સુરત : ગુજરાતના પોલીસ જવાનો સામે જ 'અપહરણ'ની ફરિયાદ કેમ નોંધાઈ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરત સાયબર ક્રાઇમના પોલીસના 9 કર્મચારીઓ સામે કાયદાકીય પ્રક્રિયાનું અનુસરણ કર્યા વિના એક આરોપીની ધરપકડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગાઝિયાબાદ પોલીસે પણ સુરત પોલીસકર્મીઓ વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા હોવાની પુષ્ટિ કરી છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના એક આરોપી દેવેન્દ્ર ગુપ્તાની ધરપકડ કરવા ગયેલા સુરત પોલીસના કર્મચારીઓએ સ્થાનિક પોલીસ પાસે સંબંધિત કાયદાકીય મંજૂરી લીધા વિના જ બારોબાર આરોપીની ધરપકડ કરી હતી હોવાની વાત સામે આવી છે.

આ સંદર્ભમાં આરોપીનાં પત્ની 32 વર્ષીય મોનિકા અગ્રવાલે આ સમગ્ર પ્રકરણમાં સુરત પોલીસના 9 કર્મચારીઓ સહિત સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

આખરે કોર્ટ દ્વારા સમગ્ર પ્રક્રિયાને પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર માનીને સુરતના ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 452, 323, 363, 342 હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો.

આથી હવે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનમાં ગુજરાત રાજ્યના સુરત શહેરના પોલીસકર્મીઓ સહિત અન્યોની સામે અપહરણ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

શું છે આખો મામલો?

જૂના ગાઝિયાયાબાદના સૅક્ટર-9 વિસ્તારમાં રહેતાં 32 વર્ષીય ફરિયાદી મોનિકા અગ્રવાલે ફરિયાદમાં જણાવ્યું હતુ કે, "ગત તા. 26 ડિસેમ્બર 2022ના રોજ રાત્રે 10 વાગે વિજયનગર ખાતેના તેમના નિવાસસ્થાને સુરત પોલીસકર્મીઓ યુએન મહારાજ, પૃથ્વીરાજસિંહ બઘેલ, ઇન્દ્રજિતસિંહ, કૌશિક અને સુરત સાયબર ક્રાઇમના અન્ય પોલીસકર્મીઓ (જેમનાં નામ ખબર નથી) મહિલા પોલીસ અધિકારી વિના જબરદસ્તી અમારા ઘરમાં ઘૂસી ગયા હતા. તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો."

તેમણે આરોપ મૂક્યો કે "તેમના પતિને બેડ ઉપરથી ઉઠાવીને વિજયનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. તેઓ મોડી રાત્રે ઠંડીમાં રડતાં-રડતાં પોલીસની પાછળ વિજયનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં. તેમણે જોયું કે પોલીસ દ્વારા તેમના પતિને માર મારવામાં આવી રહ્યો હતો. જેથી તેઓ ખૂબ જ રડી રહ્યા હતા."

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો કે હાજર પોલીસકર્મીઓને વારંવાર સવાલ કર્યા હતા કે તેમના પતિને પોલીસ સ્ટેશન લઈને આવ્યા છો, તે ગુના અંગેની કૉપી આપવામાં આવે અથવા શું ગુનો છે જે અંગેની જાણકારી આપે, પરંતુ પોલીસકર્મીઓએ કોઈ જાણકારી આપી ન હતી. તેમજ તેમને તેમના પતિને મળવા પણ દીધા ન હતા.

તેમણે વધુમાં ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, "આ અંગે ફરિયાદી મહિલાના ભાઈએ રાત્રે 2:00 વાગે પોલીસ હેલ્પલાઇન ઉપર ફોન કરી પોલીસની મદદ માગી હતી, પરંતુ પોલીસ આવી અને ત્યાં પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વાત કરીને પરત ફરી હતી. રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ હાજર પોલીસે ફરિયાદીને તેમજ તેમના પરિવારજનોને ઘરે મોકલી દીધા હતા. ફરિયાદી મહિલાને એવી માહિતી આપી હતી કે તમારા પતિ સવારે ઘરે પરત આવી જશે."

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, "ફરિયાદી મહિલા બીજા દિવસે સવારે 7 વાગે વિજયનગર પોલીસ સ્ટેશન ગયા હતા તો ખબર પડી હતી કે તેમના પતિ દેવેન્દ્ર ગુપ્તા ત્યાં હતા નહીં. હાજર પોલીસે પણ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી તેઓ ડરી ગયાં હતાં. તેઓ ત્યાં બેસીને વારંવાર પૂછતાં બપોરે પોલીસ સ્ટાફ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે તેમના પતિને દિલ્લીના વઝિરાબાદ લઈ જવામાં આવ્યા છે, સાંજ સુધી પરત આવી જશે."

"સાંજે 5:00 વાગ્યા સુધી દેવેન્દ્ર ગુપ્તા ઘરે ન આવતાં 5.15 મિનિટે ફરિયાદીના ભાઈએ પોલીસ હેલ્પલાઇન પર ફોન કરી એક દિવસથી દેવેન્દ્ર ગુપ્તા ઘરે ન આવ્યાની ફરિયાદ કરી હતી. રાત્રે ફરીથી ફરિયાદીના ભાઈએ બીજી વાર પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કરી હતી. એ દિવસે રાત્રે બે વાગ્યા સુધી ફરિયાદીએ અલગ-અલગ પોલીસ અધિકારીઓ પાસે જઈને કાનૂની મદદ માગી હતી પરંતુ પોલીસે કોઈ મદદ કરી નહીં."

પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, "ફરિયાદીએ પોલીસને કહ્યું હતું કે મને લેખિતમાં આપો કે મારા પતિ પોલીસ કસ્ટડીમાં છે પરંતુ પોલીસ લેખિત આપવા તૈયાર ન હતી. ફરિયાદીએ પોલીસને આજીજી કરી કે મારા પતિ માનસિક રોગથી પીડિત છે. એમને ઘાતક માઇગ્રેનની સમસ્યા છે. તે પોતે કહેલી વાત પણ યાદ રાખી શકતા નથી. એક વાર બોલે તે વારંવાર બોલે છે, એમની દિમાગની નસ કામ કરવાનું બંધ કરી દે છે. જો એમને સમયસર દવા આપવામાં નહીં આવે તો કંઈક અઘટિત ઘટના પણ બની શકે છે પરંતુ તેમ છતાં પોલીસે દવા પણ આપવા દીધી નહીં."

આખરે કોર્ટનું શરણ લેવું પડ્યું

ત્યારબાદ ફરિયાદીએ પોલીસ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, આઇજી, માનવ અધિકાર આયોગ દિલ્હી, મહિલા આયોગ વગેરે જગ્યા પર સ્પીડ પોસ્ટ દ્વારા ફરિયાદ કરી હતી તેમ છતાં કઈ પગલાં ન લેવાતાં ફરિયાદી કોર્ટમાં ગયા હતા.

કોર્ટ દ્વારા વિજયનગર પોલીસ સ્ટેશનને નોટિસ જાહેર કરી હતી. જે અંતર્ગત ગત તા. 4 જાન્યુઆરી 2023ના રોજ વિજયનગર પોલીસ સ્ટેશનના થાણા પ્રભારી નિરીક્ષક દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ચાર પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા સિવાય સીઆરપીસીના નિયમોને તોડીને ભારતીય સંવિધાન દ્વારા આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરીને મનમાની કરીને આરોપી દેવેન્દ્ર ગુપ્તાને સુરત સિટી ગુજરાત લઈ ગયા હતા.

આ પોલીસકર્મીઓ દ્વારા વિજયનગર થાણા પોલીસને જાણ કર્યા સિવાય તેમજ ત્યાંથી તેમને લઈને ગયા હતા. તે અંગેની કોઈ પ્રોસિઝર કર્યા વગર ષડયંત્ર રચીને અપરાધિક માનસિકતા રાખીને પ્રિ-પ્લાન કરીને વિજયનગર પોલીસ સ્ટેશન સાથે દગો કરીને ફરિયાદીના પતિનું અપહરણ કરીને સુરત સિટી ગુજરાત રાજ્ય લઈ ગયા છે.

કોર્ટ સમક્ષ વિજયનગર પોલીસ સ્ટેશનનાં તથ્યો બાદ મોનિકા અગ્રવાલે તા. 6 જાન્યુઆરી 2023ના રોજ પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે વિજયનગર પોલીસ સ્ટેશન ગયાં હતાં પરંતુ વિજયનગર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

ત્યારબાદ ફરિયાદીએ સ્પીડ પોસ્ટ મારફતે વિજયનગર પોલીસ સ્ટેશન એસીપી, ડીસીપી, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને પોતાની ફરિયાદ મોકલી હતી અને પછી ફરિયાદી ફરીથી કોર્ટના શરણે આવ્યાં હતાં. કોર્ટના ઑર્ડર બાદ તા. 26 ફેબ્રુઆરીના રોજ વિજયનગર પોલીસ સ્ટેશનમાં સુરત સાયબર ક્રાઇમના પોલીસકર્મીઓ વિરુદ્ધ અપહરણની પોલીસ ફરિયાદ લેવામાં આવી હતી.

'કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના સુરત લઈ ગયા'

ગાઝિયાબાદના ડીસીપી નિપુણ અગ્રવાલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરતા તેમણે સુરત પોલીસકર્મીઓ વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હોવાની પુષ્ટિ કરી છે.

મોનિકા અગ્રવાલના વકીલ ભવનીશ ગોલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મોનિકા અગ્રવાલના પતિને કોઈ પણ કાયદાકીય પ્રોસિઝર ફૉલો કર્યા વગર સુરત લઈ જવામાં આવ્યા હતા. તેમની 4 દિવસ સુધી ધરપકડ દર્શાવવામાં આવી ન હતી. પ્રોસિજર ફૉલો કર્યા સિવાય દેવેન્દ્ર ગુપ્તાને સુરત લઈ ગયા હતા. જે અંગે કોર્ટ દ્વારા પણ અપહરણ માનીને ગુજરાત પોલીસ વિરોધ ફરિયાદ નોંધવાનો ઑર્ડર કર્યો હતો. આથી સુરત સાયબર ક્રાઇમના પોલીસકર્મીઓ સામે મોનિકા અગ્રવાલ દ્વારા વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી મોનિકા અગ્રવાલના પતિના હાલ જામીન મંજૂર થઈ ગયા છે. તેઓ ગાઝિયાબાદ આવી ગયા છે."

દેવેન્દ્ર ગુપ્તા સામે ફ્રૉડની ફરિયાદ

સુરત સાયબર ક્રાઇમના એસીપી વાયએ ગોહિલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ફરિયાદી મોનિકા અગ્રવાલના પતિ દેવેન્દ્ર ગુપ્તા સામે સુરત સાઇબર ક્રાઇમમાં 6.50 લાખની સાયબર ફ્રૉડની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાન્ઝિટની પ્રોસેસ પૂરી કરવામાં આવી ન હતી, આથી કોર્ટના ઑર્ડરથી સુરત પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આરોપી દેવેન્દ્ર ગુપ્તાની ધરપકડ કાયદેસર રીતે કરવામાં આવેલી હતી. તેમને સુરત કોર્ટમાં હાજર પણ કરવામાં આવ્યા હતા. હાલમાં આરોપી જામીન પર છૂટેલા છે. અમે તેમના કેસના પેપર કોર્ટમાં રજૂ કરીશું."