સ્મિતા પાટીલ : ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં આ અભિનેત્રી કેમ અકાળે અવસાન પામ્યાં?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

(બીબીસીએ નવી સાપ્તાહિક શ્રેણી શરૂ કરી છે. 'છોટી ઉમ્ર બડી જિંદગી' જેમાં એ લોકોની કહાણી વિશે માહિતી આપવામાં આવે છે, જઓએ દુનિયામાં નામના તો ખૂબ મેળવી, પરંતુ 40 વર્ષથી પહેલાં આ દુનિયાને છોડી જતા રહ્યા. એજ કડીમાં વાંચો ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂકેલાં તેજસ્વી અભિનેત્રી સ્મિતા પાટિલની કહાણી. )

સ્મિતા પાટીલના 88 વર્ષના પિતા શિવાજીરાવ ગિરિધર પાટીલ 2015માં રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં ભારતનું ત્રીજા ક્રમના સૌથી મોટા નાગરિક સન્માન પદ્મભૂષણ લેવા આવ્યા, ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

પાટીલ પરિવાર માટે એ મોટો દિવસ હતો. તેમની પહેલી પુત્રી સ્મિતાને 28 વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં આ જ રીતે દેશના ચોથા ક્રમના સૌથી મોટા નાગરિક સન્માન પદ્મશ્રી વડે નવાજવામાં આવી હતી.

શિવાજીરાવ સ્વતંત્રતા સેનાની હતી અને માત્ર 15 વર્ષની વયે જેલમાં ગયા હતા. આઝાદી પછી તેઓ પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા હતા અને 1964માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા.

તેમને મહારાષ્ટ્રના વીજળી તથા સિંચાઈ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમનાં પત્ની વિદ્યાતાઈ પાટીલ મહારાષ્ટ્રના જાણીતા સમાજસેવિકા હતાં.

દૂરદર્શનમાં મરાઠી સમાચાર વાચક

સ્મિતા પાટીલનો જન્મ 1955ની 17 ઑક્ટોબરે થયો હતો. તેમણે મરાઠી માધ્યમની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ મુંબઈ દૂરદર્શન ચેનલ પર મરાઠી સમાચાર વાચક બન્યાં હતાં.

તેની પણ એક કહાણી છે. સ્મિતા પાટીલની જીવનકથા ‘સ્મિતા પાટીલઃ અ બ્રીફ ઇનકેનડેસન્સ’માં મૈથિલી રાવ લખે છે, “સ્મિતાની એક સખી જ્યોત્સના કિરપેકર મુંબઈ દૂરદર્શન ચેનલ પર સમાચાર વાચન કરતાં હતાં. તેમના પતિ દીપક કિરપેકર ફોટોગ્રાફર હતા. તેઓ સ્મિતાના ફોટોગ્રાફ્સ વારંવાર ક્લિક કરતા હતા.”

“એક વખત તેઓ સ્મિતાના ફોટોગ્રાફ્સ લઈને જ્યોત્સનાને મળવા દૂરદર્શન કેન્દ્ર પર ગયા. ગેટમાંથી પ્રવેશતા પહેલાં તેઓ સ્મિતાની તસવીરોને જમીન પર રાખીને વ્યવસ્થિત ગોઠવી રહ્યા હતા. એ જ વખતે મુંબઈ દૂરદર્શનના ડિરેક્ટર પી વી કૃષ્મામૂર્તિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે તસવીરો જોઈને પૂછ્યું હતું કે આ ફોટોગ્રાફ્સ કોના છે. દીપકે તેમને સ્મિતા વિશે જણાવ્યું ત્યારે તેમણે સ્મિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.”

શ્યામ બેનેગલ અને દેવ આનંદનો સ્મિતાને રોલ આપવાનો નિર્ણય

મૈથિલી રાવ આગળ લખે છે, “એ બાબતે દીપકે સ્મિતાને જણાવ્યું ત્યારે તેઓ દૂરદર્શન પર જવા સહમત થયાં ન હતાં. બહુ સમજાવ્યા પછી સ્મિતા દીપકના સ્કૂટર પર બેસીને દૂરદર્શન કેન્દ્ર ગયાં હતાં. ત્યાં તેમને તેમની પસંદગીની કોઈ ચીજ સંભળાવવા કહેવામાં આવ્યું ત્યારે સ્મિતાએ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત આમાર શોનાર બાંગ્લા સંભળાવ્યું હતું.”

“સ્મિતાની પસંદગી થઈ ગઈ અને પછી તેઓ મુંબઈ દૂરદર્શન પર મરાઠી સમાચાર વાચક તરીકે કામ કરવા લાગ્યાં. એ બ્લૅક ઍન્ડ વાઇટ ટેલિવિઝનનો જમાનો હતો. સ્મિતાના મોટા ચાંદલા, લાંબી ગરદન અને થોડા બેસી ગયેલા અવાજને કારણે બધાનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું.”

“સ્મિતા પાસે હેન્ડલૂમ સાડીઓનો ઉત્તમ સંગ્રહ હતો. રસપ્રદ વાત એ હતી કે સ્મિતા સમાચાર વાંચવાના થોડા સમય પહેલાં જ પોતાની જીન્સ પર સાડી પહેરતાં હતાં. મરાઠી બોલવાનું જાણતા ન હોય એવા લોકો પણ દૂરદર્શનના મરાઠી સમાચાર સાંભળતા હતા, જેથી શબ્દોનો સાચો ઉચ્ચાર શીખી શકાય.”

“શ્યામ બેનેગલે સ્મિતાને સૌપ્રથમ વખત દૂરદર્શન પર જ જોયાં હતાં અને તેમને પોતાની ફિલ્મમાં ભૂમિકા આપવાનો વિચાર આવ્યો હતો. મનોજ કુમાર અને દેવ આનંદ પણ સ્મિતાને પોતાની ફિલ્મોમાં રોલ આપવા ઇચ્છતા હતા. દેવ આનંદે બાદમાં સ્મિતાને 'આનંદ ઔર આનંદ' ફિલ્મમાં લીધાં પણ હતાં. વિનોદ ખન્ના સ્મિતા પાટીલથી એટલા પ્રભાવિત હતા કે તેઓ ભલે મુંબઈમાં ક્યાંય પણ હોય, પરંતુ સ્મિતાને સમાચાર પઠન કરતા નિહાળવા સમયસર પોતાના ઘરે પહોંચી જતા હતા.”

શ્યામ બેનેગલે ‘નિશાંત’ માટે કરી સ્મિતાની પસંદગી

સ્મિતા પાટીલે તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત અરુણ કોપકરની એક ડિપ્લોમા ફિલ્મથી કરી હતી. એ સમયે શ્યામ બેનેગલ તેમની ફિલ્મ ‘નિશાંત’ માટે નવો ચહેરો શોધી રહ્યા હતા.

તેમના સાઉન્ડ રૅકર્ડિસ્ટ હિતેન્દર ઘોષે સ્મિતાની ભલામણ કરી હતી. શ્યામ બેનેગલે સ્મિતાનું ઑડિશન લીધું અને તેમની પસંદગી કરી, પરંતુ તેમણે સ્મિતાને સૌથી પહેલાં તેમની ફિલ્મ ‘ચરણદાસ ચોર’માં પ્રિન્સેસનો રોલ આપ્યો હતો.

છત્તીસગઢમાં ચરણદાસ ચોરના શૂટિંગ દરમિયાન શ્યામ બેનેગલને સ્મિતાની અસલી પ્રતિભાને પારખવાની તક મળી હતી. એ પછી તેમણે સ્મિતાને 'નિશાંત'માં રોલ આપવાનો નિર્ણય કર્યો હતો.

સ્મિતા પાટીલની વિશિષ્ટતા એ હતી કે તેઓ પોતાની જાતને સંપૂર્ણપણે પાત્રમાં ઢાળી દેતાં હતાં. રાજકોટમાં ‘મંથન’ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ ગામની મહિલાઓ સાથે તેમનાં જ વસ્ત્રો પહેરીને બેઠાં હતાં. એ વખતે કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓ ફિલ્મનું શૂટિંગ જોવા આવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે ફિલ્મની હિરોઇન ક્યાં છે?

ગામની સ્ત્રીઓએ તેમની સાથે બેઠેલાં સ્મિતા તરફ ઇશારો કર્યો ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્મની હિરોઇન ગામડાની મહિલાઓ સાથે આટલી સહજતાથી કેવી રીતે બેસી શકે, એ વાતનું તેમને આશ્ચર્ય હતું.

નાના બજેટની સમાંતર ફિલ્મો સાથે કોમર્શિયલ ફિલ્મો પણ કરી

સ્મિતા પાટીલે 'ભૂમિકા', 'મંથન', 'અર્થ', 'મંડી', 'ગમન' અને 'નિશાંત' જેવી અનેક સમાંતર ફિલ્મોની સાથે 'શક્તિ' અને 'નમકહલાલ' જેવી મોટા બજેટની ફોર્મ્યુલા ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

'મંથન' ફિલ્મમાં તેમણે ગામડાની એક એવી મહિલાની ભૂમિકા ભજવી હતી, જે પહેલાં તો દૂધ સહકારી મંડળીનો વિરોધ કરે છે, પરંતુ બાદમાં તેનો હિસ્સો બની જાય છે.

'ભૂમિકા' ફિલ્મમાં તેમણે વિદ્રોહી મરાઠી અભિનેત્રી હંસા વાડકરનું પાત્ર ભજવ્યું હતું. એ માટે સ્મિતાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

કેતન મહેતાની ફિલ્મ 'ભવની ભવાઈ'માં સ્મિતાએ સ્પષ્ટવક્તા આદિવાસી મહિલાની ભૂમિકા ભજવી હતી. જબ્બાર પટેલની 'ઉંબરઠા' ફિલ્મમાં સ્મિતાએ, પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની જાણ થતાં પતિનું ઘર છોડી દેતી સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું. 'ઉંબરઠા'ને બાદમાં હિન્દીમાં 'સુબહ' નામે બનાવવામાં આવી હતી.

આખી ફિલ્મને પોતાના ખભા પર ઉઠાવવાની ક્ષમતા

એ સમયે હિન્દી ફિલ્મોમાં હીરોની બોલબાલા હતી, સ્મિતાએ આખી ફિલ્મ પોતાના ખભા પર ઊચકવાની ક્ષમતા દેખાડી હતી.

સ્મિતા પાટીલનાં સખી અને વિખ્યાત પત્રકાર કુમકુમ ચઢ્ઢાએ તેમના પુસ્તક ‘ધ મૅરીગોલ્ડ સ્ટોરી’માં લખ્યું છે, “સ્મિતા શરૂઆતથી જ નાના બજેટની સમાંતર ફિલ્મો કરતાં હતાં, પરંતુ નાના બજેટની ફિલ્મો બનાવતા દિગ્દર્શકોએ મોટા નામની પાછળ દોડવાનું શરૂ કર્યું ત્યારે સ્મિતાએ પણ મોટા બજેટની ફિલ્મો તરફ પ્રયાણ કર્યું હતું. તેમણે તેમની જાતને વચન આપ્યું હતું કે તેઓ પ્રખ્યાતિ મેળવવા ઇચ્છતા હોય તો હું પણ મારું કૌવત સાબિત કરી દેખાડીશ.”

“ફિલ્મ ‘નમકહલાલ’માં વરસાદમાં ભીંજાતાં સેક્સી ડાન્સ સોંગનું શૂટિંગ કર્યા પછી સ્મિતા રડી પડ્યાં હતાં. તે ડાન્સ સોંગ એક કોમર્શિયલ ફિલ્મનો હિસ્સો હતું એટલા માટે નહીં, પરંતુ પોતે અભિનેત્રી તરીકે અત્યાર સુધી જે દેખાડતા રહ્યાં છે તેનાથી તદ્દન વિપરીત એ ગીત હતું એટલા માટે તેઓ રડી પડ્યાં હતાં.”

પ્રાદેશિક ભાષાની અનેક ફિલ્મોમાં કામ કર્યું

સ્મિતા પાટીલે મૃણાલ સેનની ફિલ્મ ‘અકાલેર સોન્ધાને’ ફિલ્મમાં હિન્દી ફિલ્મની એક અભિનેત્રીનો રોલ કર્યો હતો. કેતન મહેતાની 'ભવની ભવાઈ' ફિલ્મમાં તેમણે ભજવેલી ભૂમિકા પણ વખણાઈ હતી.

કુમકુમ ચઢ્ઢા લખે છે, “'જેત રે જેત' ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્મિતા પાટીલની વાસ્તવિક સિનેમા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ જોવા મળ્યું હતું. ફિલ્મમાં કામ કરતા તમામ લોકો પૂણે પાસે રાયગઢ જિલ્લામાંના એક સ્થળ ઠાકરવાડીમાં રોકાયા હતા. સ્મિતા તેમની સાથે રોકાયાં હતાં એટલું જ નહીં, પરંતુ ગામની મહિલાઓની સાથે જ તેમની જેમ જ ઊંઘ્યાં, ભોજન કર્યું અને નજીકના પહાડી તળાવમાં સ્થાનિક સ્ત્રીઓ સાથે સ્નાન પણ કર્યું હતું.”

“'ચિદંબરમ' નામની એક મલયાલમ ફિલ્મમાં તેમણે એક તામિલ મહિલાની ભૂમિકા ભજવી ત્યારે ફિલ્મના દિગ્દર્શક જી અરવિંદને તેમને વિનંતી કરી હતી કે આ ફિલ્મ માટે રિહર્સલ કરશો નહીં. સીધો શોટ આપજો. પોતે તામિલ જાણતા હોવા છતાં સ્મિતાએ દિગ્દર્શકની વિનંતીનો આદર કર્યો હતો.”

સ્મિતા પાટીલે તેમની 12 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં એ બધું જ હાંસલ કર્યું હતું, જે ટોચના અભિનેતાઓ તેમના સમગ્ર જીવનમાં હાંસલ કરી શકતા નથી.

શબાના આઝમી સાથે સ્પર્ધા

સ્મિતા પાટીલ અને શબાના આઝમીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેમાં મહેશ ભટ્ટની ‘અર્થ’ અને શ્યામ બેનેગલની ‘મંડી’નો સમાવેશ થાય છે. શબાનાને સ્મિતાનાં માતા-પિતા અને બહેનો સાથે બહુ સારો સંબંધ હતો, પરંતુ શબાનાએ સ્મિતા પ્રત્યે ઉષ્માપૂર્ણ લાગણી દર્શાવી ન હતી.

શબાનાએ એકવાર સ્વીકાર્યું હતું કે સ્મિતાનો અભિનય તેમને પરેશાન કરી મૂકતો હતો. ગાઢ સંબંધ ન હોવા છતાં બન્નેને એકમેક પ્રત્યે આદર જરૂર હતો.

સ્મિતાનું મૃત્યુ થયું ત્યારે શબાનાને જોરદાર આઘાત લાગ્યો હતો. તેમણે જાહેરમાં કબૂલ્યું હતું કે મારી પાસેથી શ્રેષ્ઠ અભિનય કરાવવાની ક્ષમતા માત્ર સ્મિતામાં જ હતી.

મૈથિલી રાવ લખે છે, “'મંડી' ફિલ્મના સેટ પર પોતાને સ્મિતાની નજીક જવાની તક મળ્યાનું શબાનાએ સ્વીકાર્યું છે. બન્નેને શૂટિંગના સ્થળે પહોંચવા માટે એક કાર આપવામાં આવી હતી. શૂટિંગનું સ્થળ તેમની હોટેલથી બે કલાક દૂર આવેલું હતું, પરંતુ એક દિવસ પછી બન્નેએ પોતાની કાર છોડીને યુનિટના અન્ય સભ્યો સાથે શૂટિંગના સ્થળે જવાનું શરૂ કર્યું હતું.”

“યુનિટના બધા સભ્યો હસતા,ગાતા અને અંતાક્ષરી રમતા શૂટિંગના સ્થળે પહોંચતા હતા. એ વખતે શબાનાને ખબર પડી હતી કે ચૂપચાપ રહેતી સ્મિતા વાસ્તવમાં ટોમ બોય છે. સ્મિતા પુરુષો સાથે વૉલીબૉલ રમતાં હતાં, જે શબાના માટે શક્ય ન હતું.”

‘અર્થ’માં શબાના અને સ્મિતા આમને-સામને

‘અર્થ’ ફિલ્મમાં ભૂમિકા ભજવવા મહેશ ભટ્ટે સ્મિતા પાટીલ તથા શબાના આઝમી બન્નેને કરારબદ્ધ કરીને એક પ્રકારનું જબરું સાહસ કર્યુ હતું. મહેશ ભટ્ટની પ્રારંભિક ફિલ્મો આત્મકથાત્મક હતી.

‘અર્થ’માં તેમણે તેમના લગ્નવિચ્છેદની અને માનસિક રીતે અસ્થિર પરવીન બાબી સાથેના પોતાના સંબંધને દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

મૈથિલી રાવ લખે છે, “ફિલ્મમાં શબાનાનો રોલ બહેતર છે, જે સ્ત્રી પર અત્યાચાર થયો છે તેને જ દેશની સ્ત્રીઓની હમદર્દી મળશે અને સ્મિતાના પાત્રને બહુ ઓછા લોકોની સહાનુભૂતિ મળશે એ જાણતાં હોવાં છતાં, તમે પોતાની અભિનય ક્ષમતા પ્રત્યે આત્મવિશ્વાસ ધરાવતા હો તો જ બીજી સ્ત્રી અને પરિવાર ભાંગતી સ્ત્રીની ભૂમિકા ભજવી શકો.”

મહેશ ભટ્ટ દેશની આ ઉત્તમ અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાથી વાકેફ હતાં અને બન્નેને એકમેકથી ચડિયાતો અભિનય કરવા પ્રોત્સાહિત કરતા હતા. શબાનાને 'અર્થ'માં ભજવેલી ભૂમિકા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, પરંતુ મહેશ ભટ્ટે કબૂલ્યું હતું કે “આ ફિલ્મમાંથી સ્મિતાને હટાવી દો તો ફિલ્મમાં કશું બચતું જ નથી. આ ફિલ્મમાં બન્નેએ ભજવેલી ભૂમિકા માટે મને ગર્વ છે.”

રાજ બબ્બર સાથે થયો પ્રેમ

સ્મિતા પાટીલને તેમના સહ-અભિનેતા રાજ બબ્બર સાથે પ્રેમ થઈ ગયો હતો. રાજ બબ્બર પરણેલા હતા અને બે સંતાનના પિતા હતા. સ્મિતા પર રાજ અને નાદિરા બબ્બરનો સંબંધ તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અંગ્રેજી સામયિક ‘ફેમિના’નાં તંત્રી વિમલા પાટીલે એક ખુલ્લો પત્ર લખીને સ્મિતા પાટીલને રાજ બબ્બર સાથેનો તેનો સંબંધ તોડી નાખવા જણાવ્યું હતું. વિદ્યાતાઈ પાટીલ દીકરી સ્મિતાને બહુ જ ચાહતા હોવા છતાં તેઓ પણ સ્મિતાના રાજ બબ્બર સાથેના સંબંધની વિરુદ્ધમાં હતાં, પરંતુ સ્મિતાએ તેમની કોઈ વાત સાંભળી ન હતી.

બન્નેએ કોલકાતાના એક મંદિરમાં લગ્ન કર્યાં હતાં અને પુત્ર પ્રતિકનો જન્મ ન થયો ત્યાં સુધી લગ્ન ગુપ્ત રાખ્યાં હતાં. તેમના દોસ્તોએ સવાલ કર્યો હતો કે બુદ્ધિજીવી સ્મિતા પાટીલે પરણેલા રાજ બબ્બર સાથે લગ્ન કરવા શા માટે વિચાર્યું?

કુમકુમ ચઢ્ઢા લખે છે, “મેં પણ આ સવાલ ખચકાટ સાથે સ્મિતાને પૂછ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ બબ્બરની સંવેદનશીલતાને લીધે જ તેઓ તેમના પ્રત્યે આકર્ષાયાં હતાં. સંવેદનશીલતા એક એવો ગુણ છે, જે ફિલ્મી લોકોમાં જરાય જોવા મળતો નથી.”

અકાળે મૃત્યુ

પ્રતિકનો જન્મ 1986ની 28 નવેબરે થયો હતો. એ પછી સ્મિતા ઘરે આવ્યાં હતાં. તેમને સતત તાવ આવતો હતો. તેમની તબિયત ઉત્તરોતર બગડવા લાગી હતી. તેઓ ફરી હોસ્પિટલે જવા તૈયાર ન હતાં. એ સમયે રાજ બબ્બર ‘હોપ-86’ નામના એક સખાવતી કાર્યક્રમમાં વ્યસ્ત હતા. આખરે રાજ બબ્બર અને એક અન્ય વ્યક્તિએ સ્મિતાને બળજબરીથી સીડી ઉતારીને જસલોક હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.

સ્મિતાનાં બહેન માને છે કે પુત્રના જન્મ પછી સ્મિતાની તબિયત ઉત્તરોતર બગડતી રહી હતી. તેમને વાયરલ ઇન્ફેક્શન થઈ ગયુ હતું. કેટલાક કહે છે કે તેમને મૅનિંજાઈટિસ થઈ ગયો હતો. તેમનાં એક પછી એક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને 1986ની 13 ડિસેમ્બરે સ્મિતા પાટીલ મૃત્યુ પામ્યાં હતાં. એ વખતે તેમની વય માત્ર 31 વર્ષ હતી.

વાસ્તવવાદી મહિલા

સ્મિતા પાટીલ સંવેદનશીલ, ભાવુક અને દયાળુ હતાં. તેમની બહેન તેમને ‘આઝાદ પંખી’ કહેતાં હતાં. તેમને મોટરકાર ચલાવવાનો બહુ શોખ હતો. તેઓ ઘણીવાર ડ્રાઈવરને પાછળની સીટ પર બેસાડીને કાર પોતે ચલાવતાં હતાં.

અનીતા કહે છે, “સ્મિતા પૂરપાટ વેગથી કાર ચલાવતાં હતાં. એક વખત તેમને સેનાની જોંગા કાર ચલાવવાનું મન થયું ત્યારે તેમના એક દોસ્ત દિલશાદે જોંગાની વ્યવસ્થા કરી આપી હતી. એ બન્ને દિલ્હીથી મુંબઈ સુધી જોંગા ચલાવીને આવ્યાં હતાં.”

“એ મુંબઈ ન પહોંચે ત્યાં સુધી અમારી માતાને તે બાબતે કશું જ ન જણાવવાનું વચન સ્મિતાએ મારી પાસેથી લીધું હતું. સ્મિતા હેમખેમ મુંબઈ ન પહોંચી ગઈ ત્યાં સુધી હું ભયભીત હતી. તેને મોટરસાયકલ ચલાવવાનો શોખ પણ હતો."

સ્મિતા પાટીલની દરિયાદિલી

સ્મિતાનો સ્વભાવ અન્યોને સતત મદદરૂપ બનવાનો હતો.

તેનો એક કિસ્સો અનિતાએ કહ્યો. “એક વખત સ્મિતા સ્ટુડિયો જઈ રહ્યાં હતાં ત્યારે કોઈ અજાણ્યા માણસે આવીને તેમને કહ્યું કે હું બહુ મુશ્કેલીમાં છું. મને મદદ કરો.”

“સ્મિતાએ તેના પર્સમાં જેટલા પૈસા હતા એ બધા પેલા માણસને આપી દીધા હતા. એ તેને ઓળખતી પણ ન હતી. થોડી વાર પછી પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા ગઈ ત્યારે સ્મિતાના પર્સમાં એક રૂપિયો પણ ન હતો. પેટ્રોલના પૈસા તેણે ડ્રાઈવર પાસેથી ઉછીના લેવા પડ્યા હતા. રાષ્ટ્રીય પુરસ્કાર સાથે તેને જે નાણાં મળ્યાં હતાં એ પણ તેણે એક ધર્માદા સંસ્થાને દાનમાં આપી દીધા હતા.”

‘સ્મિતા પાસે છઠ્ઠી ઇન્દ્રિય હતી’

સ્મિતાના મૃત્યુ પછી અમિતાભ બચ્ચને ‘લહેરેં’ને એક મુલાકાત આપી હતી. એ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે સ્મિતા પાસે છઠ્ઠી ઇન્દ્રિય હતી. અમિતાભે કહ્યું હતું કે “હું બૅંગલોરમાં 'કુલી' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને ત્યાંની વેસ્ટ ઍન્ડ હોટેલમાં રોકાયો હતો. સેટ પર સ્મિતા સાથે મારી થોડી ઘણી ઓળખાણ થઈ હતી.”

“એક રાતે લગભગ એક વાગ્યે સ્મિતાનો ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે અમિતજી, આ સમયે તમને ડિસ્ટર્બ કરીને મને બહુ દુઃખ થાય છે. હું એ જાણવા ઇચ્છતી હતી કે તમારી તબિયત સારી છે ને. મેં કહ્યું, હા. હું બિલકુલ ઠીક છું. એ વખતે સ્મિતાએ મને જણાવ્યું હતું કે તેણે મારા વિશે બહુ ખરાબ સપનું જોયું છે. બીજા જ દિવસે મારી સાથે દુર્ઘટના થઈ હતી અને હું મરતો મરતો બચ્યો હતો. હું બે-ત્રણ મહિના આઈસીયુમાં રહ્યો હતો. સ્મિતા મારી ખબર કાઢવા ત્યાં ઘણી વખત આવી હતી.”