વડોદરા : 'ચોરેલી બૅટરીનો આરોપ મૂકી ઢોર માર માર્યો, મરચાં ખવડાવી મારી નાખ્યા', શું છે મામલો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • મૂળ રાજસ્થાનના ભીલવાડાના મિયાળા ગામના વડોદરામાં તેમના બનેવી રાજુનાથ સાથે મળીને ભંગારનો ધંધો કરતા હતા
  • તેમના કહેવા અનુસાર, થોડા દિવસ પહેલાં રાજુ ભરવાડ અને બેચર ભરવાડ નામના બે ઇસમ અમારી દુકાનમાંથી એસયુવી માટે બે બૅટરી લઈ ગયા હતા
  • અમુક દિવસો બાદ આવ્યા અને 'તમે લોકો ચોરીની બૅટરી વેચો છો અને દસ ગણા પૈસા વસૂલો છો' એવું કહીને અમને મારવા લાગ્યા
  • માર મારીને અમને એમની કારમાં ઉઠાવી ગયા અને આજવાના નિમેટા રોડ પર આવેલા એક ફાર્મહાઉસ પર લઈ ગયા
  • ઢોર માર માર્યા બાદ પણ સંતોષ નહીં થતાં એમણે લીલાં મરચાં ખવડાવ્યાં
  • મારવાનો અને મરચાં ખવડાવવાનો સિલસિલો બપોરે બાર વાગ્યાથી શરૂ થયો હતો, સાંજે સાત વાગતાં સુધીમાં મારા બનેવીની તબિયત બગડી
  • મને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે મને જાણ થઈ કે મારા બનેવીનો મૃતદેહ હાલોલ પાસેથી મળી આવ્યો છે

"હું તથા મારા બનેવી દુકાને હતા ત્યારે બે જણ મોંઘીદાટ ગાડીમાં આવ્યા અને અમને બન્નેને બળજબરીથી ઉઠાવીને લઈ ગયા. અમને 'નકલી બૅટરી' કેમ વેચો છો એમ કહીને એમણે ઢોર માર માર્યો. એટલું જ નહીં, અમને બન્ને સાળા-બનેવીને એકબીજાને મરચાં ખવડાવવાની ફરજ પણ પાડી. મારા બનેવી પાણી માગતા રહ્યા અને છેલ્લે બેભાન થઈ ગયા. એ બેભાન થયા તો એમને ઉઠાવીને લઈ ગયા. મને જ્યારે છોડવામાં આવ્યા ત્યારે મેં જોયું કે મારા બનેવીનું મૃત્યુ થઈ ગયું હતું."

આ શબ્દો વડોદરામાં ભંગારનો ધંધો કરનારા કૈલાસનાથ યોગીના છે. કૈલાસનાથ તેમના બનેવી રાજુનાથ સાથે મળીને ભંગારનો ધંધો કરતા હતા.

મૂળ રાજસ્થાનના ભીલવાડાના મિયાળા ગામના રહેવાસી કૈલાસનાથને ખેતીમાં સારી આવક નહોતી. એવામાં શહેરના છાણી વિસ્તારમાં ભંગારની લે-વેચનું કામ કરતા રાજુનાથ યોગીએ પોતાની દુકાનમાં મદદનીશની જરૂર હોઈ પોતાના સાળા કૈલાસનાથને વડોદરા બોલાવી લીધા અને સાળો-બનેવી સાથે મળીને ધંધો કરવા લાગ્યા.

'ઢોર માર મારીને મરચાં ખવડાવ્યાં'

વડોદરાની સયાજીરાવ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કૈલાસનાથે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "થોડા દિવસ પહેલાં રાજુ ભરવાડ અને બેચર ભરવાડ નામના બે ઇસમ અમારી દુકાનમાંથી એસયુવી માટે બે બૅટરી લઈ ગયા હતા."

"અમુક દિવસો બાદ આવ્યા અને 'તમે લોકો ચોરીની બૅટરી વેચો છો અને દસ ગણા પૈસા વસૂલો છો' એવું કહીને અમને મારવા લાગ્યા. માર મારીને અમને એમની કારમાં ઉઠાવી ગયા અને આજવાના નિમેટા રોડ પર આવેલા એક ફાર્મહાઉસ પર લઈ ગયા. અહીં અમને ફરીથી માર માર્યો."

કૈલાસનાથ ઉમેરે છે, "અમને ઢોર માર માર્યા બાદ પણ સંતોષ નહીં થતાં એમણે અમને મરચાં ખાવાની ફરજ પાડી. અમને સાળા-બનેવીને સામસામે લીલાં મરચાં ખવડાવ્યાં. મરચાં ખાવાથી મારા બનેવીની હાલત ખરાબ થવા લાગી. એ પાણી માગતા રહ્યા અને રાજુ તથા બેચર એમને 'નાટક બંધ કર' એવું કહીને માર મારતા રહ્યા."

"એમને મરચાં ખવડાવતા રહ્યા. અમને મારવાનો અને મરચાં ખવડાવવાનો સિલસિલો બપોરે બાર વાગ્યાથી શરૂ થયો હતો. સાંજે સાત વાગતાં સુધીમાં મારા બનેવીની તબિયત બગડી. એ બેભાન થઈ ગયા એટલે એ બન્ને મારા બનેવીને મોટી કારની ડૅકીમાં નાખીને લઈ ગયા. થોડી વાર બાદ મને પણ એક કારમાં બેસાડાયો."

તેઓ કહે છે, "હું એમને પૂછતો રહ્યો કે મારા બનેવી ક્યાં છે? એમણે માત્ર એટલું જ કહ્યું કે 'જે દવાખાને દાખલ કરીશું એની જાણ કરીશું.' હું અર્ધબેભાન અવસ્થામાં હતો અને મને માત્ર એટલું જ યાદ છે કે મારા બનેવીને હાલોલ બાજુ ક્યાંક લઈ ગયા હતા."

કૈલાસનાથના જણાવ્યા અનુસાર તેમને બીજા દિવસે સવારે વાપી હાઈવે પાસે છોડી દીધા અને તેમના બનેવીએ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ તથા એમનો ફોન તેમને પાછાં આપ્યાં હતાં.

કૈલાસનાથ કહે છે, "મને 1300 રૂપિયા આપીને કહ્યું કે 'મુંબઈ જતો રહે. કોઈને કહીશ તો તારાં સગાંવહાલાંને મારી નાખીશું.' હું જેમતેમ કરીને વાપીથી સુરત પહોંચ્યો અને મારા પિતરાઈને મળ્યો. મને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે મને જાણ થઈ કે મારા બનેવીનો મૃતદેહ હાલોલ પાસેથી મળી આવ્યો છે."

મરચાં ખવડાવવાથી મૃત્યુ થયું?

વડોદરાના હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ બનાવ અંગે જણાવે છે, "બૅટરી ચોરીને ભંગારમાં વેચવા બદલ રાજુનાથ અને કૈલાસનાથને માર મરાયો હોવાની ફરિયાદ અમને મળી છે. આ મામલે રાજુનાથનો મૃતદેહ અમને હાલોલથી મળી આવ્યો છે. આ કેસના બન્ને આરોપીઓ વડોદરા છોડીને મુંબઈ નાસી ગયા હતા, જેમની અમે મહારાષ્ટ્ર પોલીસની મદદથી ધરપકડ કરી છે."

ઇન્સ્પેક્ટર વેકરિયાએ વધુમાં ઉમેર્યું, "રાજુનાથનું મૃત્યુ કેવા સંજોગોમાં થયું એનો ભેદ જાણવા પૅનલ પોસ્ટમૉર્ટમ કરવામાં આવી રહ્યું છે. કૈલાસનાથના કહેવા અનુસાર વધારે પડતાં મરચાં ખાવાથી રાજુનાથ બેભાન થયા અને એમનું મૃત્યુ થયું. એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પૅનલ પોસ્ટમૉર્ટમના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. "

આ દરમિયાન વધુ મરચાં ખાવાથી કોઈનું મૃત્યુ થયા કે કેમ એ અંગે જાણવા માટે અમે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સચિવ ડૉ. મુકેશ માહેશ્વરી સાથે વાત કરી.

ડૉ. માહેશ્વરી જણાવે છે, "વધારે મરચાં ખાવાથી કોઈનું મૃત્યુ થાય એવી શક્યાતા ઓછી છે. જોકે, વધારે પડતાં મરચાં ખાવાથી વ્યક્તિને ઝાડાઊલટી થઈ શકે અને પાણી ના મળે તો ડિહાઇડ્રેશનના લીધે મૃત્યુ થવાની સંભાવના નકારી ના શકાય."

જાણીતા ફિઝિશિયન ડૉ. રાજેશ શાહ બીબીસીને જણાવે છે, "બળજબરીથી વધારે મરચાં ખવડાવવામાં આવે અને જો વ્યક્તિ સિવિયર એસીડીટીનો રોગી હોય તો એની હોજરી પર અસર પડી શકે. હોજરી અને અન્નનળીની ચામડી બહુ નાજુક હોય છે. સિવિયર એસીડીટી અને અલ્સરની બીમારી ધરાવતી વ્યક્તિને વધુ મરચાં ખાવાતી રક્તસ્રાવ થવાની શક્યતા પણ રહે છે. આવા કિસ્સામાં માણસ બેભાન થાય અને જો સમયસર સારવાર ના મળે તો એનું મૃત્યુ પણ થઈ શકે."

આ કેસના બન્ને આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડ વડોદરના ખોડિયારનગરના રહેવાસી છે. બન્ને આરોપીઓ ભાગીદારીમાં 'માલધારી ટ્રાન્સપોર્ટ કંપની' ચલાવે છે.

સંબંધિત આરોપ અંગે અમે એમના પરિવારજનો સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો પણ કોઈ વાત કરવા તૈયાર નથી.

બાપોદમાં ટ્રાન્સપોર્ટ કંપની સાથે સંકળાયેલા અને રાજુ ભરવાડના મિત્ર જે. એસ. પટેલે બીબીસીને જણાવે છે કે 'બન્ને આરોપીઓ શાંત સ્વભાવના છે. બન્ને આ પ્રકારે મરચાં ખવડાવીને કોઈને મારી નાખે એ વાત ગળે ઊતરે એવી નથી.'