'તારી હેસિયત શું છે?' એવું કહેનાર કલેક્ટરની બદલી કરાવનાર ટ્રક ડ્રાઇવર કોણ છે?

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, ભોપાલથી, બીબીસી માટે

મધ્ય પ્રદેશના શાજાપુરમાં કલેક્ટર સાથે થયેલા વિવાદથી ચર્ચામાં આવેલા ટ્રક ડ્રાઇવર પપ્પુ આહીરવારે કહ્યું છે કે તેઓ તો માત્ર ટ્રક ડ્રાઇવરોને પડતી મુશ્કેલીઓ વિશે કલેક્ટરને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા.

તેમણે બીબીસી સાથે વાતચીતમાં તેમના પર કલેક્ટરની વાતને અવગણવા મુદ્દે લાગી રહેલા આરોપોને નકાર્યા હતા.

બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર 18 સેકન્ડનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં ટ્રક ડ્રાઇવરો સાથે વાત કરતા મધ્ય પ્રદેશના શાજાપુરના કલેક્ટર કિશોર કાન્યાલે એક ડ્રાઇવરને પૂછ્યું હતું કે, “તારી હેસિયત શું છે?”

દેશમાં હિટ ઍન્ડ રન મામલે સજાના નવા નિયમોને લઇને ટ્રક, ટૅક્સી ડ્રાઇવર અને બસ ઑપરેટરોનાં સંગઠનોએ દેશભરમાં હડતાળ પાડી હતી.

તે દરમિયાન ટ્રક ડ્રાઇવરોનો એક સમૂહ વાતચીત માટે કલેક્ટર પાસે પહોંચ્યો હતો જેમાં વાતચીત દરમિયાન કલેક્ટર નારાજ થઈ ગયા હતા.

વિવાદ વધ્યા બાદ રાજ્યના મુખ્ય મંત્રી મોહન યાદવે કલેક્ટરને પદ પરથી હઠાવી દીધા છે અને કહ્યું છે કે "અધિકારીઓએ તેમની ભાષા અને વર્તનનું ધ્યાન રાખવું જોઈએ."

વિવાદોમાં ઘેરાયેલા કલેક્ટર કિશોર કાન્યાલે કહ્યું છે કે તેમણે જે કંઈ કહ્યું તે કોઈને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી નથી કહ્યું પણ તેઓ ડ્રાઈવરને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા.

ટ્રક ડ્રાઇવર પપ્પુ આહીરવારે શું કહ્યું?

પપ્પુ આહીરવારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે કલેક્ટર જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ કોઈ પ્રકારનો અવરોધ ઊભો કરી રહ્યા ન હતા પણ તેમની વાત સાંભળ્યા બાદ વહીવટીતંત્ર કોઈ ઉકેલ કાઢશે તેવી આશા સાથે પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા.

પપ્પુએ કહ્યું, "હું પહેલાં સાંભળી રહ્યો હતો કે તેઓ (કલેક્ટરસાહેબ) શું કહી રહ્યા હતા અને પછી મારાં મંતવ્યો રજૂ કરી રહ્યો હતો. હું દરેક ટ્રક ડ્રાઇવરને આવતી સમસ્યાઓ વિશે વાત કરી રહ્યો હતો."

તેમણે એમ પણ કહ્યું, "હું રસ્તા પર ટ્રક ડ્રાઇવરો સાથે પોલીસ અથવા આરટીઓ અધિકારીઓ જે રીતે વર્તન કરે છે તેના વિશે વાત કરી રહ્યો હતો. આ સિવાય ક્યારેક સામાન્ય લોકો પણ ટ્રક ડ્રાઇવરો સાથે ગેરવર્તણૂક કરતા હોય છે અને ક્યારેક તેઓ અમારા પર ચોરીનો આરોપ પણ લગાવે છે."

"હું આવા કેસો વિશે વાત કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે આવી ઘટનાઓને ટાળવા માટે કોઈ કાયદો નથી."

પપ્પુ કહે છે કે તેમને આશા હતી કે તેનાં મંતવ્યો સાંભળવામાં આવશે અને વહીવટીતંત્ર કોઈ ઉકેલ શોધી કાઢશે.

પરંતુ આ દરમિયાન પપ્પુની વાતથી ગુસ્સે થઈને કલેક્ટર કિશોર કાન્યાલ વીડિયોમાં એવું કહેતા જોવા મળ્યા હતા કે, તારી હેસિયત શું છે?

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં કલેક્ટરના આ સવાલના જવાબમાં પપ્પુ કહે છે, "અમારી લડાઈ જ એ વાતને લઈને છે કે અમારી કોઈ હેસિયત નથી. અમે હાથ જોડીને તમારી સામે માત્ર વિનંતી જ કરી રહ્યા છીએ."

મુખ્ય મંત્રીએ ભર્યું કડક પગલું

આ વીડિયો વાઇરલ થયા બાદ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી ડૉ. મોહન યાદવે કલેક્ટર કિશોર કાન્યાલને તેના પદ પરથી હઠાવી દીધા છે.

તેમણે કહ્યું હતું કે, “મારા ધ્યાને આ મામલો આવ્યો હતો અને જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે અધિકારીને શોભે તેવી ભાષા નથી. અધિકારી ભલે ગમે તેટલો મોટો હોય તેણે ગરીબના વ્યવસાયનું પણ સન્માન કરવું જોઈએ અને તેની ભાવનાઓની પણ કદર કરવી જોઈએ. માનવતાને નાતે આ ભાષા અમારી સરકારમાં તો સહન નહીં થાય.”

તેમણે કહ્યું, “હું પોતે એક મજૂરી કરનાર પરિવારમાંથી આવું છું. હું માનું છું કે હવે કોઈ અધિકારી આવી ભાષા બોલે છે તો તેને વ્યવસ્થાતંત્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી. હું આશા રાખું છું કે જે અધિકારી આ પદ પર આવશે તે ભાષા અને વ્યવહારનું ધ્યાન રાખશે.”

કલેક્ટર કિશોર કાન્યાલે આપી સ્પષ્ટતા

પદ પરથી હઠાવાયા તે પહેલાં કિશોર કાન્યાલે પણ આ મામલે ચોખવટ કરી હતી.

કલેક્ટર શાજાપુરના હૅન્ડલ પરથી પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, "અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે કોઈ પણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડે. જો તમે તમારો વિરોધ શાંતિપૂર્ણ રીતે કરવા માગો છો તો તેમાં કોઈ વાંધો નથી."

કાન્યાલ કહે છે, "આ જ વાતને લઈને એક વ્યક્તિએ વારંવાર કહેવાનું શરૂ કર્યું કે જો ત્રણ તારીખ પછી અમારો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો અમે કોઈ પણ સ્તરે જઈને કાયદો અને વ્યવસ્થા બગાડી શકીએ છીએ. હું આ વાત પર ગુસ્સે થયો હતો. હું ફરીથી સ્પષ્ટ કરવા માગું છું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી અમારી છે. અમે કોઈ પણ સંજોગોમાં આવી સ્થિતિ ઊભી થવા દઈશું નહીં."

જિલ્લા અધિકારી પર ઉઠાવાયેલા પગલા અંગે પૂછતાં પપ્પુ આહીરવારે કહ્યું, “જે કર્યું તે સરકારે કર્યું છે, હું તેના પર શું કહી શકું.”

પપ્પુ આહીરવારે એમ પણ કહ્યું હતું કે કોરોના મહામારી સમયે દેશભરમાં ટ્રક ડ્રાઇવરોએ જે સેવાભાવ દર્શાવ્યો તેની ચર્ચા લોકો કરતા નથી.

તેમણે કહ્યું, “અમે અમારા પરિવારોથી કેટલાય મહિનાઓ સુધી દૂર રહ્યા પણ અમારી વાત કોઈએ ન કરી. આ વિચારીને દુ:ખ પણ થાય છે.”

કોણ છે પપ્પુ આહીરવાર?

26 વર્ષીય પપ્પુ આહીરવાર શાજાપુર શહેરથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલા બમોરી ગામના રહેવાસી છે.

તેમનું કહેવું છે કે તેઓ 18 વર્ષની ઉંમરથી ટ્રક ચલાવે છે. ટ્રક ચલાવતા પહેલાં તેમણે ત્રણ વર્ષ કંડક્ટર તરીકે કામ કર્યું હતું.

તેમનાં પત્ની અને બે બાળકો ઉપરાંત, પપ્પુના પરિવારમાં તેમનાં માતા-પિતા પણ સામેલ છે, જે તેની આવક પર નિર્ભર છે.

પપ્પુ કહે છે કે તેના પરિવાર પાસે થોડી ખેતીની જમીન છે પણ તે જીવનનિર્વાહ માટે પૂરતી નથી. તેમનું કહેવું છે કે સરકારે સંવેદનશીલ વલણ અપનાવવું જોઈએ અને ટ્રક ડ્રાઇવરોની વાત સાંભળવી જોઈએ, ત્યારબાદ તેમણે કાયદો બનાવવો જોઈએ.

છેલ્લા 24 કલાકમાં પપ્પુ આહીરવારને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આના પર તેઓ કહે છે, "મને ફેમસ થવામાં રસ નથી. હું ઇચ્છું છું કે અમારાં મંતવ્યો સાંભળવામાં આવે અને અમારી સમસ્યાનો ઉકેલ આવે."

પપ્પુ કહે છે કે સરકારે કડક કાયદો બનાવવો જોઈએ.

તેઓ કહે છે, "જે લોકો દારૂ પીને ટ્રક ચલાવે છે અથવા કાયદાનું પાલન નથી કરતા, તેમના માટે કડક કાયદો બનાવવો જોઈએ. પરંતુ જે લોકો કાયદાનું પાલન કરે છે તેમને બિનજરૂરી રીતે હેરાન ન કરવા જોઈએ."

કેમ ટ્રક ડ્રાઇવરો કરી રહ્યા છે વિરોધ?

હાલમાં જ સંસદમાં પસાર થયેલા ભારતીય ન્યાય સંહિતામાં ‘હિટ ઍન્ડ રન’ મામલામાં સજા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેની સામે ટ્રક, ટૅક્સી અને બસ ઑપરેટરોના એક સંગઠને પહેલી જાન્યુઆરીથી દેશભરમાં હડતાળ પાડી હતી.

હડતાળની અસર દેશભરમાં જોવા મળી હતી.

આ કાયદા હેઠળ, 'હિટ ઍન્ડ રન' કેસ (કલમ 106/2)માં બેદરકારીને કારણે અકસ્માતના સ્થળેથી ભાગી જનારા ડ્રાઇવરો માટે દસ વર્ષની કેદ અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

અત્યાર સુધી જે કાયદા અમલમાં હતા તે અંતર્ગત વાહનોની અડફેટે આવતા મૃત્યુના કેસમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો આરોપ લાગતો હતો અને આવા કેસમાં ડ્રાઇવરને સરળતાથી જામીન મળી જતા હતા. તેમાં બે વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી.

પરંતુ સરકારે નવો કાયદો ઘણો કડક બનાવ્યો છે, જેના કારણે ટ્રક ડ્રાઇવરોની સાથે ટૅક્સી અને બસ ઑપરેટરો પણ રસ્તા પર આવી ગયા છે.

ડ્રાઇવરોનું કહેવું છે કે ડ્રાઇવરો અકસ્માત સ્થળેથી ભાગી જાય છે, કારણ કે તેમને ડર છે કે જો તેઓ પકડાઈ જશે તો લોકો તેમને માર મારીને જ મારી નાખશે.

મોટા ભાગના ટ્રક ડ્રાઇવરો માને છે કે આવી કડક જોગવાઈને કારણે તેમના માટે ટ્રક ચલાવવી મુશ્કેલ બની જશે અને તેમનો રોજગાર ખતમ થઈ જશે.

દેશભરમાં વિરોધપ્રદર્શન બાદ મંગળવારે ઑલ ઇન્ડિયા ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસ અને સરકાર વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. કેન્દ્ર સરકારે હવે કાયદો અમલમાં નહીં આવે તેવી ખાતરી આપ્યા બાદ હડતાળ પાછી ખેંચી લેવાઈ હતી.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, "ડ્રાઇવરોની ચિંતાઓને ધ્યાને લેતાં સરકારે ઑલ ઇન્ડિયા ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસ સાથે ચર્ચા કરી છે. અમે કહેવા માગીએ છીએ કે આ નવા કાયદા અને જોગવાઈઓને લાગુ કરવામાં આવી નથી. તેમને લાગુ કરતા પહેલાં ઑલ ઇન્ડિયા ટ્રાન્સપૉર્ટ કૉંગ્રેસ સાથે ચર્ચા કરવામાં આવશે."