મીડિયા માંધાતાની પૌત્રી જેણે પોતાના અપહરણકારો સાથે મળીને બૅન્કો લૂંટી

‘તેને એક કોટડીમાં 57 દિવસ સુધી રાખવામાં આવી હતી. તેને માર મારવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેના અપહરણકર્તાઓએ તેને બે વિકલ્પ આપ્યા હતાઃ તેમની સાથે જોડાઈ જાય અથવા તો મરવા માટે તૈયાર રહે.’

એ સમયે પૅટી હર્સ્ટને એવું લાગ્યું હતું કે જીવતા રહેવું મહત્ત્વનું છે. પૅટી તેના અપહરણના બે મહિના પછી ફરી જોવા મળી હતી. એ વખતે તે તેના અપહરણકર્તાઓ સાથે બૅન્ક લૂંટવા આવી હતી.

આ એક મોટી મીડિયા કંપનીના માલિકની 19 વર્ષની એ પૌત્રીની કથા છે, જેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તે રીઢી ગુનેગાર બની ગઈ હતી. તેની કથા ડૉક્યુમૅન્ટરી ફિલ્મ નિર્માતા લેસ્લી ઝિરસા જણાવે છે.

રોબર્ટ સ્ટોન દિગ્દર્શિત ‘ગેરિલાઃ ધ ટેકિંગ ઑફ પૅટી હર્સ્ટ’ નામની ડૉક્યુમૅન્ટરીનું નિર્માણ લેસ્લી ઝિરસાએ કર્યું છે.

‘બૅન્ક રોબરી વિથ અ રેડિકલ ગ્રુપ આફટર પૅટીસ કિડનેપિંગ’ વિશે એક ડૉક્યુમૅન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી. તે અમેરિકન ટેલિવિઝન ઇતિહાસની સૌથી લોકપ્રિય સિરીઝ પૈકીની એક બની હતી.

પૅટી હર્સ્ટ કોણ હતી? શું તે ખરેખર તેના અપહરણકર્તાઓ સાથે જોડાઈ હતી? દિગ્દર્શક રોબર્ટના જણાવ્યા મુજબ, ઘણા લોકો આવા સવાલના જવાબ જાણવા ઇચ્છતા હતા.

એ ઉપરાંત 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ' જેવાં અખબારોએ તે સમયે પૅટી વિશે લેખો પણ પ્રકાશિત કર્યા હતા.

પૅટીનું અપહરણ શા માટે કરવામાં આવ્યું હતું?

વિયેતનામ યુદ્ધનો અંત આવ્યા છતાં અમેરિકન ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું એ સમયની આ વાત છે. એ વખતે વૉટરગેટ કૌભાંડ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું હતું.

એ જ વખતે એક શ્રીમંત પરિવારની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ યુવતી 1970ના દાયકામાં અમેરિકન યુવાનીનું પ્રતીક હતી.

ડાબેરી અમેરિકન શહેરી બળવાખોરોએ 1974ની ચોથી ફેબ્રુઆરીની રાતે 19 વર્ષની પૅટી હર્સ્ટનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું.

પૅટી હર્સ્ટ મીડિયા કંપની ચલાવતા વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટની પૌત્રી હતી અને બર્કલેમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીની અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થિની હતી.

વિલિયમની જીવનકથાના આધારે ‘સિટિઝન કેન’ ફિલ્મ બનાવવામાં આવી હતી. પૅટી તેમની વારસદાર હતી.

સિમ્બિઓનીઝ લિબરેશન આર્મી (એસએલએ) દ્વારા પૅટીનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ કોર્પોરેટ સરમુખત્યારશાહીને ખતમ કરવાનો હતો.

એસએલએ પૅટીના પરિવારને “ભદ્ર ફાસીવાદી પરિવાર” માનતું હતું. એસએલએના સભ્યોએ અમેરિકાની ઇતિહાસમાંનો સૌથી વધુ હિંસક બળવો કરવાની યોજના બનાવી હતી.

પૅટીના અપહરણ પછી હર્સ્ટના ઘરની બહાર સેંકડો પત્રકારો એકઠા થયા હતા. અપહરણ વિશે અખબારોમાં અનેક કથાઓ પ્રકાશિત થઈ હતી.

દરેક ઘટનાની વિગત પૅટીના ઘરની બહારથી રિલે વાન દ્વારા પ્રસારિત કરવામાં આવતી હતી. અખબારોનાં પાનાં ભરાઈ ગયાં હતાં.

એસોસિએટેડ પ્રેસના સંવાદદાતા લિન્ડા ડોઈશે કહ્યું હતું કે “મારા સહિતનાં અનેક સંગઠનોએ તેમના પ્રતિનિધિઓ માટે પૅટીના ઘરની બહારનાં વૃક્ષ હેઠળ ફોનની વ્યવસ્થા કરાવી હતી.”

લિન્ડાને બરાબર યાદ છે કે ઘરની બહાર એક બોર્ડ મારેલું હતું, જેમાં લખ્યું હતુઃ મહેરબાની કરીને પત્રકારો સાથે વાત કરશો નહીં.

અમેરિકાની ગરીબી ઉઘાડી પડી

એસએલએએ કેલિફોર્નિયાના લાખો ગરીબોને ભોજન પુરું પાડવાના એક કાર્યક્રમ માટે ભંડોળ આપવા હર્સ્ટ પરિવારને વિનંતી કરી હતી, પરંતુ પૅટીના પિતાએ અપહરણકર્તાઓ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

પૅટીના પરિવાર અને એસએલએ વચ્ચે તમામ સંવાદ મીડિયા મારફત થતો હતો. રેડિયો સ્ટેશનો ટેપ કરેલા મૅસેજીસનું પ્રસારણ કરતાં હતાં.

ગરીબોને ભોજન આપવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ખાદ્યસામગ્રીનું વિતરણ કરવા જતી ટ્રક્સમાંથી ભોજન ફેંકવામાં આવતાં લૂંટફાટ અને તોફાન થયાં હતાં. એ ઘટનાનું શૂટિંગ કરી રહેલા પત્રકારો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

પૅટીનું ચોંકાવનારું અપહરણ

પૅટીની જિંદગી અપહરણકર્તાઓના હાથમાં હતી. તેને બે વિકલ્પ આપવામાં આવ્યા હતાઃ તેમની સાથે જોડાઈ જાય અથવા તો મરવા માટે તૈયાર રહે.

આખરે પૅટી તેના અપહરણકર્તાઓ સાથે જોડાઈ ગઈ હતી. તેમણે પૅટી સાથે મળીને બૅન્કો લૂંટી હતી. એ પછી પૅટીના ઘરે પાછા ફરવાની કોઈ શક્યતા ન હતી.

પૅટીએ ત્રીજી એપ્રિલે જાહેરાત કરી હતી કે તે સ્વૈચ્છાએ એસએસએની સભ્ય બની છે. તેણે ચે ગ્વેરાની શહીદ પ્રેમિકાના માનમાં પોતાનું હુલામણું નામ તાનિયા રાખ્યું હતું.

પૅટીએ તેનાં માતા-પિતાની ટીકા કરી હતી અને પોતાના ભાવિ પતિને ‘જાતિવાદી, ઘરડું ભૂંડ’ ગણાવ્યો હતો.

એસએલએના પ્રતિક ધ્વજની સાથે તેના યુનિફોર્મ તથા હથિયાર સાથે ઊભેલી પૅટીનો ફોટો બહાર આવ્યો હતો. તે ફોટોગ્રાફમાં પડદા પર સાત માથાવાળા કોબ્રાનું પ્રતિક જોવા મળતું હતું.

પૅટીએ તેની ટોળકી સાથે મળીને તેની જ બેસ્ટ ફ્રેન્ડના પિતા દ્વારા સંચાલિત એક બૅન્ક લૂંટી હતી. પૅટી બૅન્કમાંના એક કૅમેરામાં જોવા મળી હતી. લોકોને તે જોઈને આશ્ચર્ય થયું હતું અને મીડિયાએ મરી-મસાલા ભભરાવીને ચટાકેદાર કથાઓ પ્રકાશિત કરી હતી.

દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે એસએલએની ટીમ સાન ફ્રાન્સિસ્કોથી લોસ એન્જલસ જઈ રહી છે. એસએલએની ટીમ અને લોસ એન્જલસ પોલીસ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. તેમાં એસએલએના છ સભ્યો માર્યા ગયા હતા.

ગોળીબારની તે ઘટનાનું નેશનલ ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. મિનિ-કૅમ નામની નવી ટેકનૉલૉજીને કારણે તે પ્રસારણ શક્ય બન્યું હતું.

એ ઘટના બની ત્યારે પૅટી ત્યાં હાજર ન હતી. પૅટીએ ડિઝનીલૅન્ડ નજીકની એક મોટેલમાંથી સમગ્ર ઘટનાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

પૅટીની ભાળ કેવી રીતે મળી?

પૅટીએ ત્રણ સપ્તાહ પછી એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં તેણે “ફાસીવાદી મીડિયા”ની ટીકા કરી હતી. પૅટીએ મૃત્યુ પામેલા તેના સાથીદારોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એક ગીત પ્રસ્તુત કર્યું હતું.

પૅટીએ ઝોયા તરીકે ઓળખાતા તેના પાર્ટનર પેટ્રિશિયા સોલ્ટીસિકને યાદ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે તે લોકો માટે અભૂતપૂર્વ પ્રેમ ધરાવતા લોકો પૈકીની એક વ્યક્તિ છે.

જોકે, પૅટી હર્સ્ટને તેના અપહરણકર્તા માટે વિલાપ કરતી જોઈને અમેરિકન લોકો ચોંકી ઊઠ્યા હતા. એ પછીના વર્ષે પૅટી અને તેના બાકીના સાથીદારો એફબીઆઈ તથા પત્રકારોને થાપ આપીને આખા દેશમાં ફર્યા હતા.

આખરે 1975ની 18 સપ્ટેમ્બરે પૅટીની સાન ફ્રાન્સિસ્કોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે તેણે હિબરનિયા બૅન્ક લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. તે એસએલએ ગ્રુપની એકમાત્ર બચેલી સભ્ય હતી. તેની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગીધ જેવું મીડિયા અને પૅટીની માતા

અખબારોએ પૅટી સામેની તપાસને ‘સદીના ખટલા’ તરીકે વર્ણવી હતી. બીજી તરફ સરકારે નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં પૅટીને “બહાના શોધતી બળવાખોર” વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવી હતી.

એ સમયે લોકોને પૅટી હર્સ્ટના સમાચારમાં બહુ રસ હતો.

સાન ફ્રાન્સિસ્કોના એક સામયિકના તંત્રીએ તેમના પ્રકાશનનો ફેલાવો વધારવા માટે એસએલએ સાથે એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો.

હર્સ્ટ પરિવાર અને એસએલએ બન્નેએ મીડિયાના અભિગમ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

1974થી 1976 દરમિયાન પૅટી ન્યૂઝવીક સામયિકના મુખપૃષ્ઠ પર સાત વખત ચમક્યાં હતાં.

એક તબક્કે પૅટીની માતાએ અખબારો-સામયિકોને ‘ગીધડાં’ ગણાવ્યાં હતાં. જોને જણાવ્યું હતું કે મીડિયા તો “એસએલએનો પાળેલો કૂતરો છે.”

પૅટીના દાદા વિલિયમે શરૂ કરેલી પત્રકારત્વની તરાહનો ઉપયોગ એસએલએએ પોતાના સિદ્ધાંતો લોકો સુધી પહોંચાડવા માટે કર્યો હતો.

ફિલ્મોમાં અભિનય

મુક્તિના થોડા સમય પછી પૅટીએ તેના ભૂતપૂર્વ અંગરક્ષક બર્નાર્ડ શો સાથે લગ્ન કર્યાં હતાં.

પૅટીએ તેના 1974થી 1979 સુધીના જીવન વિશે એલ્વિન મોસ્કો સાથે મળીને ‘એવરી સિક્રેટ થિંગ’ નામનું પુસ્તક 1982માં લખ્યું હતું.

પૅટી હર્સ્ટે જોન વોટર્સની કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. તેમાં ક્રાય-બેબી (1990) અને સેસિલ બી ડિમેન્ટેડ (2000) નોંધપાત્ર છે.

(આ સ્ટોરી ‘કેપ્ટિવ મીડિયાઃ ધ સ્ટોરી ઓફ પેટી હર્સ્ટ’ના સંચાલક અને પ્રસ્તુતકર્તા બેન્જામિન રેમના લેખ પર આધારિત છે).