સ્વામી વિવેકાનંદ: 'હું મારા જીવનની 40મી વસંત જોઈ નહીં શકું'

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્વામી વિવેકાનંદનું જીવન બદલી નાખવામાં રસગુલ્લાએ મોટી ભૂમિકા ભજવી હતી એવો વિચાર કોઈને આવી શકે? સ્વામી વિવેકાનંદને બાળપણથી જ ખાવાનો અને ખવડાવવાનો શોખ હતો.

સ્વામી વિવેકાનંદની એક જીવનકથાનું ટાઈટલ છે ‘સ્વામી વિવેકાનંદઃ ધ ફીસ્ટિંગ, ફાસ્ટિંગ મન્ક’ એટલે કે ભોજન અને ઉપવાસપ્રેમી સંત સ્વામી વિવેકાનંદ. આ ટાઇટલ અમસ્તું જ રાખવામાં આવ્યું નથી.

સ્વામીજીને ભોજનમાં કેટલો રસ હતો તેનો અંદાજ એ વાત પરથી આવી શકે કે વેદ અને વેદાંત વિશેનું કોઈ પુસ્તક ખરીદતા પહેલાં તેમણે ફ્રેન્ચ કૂકિંગ ઍન્સાઇક્લોપીડિયા હપ્તેથી ખરીદ્યો હતો.

દુનિયાના તમામ ફળોમાં તેમને જામફળ સૌથી વધારે પસંદ હતું. એ સિવાય તેમને સાકર તથા બરફ ભેળવેલું મુલાયમ નાળિયેર ખાવાનો શોખ પણ હતો. ગાંધીજીની જેમ તેઓ પણ બકરીનું દૂધ પીતા હતા.

આઈસક્રીમ સ્વામીજીની નબળાઈ હતો. તેઓ તેને કાયમ કુલ્ફી કહેતા હતા. અમેરિકાના શૂન્યથી નીચે ઉષ્ણતામાનમાં પણ સ્વામીજી ચૉકલેટ આઈસક્રીમ ખાવાની એકેય તક ચૂકતા ન હતા.

તેમના પિતરાઈ ભાઈ રામચંદ્ર દત્તાએ એક દિવસ તેમને કહ્યું હતું કે આપ મારી સાથે દક્ષિણેશ્વર મંદિર આવો. ત્યાંના સંત રામકૃષ્ણ પરમહંસ મંદિરે આવતી દરેક વ્યક્તિને રસગુલ્લા ખવડાવે છે.

વિવેકાનંદે તેમના ભાઈને કહ્યું હતું કે ત્યાં રસગુલ્લા નહીં મળે તો હું રામકૃષ્ણનો કાન ખેંચીશ. સ્વામીજીએ ત્યાં નિરાશ થવું પડ્યું ન હતું એ જગજાહેર છે અને તેઓ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બની ગયા હતા.

સ્વામી વિવેકાનંદ વિશેની કેટલીક દિલચસ્પ વાતો

  • વેદ અને વેદાંતનું કોઈ પુસ્તક ખરીદતા પહેલાં તેમણે ફ્રેન્ચ કૂકિંગનો ઍન્સાઈક્લોપીડિયા હપ્તેથી ખરીદ્યો હતો.
  • તેઓ બકરીનું દૂધ પીતા હતા. જામફળ તેમનું પ્રિય ફળ હતું અને આઈસક્રીમ તેમની નબળાઈ હતો.
  • તેમણે મહાન ઉસ્તાદો પાસે સંગીતના પદ્ધતિસરની તાલીમ લીધી હતી અને અનેક વાદ્યો પણ વગાડી શકતા હતા.
  • તેમણે થોડા દિવસો સુધી મેટ્રોપોલિટન ઇન્સ્ટીટ્યુશનમાં અધ્યાપન કાર્ય પણ કર્યું હતું.
  • ક્યારેક પોતાની મજાક કરતાં તેઓ ખુદને “જાડા સ્વામી” કહેતા હતા.
  • તેમને એકધારી ઊંઘ આવતી ન હતી. બહુ પ્રયાસ કરવા છતાં તેઓ 15થી મિનિટથી વધુ એકધારું ઊંધી શકતા ન હતા.
  • એક વખત તેઓ જે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા તે ટ્રેન એક નાના સ્ટેશન પર રોકાઈ ન હતી ત્યારે લોકો રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા અને ટ્રેન રોકાવી હતી.
  • તેમને પશુ પાળવાનો શોખ હતો. તેમના બાઘા નામના કૂતરાને મઠની અંદર, ગંગા નદીના કિનારે જ દફનાવવામાં આવ્યો હતો.
  • એક વખત વૈદ્યરાજે તેમને પાણી પીવાની અને નમક ખાવાની મનાઈ ફરમાવી ત્યારે તેમણે 21 દિવસ સુધી પાણીનું એક ટીપું પીધું ન હતું.

બાળપણથી સંન્યાસી બનવાની ઇચ્છા

વિવેકાનંદ બાળપણથી જ બહુ તોફાની હતી. તેમનું મસ્તક પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે જ તેઓ શાંત થતા હતા.

વિવેકાનંદને સતત પ્રવાસ કરતા સાધુઓ પ્રત્યે બહુ લગાવ હતો. એવા સાધુઓનો અવાજ સાંભળવાની સાથે જ તેઓ ઘરની બહાર આવી જતા હતા.

સાધુઓ પ્રત્યેનો વિવેકાનંદનો મોહ એટલો જોરદાર હતો કે સાધુઓનો અવાજ સંભળાવાની સાથે જ તેમને ઓરડામાં પૂરી દેવામાં આવતા હતા અને સાધુઓ ચાલ્યા જાય પછી જ તેમને ઓરડામાંથી બહાર કાઢવામાં આવતા હતા.

તેઓ બાળપણથી જ સંન્યાસી બનવા ઇચ્છતા હતા. જે વયે અન્ય બાળકો અક્ષરોને ઓળખવાનું શરૂ કરતા હોય છે એ ઉંમરે વિવેકાનંદે લખવા-વાંચવાનું શરૂ કરી દીધું હતું.

તેમની યાદશક્તિ ગજબની હતી. એક વખત કોઈ પુસ્તક વાંચી લે એટલે આખું પુસ્તક તેમને યાદ રહી જતું હતું.

રમતગમતમાં તેમને સ્વીમિંગ, કુસ્તી અને લાઠીદાવ પસંદ હતા. તેઓ તલવારબાજીનો અભ્યાસ પણ કરતા હતા.

રાયપુરમાં પ્રવાસ દરમિયાન તેમણે શતરંજમાં પણ પ્રાવિણ્ય મેળવી લીધું હતું. તેમણે મહાન ઉસ્તાદો પાસે સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી હતી અને પખવાજ, તબલા, ઈસરાજ તથા સિતાર જેવાં વાદ્યો બહુ કુશળતાથી વગાડી શકતા હતા. જોકે, તેમને સૌથી વધુ રસ શાસ્ત્રીય ગાયનમાં હતો.

તેમનું ગાયન જ તેમને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની નજીક લઈ ગયું હતું. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદના ગાયનથી એટલા પ્રભાવિત થયા હતા કે એક દિવસ તેમનું ગાયન સાંભળતા-સાંભળતા જ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા હતા.

રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા

દરેક પિતાની માફક વિવેકાનંદના પિતા વિશ્વનાથ પણ પુત્રના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા, પરંતુ ગુરુ રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદના વિવાહની વિરુદ્ધ હતા.

વિવેકાનંદે બ્રહ્મચર્ય પાળવાનો અને સાધુનું જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો.

સૌથી મોટા પુત્ર હોવાને કારણે, પિતાના મૃત્યુ બાદ સાત જણના પરિવારના ભરણપોષણની જવાબદારી વિવેકાનંદ પર આવી પડી હતી. તેમણે થોડા દિવસ મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂશનમાં અધ્યાપન કાર્ય કર્યું હતું.

વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાદગી અને નૈતિક આધ્યાત્મનું પ્રતિક હતા. તેમને ખાતરી હતી કે વિવેકાનંદ તેમનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચાડશે.

જુલાઈ, 1886 આવતા સુધીમાં રામકૃષ્ણ પરમહંસનું સ્વાસ્થ્ય ઝડપભેર કથળવા લાગ્યું હતું. તેમને ગળાનું કેન્સર હતું.

અંતિમ સમયે તેમણે તેમના તમામ શિષ્યોને બોલાવીને જણાવ્યુ હતું કે વિવેકાનંદ મારા ઉત્તરાધિકારી છે. એ પછી 1886ની 16 ઑગસ્ટે રામકૃષ્ણ પરમહંસ સમાધિમાં ચાલ્યા ગયા હતા.

એ પછી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.

કલકતામાં 1898માં પ્લેગની મહામારી ફેલાઈ હતી. હજારો લોકોએ બીમારીના ભયને કારણે કલકતા છોડી દીધું હતું.

લોકોને રાહત આપવા માટે સૈન્ય બોલાવવામાં આવ્યું હતું. એ સમયે વિવેકાનંદ કલકતામાં રોકાયા હતા અને રાહતકાર્યનું બીડું ઝડપ્યું હતું.

ઉત્તમ વ્યક્તિત્વ

વિવેકાનંદનું કદ-કાઠી અને શરીર ભરાવદાર હતું. તેઓ બહુ તાર્કિક હતા અને દરેક મહેફિલમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હતા.

રોમા રોલાંએ તેમના વિખ્યાત પુસ્તક ‘લાઈફ ઑફ વિવેકાનંદ’માં લખ્યું છે, “સ્વામીજીનું શરીર એક પહેલવાનની માફક મજબૂત અને શક્તિશાળી હતું. તેમની ઊંચાઈ 5 ફૂટ, 6 ઇંચ હતી. તેમના છાતી પહોળી હતા અને અવાજ ગજબનો હતો.”

"તેમનું પહોળું મસ્તક અને મોટી-કાળી આંખો સૌના આકર્ષણનું કેન્દ્ર હતી. તેઓ અમેરિકા ગયા ત્યારે એક પત્રકારે ધાર્યું હતું કે તેમનું વજન 102 કિલો હશે. ક્યારેક તેઓ ખુદની મજાક કરતા હતા અને પોતાને જાડા સ્વામી કહેતા હતા."

પૂરતી ઊંઘ લેવામાં અસમર્થતા તેમની સૌથી મોટી સમસ્યા હતા. તેઓ પથારીમાં સતત પડખું ફેરવતા રહેતા હતા, પરંતુ જરાય ઊંઘ આવતી ન હતી. બહુ પ્રયાસ કરે તો પણ 15 મિનિટથી વધારે એકધારું ઊંઘી શકતા ન હતા.

મૈસૂરના મહારાજાએ અમેરિકા મોકલ્યા

વિવેકાનંદે સમગ્ર ભારતનું ભ્રમણ કરવાનો નિર્ણય લીધો હતો અને સૌથી પહેલાં તેઓ વારાણસી ગયા હતા.

ત્યાં તેમણે અનેક વિદ્વાનો તથા સન્યાસીઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

ગૌતમ બુદ્ધે જ્યાં સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો તે સારનાથની મુલાકાત પણ વિવેકાનંદે લીધી હતી.

એ પછી તેઓ અયોધ્યા અને લખનૌ થઈને આગરા પહોંચ્યા હતા. ત્યાર બાદ મુંબઈ ગયા હતા. મુંબઈથી પૂણે જવા રવાના થયા ત્યારે વિવેકાનંદ અને બાળ ગંગાધર તિલક યોગાનુયોગે એક કારમાં બેઠા હતા.

બન્ને વચ્ચે ગંભીર સંવાદ થયો હતો. તિલકે વિવેકાનંદને પૂણેમાં પોતાની સાથે રહેવાનું નિમંત્રણ આપ્યું હતું.

તિલક સાથે 10 દિવસ રહ્યા બાદ વિવેકાનંદ ટ્રેન મારફત બેંગલોર જવા રવાના થયા હતા.

બેંગલોરથી તેઓ મૈસૂર પહોંચ્યા હતા અને મહારાજાના અતિથિ બન્યા હતા. હું તમારા માટે શું કરી શકું એવું એક દિવસ મહારાજાએ પૂછ્યું ત્યારે વિવેકાનંદે તેમને જણાવ્યું હતું કે હું અમેરિકા જઈને ભારતીય તત્ત્વજ્ઞાન તથા સંસ્કૃતિનો પ્રચાર કરવા ઇચ્છું છું.

તેમના અમેરિકા પ્રવાસનો ખર્ચ આપવા મહારાજા તરત તૈયાર થઈ ગયા હતા, પરંતુ વિવેકાનંદે મહારાજાની દરખાસ્તનો તત્કાળ સ્વીકાર કર્યો ન હતો. બાદમાં તેમણે તે સ્વીકારી હતી.

ધર્મ સંસદમાં પ્રભાવશાળી પ્રવચન

મદ્રાસથી 1893ની 31 મેએ વિવેકાનંદે પેનિનસુલા નામની સ્ટીમરમાં અમેરિકાનો પ્રવાસ શરૂ કર્યો હતો.

માતૃભૂમિ આંખોમાંથી ઓઝલ ન થઈ ત્યાં સુધી તેઓ સ્ટીમરની ડોક પર ઊભા રહ્યા હતા. તેમની સ્ટીમર કોલંબો, પિનાંગ, સિંગાપુર અને હોંગકોંગ થઈને નાગાસાકી પહોંચી હતી.

જાપાનના યાકોહામા બંદરેથી તેઓ 14 જુલાઈએ ઍમ્પ્રેસ ઑફ ઇન્ડિયા નામના જહાજ મારફત અમેરિકા જવા રવાના થયા હતા.

એ પ્રવાસ દરમિયાન ભારતના ટોચના ઉદ્યોગપતિ જમશેદજી ટાટા પણ તેમની સાથે હતા. બન્ને વચ્ચે એ પ્રવાસથી શરૂ થયેલી મૈત્રી આજીવન ટકી રહી હતી.

વાનકુંવરથી તેમણે શિકાગો જવા માટે ટ્રેન પકડી હતી. શિકાગોમાં યોજાયેલી ધર્મસંસદમાં ભાગ લેવા માટે સમગ્ર વિશ્વમાંથી હજારો પ્રતિનિધિ આવ્યા હતા. એ બધામાં વિવેકાનંદ સૌથી નાની વયના હતા.

ગૌતમ ઘોષે તેમના પુસ્તક ‘ધ પ્રોફેટ ઑફ મોર્ડન ઇન્ડિયા, સ્વામી વિવેકાનંદ’માં લખ્યું છે, "ધર્મ સંસદમાં પ્રવચન આપનારાઓમાં વિવેકાનંદનો ક્રમ 31મો હતો, પરંતુ તેમણે આયોજકોને વિનંતી કરી હતી કે તેમને સૌથી છેલ્લે પ્રવચન કરવાની તક આપવામાં આવે. તેમનો નંબર આવ્યો ત્યારે તેમનું હૃદય જોરજોરથી ધડકતું હતું અને ગભરાટને કારણે તેમનું ગળું સૂકાઈ ગયું હતું."

"તેમની પાસે ભાષણ લખેલું ન હતું, પરંતુ તેમણે માતા સરસ્વતીનું સ્મરણ કર્યું હતું. ડો. બેરોઝે તેમનું નામ પોકાર્યું કે તરત તેઓ મંચ પર પહોંચી ગયા હતા."

"સિસ્ટર્સ ઍન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા, એ શબ્દો સાથે વિવેકાનંદે ભાષણની શરૂઆત કરી કે તરત જ સભાગારમાંના તમામ લોકો ઊભા થઈ ગયા હતા અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરતાં બે મિનિટ સુધી સતત તાળી વગાડતા રહ્યા હતા."

સર્વધર્મ સમભાવનો સંદેશ

તાળીઓનો અવાજ શાંત થવાની સાથે વિવેકાનંદે પોતાનું નાનકડું ભાષણ શરૂ કર્યું. તેમણે ભાષણની શરૂઆતમાં વિશ્વના સૌથી યુવા દેશ પૈકીના એક અમેરિકાને વિશ્વની સૌથી પુરાતન સંસ્કૃતિ પૈકીના એક ભારત તરફથી ઘન્યવાદ પાઠવ્યા હતા.

હિન્દુ ધર્મએ વિશ્વના સહિષ્ણુતાનો સંદેશ કઈ રીતે આપ્યો છે એ તેમણે જણાવ્યુ હતું. તેમના કહેવા મુજબ, વિશ્વનો એકેય ધર્મ બીજા ધર્મ કરતાં સારો કે ખરાબ નથી. બધા ધર્મ એક છે, જે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ દેખાડે છે.

એ પછી વિવેકાનંદે અમેરિકાના અનેક શહેરોમાં પ્રવચન આપ્યાં હતાં અને તેને બહુ પસંદ કરવામાં આવ્યાં હતાં.

ધર્મ સંસદમાંના ભાષણે વિવેકાનંદને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવી દીધા હતા. તેઓ આખું વર્ષ અમેરિકાના પૂર્વ હિસ્સામાં પ્રવાસ કરતા રહ્યા હતા.

ભારત પાછા ફરતા પહેલાં તેઓ ઇંગ્લૅન્ડમાં રોકાયા હતા. ત્યાં ઑક્સફોર્ડમાં તેમની મુલાકાત ભારતમાં રસ ધરાવતા પ્રોફેસર મેક્સ મૂલર સાથે થઈ હતી.

લાલ-બાલ-પાલની પ્રસિદ્ધ ત્રિપુટી પૈકીના બિપિનચંદ્ર પાલ સાથે તેમની મુલાકાત ઇંગ્લૅન્ડમાં જ થઈ હતી.

વિવેકાનંદ ભારત પાછા આવ્યા ત્યારે દરેક જગ્યાએ લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મદ્રાસથી કુંભકોણમ જવા માટે તેઓ ટ્રેનમાં બેઠા હતા. એ રૂટ પર આવતા તમામ સ્ટેશને લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા.

એક નાના સ્ટેશને ટ્રેન ન રોકાઈ ત્યારે ત્યાંના લોકો રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા અને બળજબરીથી ટ્રેન રોકાવી હતી.

લોકોના પ્રેમથી અભિભૂત થયેલા સ્વામી વિવેકાનંદ પોતાના કોચમાંથી બહાર આવીને લોકોને મળ્યા હતા.

ખરાબ સ્વાસ્થ્ય

કલકતામાં ડિસેમ્બર, 1901માં કૉંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. તેમાં ભાગ લેવા આવેલા અનેક નેતા સ્વામીજીના દર્શન કરવા બેલૂર પહોંચ્યા હતા. એ પૈકીના ઘણા લોકો રોજ બપોરે દર્શન કરવા આવતા હતા.

સ્વામીજીએ તેમની સાથે અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ વિશે વાતો કરી હતી. તેમની મુલાકાત લેનારાઓમાં બાળ ગંગાધર તિલકનો પણ સમાવેશ થાય છે. વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝ તો સ્વામીજીના નજીકના દોસ્ત હતા.

સ્વામીજીને પશુઓ પાળવાનો શોખ હતો. તેમની પાસે બતક, ઘેટાં, બકરાં અને ગાય પણ હતાં. તેઓ એ બધાનું ધ્યાન જાતે રાખતા હતા અને પોતાના હાથે તેમને ભોજન કરાવતા હતા.

સ્વામીજીને બાઘા નામનો તેમનો પાળેલો એક કૂતરો બહુ પ્રિય હતો. એ કૂતરાના મૃત્યુ પછી તેનું શબ મઠની અંદર, ગંગા નદીના કિનારે દફનાવવામાં આવ્યું તેનું કારણ આ જ હતું.

સ્વામી વિવેકાનંદનું સ્વાસ્થ્ય ક્યારેય સારું રહ્યું ન હતું. તેમના પગમા કાયમ સોજો રહેતો હતો. તેમની જમણી આંખની દૃષ્ટિ ધીમેધીમે ઝંખવાતી રહી હતી. તેમને કાયમ તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

તેમને છાતીના ડાબા હિસ્સામાં કાયમ દુખાવો થતો હતો. પિતાની માફક સ્વામી વિવેકાનંદ પણ ડાયાબિટીસથી પીડાતા હતા.

વારાણસીથી પાછા ફર્યા બાદ તેમની બીમારી વકરી હતી. તેથી તેમને વિખ્યાત વૈદ્ય કવિરાજ સહાનંદ સેનગુપ્તા પાસે લઈ જવામાં આવ્યા હતા.

તેમણે વિવેકાનંદના પાણી પીવાને અને નમક ખાવા પર બંધી ફરમાવી હતી. એ પછી સતત 21 દિવસ સુધી સ્વામીજીએ પાણીનું એક ટીપું સુદ્ધાં પીધું ન હતું.

છેલ્લા દિવસે ત્રણ કલાક કર્યું ધ્યાન

મૃત્યુના ત્રણ દિવસ પહેલાં સ્વામીજીએ તેમના નિકટના સહયોગી સિસ્ટર નિવેદિતાને જાતે ભોજન પીરસવાની જીદ કરી હતી.

તેમણે સિસ્ટર નિવેદિતાના હાથ ધોવા પાણી છાંટ્યું ત્યારે સિસ્ટર નિવેદિતાએ તેમને કહ્યું હતું કે "આ બધું મારે કરવું જોઈએ, તમારે નહીં."

તેનો ગંભીર જવાબ આપતાં સ્વામીજીએ કહ્યું હતું કે "ઇસુ ખ્રિસ્ત પણ તેમના શિષ્યોના પગ ધોતા હતા."

પોતાના મહાસમાધિના દિવસે સ્વામી વિવેકાનંદ સવારે બહુ વહેલા જાગી ગયા હતા. તેમણે મઠના ગર્ભ ગૃહમાં જઈને તમામ દરવાજા તથા બારીઓ બંધ કરી હતી. પછી ત્રણ કલાક સુધી એકલા ધ્યાનમાં બેઠા રહ્યા હતા. એ દિવસે તેમણે ભોજન સાથી સંતો સાથે કર્યું હતું.

ચાર વાગ્યે તેમણે એક ગ્લાસ ગરમ દૂધ પીધું હતું. પછી બાબુરામ મહારાજ સાથે ચાલવા નીકળી પડ્યા હતા.

સાંજે પ્રાર્થનાનો ઘંટ વાગ્યો ત્યારે વિવેકાનંદ પોતાના ઓરડામાં ચાલ્યા ગયા હતા. ત્યાં તેઓ ગંગા નદી સામે બેસીને ધ્યાન કરતા રહ્યા હતા.

રાતે લગભગ આઠ વાગ્યે તેમણે એક સન્યાસીને બોલાવીને પંખો ચલાવવા જણાવ્યું હતું. એ સમયે તેઓ પલંગ પર આડા પડ્યા હતા.

લગભગ એક કલાક પછી તેમનું મસ્તક પરસેવાથી ભીંજાઇ ગયું હતું. તેમના હાથમાં કંપન અનુભવાયું હતું અને તેમણે લાંબો શ્વાસ લીધો હતો.

તે બધું સમાપ્ત થઈ ગયાનો સંકેત હતો. એ સમયે રાતના 9 વાગીને 10 મિનિટનો સમય થયો હતો. એ સમયે ત્યાં ઉપસ્થિત સ્વામી પ્રેમાનંદ અને સ્વામી નિશ્ચયાનંદે જોરશોરથી નામ પોકારીને સ્વામીજીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્વામીજી તરફથી પ્રત્યુત્તર સાંપડ્યો ન હતો.

હૃદયના ધબકારા થંભી જવાથી દેહાંત

સ્વામીજીને તપાસવા માટે ડો. મહેન્દ્રનાથ મઝુમદારને બોલાવવામાં આવ્યા હતા. તેમણે કૃત્રિમ શ્વાસોશ્વાસ વડે સ્વામીજીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે અડધી રાતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

હૃદય રોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. વહેલી સવારે આવી પહોંચેલાં સિસ્ટર નિવેદિતા બપોરના બે વાગ્યા સુધી સ્વામીજીનો હાથ પોતાના હાથમાં પકડીને બેઠાં રહ્યાં હતાં.

સ્વામી વિવેકાનંદે 39 વર્ષ, પાંચ મહિના અને 22 દિવસના આયુષ્ય પછી દુનિયાના અલવિદા કહ્યું હતું.

તેમની એ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી, જેમાં તેમણે કહેલું કે હું મારા જીવનની 40મી વસંત જોઈ નહીં શકું.