You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ 2023 : ગત વર્ષના બજેટમાં આપવામાં આવેલાં વચનોનું કેટલી હદે પાલન થયું?
- લેેખક, શ્રુતિ મેનન અને શાદાબ નઝમી
- પદ, બીબીસી સંવાદદાતા
- એક વર્ષ પહેલાં જાહેર કરવામાં આવેલા બજેટ પછી શું પ્રગતિ થઈ તે જાણવા માટે અમે સત્તાવાર આંકડા પર નજર કરી હતી
- પીએમએવાય યોજનાના શહેરી હિસ્સાના કામકાજ પર નજર રાખતા આવાસ તથા શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે તે પોતાના લક્ષ્યાંકથી પાછળ છે
- ગયા ઑગસ્ટમાં મંત્રાલયે ડૅડલાઇન લંબાવવાની અને કેન્દ્ર સરકાર પાસે વધુ નાણાકીય સહાયની માગણી કરી હતી
- જળ સંસાધન મંત્રાલયના આંકડા મુજબ, વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં 1.7 કરોડ ઘરમાં જ પાણીના કનેક્ષન પૂરાં પાડી શકાયાં છે, જે લક્ષ્યાંક કરતાં 50 ટકા ઓછાં છે
- માર્ગ નિર્માણની ગતિ 2020-21ના પ્રતિ દિન 37 કિલોમિટરથી ઘટીને 2021-22માં પ્રતિ દિન 29 કિલોમિટરથી ઘટીને આ વર્ષે આશરે 21 કિલોમિટર થઈ હતી
દેશમાં 2024માં સંસદીય ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના વડપણ હેઠળની વર્તમાન સરકાર આવતા મહિને તેનું છેલ્લું બજેટ રજૂ કરશે.
એક વર્ષ પહેલાં જાહેર કરવામાં આવેલા બજેટ પછી શું પ્રગતિ થઈ તે જાણવા માટે અમે સત્તાવાર આંકડા પર નજર કરી હતી.
આર્થિક વિકાસ અને ખર્ચનાં વચન
નાણા પ્રધાન નિર્મલા સિતારમણે 2022ના બજેટમાં જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર “9.2 ટકા રહેવાનો અંદાજ છે, જે તમામ મોટાં અર્થતંત્રોમાં સૌથી વધારે હશે.”
જોકે, વૈશ્વિક મંદીના ભય અને યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી વધતા ઊર્જાના ભાવને ધ્યાનમાં લઇને રિઝર્વ બૅંકે ગયા ડિસેમ્બરમાં વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 6.8 ટકા કર્યો હતો.
વૃદ્ધિદરના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં વર્લ્ડ બૅંકે જણાવ્યું હતું કે વિશ્વના સાત ઊભરતા અને વિકાસશીલ અર્થતંત્રોમાં ભારત “સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર” બની રહેવાની આશા છે.
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિએવાએ ગયા મહિને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર “વૈશ્વિક સરેરાશ કરતાં બહેતર” પ્રદર્શન કરી રહ્યું છે.
આંકડા મંત્રાલયના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 13.5 ટકા વધ્યું હતું, પરંતુ કાચા માલ તથા ઊર્જાના વધતા ભાવને લીધે મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર ધીમું પડતાં બીજા ત્રિમાસિક ગાળામાં તે વૃદ્ધિ ઘટીને 6.3 ટકા થઈ ગઈ હતી.
રિઝર્વ બૅંકના આંકડા મુજબ, સરકારે રાજકોષીય ખાધનું લક્ષ્યાંક જીડીપીના 6.4 ટકાના સ્તરે રાખવાનું નક્કી કર્યું હતું. તે અત્યાર સુધી એ સ્તરે જળવાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોવિડ સંબંધે સરકારી નાણાંની માગ હળવી થતાં આ વર્ષનું લક્ષ્યાંક 2020ના 9.1 ટકા અને 2021ના 6.7 ટકા કરતાં ઓછું નક્કી કરવામાં આવ્યું હતું.
જોકે, રિઝર્વ બૅંકના આંકડા દર્શાવે છે કે ઊંચા આયાત ખર્ચ અને ફૂડ, ઇંધણ તથા ખાતર પરની સબસિડીને કારણે ખર્ચનું પ્રમાણ રૂ. 39.45 ટ્રિલિયનના નિર્ધારિત સ્તરથી વધશે.
લોકકલ્યાણ કાર્યક્રમો
તમામ નાગરિકો માટે ઘરના નિર્માણની પ્રધાનમંત્રી આવાસ યોજના(પીએમએવાય)નો પ્રારંભ 2015માં કરવામાં આવ્યો હતો અને તે નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય યોજનાઓ પૈકીની એક છે.
2022-23માં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં લાયક લાભાર્થીઓ માટે 80 લાખ ઘરના નિર્માણના વચન સાથે ગત બજેટમાં રૂ. 480 અબજ ફાળવવામાં આવ્યા હતા.
ફાળવણીમાં ગ્રામ્ય અને શહેરી આવાસોનો સમાવેશ થાય છે, પરંતુ તેનું અમલીકરણ વિવિધ મંત્રાલય કરી રહ્યાં છે.
પીએમએવાય યોજનાના શહેરી હિસ્સાના કામકાજ પર નજર રાખતા આવાસ તથા શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે તે પોતાના લક્ષ્યાંકથી પાછળ છે. ગયા ઑગસ્ટમાં મંત્રાલયે ડૅડલાઇન લંબાવવાની અને કેન્દ્ર સરકાર પાસે વધુ નાણાકીય સહાયની માગણી કરી હતી. પછી તે ડૅડલાઇન લંબાવીને ડિસેમ્બર-2024 કરવામાં આવી હતી.
પીએમએવાયના અમલીકરણનું કામકાજ કરતા વિવિધ મંત્રાલયોના આંકડા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષમાં પહેલી એપ્રિલ, 2022થી 23 જાન્યુઆરી, 2023 સુધી શહેરી વિસ્તારોમાં 12 લાખ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 26 લાખ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેનો અર્થ એ થાય કે સરકાર તેના લક્ષ્યાંક કરતાં 42 લાખ ઓછા આવાસનું નિર્માણ કરી શકી છે.
“2022-23માં 3.8 કરોડ ઘરમાં પાણીનું કનેક્ષન પહોંચાડવાના હેતુ સાથે” નાણાં મંત્રાલયે પણ રૂ. 600 અબજ ફાળવ્યા હતા.
જળ સંસાધન મંત્રાલયના આંકડા મુજબ, વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં 1.7 કરોડ ઘરમાં જ પાણીના કનેક્ષન પૂરાં પાડી શકાયાં છે, જે લક્ષ્યાંક કરતાં 50 ટકા ઓછાં છે.
આ યોજનાનો પ્રારંભ ઑગસ્ટ, 2019માં કરવામાં આવ્યો હતો અને પ્રારંભથી અત્યાર સુધીમાં 7.7 કરોડ ઘરમાં પાણીના કનેક્ષન આપવામાં આવ્યાં છે.
માર્ગ નિર્માણ ધીમું પડ્યું
નેશનલ હાઈવે નેટવર્કમાં “2022-23માં 25,000 કિલોમિટર વિસ્તારવામાં આવશે,” એવી જાહેરાત પણ નાણા મંત્રાલયે ગયા વર્ષે કરી હતી.
તે 25,000 કિલોમિટરમાં નવા માર્ગના નિર્માણ તેમજ વર્તમાન માર્ગોના વિકાસ અને સ્ટેટ હાઈવેઝને નેશનલ હાઈવેઝ જાહેર કરવાનો સમાવેશ થતો હતો.
ઐ પૈકી વર્તમાન નાણાકીય વર્ષમાં 12,000 કિલોમિટર માર્ગના નિર્માણનું લક્ષ્યાંક માર્ગ પરિવહન તથા હાઈવેઝ મંત્રાલયે નક્કી કર્યું હતું.
મંત્રાલય દ્વારા પ્રકાશિત તાજા આંકડા જણાવે છે કે એપ્રિલથી ડિસેમ્બર-2022 દરમિયાન કુલ 5,774 કિલોમીટર માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષના જાન્યુઆરી સુધીના આંકડા હજુ મળ્યા નથી.
આગલા વર્ષોના આંકડા મુજબ, માર્ગ નિર્માણની ગતિ 2020-21ના પ્રતિ દિન 37 કિલોમિટરથી ઘટીને 2021-22માં પ્રતિ દિન 29 કિલોમિટરથી ઘટીને આ વર્ષે આશરે 21 કિલોમિટર થઈ હતી.