ભગતસિંહે જ્યારે અંગ્રેજોને કહ્યું કે ફાંસીના બદલે મને ગોળીઓથી ઠાર મારવામાં આવે

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

તેમને ફાંસી આપવાનો સમય અસામાન્ય હતો. વહેલી સવારને બદલે 23 માર્ચની સાંજે સાડા સાત વાગ્યે. સૂરજ અસ્ત થઈ ગયો હતો. લાહોર જેલના વડા મેજર પી. ડી. ચોપડા 23 વર્ષના એક યુવાન અને તેના બે સાથી જોડે ચાલતા ફાંસીના માંચડા ભણી આગળ વધતા હતા.

આ દૃશ્ય નિહાળી રહેલા જેલના નાયબ વડા મોહમ્મદ અકબર આંખમાં આવતાં આંસુને રોકવાના મુશ્કેલ પ્રયાસ કરતા હતા.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલો તે યુવાન એ સમયે ભારતની કદાચ સૌથી વિખ્યાત વ્યક્તિ બની ગયો હતો.

ભગતસિંહની સાથે તેમના બે સાથી સુખદેવ અને રાજગુરુ પણ ચાલી રહ્યા હતા. ભગતસિંહની ડાબી બાજુ સુખદેવ, જ્યારે જમણી બાજુ રાજગુરુ હતા.

એ ત્રણેયે તત્કાલીન અંગ્રેજ સરકારને વિનંતી કરી હતી કે રાજકીય કેદીના તેમના દરજ્જાને ધ્યાનમાં રાખીને તેમને સાધારણ ગુનેગારોની માફક ફાંસી આપવાને બદલે બંદૂક વડે ઠાર કરવામાં આવે, પરંતુ અંગ્રેજ સરકારે તેમની વિનંતી ફગાવી દીધી હતી.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ એક ગીત ગાઈ રહ્યા હતાઃ ‘દિલ સે ન નિકલેગી મર કર ભી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશબૂ-એ-વતન આયેગી.’ તેમના બન્ને સાથી ભગતસિંહના સૂરમાં સૂર મેળવી રહ્યા હતા.

ત્રણેયે ફાંસીના ગાળિયાને ચુંબન કર્યું

ફાંસીના ફંદાને સૌથી પહેલાં ભગતસિંહે ચુંબન કર્યું હતું. સતવિંદરસિંહ જસે તેમના પુસ્તક ‘ધ એક્ઝિક્યુશન ઑફ ભગતસિંહ’માં લખ્યું છે કે “એ ક્ષણ માટે ભગતસિંહે પોતાનું જીવન દેશ માટે ન્યોચ્છાવર કરી દીધું હતું એટલું જ નહીં, પરંતુ એ ક્ષણની રીતસર પ્રતિક્ષા કરી હતી. તેની યોજના બનાવી હતી. ફાંસીનો ગાળિયો તેમણે જ પોતાના ગળામાં પહેર્યો હતો. ભગતસિંહ પછી રાજગુરુ અને સુખદેવના ગળામાં પણ ફાંસીનો ગાળિયો પહેરાવી દેવામાં આવ્યો હતો.”

ફાંસીનો ફંદો પહેરાવવામાં આવ્યો તે પહેલાં તેમણે તેને ચુંબન કર્યું હતું. પછી તેમના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા.

કુલદીપ નૈયરે પણ તેમના પુસ્તક ‘વિધાઉટ ફીયર, ધ લાઈફ ઍન્ડ ટ્રાયલ ઑફ ભગતસિંહ’માં લખ્યું છે કે “જલ્લાદે પૂછ્યું હતું કે પહેલાં ફાંસીના માચડે કોણ ચડશે, ત્યારે સુખદેવે કહ્યું હતું કે હું સૌથી પહેલાં ફાંસીના માચડે ચડીશ. જલ્લાદે એક પછી એક એમ ત્રણ વખત ફાંસીનો ફંદો ખેંચ્યો હતો. ત્રણેયનાં શરીર લાંબા સમય સુધી ફાંસીના માચડા પર લટકતાં રહ્યાં હતાં.”

એ પછી ત્યાં હાજર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાં ઉપસ્થિત જેલના એક અધિકારી આ યુવા ક્રાંતિકારીઓના સાહસથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેમના મૃતદેહને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. તેમને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ત્રણેયના અંતિમ સંસ્કાર જેલમાં જ કરવાનો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો, પરંતુ પછી સત્તાવાળાઓએ એવું વિચાર્યું હતું કે જેલમાંથી ધૂમાડો નીકળતો જોઈને બહાર ઊભેલી ભીડ ઉશ્કેરાઈ જશે. તેથી ત્રણેયના અંતિમ સંસ્કાર સતલજ નદીના કિનારે કસૂરમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેલની પાછળની દિવાલ રાતોરાત તોડી નાખવામાં આવી હતી. ત્યાંથી એક ટ્રક અંદર લાવવામાં આવી હતી. ત્રણેયના પાર્થિવ દેહને ઘસડીને ટ્રકમાં ચડાવી દેવાયા હતા.

મન્મથનાથ ગુપ્તે તેમના પુસ્તક ‘હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન રિવોલ્યૂશનરી મૂવમેન્ટ’માં લખ્યું છે કે “સતલજના કિનારે બે પુજારી એ મૃતદેહોની રાહ જોઈ રહ્યા હતા. ત્રણેયના મૃતદેહને ચિતા પર મૂકીને આગ ચાંપી દેવામાં આવી હતી. સવાર પડતા પહેલાં બળતી ચિતાની આગ બૂઝાવીને અર્ધા બળેલા મૃતદેહોને સતલજ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. એ પછી તે જગ્યાને પોસ્ટ નંબર 201ની ઓળખ મળી હતી. પોલીસ તથા પૂજારી ત્યાંથી હટ્યા કે તરત જ ગામના લોકો પાણીમાં ધસી ગયા હતા અને તેમણે અર્ધા બળેલા મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા તેમજ વિધિવત અંતિમ સંસ્કાર કર્યા હતા.”

મહાત્મા ગાંધી સામે વિરોધ પ્રદર્શન

ભગતસિંહ અને એમના બે સાથીને 24 માર્ચે ફાંસી આપવાની હતી, પરંતુ તેમને નિર્ધારિત સમય કરતાં 11 કલાક પહેલા ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હતા. એ સમાચાર પ્રસરતાની સાથે જ ભારતીય લોકોમાં આક્રોશ અને આઘાતની લાગણી ફેલાઈ હતી.

ન્યૂયૉર્કના ‘ડેઇલી વર્કર’ અખબારે ફાંસીના આ કૃત્યને બ્રિટિશ લેબર સરકારનું સૌથી વધારે ખૂની કામ ગણાવ્યું હતું. મહાત્મા ગાંધી એ વખતે કરાચીના પ્રવાસે હતા. તેમને આ ફાંસી માટે પરોક્ષ રીતે જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.

સતવિંદરસિંહ જસે લખ્યું છે કે “મહાત્મા ગાંધીની ટ્રેન કરાચી સ્ટેશન પહોંચી કે તરત જ પ્રદર્શનકર્તાઓએ વિરોધ દર્શાવવા તેમના હાથમાં કાળું ફૂલ આપ્યું હતું. તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતના ભવિષ્ય વિશે લૉર્ડ ઇરવિન સાથે થનારી ચર્ચામાં તેમણે ભગતસિંહને ફાંસી નહીં આપવાની શરત મૂકી ન હતી.”

જવાહરલાલ નહેરુએ આ ફાંસીની આકરા શબ્દોમાં નિંદા કરી હતી.

શ્રીરામ બક્ષીએ તેમના પુસ્તક ‘રિવોલ્યૂશનરીઝ ઍન્ડ ધ બ્રિટિશ રાજ’માં લખ્યું છે કે “હું ભગતસિંહ જેવા શખસના સાહસ અને આત્મ-બલિદાનની કદર કરું છું. ભગતસિંહ જેવું સાહસ બહુ દુર્લભ છે. અમે આ સાહસનાં વખાણ ન કરીએ એવી વાઈસરોય સાહેબને આશા હોય તો એ તેમની ગેરસમજ છે. ભગતસિંહ અંગ્રેજ હોત અને તેમણે ઇંગ્લૅન્ડ માટે આવું પગલું ભર્યું હોત તો પોતે શું કર્યું હોત તે વાઈસરોયે તેમના દિલને પૂછવું જોઈએ.”

અખબારમાં નોકરી કરી

વીસમી સદીના પહેલા દાયકામાં અંગ્રેજો સામે બળવાની આગ સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ હતી. ભગતસિંહના કાકા અજીતસિંહ અને પિતા કિશનસિંહ બન્ને ગદર પાર્ટીના સભ્ય હતા.

ભગતસિંહનો જન્મ 1907ની 28 સપ્ટેમ્બરે થયો હતો. એ જ દિવસે તેમના પિતા અને કાકા અંગ્રેજોની જેલમાંથી મુક્તિ પામ્યા હતા.

પહેલાં ભગતસિંહનું નામ ભગનલાલ રાખવામાં આવ્યું હતું. તેમણે 1923માં લાહોરની નેશનલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ ભણવામાં હોશિયાર હતા. ઉર્દૂ, હિંદી, ગુરુમુખી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં તેમણે પ્રાવીણ્ય મેળવ્યું હતું.

1924માં તેમના પર પરિવારજનો લગ્નનું દબાણ કરવા લાગ્યા હતા. લગ્ન નહીં કરવા બાબત માતા-પિતાને રાજી કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ભગતસિંહ લાહોર ખાતેનું તેમનું ઘર છોડીને કાનપુર આવી ગયા હતા.

કાનપુરમાં તેમણે વિખ્યાત સ્વતંત્રતા સેનાની ગણેશ શંકર વિદ્યાર્થીના સાપ્તાહિક અખબાર ‘પ્રતાપ’માં કામ કર્યું હતું. એ અખબારમાં તેઓ બળવંત નામે લેખો લખતા હતા. કાનપુરમાં તેમની મુલાકાત બટુકેશ્વર દત્ત, શિવ વર્મા અને બી. કે. સિન્હા જેવા અન્ય સ્વતંત્રતાસેનાનીઓ સાથે થઈ હતી.

ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ વચ્ચે ગાઢ સંબંધ

અજય ઘોષે તેમના પુસ્તક ‘ભગત સિંહ ઍન્ડ હિઝ કૉમરેડ્ઝ’માં લખ્યું છે કે “બટુકેશ્વર દત્તે મારી મુલાકાત ભગતસિંહ સાથે કરાવી હતી. એ સમયે તેઓ લાંબા અને બહુ પાતળા હતા. તેઓ જૂનાં વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કંઈ બોલતા ન હતા. તેઓ એક અભણ છોકરા જેવા દેખાતા હતા. તેમનામાં જરાય આત્મવિશ્વાસ ન હતો. પહેલી નજરે તેઓ મને જરાય ગમ્યા ન હતા. તેઓ ચાલ્યા ગયા પછી મેં આ વાત બટુકેશ્વર દત્તને પણ જણાવી હતી.”

તેઓ આગળ લખે છે કે “ભગતસિંહના વ્યક્તિત્વમાં બે વર્ષમાં જોરદાર પરિવર્તન આવ્યું હતું. તેઓ બહુ સારા વક્તા બની ગયા હતા. તેઓ એટલી તાકાત, ઝનૂન અને ઇમાનદારી સાથે બોલતા હતા કે લોકો તેમના ચાહક બની જતા હતા. 1924માં તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન ઍસોસિએશનના સભ્ય બન્યા હતા. તે સંગઠનના કર્તાહર્તા ચંદ્રશેખર આઝાદ હતા અને ભગતસિંહને તેમની સાથે ગાઢ સંબંધ બંધાયો હતો.”

લાલા લજપત રાયની મોતનો બદલો

ભગતસિંહની 1927ના કાકોરીકાંડ સંબંધે સૌપ્રથમ વખત ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવમાં તેમણે એ ઘટનાના ટેકામાં ‘વિદ્રોહી’ નામે એક લેખ લખ્યો હતો.

લાહોરમાં દશેરાના મેળામાં બૉમ્બ વિસ્ફોટનો આરોપ પણ તેમના પર મૂકવામાં આવ્યો હતો. એ પછી સારા વર્તનને કારણે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એ વર્ષે સાઇમન કમિશન ભારત આવ્યું ત્યારે લાલા લજપત રાયે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

વિરોધપ્રદર્શન દરમિયાન પોલીસ વડા જે. એ. સ્કૉટે ભીડ પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે દૂરથી લાલા લજપત રાયને જોઈ લીધા હતા. તેમણે લાલાજીને લાકડીના ફટકા મારવાનું શરૂ કર્યું હતું અને લાલાજી લોહીલુહાણ થઈને જમીન પર પડી ન ગયા ત્યાં સુધી તેમને લાકડીના ફટકા મારવામાં આવતા રહ્યા હતા. બેભાન થતા પહેલાં તેમણે જોશભેર કહ્યું હતું કે “અમારા પર કરવામાં આવેલો લાઠીચાર્જ બ્રિટિશ સામ્રાજ્યના તાબૂતમાં ઠોકવામાં આવેલા ખીલ્લા સાબિત થશે.”

જવાહરલાલ નહેરુએ લાઠીચાર્જના કૃત્યને ‘રાષ્ટ્રીય શરમ’ ગણાવીને ટીકા કરી હતી. 17 નવેમ્બરે લાલા લજપત રાયનું નિધન થયું હતું. 1928ની 10 ડિસેમ્બરે લાહોરમાં ભગવતીચરણ વોહરાનાં પત્ની દુર્ગાદેવીના અધ્યક્ષપદે દેશભરના ક્રાંતિકારીઓની એક બેઠક યોજાઈ હતી.

લાલાજીના મોતનો બદલો લેવાનો નિર્ણય એ બેઠકમાં કરવામાં આવ્યો હતો. ભગતસિંહ અને તેમના સાથીઓ દુનિયાને જણાવવા ઇચ્છતા હતા કે ભારત લાલાજીના મોતને ચુપચાપ સહન કરશે નહીં.

સેન્ડર્સને ગોળી મારી

પોલીસ વડા સ્કૉટને ગોળી મારવાના અભિયાનમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ અને જયગોપાલ સામેલ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. સ્કૉટ પર ગોળીબાર કરવાનો હતો એ સ્થળની મુલાકાત આ ક્રાંતિકારીઓએ બે દિવસ પહેલાં એટલે કે 15 ડિસેમ્બરે લીધી હતી.

ભગતસિંહે લાલ બૉર્ડરવાળું એક પોસ્ટર તૈયાર કર્યું હતું, જેના પર લખ્યુ હતું ‘સ્કૉટ કિલ્ડ.’ બાદમાં એ પોસ્ટરનો ઉપયોગ લાહોર કૉન્સપિરસી કેસમાં તેમની વિરુદ્ધના પુરાવા તરીકે કરવામાં આવ્યો હતો.

સ્કૉટ પોલીસથાણે પહોંચે ત્યારે એ વાત ત્રણેય ક્રાંતિકારીને જણાવવાની યુવા સાથી જયગોપાલને સોંપવામાં આવી હતી. સ્કૉટની કારનો નંબર 6728 હતો. એ નંબર યાદ રાખવાનું જયગોપાલને કહેવામાં આવ્યું હતું.

આશ્ચર્યજનક વાત એ હતી કે જયગોપાલે સ્કૉટને અગાઉ ક્યારેય જોયા ન હતા. એ દિવસે સ્કૉટ પોલીસ સ્ટેશન આવ્યા ન હતા. તેમણે એક દિવસની રજા લીધી હતી, કારણ કે એ દિવસે તેમનાં સાસુ ઇંગ્લૅન્ડથી લાહોર આવવાનાં હતાં.

નાયબ પોલીસ વડા જે. પી. સેન્ડર્સ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા ત્યારે જયગોપાલ એવું સમજ્યા હતા કે તે સ્કૉટ છે. તેમણે એ ખબર ભગતસિંહ તથા રાજગુરુને આપી હતી. બપોર પછી સેન્ડર્સ પોલીસ સ્ટેશનની બહાર આવીને પોતાની મોટરસાઇકલ ચાલુ કરતા હતા ત્યારે રાજગુરુએ તેમના પર જર્મન માઉઝર પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો હતો.

“નહીં, નહીં. આ સ્કૉટ નથી,” એવી બૂમો ભગતસિંહ પાડતા રહ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. સેન્ડર્સ જમીન પર ઢળી પડ્યા ત્યારે ભગતસિંહે પણ તેમના શરીરમાં વધુ કેટલીક ગોળી મારી હતી.

ચાનનસિંહ પર પણ ગોળીબાર કર્યો

યોજના અનુસાર, ભગત સિંહ અને રાજગુરુ ડી.એ.વી. કૉલેજ તરફ ભાગ્યા હતા. ત્યાં તેમને કવર આપવા માટે ચંદ્રશેખર આઝાદ પોઝીશન લઈને ઊભા હતા.

સ્વતંત્રતાસેનાની શિવ વર્માએ તેમના પુસ્તક ‘રેમિનિસન્સ ઑફ ફેલો રિવોલ્યૂશનરીઝ’માં લખ્યું છે કે “સેન્ડર્સને ઠાર કર્યા બાદ ભગતસિંહ અને રાજગુરુ નાસી રહ્યા હતા ત્યારે ચાનન સિંહ નામના હેડ કૉન્સ્ટેબલે તેમનો પીછો કર્યો હતો. આઝાદે બરાડીને તેમને પીછો કરવાની ના પાડી તેમ છતાં તેઓ રોકાયા નહીં ત્યારે રાજગુરુએ ચાનન સિંહ પર પણ ગોળીબાર કર્યો હતો. હૉસ્ટેલની બારીઓમાંથી ઘણા લોકો આ દૃશ્ય જોઈ રહ્યા હતા. એ પૈકીના એક બાદમાં મહાન કવિ બનેલા ફૈઝ અહમદ ફૈઝ પણ હતા.”

બીજા દિવસે શહેરની દિવાલો પર લાલ શાહી વડે બનાવવામાં આવેલાં પોસ્ટર્સ ચીપકાવવામાં આવ્યાં હતાં. તે પોસ્ટર પર લખ્યું હતુઃ સેન્ડર્સ ઇઝ ડેડ. લાલા લજપત રાય ઇઝ ઍવેન્જ્ડ. સેન્ડર્સની હત્યા પછી લાહોરમાંથી બહાર નીકળવું અશક્ય હતું. શહેરના ખૂણેખૂણે પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.

દુર્ગાભાભી સાથે લાહોરમાંથી સફળતાપૂર્વક નીકળી ગયા

સેન્ડર્સની હત્યા પહેલાં ભગતસિંહે તેમના માથાના વાળ કપાવી નાખ્યા હતા. પોલીસને તેમના નવા લૂકની ખબર ન હતી. તેઓ વાળ-દાઢી રાખતા એક શીખ યુવકને શોધી રહ્યા હતા. ભગતસિંહ અંગ્રેજો જેવાં કપડાં પહેરીને ટ્રેનમાં બેસી જશે તેવું નક્કી થયું હતું. દુર્ગાભાભી તેમની સાથે તેમનાં પત્ની તરીકે પ્રવાસ કરશે.

મલવિંદરજિતસિંહ બડાઈચે તેમના પુસ્તક ‘ભગત સિંહ – ધ એટર્નલ રિબેલ’માં લખ્યું છે કે “ભગતસિંહે ઓવરકોટ અને હેટ પહેર્યાં હતાં. તેમણે તેમના કોટનો કોલર ઊંચો કરી રાખ્યો હતો. તેમણે દુર્ગાભાભીનાં દીકરી શચિને એવી રીતે તેડી રાકી હતી કે તેમનો ચહેરો કોઈ જોઈ ન શકે. ભગતસિંહ અને દુર્ગાભાભી ફર્સ્ટ ક્લાસ કૂપેમાં હતાં, જ્યારે રાજગુરુ તેમના નોકરના વેશમાં થર્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરતા હતા. બન્ને પાસે લૉડેડ રિવોલ્વર્સ પણ હતી.”

લખનૌ સ્ટેશને ઊતર્યા બાદ તેમણે થોડા કલાક સ્ટેશનને વેઇટિંગ રૂમમાં પસાર કર્યા હતા. ત્યાંથી રાજગુરુ બીજી તરફ રવાના થઈ ગયા હતા અને ભગતસિંહ તથા દુર્ગાભાભી કલકતા જવા રવાના થયાં હતાં. દુર્ગાભાભીના પતિ ભગવતીચરણ વોહરા ત્યાં પહેલેથી જ હાજર હતા.

કલકતામાં થોડા દિવસ રહ્યા પછી ભગતસિંહ આગરા આવ્યા હતા. ત્યાં તેમણે 'હીંગ કી મંડી' નામના વિસ્તારમાં ભાડેથી બે ઘર લીધાં હતાં. ભગતસિંહ અને તેમના સાથીઓની એક બેઠક આગરામાં જ યોજાઈ હતી. તેમાં સેન્ડર્સને ઠાર મારવાના પરિણામ બાબતે મોટી ચર્ચા થઈ હતી. બધા માનતા હતા કે સેન્ડર્સની હત્યાની ધારી અસર થઈ નથી. તેમણે એવું ધાર્યું હતું કે સેન્ડર્સની હત્યાને લીધે ડરીને અનેક અંગ્રેજો ભારત છોડી દેશે.

એ દિવસોમાં ઍસેમ્બ્લીમાં બે ખરડા બાબતે વિચારણા થવાની હતી. એક ખરડો હતો, પબ્લિક સેફટી બિલ. તેમાં સરકારને અદાલતી કાર્યવાહી વિના કોઈની પણ ધરપકડનો અધિકાર સરકારને આપવામાં આવ્યો હતો. બીજો ખરડો ટ્રેડ ડિસ્પ્યુટ બિલ હતો. તેમાં મજૂર સંગઠનોને હડતાલ પાડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

જે દિવસે આ ખરડા રજૂ થવાના હતા એ દિવસે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ખાખી શર્ટ અને ચડ્ડી પહેરીને સેન્ટ્રલ ઍસેમ્બ્લીની વિઝિટર્સ ગેલેરીમાં પહોંચી ગયા હતા. એ સમયે વિઠ્ઠલભાઈ પટેલ, મોહમ્મદઅલી ઝીમા અને મોતીલાલ નહેરુ જેવા અનેક મોટા નેતા ઍસેમ્બ્લીમાં ઉપસ્થિત હતા.

ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસ

કુલદીપ નૈયરે લખ્યું છે કે “ભગતસિંહે ઍસેમ્બ્લીનો એકેય સભ્ય ન હતો એવા સ્થળે સાવધાનીપૂર્વક બૉમ્બ ફેંક્યો હતો. બૉમ્બનો વિસ્ફોટ થવાની સાથે જ આખા હોલમાં અંધારું છવાઈ ગયું હતું. બટુકેશ્વર દત્તે બીજો બૉમ્બ ફેંક્યો ત્યારે વિઝિટર્સ ગૅલેરીમાં કાગળનાં ચોપાનિયાં ઊડવા લાગ્યાં હતાં. ઍસેમ્બ્લીના સભ્યોને ઇન્કિલાબ ઝિંદાબાદ અને લોંગ લિવ પ્રોલિટેરિયટ એવા નારા સંભળાવા લાગ્યા હતા.”

એ પેમ્ફ્લેટ્સ પર લખ્યું હતું કે “બહેરા કાનને ઊંચો અવાજ જ સંભળાય છે.” ભગતસિંહ કે બટુકેશ્વર દત્ત એ બેમાંથી કોઈએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો. અગાઉથી નક્કી થયું હતું તેમ બન્નેએ ધરપકડ વહોરી લીધી હતી.

જે પિસ્તોલ વડે સેન્ડર્સની હત્યા કરી હતી તે પિસ્તોલ ભગતસિંહે સરેન્ડર કરી દીધી હતી. તેઓ જાણતા હતા કે એ પિસ્તોલ સેન્ડર્સની હત્યામાં તેમની સામેલગીરીનો સૌથી મોટો પુરાવો બનશે.

બન્નેને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ભગતસિંહને મુખ્ય પોલીસ સ્ટેશને, જ્યારે બટુકેશ્વર દત્તને ચાંદનીચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. તેમ કરવાનો હેતુ, બન્નેને અલગ-અલગ પૂછપરછ કરીને સત્ય જાણવાનો હતો.

ભગતસિંહ તથા બટુકેશ્વર દત્તને એ કૃત્ય માટે આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી, પરંતુ સેન્ડર્સની હત્યા બદલ ભગત સિંહ, રાજગુરુ તથા સુખદેવને ફાંસીની સજા કરવામાં આવી હતી.

લાહોરમાં શોકસરઘસ

ભગતસિંહને ફાંસી આપવાના થોડા દિવસ પહેલાં પંડિત મદનમોહન માલવીયએ વાઈસરોય લૉર્ડ ઇરવિનને ટેલિગ્રામ મોકલીને ભગતસિંહની ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરવાની માગણી કરી હતી, પરંતુ તેમની વિનંતી ફગાવી દેવામાં આવી હતી.

ફાંસીના આગલા દિવસે લાહોરમાં હડતાળ પાળવામાં આવી હતી. તેમની સ્મૃતિમાં નીલા ગુંબદથી એક શોકસરઘસ કાઢવામાં આવ્યું હતું. તે સ્થળ સેન્ડર્સને ગોળી મારવામાં આવી હતી તે સ્થળની નજીક જ હતું.

હજારો હિંદુ, મુસ્લિમ અને શીખ લોકો ત્રણ માઈલ લાંબા સરઘસમાં સામેલ થયા હતા. પુરુષોએ તેમના બાવડા પર કાળી પટ્ટી બાંધી હતી, જ્યારે મહિલાઓએ કાળી સાડી પહેરી હતી. મૉલ પાસેથી પસાર થઈને આખું સરઘસ અનારકલી બજારની વચ્ચોવચ્ચ થંભી ગયું હતું.

એ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે ભગતસિંહનો પરિવાર ત્રણેય શહીદનાં અસ્થિ લઈને ફિરોઝપુરથી લાહોર પહોંચી ગયો છે.

ભગતસિંહનાં અસ્થિ લાહોર લાવવામાં આવ્યાં

ફૂલોથી ભરેલી ત્રણ શબપેટીઓ ત્રણ કલાક બાદ એ સરઘસનો હિસ્સો બની ગઈ હતી, ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખમાં આંસુ હતાં. એ વખતે એક ઉર્દૂ અખબારના તંત્રી મોલાના ઝફરઅલી ખાંએ એક નઝમ વાંચી હતી.

જે જેલમાં ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી એ જેલના વોર્ડન ચરતસિંહ ધીમા ડગલે તેમના ઓરડા તરફ આગળ વધ્યા હતા અને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા હતા. તેમણે તેમની 30 વર્ષની કારકિર્દીમાં અનેક લોકોને ફાંસીના માચડે ચડતા જોયા હતા, પરંતુ ભગતસિંહ અને તેમના બે સાથીઓએ જે બહાદૂરી સાથે મોતને આશ્લેષમાં લીધું હતું તેવું કોઈએ કર્યું ન હતું.

ભગતસિંહના મૃત્યુના 16 વર્ષ, 4 મહિના તથા 23 દિવસ બાદ ભારત આઝાદ થયું હતું અને અંગ્રેજોએ અહીંથી કાયમ માટે ચાલ્યા જવું પડ્યું હતું.