લખીમપુર ખીરી : 'અમને ન્યાય જોઈએ, સરકાર ભલે પોતાના પૈસા પાછા લઈ લે' - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા, લખીમપુર ખીરી

ગઈ ત્રીજી ઑક્ટોબરે સવારે 55 વર્ષના નક્ષત્રસિંહ પોતાના ગામ નામદાર પુરવાથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલા તિકુનિયામાં ખેડૂત આંદોલન અંતર્ગત થનારા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા.

જતાં સમયે એમણે પોતાના પરિવારને કહેલું કે તેઓ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા દિલ્હી તો ન જઈ શક્યા તેથી તિકુનિયા જઈ રહ્યા છે અને થોડા કલાકોમાં પાછા આવી જશે.

નક્ષત્રસિંહ ઘરે પાછા તો આવ્યા, પરંતુ જીવતા નહીં.

એ દિવસે લખીમપુર ખીરીના તિકુનિયામાં જે 4 ખેડૂતો અને એક પત્રકાર થાર જીપ નીચે કચડી નંખાયા એમાં નક્ષત્રસિંહ પણ હતા.

બે પરિવાર, દર્દ એકસરખું

નક્ષત્રસિંહનો પરિવાર આજે પણ દુઃખ સહન કરી રહ્યો છે.

એમનાં પત્ની જસવંત કૌરે જણાવ્યું કે, "તેઓ પહેલી વાર ખેડૂત આંદોલનમાં ભાગ લેવા ગયા હતા. તેઓ તો જોવા ગયા હતા. તેઓ લડવા-ઝઘડવા થોડા ગયા હતા! અમે લોકોએ એવું પણ નહોતું વિચાર્યું કે તેઓ જશે તો પાછા નહીં આવે. અમે તો હસતાંરમતાં એમને મોકલ્યા હતા અને વિચારેલું કે હમણાં આવી જવાના છે તો આવી જ જશે, કલાક-બે કલાકમાં."

એ દિવસે જૈપરા ગામમાં રહેતા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા શ્યામસુંદર નિષાદ પણ પોતાના ઘરેથી એમ કહીને ગયા હતા કે તેઓ બનબીરપુરમાં દર વર્ષે થતું 'દંગલ' જોવા જઈ રહ્યા છે.

એમના પરિવારને પણ થોડા કલાકો પછી ખબર પડી કે તિકુનિયામાં એમને ઈજાઓ થઈ છે. એ દિવસે ઘરેથી નીકળતી વખતે શ્યામસુંદર નિષાદે પોતાના પરિવારનાં સભ્યો પાસેથી જે વિદાય લીધી એ એમની છેલ્લી વિદાય સાબિત થઈ.

શ્યામસુંદર નિષાદનાં માતા ફૂલમતી આજે પણ એ દિવસને યાદ કરે છે તો આંસુ રોકી નથી શકતાં.

આ બન્ને પરિવારનાં ઘર વચ્ચે અંતર ભલે ઘણું વધારે છે, પરંતુ એમનું દુઃખ એકસરખું જ છે, અને બન્ને પરિવારો રાહ જુએ છે તો માત્ર ન્યાયની.

'બીક તો છે જ'

આ કેસમાં કેન્દ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી અને લખીમપુર ખીરીના સાંસદ અજય મિશ્રા ઉર્ફે ટેનીના પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે. લગભગ ચાર મહિના જેલમાં રહ્યા પછી તાજેતરમાં જ આશિષ મિશ્રાને ન્યાયાલયમાંથી જામીન મળી ગયા છે.

આ વાતે નક્ષત્રસિંહના પરિવારની ચિંતાઓ વધારી દીધી છે. એમનું કહેવું છે કે એમને બીક લાગે છે.

તેઓ એવો આરોપ પણ કરે છે કે હત્યાના કેસમાં આશિષ મિશ્રાને જામીન મળી જવા એ એમના મંત્રી પિતાના રાજકીય પ્રભાવનું પરિણામ છે.

આ પરિવારના ઘરની બહાર ઉત્તર પ્રદેશ પોલીસનો પહેરો મૂકી દેવાયો છે. પરંતુ ન્યાય મળવાની એમની આશા ઓછી થતી જાય છે.

નક્ષત્રસિંહના પુત્ર જગદીપસિંહે કહ્યું કે, "સરકાર પાસેથી કશી આશા રાખી જ ન શકાય. સરકાર આંધળી, બહેરી અને મૂંગી થઈ ગઈ છે. ના તો એ કશું જોવા માગે છે કે ના તો એ કશું સાંભળવા માગે છે."

નક્ષત્રસિંહનાં પત્ની જસવંત કૌરે જણાવ્યું કે, "પાંચ મહિના થઈ ગયા છે, હજુ સુધી ન્યાય નથી મળ્યો. ન્યાય મળ્યો હોત તો પછી જામીન કેમ મળ્યા એમને?"

'આઝાદ ભારતનો જલિયાંવાલા બાગ'

લખીમપુર ખીરીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરીએ થવાનું છે અને ચૂંટણીપ્રચારમાં આ મુદ્દો ચકચાર મચાવી રહ્યો છે.

19 ફેબ્રુઆરીએ લખીમપુર ખીરીના જીઆઇસી મેદાનમાં ભરાયેલી એક જનસભામાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહેલું કે, "જીપથી ખેડૂતોને કચડી દેવાયા. ખેડૂતોના જીવ જતા રહ્યા. આઝાદ ભારતમાં જલિયાંવાલા બાગની યાદ અપાવે છે આ ઘટના."

ભારતીય જનતા પક્ષ 20 ફેબ્રુઆરીએ આ મેદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક જનસભા આયોજિત કરવાનો હતો, પરંતુ ગરબડ થઈ જવાની શંકાના કારણે એ જનસભાને રદ કરી દેવામાં આવી.

સ્થાનિક ભારતીય જનતા પક્ષના નેતાઓએ સ્વીકાર્યું કે, વહીવટીતંત્ર તરફથી એવી ચિંતા પ્રગટ કરાઈ હતી કે વડા પ્રધાનની જનસભામાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા લોકો વિરોધ પ્રદર્શન કરી શકે એમ છે અને કાળા ઝંડા બતાવી શકે એમ છે. ભાજપના નેતાઓએ કહ્યું કે એ જનસભાને હવે એક વર્ચુઅલ જનસભામાં ફેરવી નાખવામાં આવી છે.

લખીમપુર ખીરીના સમાજવાદી પાર્ટીના નેતા રામપાલ યાદવે જણાવ્યું કે, "ખેડૂતો એ જ વાતે આક્રોશ પ્રકટ કરી રહ્યા છે, નારાજ છે, કેમ કે, એમને ન્યાય નથી મળ્યો. અજય મિશ્રાના પુત્રને ચાર મહિનામાં જ જામીન મળી જાય છે… તો આ તો પક્ષપાત થઈ રહ્યો છે, અને ખેડૂતો આ વાત સમજે છે."

'બહારથી આવેલા લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો'

એક તરફ વિપક્ષી દળો ગયા વર્ષે ત્રીજી ઑક્ટોબરે બનેલી ઘટનાનો ચૂંટણીપ્રચારમાં વારંવાર ઉલ્લેખ કરીને છંછેડી રહ્યાં છે, તો બીજી તરફ આ વિષયમાં ભારતીય જનતા પક્ષના સ્થાનિક નેતાઓનું કંઈક જુદું જ કહેવું છે.

લખીમપુર ખીરીના ભાજપના નેતા આશુ મિશ્રાએ ત્રીજી ઑક્ટોબરે બનેલી ઘટના વિશે કહ્યું કે, "એ લોકો બહારના હતા. એમણે સુનિયોજિત રીતે આવીને એ ઘટના પાર પાડી. ક્યાંક ને ક્યાંક શાસન-પ્રશાસનની લાપરવાહી રહી, નહીંતર એ ઘટના બનતી જ નહીં આ જિલ્લામાં."

નક્ષત્રસિંહનો પરિવારે આ વાતથી આઘાત અનુભવ્યો. જસવંત કૌરે જણાવ્યું કે, "જેમના પરિવારના લોકો મરી ગયા અને જેમને ઈજાઓ થઈ, એમને પૂછી જુઓ કે તેઓ ખેડૂત છે કે નહીં."

'એમને દુઃખ છે જ નહીં અમારા માટે'

આ પરિવારનું એમ પણ કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારનું કોઈનાય દુઃખમાં ભાગીદાર ન થવું એ દર્શાવે છે કે સરકારોને એમના દુઃખ સાથે કશી લેવાદેવા નથી.

જસવંત કૌરે જણાવ્યું કે, "જેઓ દર્દ સમજ્યા, એ બધા અમારે ત્યાં આવ્યા. પણ આ બે સરકારો - કેન્દ્ર સરકાર અને યુપી સરકાર - હજુ સુધી અમારી પાસે નથી આવી. એમને દુઃખ થયું હોત તો અમારે ત્યાં જરૂર આવી હોત. એમને દુઃખ છે જ નહીં અમારું. જો એ લોકો આવ્યા હોત તો અમને આશ્વાસન મળ્યું હોત કે અમને ન્યાય મળશે."

બીજી તરફ, શ્યામસુંદર નિષાદના પરિવારને વળતરની સહાય તો મળી, પરંતુ એક પારિવારિક વિવાદના કારણે તેઓ એનો ઉપયોગ નથી કરી શકતાં.

આ પરિવાર નથી જાણતો કે આગળ શું થશે. શ્યામસુંદર નિષાદના ભાઈ સંજય નિષાદે જણાવ્યું કે, "ખબર નહીં, હવે ન્યાય મળશે કે નહીં મળે. અમારો ભાઈ તો જીવતો થશે નહીં હવે."

તો, નક્ષત્રસિંહના પરિવારનું કહેવું છે કે એમને વળતર તો મળ્યું પણ ન્યાય નથી મળ્યો. જસવંત કૌરે કહ્યું કે, "અમને ન્યાય જોઈએ, સરકાર ભલે પોતાના પૈસા પાછા લઈ લે. અમને ન્યાય સિવાય કશું જોઈતું નથી."

લખીમપુર ખીરીના વિસ્તારો શેરડીની ખેતી અને ગોળના ગળપણ માટે ઓળખાય છે, પરંતુ ગયા વર્ષે બનેલી ઘટનાની કડવાશ અહીંના લોકોના મનમાં હજુ પણ અનુભવી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો