મનોજ બાજપેયીની ‘સત્યા’, જેણે ભીખુ મ્હાત્રેને બનાવ્યો ‘મુંબઈ કા કિંગ’

    • લેેખક, વંદના
    • પદ, બીબીસી ન્યૂઝ

પ્રેક્ષકોથી છલકાઇ રહેલું મુંબઈનું એક થિયેટર. થિયેટરની બહાર હાજર ફિલ્મના દિગ્દર્શક. અચાનક એક અજાણ્યો શખ્સ દિગ્દર્શકના ખભા પર હાથ મૂકે છે અને કહે છે, "હમ લોકો કે ઉપર બહેતરીન ફિલ્મ બનાયા હે રે તુ."

એ ફિલ્મ હતી 25 વર્ષ પહેલાં, 1998ની ત્રીજી જુલાઈએ રિલીઝ થયેલી ‘સત્યા.’ તેની કથા મુંબઈની અંધારી આલમ પર આધારિત હતી.

અહીં જે દિગ્દર્શકની વાત થઈ રહી છે તે હતા રામગોપાલ વર્મા અને "હમ લોકો પર અચ્છી ફિલ્મ બનાઈ" એવું કોણે કહ્યું હતું એ તમે સમજી ગયા હશો.

આ ઘટના ઉદય ભાટિયાએ ‘સત્યા’ વિશે લખેલા પુસ્તક ‘બુલેટ ઓવર બૉમ્બે’માં નોંધાયેલો છે.

‘સત્યા’ મહત્ત્વની શા માટે?

અંધારી આલમ વિશે બનેલી ફિલ્મોના સંદર્ભમાં સત્યાને અનેક અર્થમાં માઈલસ્ટોન ગણવામાં આવે છે. ફિલ્મની ક્રેડિટ લિસ્ટ જોઈએ તો તેમાં એવા તમામ લોકોનાં નામ છે, જેઓ ત્યારે ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. તેમાં એવા લોકોના નામ હતા, જે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ આજે એ બધા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મોખરે પહોંચી ગયા છે.

માત્ર 24-25 વર્ષનો સંઘર્ષ કરતા અનુરાગ કશ્યપ નામના એક લેખક, અભિનેતા સૌરભ શુક્લા, 19 વર્ષનો અપૂર્વ અસરાની નામના નવાસવા એડિટર, રંગીલા ફિલ્મમાં બે-ચાર દૃશ્ય ભજવી ચૂકેલી શેફાલી શાહ, સત્યાનો મામૂલી મવાલી સંજય મિશ્રા, તબેલાના માલિક મનોજ પાહવા, બાદમાં સીઆઈડીમાં ઇન્સપેક્ટર અભિજીતની ભૂમિકાને લીધે વિખ્યાત બનેલા આદિત્ય શ્રીવાસ્તવ તથા સુશાંત સિંહ. ભીખુ મ્હાત્રે યાને કે મનોજ બાજપેયી ‘બૅન્ડિટ ક્વીન’ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા તો ભજવી ચૂક્યા હતા, પરંતુ તેમની આગવી ઓળખ ન હતી.

યાદી લાંબી છે. ‘સત્યા’માં એકમાત્ર સ્ટાર ઊર્મિલા માતોંડકર હતાં, જે ‘રંગીલા’માં કામ કરી ચૂક્યાં હતાં.

મનોજ બાજપેયી – મુંબઈ કા કિંગ

મુંબઈના દરિયાકિનારા પરનો એક ખડક. તેના છેડે ઊભો ડૉન ભીખુ મ્હાત્રે, જેણે પોતાના તમામ વિરોધીઓને ખતમ કરી નાખ્યા છે અને રાજી થઈને સમુદ્ર કિનારે આવીને બરાડી રહ્યો છેઃ મુંબઈ કા કિંગ કૌન, ભીખુ મ્હાત્રે. માત્ર 30 સેકન્ડનું દૃશ્ય, મનોજ બાજપેયીનું અટ્ટહાસ્ય. ‘સત્યા’એ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા.

અલબત, ફિલ્મ બનાવવાનું શરૂ થયું ત્યારે મનોજ બાજપેયીને સત્યા એટલે કે ફિલ્મના મેઈન હીરોના રોલ માટે સાઈન કરવામાં આવ્યા હતા, પરંતુ ભીખુ મ્હાત્રેનો રોલ આકાર પામવા લાગ્યો ત્યારે રામગોપાલ વર્માને થયું હતું કે એ ભૂમિકાને ન્યાય આપવા માટે મનોજ જેવા ઍક્ટરની જરૂર છે.

પોતાને મેઈન રોલમાંથી હટાવી દેવામાં આવ્યા હોવાને કારણે શરૂઆતમાં મનોજ બાજપેયી નિરાશ થયા હતા, પરંતુ બાદમાં એ ભૂમિકાએ તેમનું જીવન પલટી નાખ્યું હતું. તેમણે એ ફિલ્મમાં બંબૈયા ડૉનનો રોલ કર્યો હતો, પરંતુ પોતાના હાવભાવ અને પાત્રને બિહારી ડૉનના સ્વરૂપમાં ઢાળ્યું હતું.

મુંબઈ કા કિંગ કૌન, દૃશ્ય માટે મનોજને આજે પણ યાદ કરવામાં આવે છે. એ દૃશ્ય તેમણે ડરતાં-ડરતાં ભજવ્યું હતું, કારણ કે તેમને ઊંચાઈનો બહુ ડર લાગે છે.

ઉદય ભાટિયા તેમના પુસ્તકમાં લખે છે, "દૃશ્ય શૂટ કરતી વખતે સૌરભ શુક્લાએ મનોજના પગ નીચેથી પકડ્યા હતા, જેથી તેમને ડર ન લાગે, પરંતુ લૉંગ શૉટ દરમિયાન એવું કરવું અશક્ય હતું. એ દૃશ્યમાં મનોજ ઉતાવળે જેમતેમ બરાડ્યા હતા અને બાદમાં તે ડબ કરવામાં આવ્યું હતું."

અનુરાગ કશ્યપ, રાઈટરથી ડિરેક્ટર સુધી

એ વખતે અનુરાગ કશ્યપ 24-25 વર્ષના હતા અને મનોજ બાજપેયી સાથે તેમની મુલાકાત એક પ્રોડક્શન હાઉસમાં થઈ હતી. દિલ્હીમાં કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે અનુરાગે મનોજના નાટકો નિહાળ્યાં હતાં.

ફિલ્મો વિશેની વાતચીત દરમિયાન બન્ને વચ્ચે દોસ્તી થઈ હતી. સત્યા ફિલ્મ સાઈન કરી ચૂકેલા મનોજે અનુરાગની મુલાકાત રામગોપાલ વર્મા સાથે કરાવી અને અનુરાગ ‘સત્યા’ના લેખક બની ગયા.

રામગોપાલ વર્મા ‘અર્ધસત્ય’ ફિલ્મ લખી ચૂકેલા વિખ્યાત નાટ્યલેખક વિજય તેંડૂલકરને પણ સાથે લેવા ઇચ્છતા હતા, પરંતુ કશું જામ્યું નહીં.

સત્યા ફિલ્મને કારણે અનુરાગ કશ્યપને મોટો બ્રેક મળ્યો હતો. બાદમાં તેમણે રામગોપાલ વર્મા સાથે ‘કૌન’ તથા ‘શૂલ’ માટે કામ કર્યું હતું અને આજે તેઓ એક મોટા દિગ્દર્શનક તેમજ નિર્માતા છે.

સત્યા પહેલાં અનુરાગ કશ્યપે 1997માં ‘કભી કભી’ નામની ટીવી સિરિયલ લખી હતી. હંસલ મહેતાની પહેલી ફિલ્મ ‘જયતે’ની પટકથા લખી હતી.

કલ્લુ મામા એટલે કે સૌરભ શુક્લા

અનુરાગ કશ્યપની માફક સૌરભ શુક્લા પણ દિલ્હીના થિયેટર ગ્રૂપમાં સક્રિય હતા અને મનોજ સાથે ‘બૅન્ડિટ ક્વીન’ ફિલ્મમાં કામ કરી ચૂક્યા હતા.

રામગોપાલ વર્માને ‘સત્યા’ માટે સહ-લેખકની જરૂર હતી. એ માટે સૌરભ શુક્લાને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સૌરભને ફિલ્મલેખનમાં રસ ન હતો.

તેઓ રામગોપાલ વર્માને મળવા ગયા ત્યારે તેમને કલ્લુ મામાનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો અને સહ-લેખક પણ બનવાની ના સૌરભ શુક્લા કહી શક્યા ન હતા.

તુંડમિજાજી ભીખુ મ્હાત્રે ટોળકીના બુદ્ધિવાળા ભાઈનો, કલ્લુ મામાનો રોલ આજે પણ મશહૂર છે. એ ઉપરાંત તેમને પોતાનું ગીત ‘ગોલી માર ભેજે મેં’ પણ મળ્યું હતું.

‘સત્યા’ પહેલાં સૌરભ શુક્લા ‘ઇસ રાત કી સુબહ નહીં’ અને ‘બૅન્ડિટ ક્વીન’માં નાની ભૂમિકા ભજવી ચૂક્યા હતા. 90ના દાયકાની ટીવી સિરિયલ ‘તહકીકાત’માં કામ કરી ચૂક્યા હતા.

ગુલઝાર, વિશાલ ભારદ્વાજ અને ગોલી માર ભેજે મેં

‘સત્યા’ના નિર્માણ દરમિયાન વિશાલ ભારદ્વાજ સંગીતકાર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યા હતા. દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવાનું બહુ દૂર હતું. ‘સત્યા’ના સંગીતની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી અને ગીત ગુલઝારે લખ્યાં હતાં.

ગુલઝારે લખેલા ગીતના શબ્દો હતા, ‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ, ભેજે કી સુનેગા તો મરેગા કલ્લુ, મામા, કલ્લુ મામા.’

‘બુલેટ્સ ઓવર બૉમ્બે’ પુસ્તકમાં ઉદય ભાટિયા લખે છે, "ગુલઝારે આ ગીત લખ્યું ત્યારે રામગોપાલ વર્મા સહિતના બધાને તેના શબ્દો ખરાબ અને અજબ લાગ્યા હતા, પરંતુ ગુલઝારને તે કહેવાની હિંમત કોઈનામાં ન હતી."

અનુરાગ નાના હતા તેથી તેમને એ જણાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ગુલઝારે અનુરાગને એવું કહીને ભગાડી મૂક્યા હતા કે "પહેલાં ઉર્દૂમાં યોગ્ય રીતે ગમ શબ્દનો ઉચ્ચાર શીખીને આવજો."

ખૈર. ગીતનું ફિલ્માંકન થયું. લઘરવઘર દેખાતા ગુંડાઓ એક પણ ડાન્સ સ્ટેપ યોગ્ય રીતે કરી શકતા ન હતા. એ ઉપરાંત ગાયક માનોનો અવાજ. સિનેમેટોગ્રાફર મઝહર કામરાને એક લગભગ બંધ જગ્યામાં તેનું ફિલ્માંકન કર્યું હતું.

એ ગીત ફિલ્મનું સૌથી હિટ પૂરવાર થયું હતું. ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કમાલનું હતું. તે સંદીપ ચૌટાએ આપ્યું હતું.

‘સત્યા’ પહેલાં વિશાલ ભારદ્વાજ 1996ની ‘માચીસ’ ફિલ્મમાં સંગીત આપી ચૂક્યા હતા, પરંતુ એ પછી કોઈ મોટા બ્રેકની રાહ જોઈ રહ્યા હતા.

હૈદરાબાદથી મુંબઈ આવ્યા રામગોપાલ વર્મા

તેલુગુ સિનેમામાંથી આવેલા રામગોપાલ વર્માને મુંબઈની અંધારી આલમમાં બહુ રસ હતો. એ સમયે મુંબઈના ફિલ્મોદ્યોગ અને અંધારી આલમ વચ્ચેના સંબંધની વ્યાપક ચર્ચા થતી હતી. રામગોપાલ વર્માની ઓળખાણ અજય દેવાની નામના એક માણસ સાથે થઈ હતી. તેઓ મંદાકિનીના સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યા હતા.

દેવાની પાસેથી તેમને અંધારી આલમના અનેક કિસ્સા જાણવા મળ્યા હતા. બાદમાં દીવાનની હત્યા કરવામાં આવી હતી અને તેનો આરોપ અબુ સલેમ ગેંગ પર મૂકવામાં આવ્યો હતો.

એ દરમિયાન 1997માં ટી સીરિઝના માલિક ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી. રામગોપાલ વર્માએ મુંબઈની અંધારી આલમ, અપરાધ સિવાયની ગુંડાઓની જિંદગી એ બધાને પરોવીને ‘સત્યા’ ફિલ્મ બનાવવાની કલ્પના કરી હતી.

અંધારી આલમ વિશેની અન્ય ફિલ્મોથી અલગ રામગોપાલ વર્માની આ ફિલ્મ વિશિષ્ટ એટલા માટે છે કે આ ગુંડાઓ અપરાધ કરવાની સાથે-સાથે કેવું સામાન્ય જીવન જીવતા હોય છે અને એ બન્નેમાં કેવો વિરોધાભાસ હોય છે, તે દેખાડવામાં આવ્યું હતું.

જેમ કે, ફિલ્મના એક દૃશ્યમાં ભીખુ મ્હાત્રે તેની દીકરી સાથે ફોન પર વાત કરતાં કહે છે, "ડૅડી બાત કરતા હૈ. મેરા બચ્ચા, કૈસી હૈ તુ. અંગ્રેજી પઢ રહી હૈ તુ. ડૅડી શામ કો ઘર આયેગા. ઠીક હૈ."

એ સાંભળીને કોઈ પણ તેના સામાન્ય પિતા માની લે, પરંતુ બીજી જ પળે તે ખંડણી ઉઘરાવવા બિલ્ડર પાસે બેઠેલો જોવા મળે છે.

જેમ કે, પ્યારી (શેફાલી શાહ) પોતાના પતિ મનોજ બાજપેયી સાથે ‘સત્યા’ની ગર્લફ્રેન્ડ માટે ગિફ્ટ ખરીદવા જાય છે ત્યારે બન્ને વચ્ચે સામાન્ય પતિ-પત્નીની જેમ જ તડાફડી થાય છે અને પ્યારી કહે છે, "મ્હાત્રે, હમારી શાદી કો કિતના સાલ હુઆ? બારહ સાલ મેં તૂને મેરે કો કુછ દિયા, કોઈ ગિફ્ટ દિયા?"

અજીત દેવાનીનો આભાર

વધુ એક રસપ્રદ વાત એ છે કે રામગોપાલ વર્માએ ‘સત્યા’ની શરૂઆતમાં જ સૌથી પહેલાં અજીત દેવાનીનો આભાર માન્યો છે, પરંતુ તેનું કારણ જણાવ્યું નથી.

એક ટ્વીટમાં રામગોપાલ વર્માએ જણાવ્યું હતું કે આ ફોટોમાં જે વ્યક્તિ જોવા મળે છે તે અજીત દેવાની છે, જેમની હત્યા કરવામાં આવી હતી. અંધારી આલમ વિશેની માહિતી મને તેઓ આપતા હતા. તેઓ મંદાકિનીના સેક્રેટરી હતા.

‘સત્યા’ પહેલાં રામગોપાલ વર્માએ ‘રંગીલા’ બનાવી હતી અને તેલુગુમાં ‘અંતમ’ નામની ફિલ્મ બનાવી હતી. તેની કથાને આધારે ‘સત્યા’ બનાવવામાં આવી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકોને તેમણે પહેલીવાર તક આપી હતી.

જે ડી ચક્રવર્તી અને ઊર્મિલા માતોંડકર

‘સત્યા’ વાસ્તવમાં એ વ્યક્તિની કહાણીથી શરૂ થાય છે, જે રોજગાર માટે મુંબઈ આવે છે અને સંજોગવશાત અંધારી આલમમાં ધસી પડે છે.

તેલુગુ અભિનેતા જે ડી ચક્રવર્તીએ આ ફિલ્મ પહેલાં રામગોપાલ વર્મા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

રામગોપાલ વર્માએ તેમને સત્યાનો રોલ આપવાની શરૂઆતમાં ના પાડી હતી. તેઓ એ સમયે અમેરિકાથી આવ્યા હતા અને તેમનો લૂક બહુ વેસ્ટર્ન લાગતો હતો.

બાદમાં રામગોપાલ વર્મા તેમને તેમના ઘરે મળવા ગયા ત્યારે તેઓ બીમાર હતા અને તેમણે દાઢી પણ કરી ન હતી.

‘સત્યા’ અંધારી આલમની સાથે એક વિસ્થાપિત વ્યક્તિની કહાણી પણ છે. એક અજાણ્યો માણસ મુંબઈમાં એકલો પડી જાય છે, જેની કોઈ બેક સ્ટોરી નથી.

ભીખુ મ્હાત્રે તેને પૂછે છે, "કહાં સે આયા તૂ" ત્યારે સત્યા કહે છે, "ક્યા ફર્ક પડતા હૈ." ભીખુ તેને "તેરા ફેમિલી કિધર હૈ," એવું પૂછે છે ત્યારે સત્યા કહે છે, "શાયદ મર ગયે હોંગે."

જે ડી ચક્રવર્તી ‘સત્યા’ પહેલાં તેલુગુમાં લોકપ્રિય હતા, પરંતુ હિન્દી ફિલ્મોદ્યોગમાં તેમને બહુ ઓછા લોકો જાણતા હતા.

મુંબઈ શહેરની પણ કહાણી

‘સત્યા’ની પહેલી ફ્રેમ જ મુંબઈના મૉન્ટાજથી શરૂ થાય છે અને સૌપ્રથમ અવાજ સંભળાય છે, "મુંબઈ."

મુંબઈ સતત જાગતું શહેર છે. તે ખુલ્લી આંખે પણ સપનાં જુએ છે. અહીં ઝળકતી ઊંચાઈ છે. ખામોશ અંધારી ખાઈ છે. અહીં માણસો વચ્ચેના આ જ ફરકે એક અલગ દુનિયા બનાવી છે. એ છે, મુંબઈ અન્ડરવર્લ્ડ.

‘સત્યા’નાં તમામ પાત્રોની સાથે-સાથે મુંબઈની કહાણી પણ છે.