી પાસે ગયો છે."

તેઓ આગળ કહે છે કે આ સંજોગોમાં ભાજપને પટેલ સિવાય ક્ષત્રિયો, ઓબીસી, આદિવાસીઓ અને દલિત વોટબૅન્ક પર આધાર રાખવો પડે તેમ છે.

જેથી તેઓ પટેલો સિવાયની વોટબૅન્ક ઊભી કરી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપ રાજ્યભરમાંથી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને પોતાનામાં સમાવી રહ્યો છે.

'સાચા કાર્યકર્તાઓની અવગણના'

અગાઉ જયરાજસિંહ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "દેવુસિંહ સાથે પારિવારિક સંબંધો છે. તેથી તેમની મુલાકાત લીધી હતી."

"કૉંગ્રેસમાં હારેલા અને પોતાને મોટા નેતા ગણાવતા લોકો વચ્ચે કાર્યકર્તાઓને સ્થાન નથી. હું 37 વર્ષથી કૉંગ્રેસમાં રહ્યો પણ અમારી ઘણી અવહેલના થઈ છે."

તેઓ આગળ કહે છે, "વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાની વાત આવે તો અમારે કોનો ઝભ્ભો પકડવો તે નક્કી કરવું પડે છે.સાચા કાર્યકર્તાઓની અવગણના કરાઈ રહી છે."

"પાર્ટીમાં અમારી વાત સાંભળવા કોઈ તૈયાર નથી અને પક્ષની રણનીતિ કેટલાક શિખંડીઓના ઇશારે ચાલી રહ્યો છે. જેના લીધે મેં રાજીનામું આપ્યું છે."

કાર્યકર્તાઓના પક્ષ છોડવાના કારણ વિશે જયરાજસિંહે અગાઉ થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું તેમની સમસ્યાઓ દૂર ન કરી શક્યો, એટલે તેઓ ત્યાં(ભાજપમાં) ગયા છે."

"મેં ખુદ કૉંગ્રેસની આપખુદીથી કંટાળીને રાજીનામું આપી દીધું અને મારી સાથે પણ ઘણા ઓબીસી અને ક્ષત્રિય કાર્યકર્તાઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપવા માગતા હતા, પરંતુ મેં તેમને રોક્યા છે."

અગાઉ કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "હું જયરાજસિંહના રાજીનામા અંગે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ ભાજપ અમારા 150 લોકોને લઈ અમારી વોટબૅન્કમાં ગાબડું પાડી નહીં શકે."

ભાજપ પર પ્રહાર કરતાં તેઓ કહે છે, "તેઓ જાણે છે કે, 2022ની ચૂંટણીમાં કોરોના, બેરોજગારી, મોંઘવારી જેવા અનેક મુદ્દાને લઈને લોકોમાં રોષ છે."

"જેથી મોંઘવારીથી ત્રાહિત થયેલા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વિમુખ થતા અટકાવવા આ કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. જોકે, તેમાં પણ ફાયદો નહીં થાય."

'ઉત્તર ગુજરાતમાં ઠાકોર કાયમ પટેલ વિરુદ્ધ મત આપે છે'

જાણીતા પત્રકાર પ્રફુલ ત્રિવેદી પ્રમાણે, "ગુજરાતમાં 48 ટકા ઓબીસી મતદારો છે. તેમાં આંજણા પટેલને ઉમેરીએ તો ઓબીસી મતદારો 50.4 ટકા થાય છે."

"રાજ્યમાં પાંચ ટકા ક્ષત્રિય મતદારો છે. બ્રાહ્મણ, વાણિયા, લોહાણા, સોની જેવા વર્ગોના 5.25 ટકા મત છે અને કડવા તેમજ લેઉવા પટેલોના લગભગ 20 ટકા મત છે. જ્યારે આદિવાસી અને દલિતોના અનુક્રમે 14.5 ટકા અને 7 ટકા મત છે."

આ મતોની આંકડાકીય માયાજાળને સમજાવતાં તેઓ કહે છે કે, "ઉજળિયાતોની પાર્ટી તરીકે ઓળખાતું ભાજપ છેલ્લા અઢી દાયકામાં દલિતોના 4.5 ટકા અને આદિવાસીઓના 6.4 ટકા મતો મેળવવામાં સફળ રહ્યો છે."

"જોકે, તેમને ઓબીસીના મતો મેળવવામાં તકલીફ પડી રહી છે."

તેઓ આગળ કહે છે કે, "ભાજપને સત્તામાં લાવનારા પટેલો છે, પરંતુ પટેલોના કારણે ઠાકોર, કોળી અને ક્ષત્રિય સમાજ હજુ પણ કૉંગ્રેસની પડખે ઊભો છે."

"જો, ઠાકોર અને કોળી સમાજના મત ગણીએ તો તે 22 ટકા થાય. જ્યારે આહીર, ભરવાડ, સુથાર, સથવારા, ગઢવી, ભરવાડ સમાજના મતોનું કૉમ્બિનેશન 21 ટકા જેટલું થાય છે."

"જેથી તેમને પણ પોતાની વોટબૅન્કમાં સમાવવા ભાજપ માટે જરૂરી છે."

પણ શા માટે ભાજપને આમ કરવું જરૂરી છે? આ પ્રશ્નના જવાબમાં પ્રફુલભાઈ કહે છે, "ઉત્તર ગુજરાતમાં ઠાકોર કાયમ પટેલ વિરુદ્ધ મત આપે છે. ત્યારે ઉત્તર ગુજરાતની આ વોટબૅન્ક પોતાની તરફ ખેંચવી અનિવાર્ય છે."

"બીજું કારણ એ છે કે પટેલો ભાજપ પર કાયમ હાવી થયા છે. મંત્રીમંડળમાં સ્થાનથી માંડીને સત્તામાં ભાગીદાર થવા માટે પટેલો ભાજપનું નાક દબાવે છે. જેથી ભાજપ બિનપટેલોને પોતાની તરફ ખેંચી રહ્યા હોઈ શકે છે."

આમ આદમી પાર્ટીમાંથી નેતાઓને પોતાનામાં સમાવવાના ભાજપના તર્ક અંગે પ્રફુલ ત્રિવેદી કહે છે કે, "આપે સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપની નારાજ લોકોના વોટ તોડ્યા છે, પણ ગાંધીનગરને બાદ કરતાં સરેરાશ વોટ-શૅર મોટો રહ્યો નથી."

"આ સંજોગોમાં મતદારોમાં એવી છાપ ઊભી કરી શકાય કે આપ અને કૉંગ્રેસમાં કોઈ મોટો ફરક નથી. એ પણ ચૂંટાયા પછી ભાજપમાં જ આવી રહ્યા છે એટલે વિધાનસભાની ચૂંટણી વખતે મત ડાયવર્ટ ન થાય અને મતદાર આમ આદમી પાર્ટીને પણ કૉંગ્રેસ ગણીને મતદાન કરે."

બીજી તરફ આ તમામ તર્કોને અયોગ્ય ગણાવતાં ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે જણાવે છે કે, "ભાજપ સૌના સાથ અને સૌના વિકાસમાં માને છે અને એ માત્ર ઉજળિયાતો કે પટેલોની પાર્ટી નથી. તમામ લોકોની પાર્ટી છે."

"તેથી જ ઓબીસી, ક્ષત્રિય સહિત અન્ય સમાજના આગેવાનો ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને જોડાઈ રહ્યા છે. આમ, પટેલોનો અવાજ દબાવવા કે પાર્ટીની છાપ સુધારવાનો પ્રયાસ હોવાના આરોપો ખોટા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો