ગૌતમ અદાણીનું જ્યારે 26 વર્ષ પહેલાં અમદાવાદમાં અપહરણ થયું અને 15 કરોડની ખંડણી માગી

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. ગૌતમ અદાણી જૂથનો ધંધો પૉર્ટથી લઈ પાવર સૅક્ટર સુધી વિસ્તરેલો છે.

હાલ અદાણી પર અમેરિકામાં એક કંપનીને કૉન્ટ્રેક્ટ દેવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવાનો અને એ મામલાને છુપાવવાના આરોપો લાગ્યા છે.

જોકે અદાણી જૂથે ગુરુવારે બપોરે એક નિવેદન બહાર પાડીને આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ બધા જ આરોપ પાયાવિહોણા છે.

અદાણી પ્રથમ એવા ભારતીય ઉદ્યોગપતિ છે કે જેમના પર અમેરિકામાં આવા ગંભીર આરોપ લાગ્યા છે.

અદાણી પર અમેરિકામાં તડજોડ કરવાનો આરોપ પહેલી વાર લાગ્યો છે જ્યારે ભારતમાં તેમના પર અનેક વાર આવા આરોપ લાગી ચૂક્યા છે.

અમેરિકામાં અદાણી પરના આ આરોપ બાદ ફરી એક વાર અદાણી જૂથ ચર્ચામાં આવી ગયું છે.

બીબીસીએ ફેબ્રુઆરી 2023માં તૈયાર કરેલો અહેવાલ વાંચો...

એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ગૌતમ અદાણીએ, તેમને જીવનમાં થયેલા બે ખરાબ અનુભવની વાત કરી હતી. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે જીવનમાં કેટલીક એવો પળો આવતી હોય છે, જેને ભૂલી જવામાં જ સાર હોય છે.

અદાણીએ જે બે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો એ પૈકીની એક ઘટના 2008ની 26 નવેમ્બરે મુંબઈની હોટલ તાજ પર થયો આતંકવાદી હુમલો હતી. તે ઘટના ગૌતમ અદાણીએ બહુ નજીકથી નિહાળી હતી. એ હુમલા વખતે અદાણી તાજ હોટલમાં જ હતા. એ ઘટનામાં થયેલા ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.

અદાણીના જીવનમાં બનેલી બીજી માઠી ઘટના બાબતે બહુ ઓછા લોકો જાણે છે. 1998માં બનેલી એ ઘટનામાં અદાણીનું બંદૂકની ધાક દાખવીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની મુક્તિ માટે રૂ. 15 કરોડની ખંડણી માગવામાં આવી હતી.

1998ની પહેલી જાન્યુઆરીની સાંજે ગૌતમ અદાણી તેમના નજીકના સંબંધી શાંતિલાલ પટેલ સાથે કારમાં બેસીને અમદાવાદની કર્ણાવતી ક્લબમાંથી મોહમ્મદપુરા રોડ તરફ જવાના હતા.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર રાજ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર, “એ વખતે કર્ણાવતી ક્લબ અમદાવાદની સૌથી મોટી ક્લબ હતી. ગૌતમ અદાણી કર્ણાવતી ક્લબની બહાર નીકળતા હતા ત્યારે જ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમની કારની આગળ એક સ્કૂટર આવી જતાં અદાણીએ કાર રોકવી પડી હતી. એ પછી તરત જ બાજુમાં ઊભેલી એક મારુતિ વાનમાંથી લગભગ છ પુરુષો બહાર નીકળ્યા હતા અને ગૌતમ અદાણી તથા શાંતિલાલ પટેલને બંદૂકની ધાક દાખવીને મારુતિ વાનમાં બેસાડી દીધા હતા”

અપહરણ પછી બન્નેને કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા. અપહરણની ઘટના ગુરુવારે બની હતી અને શનિવારે અદાણી તેમની ઘરે સહીસલામત પાછી પહોંચી ગયા હતા. આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અદાણી કઈ રીતે છૂટ્યા તેની અનેક કથાઓ

ઉત્તરપ્રદેશ કેડરના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને યુપી એસટીએફના સ્થાપકો પૈકીના એક રાજેશ પાંણ્ડેયે બીબીસીને કહ્યું હતું કે “લોકોનું અપહરણ કરવાની બબલુ શ્રીવાસ્તવ ગૅંગની આ જાણીતી મોડસ ઑપરેન્ડી હતી. અદાણીના અપહરણનું કાવતરું પણ બબલુ શ્રીવાસ્તવનું જ હતું.”

રાજ ગૌસ્વામીએ કહ્યું હતું કે “ગૌતમ અદાણીને પોલીસે છોડાવ્યા કે પછી તેઓ ભાગી છૂટ્યા હતા કે પછી તેમની મુક્તિ માટે પૈસા આપવામાં આવ્યા હતા એ બાબતે જાતજાતની વાતો થાય છે, પરંતુ તેઓ અપહરણકર્તાઓની ચુંગાલમાંથી તેઓ કઈ રીતે મુક્ત થયા એ વિશે ચોક્કસ કોઈ માહિતી નથી.”

બીજી તરફ રાજેશ પાણ્ડેયે દાવો કર્યો હતો કે “ગૌતમ અદાણીની મુક્તિ માટે અપહરણકર્તાઓને રૂ. પાંચ કરોડ ખંડણીપેટે ચૂકવવામાં આવ્યા હતા. એ નાણાં દુબઈમાં ઇરફાન ગોગાને આપવામાં આવ્યા હતા. ઇરફાન ગોગા બબલુ શ્રીવાસ્તવ ગૅંગ માટે ખંડણી વસૂલવાનું કામ કરતો હતો.”

રાજેશ પાણ્ડેયના જણાવ્યા મુજબ, આ વાત, અપહરણ તથા હત્યાના આરોપસર બરેલી જેલમાં સજા કાપી રહેલા બબલુ શ્રીવાસ્તવે પોતે તેમને જણાવી હતી. એ દિવસોમાં નાણાં ગેરકાયદે ટ્રાન્સફર કરવા માટે હવાલાનો વ્યાપક ઉપયોગ થતો હતો.

રાજેશ પાણ્ડેયના કહેવા મુજબ, ગૌતમ અદાણીને અમદાવાદમાં જ એક ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા. અદાણી અપહરણથી એટલા ડરી ગયા હતા કે તેમણે ક્યારેય જુબાની આપી જ ન હતી. તેથી અપહરણના બધા આરોપીને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા.

બધા આરોપીની મુક્તિ

અંગ્રેજી દૈનિક ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ગૌતમ અદાણીને મુક્ત કરવા માટે અપહરણકર્તાઓ રૂ. 15 કરોડની ખંડણી માગી હતી. આ ઘટના બાબતે નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ 2018ના અંત સુધીમાં તમામ આરોપીને મુક્ત કરવામાં આવ્યા હતા.

ગૌતમ અદાણીના અપહરણના મામલામાં 2009માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પહેલાં તેમાં ભૂતપૂર્વ ગૅંગસ્ટર ફઝલ ઉર રહેમાન ઉર્ફે ફઝલુ તથા ભોગીલાલ દરજી ઉર્ફે મામાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.

ફઝલુ મૂળ બિહારનો રહેવાસી હતો અને તેની 2006માં નેપાળની સરહદેથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ભોગીલાલને અપહરણના 14 વર્ષ બાદ 2012માં દુબઈમાંથી પકડીને ભારત લાવવામાં આવ્યો હતો.

જોકે, અદાલતમાં સુનાવણી દરમિયાન અપહરણકર્તાઓની ઓળખ માટે અદાણીએ કોઈ પહેલ કરી ન હતી એટલું જ નહીં, તેમણે અદાલતમાં ક્યારેય જુબાની પણ આપી ન હતી.

આ બન્ને મુખ્ય આરોપીને પુરાવાના અભાવે અદાલતે 2018માં મુક્ત કર્યા હતા. આ ઘટનાના અન્ય આરોપીઓને પણ પુરાવાના અભાવે જ છોડી મૂકવામાં આવ્યા હતા.

ગૌતમ અદાણીના અપહરણ પછી 1988ની છઠ્ઠી ડિસેમ્બરે ગુજરાતના મીઠાના વેપારી બાબુભાઈ સિંઘવીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજેશ પાણ્ડેયે કહ્યું હતું કે “બાબુભાઈ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની આજુબાજુ એક સ્કૂટર તથા મારુતિ વેનની હિલચાલ પર શંકા જતાં તેમણે તેમની કાર ભીડવાળા વિસ્તાર તરફ ભગાવી મૂકી હતી. આ ઘટના ગુજરાતના ભુજ જિલ્લામાં બની હતી.”

બાબુભાઈ દેશના તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના નજીકના માણસ હતા. તેથી પોલીસ આ બાબતે વધારે સક્રિય અને ગંભીર થઈ ગઈ હતી.

ભુજના તત્કાલીન પોલીસવડા કેશવ પ્રસાદને આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું હતું કે જે લોકોએ બાબુભાઈના અપહરણનો પ્રયાસ કર્યો હતો તેઓ ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, મુંબઈ, નેપાળ તથા દુબઈના કેટલાક ફોન નંબર પર સતત વાતચીત કરતા હતા.

એમાં પણ મોટા ભાગની વાતચીત લખનૌના એક નંબર પર જ થતી હતી. એ પછી કેશવ પ્રસાદે ઉત્તરપ્રદેશ પોલીસના આઈપીએસ અધિકારી તથા યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના તત્કાલીન વડા અરુણકુમારનો સંપર્ક કર્યો હતો.

બબલુ શ્રીવાસ્તવ ગૅંગની ભૂમિકા

કેશવ પ્રસાદને શંકા હતી કે અપહરણના એ પ્રયાસમાં ઉત્તરપ્રદેશના કુખ્યાત અપરાધી શ્રીપ્રકાશ શુક્લની ગુંડા ટોળકીની સંડોવણી હોઈ શકે છે, પરંતુ યુપીએસટીએફની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તે બબલુ શ્રીવાસ્તવની ટોળકીના લોકોનું કામ હતું. બબલુ શ્રીવાસ્તવ એક જમાનામાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ માટે કામ કરતો હતો.

1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટમાં નામ આવ્યા બાદ દાઉદ ઇબ્રાહીમની ગુંડા ટોળકી સાંપ્રદાયિક કારણસર તૂટી ગઈ હતી અને એ ટોળકીના બબલુ શ્રીવાસ્તવ તથા છોટા રાજન સહિતના અનેક ગુંડાઓએ પોતપોતાની અલગ ટોળકીઓ બનાવી હતી.

બબલુ શ્રીવાસ્તવને સીબીઆઈ 1995માં સિંગાપુરથી પકડીને ભારત લાવી હતી. રાજેશ પાણ્ડેયને જણાવ્યા મુજબ, એ સમયે બબલુ શ્રીવાસ્તવને અલાહાબાદ નજીકની નૈની જેલમાં રાખવામાં આવ્યો હતો.

યુપી એસટીએફની તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ગૌતમ અદાણીનું અપહરણ પણ બબલુ શ્રીવાસ્તવ ગૅંગે જ કરાવ્યું હતું. બબલુ જેલમાં રહીને તેની ગૅંગનું સંચાલન કરતો હતો.

રાજેશ પાણ્ડેયના જણાવ્યા મુજબ, બબલુ શ્રીવાસ્તવ અપહરણનું માસ્ટર માઇન્ડ ગણાતો હતો. તેણે દેશના 15થી વધારે કરોડપતિ વ્યવસાયીનું અપહરણ કરાવ્યું હતું અને તેમની મુક્તિના બદલામાં જંગી ખંડણી વસૂલી હતી.

રાજેશ પાણ્ડેયે કહ્યુ હતું કે “ગૌતમ અદાણીનું ગુરુવારે અપહરણ કરવામાં આવ્યાની અને એ પછી થઈ રહેલી ખંડણીની વાતોની વિશે બબલુ શ્રીવાસ્તવે જ મને જણાવ્યું હતું. અદાણીએ શનિવારે અપહરણકર્તાઓને જણાવ્યું હતું કે બૅન્ક આવતી કાલ સુધી બંધ રહેશે અને બૅન્ક વિના તેઓ રૂ. 15 કરોડ ચૂકવી શકશે નહીં. અદાણીએ તેમને એમ પણ કહ્યું હતું કે મને શોધી રહેલી પોલીસ આજે સાંજ સુધીમાં અહીં આવી પહોંચશે. પોલીસ હકીકતમાં ત્યાં પહોંચી ગઈ હતી.”

જોકે, આ તથ્યો સંદર્ભે ગૌતમ અદાણીનું કોઈ નિવેદન બીબીસી પાસે નથી.

રાજેશ પાણ્ડેયના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણીના અપહરણથી માંડીને બીજા અનેકના અપહરણ તથા હત્યાની ઘટનાઓ બાબતે તેઓ ‘કિસ્સાગોઈ’માં જણાવી ચૂક્યા છે, પરંતુ કોઈએ તેમના તથ્યો બાબતે સવાલ ઉઠાવ્યો નથી.

રાજેશ પાણ્ડેયનો દાવો છે કે આ સાંભળેલી વાતો નથી. અદાણીનું અપહરણ જેણે કરાવ્યું હતું તે બબલુ શ્રીવાસ્તવ સાથે મારી સીધી વાતચીત થઈ હતી.

1998 સુધીમાં ગૌતમ અદાણી ગુજરાતના મોટા બિઝનેસમૅન બની ગયા હતા. મોટા ભાઈના પ્લાસ્ટિકના બિઝનેસમાં જોડાઈને 1988થી 1992 દરમિયાન ગૌતમ અદાણીનો આયાતનો બિઝનેસ 100 ટનથી અનેક ગણો વધીને 40,000 ટનના સ્તરે પહોંચી ગયો હતો.

તેમણે ટૂંક સમયમાં નિકાસક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને ઝડપથી તેઓ મોટા નિકાસકાર બની ગયા હતા. તેઓ લગભગ દરેક ચીજની નિકાસ કરતા હતા.

એ પછી મુંદ્રા પોર્ટ સાથે જોડાયા બાદ અદાણીના બિઝનેસનો જબરો વિસ્તાર થયો હતો.

રાજેશ પાણ્ડેય માને છે કે એ સમય સુધી અદાણી રાષ્ટ્રીયસ્તરે બહુ વિખ્યાત હોય તેવા ઉદ્યોગપતિ ન હતા. તેથી તેમના અપહરણની કથા બાબતે લોકો ખાસ કશું જાણતા નથી.