જન્મદિવસ વિશેષ : અમરીશ પુરી શા માટે નહોતા ઇચ્છતા કે તેમનો પુત્ર બોલીવૂડમાં આવે

મિસ્ટર ઇન્ડિયા, ત્રિદેવ, મેરી જંગ, ઘાયલ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયથી જાણીતા થયેલા અમરીશ પુરીનો જન્મ 22 જૂન, 1932ના રોજ વિભાજન પહેલાં લાહોરમાં થયો હતો.

400થી વધુ ફિલ્મોમાં કામ કરનારા અમરીશ પુરીનું 12 જાન્યુઆરી 2005ના રોજ અવસાન થયું.

તેમના રોફભર્યા અવાજમાં બોલાયેલો ડાયલૉગ - મોગૈંબો ખુશ હુઆ, આજે પણ લોકોની જીભે ચડેલો છે.

ઊંચું કદ, દમદાર અવાજ, ડરામણા ગેટ અપ અને જબરદસ્ત વ્યક્તિત્વથી વર્ષો સુધી ફિલ્મ પ્રેમીઓના મનમાં ડર ઊભો કરનાર અભિનેતા અમરીશ પુરીના 83માં જન્મ દિવસે તેમના દીકરા રાજીવ પુરીએ બીબીસીના સહયોગી મધુ પાલ સાથે કરેલી ખાસ વાતચીતમાં ઘણાં સંસ્મરણો તાજા કર્યાં હતાં.

અદાકારીની અસર

રાજીવે જણાવ્યું કે પડદા પર ખલનાયકના તમામ પાત્રો ભજવનાર અમરીશ પુરીના અભિનયની એટલી અસર હતી કે તેમના ઘરે આવતા મિત્રો પણ તેમનાથી ડરતા.

રાજીવે કહ્યું, "હું અને મારો સમગ્ર પરિવાર તેમને ઘણાં વર્ષોથી થિએટર કરતા જોઈ ચૂક્યા હતા."

"અમને ખબર હતી કે તેઓ પાત્ર માત્ર થિયેટરમાં ભજવે છે પરંતુ જ્યારે મારા મિત્રો મારા ઘરે આવતા તો મારા પિતાની હાજરીમાં ચૂપચાપ રહેતા."

"વારંવાર મળવાને કારણે તેઓ બરાબર સમજ્યા અને ધીરેધીરે તેમનો ડર ઓછો થયો."

હિમ્મતવાળી વ્યક્તિ

પડદા પર કઠોર દેખાતા માણસ શું વ્યક્તિગત જીવનમાં પણ એવા જ હતા?

રાજીવના કહેવા પ્રમાણે, "ના, મારા પિતા કઠોર નહોતા, તેઓ એક હિમ્મતવાળા માણસ હતા. તેમને દરેક કામ યોગ્ય રીતે કરવું ગમતું હતું."

રાજીવના જણાવ્યા અનુસાર અમરીશ પુરીએ ક્યારેય તેમના પર પોતાની ઇચ્છા થોપી નહોતી.

રાજીવે જણાવ્યું, "ત્યારે બોલીવૂડની સ્થિતિ સારી નહોતી. તેથી તેમણે મને કહ્યું કે અહીં ન આવ, તને જે ગમે એ કર. એટલે હું મર્ચન્ટ નેવીમાં ગયો."

મોડેથી ઓળખ મળી

અમરીશ પુરીએ 30 વર્ષથી પણ વધુ સમય સુધી ફિલ્મોમાં કામ કર્યું.

તેમણે ખલનાયકની જ ભૂમિકાઓ વધારે નીભાવી. નકારાત્મક ભૂમિકાઓ તેઓ એ રીતે ભજવતા કે હિંદી ફિલ્મોમાં ખરાબ વ્યક્તિના પર્યાય બની ગયા હતા.

રાજીવ પુરી જણાવે છે, "પપ્પાને 40 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ઓળખ મળી. તેમનાં જેવાં પાત્રો અને તેઓ જે રીતે પાત્રનો ચહેરો બદલતા તેવું હજુ સુધી કોઈ કરી શક્યું નથી. આજના સમયમાં પણ એક ખલનાયક તરીકે કોઈમાં આટલા પ્રયોગો કરવાની હિંમત નથી."

તેમની ગમતી ફિલ્મો

અમરીશ પુરીએ 'નસીબ,' 'વિધાતા,' 'હીરો,' 'અંધા કાનૂન,' 'અર્ધ સત્ય,' 'હમ પાંચ' અને 'ગદર' જેવી ફિલ્મોમાં ખલનાયક તરીકે છાપ છોડીને ફિલ્મ પ્રેમીઓના મનમાં તેમના નામનો ખૌફ ઊભો કરેલો.

વર્ષ 1987માં ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા'માં તેમનું પાત્ર ખૂબ જાણીતું થયું. ફિલ્મનો સંવાદ 'મોગૅમ્બો ખુશ હુઆ' આજે પણ લોકોના મનમાં એટલો જ તાજો છે.

તેમની ફિલ્મોને યાદ કરીને રાજીવે કહ્યું, "મને પપ્પાની આઠ ફિલ્મો બહુ જ ગમે છે. 'વિરાસત,' 'ઘાતક,' 'કોયલા,' 'ત્રિદેવ,' 'વિશ્વાત્મા,' 'મિસ્ટર ઇન્ડિયા,' 'ગદર' અને 'નાગિન.' 'નાગિન'માં એમણે તાંત્રિકની એવી ભૂમિકા નિભાવી કે જેને હું આજ સુધી ભૂલી શકતો નથી."

પૌત્ર ફિલ્મોમાં

અમરીશ પુરીના દીકરા રાજીવ પુરી તો ફિલ્મોમાં ન આવ્યા પરંતુ તેમના પૌત્ર ફિલ્મો સાથે સંકળાયેલા છે.

રાજીવે જણાવ્યું કે તેમનો દિકરો હર્ષવર્ધન પુરી યશરાજ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે.

તેમણે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો 'ઇશકઝાદે', 'શુદ્ધ દેસી રોમાંસ' અને 'દાવતે ઇશ્ક'માં કૅમેરા પાછળ રહીને કામ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો