You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણ અને લાલ કપડાંમાં ખાતાવહીનો સંબંધ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
2019માં બજેટ રજૂ કરવા જતાં પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયની બહાર 'લાલ પૉર્ટફોલિયો' સાથે પૉઝ આપ્યો હતો. રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુર પણ તેમની સાથે હતા.
આ પહેલાં નાણાપ્રધાનો 'લેધર બ્રીફકેસ પૉઝ' માટે ટેવાયેલા હતા.
લગભગ પાંચ દાયકા બાદ સીતારમણ સ્વરૂપે દેશને પ્રથમ પૂર્ણકાલિક મહિલા નાણામંત્રી મળ્યાં હતાં અને તેમણે બ્રીફકેસની પરંપરાને તિલાંજલી આપી હતી.
બ્રીફકેસ વિરુદ્ધ ખાતા-વહી
જુલાઈ-2019માં મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે તેની પાછળનો તર્ક સમજાવતા કહ્યું:
"બ્રીફકેસને બદલે લાલ કપડાંમાં દસ્તાવેજો રાખવા એ ભારતીય પરંપરા છે."
"નિર્મલા સીતારમણે પ્રતીકાત્મક રીતે પશ્ચિમી ગુલામીની માનસિકતાને તિલાંજલિ આપી છે. તે બજેટ નથી, પરંતુ ખાતાવહી છે."
જુલાઈ-2019માં બજેટ બાદ પત્રકારો સાથે વાત કરતા એક સવાલના જવાબમાં સીતારમણે કહ્યું:
"મને એવું લાગ્યું હતું કે અંગ્રેજોના નશામાંથી બહાર નીકળવું જોઈએ અને આપણે ખુદનું કંઈક કરવું જોઈએ. ઉપરાંત તેને લઈને ફરવું પણ સહેલું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીતારમણ પહેલાં ઇંદિરા ગાંધીએ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું, જો કે તે સમયે તેઓ વડાં પ્રધાન પણ હતાં.
નામનું મહત્ત્વ
ફ્રેન્ચ શબ્દ bougette(બોજેટ)માંથી બજેટ શબ્દ ઊતરી આવ્યો છે એ આપણા પૈકીના ઘણા જાણતા હશે.
અલબત, ઘણા એ નહીં જાણતા હોય કે 'બોજેટ' શબ્દનો અર્થ થાય છે 'નાનકડી બૅગ.'
સરકારની મહેસૂલી આવક અને ખર્ચના હિસાબ-કિતાબ રાખવા એક સમયે નાનકડી બૅગ પૂરતી ગણાતી હતી.
અંગ્રેજોનો વારસો
બજેટની સમગ્ર પ્રક્રિયા બ્રિટિશર્સે ભારતીયોના હવાલે કરી હતી. તેમાં બજેટ બ્રીફકેસ સાથે રાખવાની પરંપરાનો પણ સમાવેશ થાય છે.
અહીં વધારે રસપ્રદ વાત એ છે કે બ્રિટનમાં બજેટ બ્રીફકેસ નાણાપ્રધાનો તેમના અનુગામીઓને હવાલે કરતા હોય છે. ભારતમાં એવું નથી.
ભારતમાં નાણાપ્રધાનો અલગ-અલગ પ્રકારની બ્રીફકેસો લઈ જતા જોવા મળે છે.
આકાર-પ્રકાર બદલાયા
બજેટ બ્રીફ-કેસ આજે જેવી દેખાય છે તેવી ભૂતકાળમાં ન હતી.
આઝાદ ભારતના પહેલાં નાણાપ્રધાન આર. કે. શન્મુખમ ચેટ્ટીએ 1947માં દેશનું પહેલું બજેટ રજૂ કર્યું, ત્યારે તેઓ ચામડાની પૉર્ટફોલિયો બેગ લઈને ગયા હતા.
ભારતીય નાણાપ્રધાનોએ ક્લાસિક હાર્ડટોપ અટેશે-કેસ વાપરવાનું 70ના દાયકા બાદ શરૂ કર્યું હતું.
જાતજાતની બ્રીફ-કેસ
યશવંત સિંહાની બજેટ બ્રીફકેસ બકલ અને સ્ટ્રેપવાળી હતી.
મનમોહન સિંહ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન વાપરતા તેવી બ્લેક બ્રીફ-કેસનો જ ઉપયોગ કરતા હતા.
પ્રણવ મુખરજીની વેલ્વેટ રેડ બ્રીફ-કેસ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. બ્રિટનના નાણાપ્રધાનો પણ એવી જ બ્રીફકેસ વાપરતા હતા.
ગુપ્તતાનું પ્રતીક, પણ હેતુ અલગ
બ્રિટિશર્સ પાસેથી આપણા નાણાપ્રધાનોએ અપનાવેલી બ્રીફ-કેસની પરંપરા ગુપ્તતાના પ્રતીક જેવી લાગે છે.
દેશના અર્થતંત્રનું ભાવિ નક્કી કરતા ગુપ્ત નાણાકીય દસ્તાવેજો એ બ્રીફકેસમાં રાખવામાં આવે છે.
હકીકતમાં બ્રીફકેસની પરંપરાનું કારણ અલગ જ હતું. વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન લગભગ પાંચ કલાક સુધી ભાષણ કરતા હતા.
ભાષણો લખેલાં કાગળો રાખવાં માટે તેઓ બ્રીફકેસનો ઉપયોગ કરતા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો