અરવિંદ ત્રિવેદી ફક્ત 'લંકેશ' નહીં 'એક શેક્સપિયરન ઍક્ટર'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"લંકેશ તરીકે આજે પણ અરવિંદભાઈ સિવાય કોઈની કલ્પના કરવી અઘરી છે. જોકે, દુર્ભાગ્ય એ પણ છે કે આપણે તેમને લંકેશ તરીકે જ વધુ મૂલવ્યા છે. આપણે ત્યાં એવો ચીલો છે કે એક ભૂમિકા લોકપ્રિય થાય પછી જીવનભર કલાકારને એ રોલથી જ ઓળખવામાં આવે છે. બાકી ફિલ્મોમાં અને નાટકોમાં અરવિંદભાઈએ જે વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવીને એમાં પ્રાણ પૂર્યા છે કે એ ભૂલી શકાય એમ નથી. મૂલ્યાંકન એના થકી પણ થવું જોઈએ." આ શબ્દો છે જાણીતા અભિનેતા હિતેન કુમારના.

ચારેક દાયકા સુધી ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં અભિનય કરનાર અને રામાનંદ સાગરની ઐતિહાસિક સિરીયલ રાવણના પાત્ર થકી દુનિયામાં છવાઈ જનાર 83 વર્ષીય કલાકાર અરવિંદ ત્રિવેદીનું મંગળવારે રાત્રે 11 વાગે નિધન થયું છે.

ગુજરાતી સિનેમાની આખી એક પેઢી તરીકે અરવિંદ રાઠોડ, મહેશ અને નરેશ કનોડિયા અને અરવિંદ ત્રિવેદીના જ ભાઈ અને ઉમદા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીનો એક જમાનો હતો.

હિતેનકુમાર કહે છે કે, "એ પેઢીનાં જે છેલ્લાં કેટલાંક કલાકાર બચ્યા હતા એમાંના એક અરવિંદ ત્રિવેદી હતા. આખી જિંદગી તેમણે ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પગભર રાખી."

"આ એ પેઢી હતી જેણે સળંગ ચાલીસ ચાલીસ વર્ષ સુધી ગુજરાતી સિનેમાને ધબકતું રાખ્યું. સાતત્યપૂર્વક પોતાની ભાષાનાં સિનેમાને આટલાં વર્ષો સુધી વળગી રહેવું એ ભેખ લેવા જેવી વાત છે. અરવિંદભાઈ આવા ભેખધારી હતા."

આ વાતમાં સૂર પુરાવતાં લેખક-દિગ્દર્શક સંજય છેલ કહે છે કે "પારિજાત વગેરે ગુજરાતી નાટકોમાં જે લોકોએ તેમને અભિનય કરતાં જોયા છે એ ભૂલી શકે તેમ નથી. મેં આ નાટકો નાનપણમાં જોયા હતા."

"અરવિંદભાઈની નાટકમાં એન્ટ્રી, ચાલ એટલી બળકટ હતી કે તે તમને મહાન નાટ્યકાર શેક્સપિયરના નાટકોને પચાવી ગયેલા ઇંગ્લીશ ઍક્ટર જેવા લાગે. એ કમ્પલીટ શેક્સપિયરન ઍક્ટર હતા. નવાઈની વાત છે કે અભિનયનું આવું વૈવિધ્ય ધરાવનાર કલાકારને આપણે ગુજરાતી લોકકથાની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મોમાં જ વધુ નિહાળ્યા."

લંકેશ હવે સ્વર્ગમાં ધૂમ મચાવશે

અરવિંદ ત્રિવેદીએ ફિલ્મોમાં નાયક, ખલનાયક, પિતા, દાદા વગેરે વિવિધ પ્રકારનાં રોલ કર્યા હતા.

અભિનેતા કિરણકુમાર બીબીસીને કહે છે કે, "મેં તેમની સાથે હરસિદ્ધિ માતા સહિતની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા તરીકે તેમની દૃશ્યમાં હાજરી પણ ખૂબ પ્રબળ રહેતી, તેઓ કોઈ ડાયલોગ બોલ્યા વગર માત્ર ઊભા હોય તો પણ દર્શક તેની નોંધ લીધા વગર ન રહી શકે. તેમના અવાજમાં અભિનય હતો."

"તેઓ પૉઝિટીવ, નૅગેટીવ કે દરેક પ્રકારની ભૂમિકા ભજવતા અને પાત્રમાં રંગ ભરી દેતા હતા. અભિનેતા તરીકે તેમણે વિવિધ ભૂમિકાઓને ખૂબ માણી છે. તેમનું અવસાન થયું છે પણ ઍક્ટર તરીકે તેમને હું એક સક્સેસ સ્ટોરી તરીકે યાદ રાખીશ. લંકેશ હવે સ્વર્ગમાં ધૂમ મચાવશે."

'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'નો વડલો - હિતેનકુમાર

ગુજરાતી સિનેમા અને નાટકોના અભિનેતા હિતેનકુમારને આજે પણ લોકો સૌથી વધુ ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયાથી ઓળખે છે. હિતેનકુમાર કહે છે કે, "દેશ રે...ની સફળતાનો ફાયદો મને વધુ થયો પણ એ સફળતાનું સૌથી મોટું કારણ દાદાની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદી હતા.

ઉલ્લેખનીય છે કે દેશ રે જોયા દાદા પરદેશ જોયા ગુજરાતી ભાષાની છેલ્લી બમ્પર હિટ ફિલ્મ હતી અને એણે અનેક અઠવાડિયાઓ સુધી સિનેમા સ્કીન પર રાજ કર્યું હતું. 1998માં આવેલી એ ફિલ્મનું બોક્સ ઑફિસ કલેકશન મીડિયા અહેવાલો અનુસાર વીસેક કરોડ રૂપિયાનું હતું.

હિતેનકુમાર કહે છે "એ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદી વડલાની જેમ ઊભા છે અને એ વડલાની નીચે ક્યાંક ક્યાંક નાની નાની જગ્યા લઈને મારા સહિતનાં અન્ય કલાકારો છે. તેમની અને મારી વચ્ચે ખૂબ પ્રેમાળ સંબંધ રહ્યો છે, પણ તેઓ એટલા ઊંચા ગજાના કલાકાર હતા કે તેમની સાથે હું એક આદરપૂર્વકનું અંતર રાખતો હતો. તેમનું માર્ગદર્શન પણ મળતું રહેતું હતું. તેઓ સીધા ન કહી શકે એમ હોય ત્યારે કોઈના દ્વારા કહેવડાવે પણ ખરાં કે દીકરા હિતેનને કહો કે આટલું કરે અને આટલું ન કરે."

"ભૂમિકા રાવણની પણ વ્યક્તિત્વ રામ જેવું"

નાટકો અને ફિલ્મો ઉપરાંત અરવિંદ ત્રિવેદીએ રેડિયો પર કામ કર્યું હતું. તેમની સાથે કામ કરનારા તેમને ઉમદા કલાકાર ઉપરાંત એટલાં જ ઉમદા માનવી તરીકે યાદ કરે છે.

કિરણકુમાર કહે છે કે, "તેમણે રામાયણ સિરીયલમાં ભલે લંકેશની ભૂમિકા નિભાવી હોય, પણ તેમનું વ્યક્તિત્વ એનાથી વિપરીત એટલે કે સરળ હતું. હું અરવિંદભાઈ કરતાં ઊંમરમાં નાનો હોવા છતાં મને કિરણભાઈ કહીને જ બોલાવતા હતા. જ્યારે પણ તેમની સાથે શૂટિંગ હોય ત્યારે થાળી સજાવીને સાથે ભોજન લેવાની મોજ પડતી હતી."

"મેં જંગલ મેં મંગલ નામની હિન્દી ફિલ્મમાં ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ બંને સાથે કામ કર્યું હતું. અમે કેરળમાં આઉટડોર શૂટિંગ સાથે કર્યું હતું. હું ફિલ્મમાં હીરો હતો, તેઓ ખલનાયક હતા. ખૂબ જ પ્રેમાણ માણસ. હું ઘણા વખતથી તેમને મળી શક્યો હતો. તેઓ ખૂબ આધ્યાત્મિક માણસ હતા. સેટ પર શૂટિંગમાંથી પરવારીએ પછી જીવન અને અધ્યાત્મ વિશે તેઓ જે વાતો કરતા તે ઊંડાણભરી રહેતી."

હિતેનકુમાર કહે છે કે, "મેં કોઈ અભિનયની સંસ્થામાં કે નેશનલ સ્કુલ ઑફ ડ્રામામાં અભિનયની તાલીમ નથી મેળવી. હું તો અરવિંદ ત્રિવેદી અને તેમની પેઢી પાસેથી જ શીખ્યો છું."

અભિનેતા પોતાની ભૂમિકા ભજવતી વખતે બહુ બોલકો ન દેખાય એ ગુણ અગત્યનો અને અઘરો હોય છે. અરવિંદ ત્રિવેદીમાં એ આવડત હતી.

સંજય છેલ કહે છે કે, અદભુત સ્ટાઇલ ઉપરાંત સંયમ(કન્ટ્રોલ) સાથે તેમણે ભૂમિકાઓ ભજવી હતી. પરેશ રાવલ સાથે તેમણે મહારથી નાટકમાં ભૂમિકા ભજવી હતી અને ટક્કર આપી હતી.

અરવિંદ ત્રિવેદી મુબઈમાં કાંદીવલી ઉપનગરમાં રહેતા હતા. અભિનય ઉપરાંત તેઓ ટૂંકા ગાળા માટે રાજકારણમાં પણ હતા. સાંસદ તરીકે ચૂંટાઈને તેઓ લોકસભામાં પણ ગયા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો