અદાણી ગ્રૂપમાં LICના ‘મોટા રોકાણ’ બાબતે કેમ થઈ રહ્યા છે સવાલ?

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરનારી વીમા કંપનીઓમાં 98 ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળની એલઆઈસીનો જ છે
  • બોમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જના આંકડા મુજબ, એલઆઈસીની અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 4.23 ટકા અને અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા હતી
  • અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા અને અદાણી ગ્રીન એનર્જીમાં 1.28 ટકા હતી
  • અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા અને અદાણી વિલ્મરમાં 0.04 ટકા હિસ્સેદારી હતી
  • એલઆઈસીના 28 કરોડથી વધુ પૉલિસીધારક છે
  • એલઆઈસીના નિવેદન મુજબ, તેમણે અદાણી જૂથની કંપનીઓના રૂ. 30,142 કરોડના શેર્સ ખરીદ્યા છે અને 27 જાન્યુઆરીએ તેનો બજાર ભાવ રૂ. 56,142 કરોડ હતો
  • હાલ અદાણી જૂથમાં એલઆઈસીનું કુલ રૂ.36,474. 78 કરોડનું રોકાણ છે
  • કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 41.66 લાખ કરોડની છે અને આ રીતે અદાણી જૂથમાં તેના રોકાણની કુલ બૂક વેલ્યુ 0.975 ટકા જ છે

“સરકારમાં 40 વર્ષ રહ્યો છું એટલે જાણું છું કે ભારતીય જીવન વીમા નિગમે (એલઆઈસી) મોટા રોકાણ માટે નાણા પ્રધાન કે વડા પ્રધાનની મંજૂરી લેવી પડે છે. મધ્યમ વર્ગ માટે અત્યંત મહત્ત્વની એક સંસ્થાને બરબાદ કરવા એ લોકો આટલા આતુર કેમ છે તેની મને ખબર નથી.”

- જવાહર સરકાર, રાજ્યસભાના સાંસદ, તૃણમૂલ કૉંગ્રેસ

“એલઆઈસીમાં કરોડો સામાન્ય ભારતીયોના પૈસા છે. એ માત્ર પૈસા નથી, સપનાં છે. તેમનું સલામતી કવચ છે. આ રીતે માર્કેટમાં અફવા ફેલાવીને ભ્રમ સર્જવો ન જોઈએ. એક ઉદ્યોગપતિ તમારા દુશ્મન હોઈ શકે છે, પરંતુ તેનો બદલો કરોડો સામાન્ય લોકોની જિંદગી સાથે રમત રમીને ન લેવો જોઈએ.”

- સુષમા પાંડે

અમેરિકાની ફોરેન્સિક ફાઈનેન્શિયલ એજન્સી હિંડનબર્ગે ગયા સપ્તાહે એક રિપોર્ટ બહાર પાડીને અદાણી જૂથની કંપનીઓ પર અનેક ગંભીર આરોપ મૂક્યા હતા. તે આરોપોમાં કંપનીના શૅરના ભાવમાં ખોટી રીતે વધારો કરવાના, બનાવટી કંપનીઓ મારફત હવાલા કારોબાર અને ઑડિટિંગ સંબંધે કુલ 88 સવાલ પૂછવામાં આવ્યા હતા.

અદાણી જૂથે હિંડનબર્ગના 88 સવાલોના જવાબ 413 પાનાના નિવેદનમાં આપ્યા હતા. અદાણી જૂથે જણાવ્યુ હતું કે હિંડનબર્ગે ‘બદ ઈરાદા’ સાથે આક્ષેપ કર્યા છે. અદાણી જૂથે શોર્ટ સેર હિંડનબર્ગના આરોપોને ‘ભારત તથા તેની સ્વતંત્ર સંસ્થાઓ પરના સુનિયોજિત હુમલો’ ગણાવ્યા હતા.

અદાણી જૂથને નુકસાન

હિંડનબર્ગના રિપોર્ટ બાદ શૅરબજારના કારોબારી સત્રોમાં અદાણી જૂથના રોકાણકારોને મોટો ફટકો લાગ્યો હતો અને જેમને નુકસાન થયું છે એવા કેટલાક મોટા રોકાણકારોના નામ પણ સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ થવા લાગ્યાં હતાં. તેમાં મુખ્યત્વે એલઆઈસીની ચર્ચા હતી. કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે અન્ય વીમા કંપનીઓ અદાણી જૂથમાં રોકાણ કરવાથી દૂર રહે છે ત્યારે એલઆઈસીએ અદાણી જૂથની કંપનીઓમાં કઈ વ્યૂહરચના હેઠળ ‘મોટું રોકાણ’ કર્યું હતું ?

બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, એલઆઈસીને બાદ કરતાં બીજી એકેય વીમા કંપનીએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરવામાં રસ લીધો નથી. અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરનારી વીમા કંપનીઓમાં 98 ટકા હિસ્સો સરકારના નિયંત્રણ હેઠળની એલઆઈસીનો જ છે.

બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જ પરના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના આંકડા મુજબ, એલઆઈસીની અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 4.23 ટકા, અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 1.28 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા અને અદાણી વિલ્મરમાં 0.04 ટકા હિસ્સેદારી હતી.

રોકાણકારોની ચિંતા

વાસ્તવમાં અદાણી વિરુદ્ધના હિંડનબર્ગના રિપોર્ટ પહેલાં પણ આવેલા કેટલાક સમાચાર રોકાણકારો માટે ચિંતાનું કારણ બન્યા હતા.

તૃણમૂલ કૉંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મિત્રના એક સવાલના જવાબમાંં રાજ્ય કક્ષાના નાણા પ્રધાન પંકજ ચૌધરીએ 2021ની 19 જુલાઈએ જણાવ્યું હતું કે સિક્યુરિટીઝ એન્ડ ઍક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તેના નિયમોના પાલન સંબંધે અદાણી જૂથની અનેક કંપનીઓ સામે તપાસ કરી રહ્યું છે.

અલબત, પંકજ ચૌધરીએ તે કંપનીનાં નામ જણાવ્યાં ન હતાં. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) પણ અદાણી જૂથની અનેક કંપનીની તપાસ કરી રહ્યું છે.

એલઆઈસીના રોકાણકારોએ ચિંતા કરવી જોઈએ?

એલઆઈસીના 28 કરોડથી વધુ પૉલિસીધારક છે. એમની પાસેથી મળતા નાણાંનું રોકાણ એલઆઈસી શેરો, સરકારી બૉન્ડ્ઝ સહિતની ઘણી સંપત્તિમાં કરે છે. તેમાંથી મળતા નાણાં એલઆઈસી તેના પૉલિસીધારકોને આપે છે. એલઆઈસીના પૉલિસીધારકોમાં મોટો હિસ્સો મધ્યમ વર્ગ તથા પગારદાર કર્મચારીઓનો છે. તેથી એલઆઈસી તેનો ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો એવી રીતે તૈયાર કરશે કે વધુ જોખમ ન ઉઠાવવું પડે અને પૉલિસીધારકોને તેમના નાણાં નફા સાથે પાછા મળે, એવી આશા રાખવામાં આવે છે.

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે અદાણી જૂથમાં એલઆઈસીના મોટા રોકાણ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે એલઆઈસીએ લોકોની બચતના નાણાંનું જોખમી રોકાણ કર્યું છે.

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે અદાણી જૂથ વિરુદ્ધના હિંડનબર્ગ રિપોર્ટના આક્ષેપ સાચા સાબિત થશે તો જેમણે જીવનભરની કમાણીનું એલઆઈસીમાં રોકાણ કર્યું છે એવા કરોડો ભારતીયો બરબાદ થઈ જશે.

હિંડનબર્ગ રિપોર્ટ પછીની રાજકીય નિવેદનબાજી અને સોશિયલ મીડિયામાં અદાણી જૂથમાં એલઆઈસીના રોકાણ બાબતે સવાલ ઊઠી રહ્યા છે ત્યારે એલઆઈસીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

એલઆઈસીએ સોમવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેણે પાછલાં ઘણાં વર્ષોમાં અદાણી જૂથની કંપનીઓના રૂ. 30,142 કરોડના શેર્સ ખરીદ્યા છે અને 27 જાન્યુઆરીએ તેનો બજાર ભાવ રૂ. 56,142 કરોડ હતો. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં શેર્સ તથા કરજ એમ બધું મળીને તેણે અદાણી જૂથની કંપનીઓમાં કુલ રૂ. 35,917 કરોડનું રોકાણ કર્યું છે. હાલ અદાણી જૂથમાં એલઆઈસીનું કુલ રૂ.36,474. 78 કરોડનું રોકાણ છે.

એલઆઈસીએ એમ પણ જણાવ્યું હતું કે તેની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 41.66 લાખ કરોડની છે અને આ રીતે અદાણી જૂથમાં તેના રોકાણની કુલ બૂક વેલ્યુ 0.975 ટકા જ છે.

અદાણી જૂથની મુશ્કેલી વધી

હિંડનબર્ગનો રિપોર્ટ જાહેર થયા પછી ગયા સપ્તાહના બે કારોબારી સત્રમાં અદાણી જૂથની કંપનીઓના શેરોને મોટો ફટકો લાગ્યો છે.

અદાણી જૂથના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે “આ માત્ર કોઈ કંપની વિશેષ પરનો અવાંચ્છીત હુમલો જ નહીં, પરંતુ ભારત તથા તેની સંસ્થાઓની ગુણવત્તા, ઈમાનદારી અને સ્વાતંત્ર્ય ઉપરાંત ભારતના મહત્વાકાંક્ષા તથા તેના વિકાસની ગાથા પરનો સુનિયોજિત હુમલો પણ છે.”

સોમવારે શૅર બજારની કામગીરી શરૂ થઈ ત્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી પોર્ટ્સના શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી હતી, પરંતુ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીના શૅર વેચવાલીની પકડમાંથી છૂટી શક્યા ન હતા. અદાણી ગ્રીનનો શૅર તો વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

જોકે, શૅર બજારના વિશ્લેષક આસિફ ઇકબાલે કહ્યું હતું કે “અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી પૉર્ટ્સના શેરોમાંનો ઉછાળો શોર્ટ કવરિંગનું પરિણામ છે.”

શોર્ટ કવરિંગ એટલે આ શેરોમાં નીચા સ્તરે મંદીવાળાઓ દ્વારા કરવામાં આવતી ખરીદી.

આસિફે ઉમેર્યું હતું કે “હિંડનબર્ગના રિપોર્ટને પગલે અદાણી જૂથની કંપનીઓની મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત આવશે એ કહેવું અત્યારે કવેળાનું ગણાશે. અદાણી જૂથના 413 પેજના જાહેર નિવેદન પછી પણ કોર્પોરેટ ગવર્નન્સ સંબંધી કેટલાક સવાલોના જવાબ મળવા બાકી છે. એ સવાલોના સ્પષ્ટ જવાબ મળ્યા નથી.”

એમએસસીઆઈ સંકટ ઘેરું બનાવી શકે

અદાણી જૂથ સામે એક અન્ય મુશ્કેલી પણ છે, જે આગામી દિવસોમાં ગ્રૂપ કંપનીઓના શૅર પર નકારાત્મક અસર કરી શકે છે. તે છે મોર્ગન સ્ટેન્લી કેપિટલ ઇન્ટરનેશનલ (એમએસસીઆઈ)નો સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સમાં અદાણી જૂથના આઠ કંપની સામેલ છે અને તેનું વેઇટેજ 5.75 ટકા છે.

એમએસસીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી જૂથે હિંડનબર્ગના સવાલો બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ. નુવામા ઓલ્ટરનેટિવ એન્ડ કોન્કિટટેટિવ રિસર્ચના જણાવ્યા મુજબ, એમએસસીઆઈ અદાણી જૂથની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમાં કંપનીઓના શેરોનું વેઇટેજ ઘટાડવાનો પણ સમાવેશ થાય છે.

આ પગલું લેવામાં આવશે તો વિદેશી રોકાણકારોનો ભરોસો ઘટશે. રિસર્ચ ફર્મના જણાવ્યા મુજબ, વેઈટેજમાં ઘટાડો થશે તો અદાણી જૂથની કંપનીઓના શેરોમાં 1.5 અબજ ડોલરની વેચવાલી થઈ શકે છે.

આસિફે કહ્યું હતું કે “એમએસસીઆઈની વેઈટેજ ઘટાડવાની કે શેરોને ઈન્ડેક્સમાંથી પડતા મૂકવાની એક પ્રક્રિયા છે. ફીડબેકની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે આવો નિર્ણય કદાચ નહીં કરે. શેરોના ભાવમાં મોટી ચડ-ઉતર થશે તો આ શેરો પર ઈન્ડેક્સમાંથી પડતા મૂકાવાનું જોખમ રહે છે.”

કરજનો બોજ

હિંડનબર્ગે તેના રિપોર્ટમાં એવો દાવો પણ કર્યો હતો કે અદાણી જૂથ પર કરજનો મોટો બોજો છે. જોકે, ગૌતમ અદાણીને ગત દિવસોમાં એક ઈન્ટર્વ્યૂમાં એવું પૂછવામાં આવ્યું હતું કે તેમના પર રૂ. બે લાખ કરોડનું કરજ છે ત્યારે તેઓ લોકોના પૈસા વડે બિઝનેસ વિસ્તારી રહ્યા છે. એ સવાલના જવાબમાં ગૌતમ અદાણીએ પોતાનો દૃષ્ટિકોણ જણાવ્યો હતો અને એ દાવાઓને ખોટા ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે “લોકો હકીકત જાણ્યા વિના જ ચિંતા વ્યક્ત કરતા હોય છે. નવ વર્ષ પહેલાં અમારા પરના કુલ કરજમાં 86 ટકા હિસ્સો ભારતીય બૅંકોનો હતો એ સાચી વાત છે, પણ હવે તે ઘટીને 32 ટકા થઈ ગયો છે. અમારા પરના કરજમાં હવે લગભગ 50 ટકા હિસ્સો ઇન્ટરનેશનલ બોન્ડ્ઝનો છે.”

દરમિયાન એક વિદેશી ઇક્વિટી ફર્મ સીએલએસે પણ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અદાણી જૂથની અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પૉર્ટ્સ, અદાણી પાવર, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશન પર કુલ રૂ. 2.1 લાખ કરોડનું કરજ છે. જોકે, અદાણી જૂથ પર જે કુલ કરજ છે તેના 40 ટકા હિસ્સાની લૉન ભારતીય બૅન્કોમાંથી લેવામાં આવી હોવાની હકીકતની નોંધ પણ આ રિપોર્ટમાં લેવામાં આવી છે.