You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનઃ દુલ્હનને લગ્નની ભેટમાં ગધેડો મળ્યો અને સોશિયલ મીડિયા હિલ્લોળે ચડ્યું
"મને ખબર હતી કે વારિશાને ગધેડાનાં બચ્ચાં(ખોલકુ) બહુ ગમે છે, એટલે આ મારા તરફથી લગ્નની ભેટ છે."
એમ કહેવું છે અઝલાન શાહનું જેને લઈને પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે.
અઝલાન શાહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે તેમણે લગ્નમાં તેમની દુલ્હનને ગધેડાનું બચ્ચું ગિફ્ટ કર્યું છે.
તેમણે પોતાની દુલ્હનને આ ખાસ ભેટ આપતી વખતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
લગ્ન પ્રસંગે પોતાની દુલ્હનને ગિફ્ટ આપતી વખતે અઝલાન કહેતા જોવા મળે છે કે, “સવાલ એ છે કે ગિફ્ટમાં ગધેડો જ કેમ?”
"તો એનો જવાબ એ છે કે એક તો એ તને બહુ ગમે છે અને બીજું તે વિશ્વનું સૌથી મહેનતુ અને પ્રેમાળ પ્રાણી છે."
આ પ્રસંગે દુલ્હન વારીશા કહેતી જોવા મળે છે કે, "હું તને માત્ર ગધેડો બનાવી નહીં રાખું."
આ ગિફ્ટ વિશે અઝલાનનું કહેવું હતું કે, "મને જાનવરો બહુ ગમે છે, ગધેડો મારું પ્રિય પ્રાણી છે, મને ગધેડા બહુ ગમે છે, આ મારા તરફથી વારીશા માટે ભેટ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પછી તે હસીને કહે છે, "કૃપા કરીને આ વાતને મજાક નહીં બનાવતા."
અઝલાન શાહ લોકોને એ જણાવવાનું પણ ભૂલ્યા ન હતા કે તેમણે ગધેડાના બાળકને તેની માતાથી છુટો નથી પાડ્યો અને તે પણ તેની સાથે આવી છે.
'કોઈ સામાન્ય છોકરી માટે મારી સાથે રહેવું મુશ્કેલ હતું'
બીબીસી સાથે વાત કરતાં અઝલાન શાહે કહ્યું, "મારી શાદી વારિશા સાથે માત્ર એટલા માટે થઈ છે કારણ કે તેને જાનવરો ગમે છે. અન્યથા હું તો ક્યારેક સાપની વચ્ચે હોઉં, ક્યારેક મગરોની વચ્ચે, તો ક્યારેક ગરોળીની વચ્ચે હોઉં છું. મારી સાથે રહેવું કોઈપણ છોકરી માટે મુશ્કેલ હોત. તેણે એકવાર મને કહ્યું કે તેને ગધેડાનાં બચ્ચાં ગમે છે. મને એ વાત યાદ રહી ગઈ. અને રસપ્રદ વાત એ છે કે મારી માતાને પણ ગધેડાનાં બચ્ચાં ગમે છે."
અઝલાન શાહ કહે છે કે તેણે એક ગધેડાનું બચ્ચું અને તેની માતા એમ બન્નેની જોડી ધોબીઘાટ પરથી ત્રીસ હજાર રૂપિયામાં ખરીદ્યાં છે.
તેઓ કહે છે, "હવે તેને મજૂર તરીકે કામ કરવું નહીં પડે, તે ફાર્મમાં ખુશીથી રહેશે. તે અમારી સાથે ખાશે, પીશે અને રમશે."
અઝલાન શાહના કહેવા પ્રમાણે, "કેટલાક લોકો વખાણ કરી રહ્યા છે કે તેમણે ગધેડો ગિફ્ટ કરીને નવું કામ કર્યું છે. પરંતુ હું કહું છું કે આમાં નવું શું છે, ગધેડું પણ એક પ્રાણી છે."
અઝલાને કહ્યું, "મને એક અંદાજ હતો કે લોકો ટીકા કરશે, મજાક ઊડાવશે, મીમ બનાવશે પરંતુ મારે મારી પત્નીને સરપ્રાઈઝ આપવી હતી. તેને કલ્પના પણ નહીં હોય કે લગ્નના દિવસે હું ખોલકું લઈને આવી જઈશ."
અઝલાન શાહ કહે છે, "મિત્રો અને પરિવારજનોને ખ્યાલ હતો કે તે એક વિચિત્ર માણસ છે, તે કંઈક અનોખું કરશે. અમે મહેંદીનો દિવસ સફારી પાર્કમાં હાથીઓ સાથે વિતાવ્યો હતો."
અઝલાન શાહે કહ્યું કે ગિફ્ટ આપતી વખતે તેમણે કહ્યું હતું કે, 'પ્લીઝ હું આ ભેટ દિલથી આપી રહ્યો છું, આ મારું પ્રિય પ્રાણી છે, તેની મજાક નહીં કરતા'.
અઝલાન કહે છે, "હવે મેં મારો ફોન સાયલન્ટ કરી દીધો છે અને હું કૉમેન્ટો નથી વાંચતો, હું મારા જીવનનો આનંદ માણી રહ્યો છું."
અઝલાન શાહે કહ્યું, "જો કોઈ મને સોશિયલ મીડિયા પર ગધેડો કહે તો હું તેને મારા વખાણ ગણું છું કારણ કે ગધેડો ખૂબ જ મહેનતુ, નિર્દોષ અને બધાના કામમાં આવતું પ્રાણી છે."
તે કહેતો હતો, "ગધેડાનું બચ્ચુ એટલું સુંદર હોય છે કે તમે તેને પ્રેમ કરતા તમારી જાતને રોકી શકશો નહીં."
અઝલાન કહે છે, "દુનિયાનું આ પહેલું ખોલકું હશે જેનો ઉછેર આટલા લાડ-પ્યારથી થશે. મારી બેગમે એમ પણ કહ્યું હતું કે તે આ ખોલકાને ગધેડાગાડીનો ગધેડો નહીં બનવા દે."
તેઓ કહે છે કે શાદી બાદ આ ખોળામાં લીધેલું તેમનું પહેલું બચ્ચું છે અને તેના નામની ચર્ચા થઈ રહી છે.
તેઓ કહે છે, "બેગમ તેનું નામ મફિન રાખવા માંગે છે અને મને લાગે છે કે તેનું ગુડ્ડુ જેવું નામ હોવું જોઈએ. જરા દેશી નામ હોય તો સારું રહેશે. અત્યારે તેના નામકરણની ચર્ચા ચાલી રહી છે."
સોશિયલ મીડિયા પર મજાકની સાથે વખાણ
અઝલન શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા તેમના વીડિયોમાં તેની સુંદર ભેટની મજાક ન કરવાની વિનંતી કરી હતી. પરંતુ અઝલાન શાહના લગ્નની આ અનોખી ભેટ જોઈને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.
એક યૂઝરે કૉમેન્ટ કરી કે, "બીબીઓને તો આમેય પતિમાં ગધેડો જ દેખાય છે, આ જહેમત ઉઠાવવાની શું જરૂર હતી, આના કરતા બે મહિના રાહ જોઈ લેવી હતી."
કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે આશંકા વ્યક્ત કરી કે હવે તેમની પાસેથી અપેક્ષાઓ પણ વધી જશે.
મુઆઝ સિદ્દીકીએ લખ્યું, "બસ કરો ભાઈ, એટલા બધા ગોલ ન બનાવો કે અમારા માટે તેને પૂરા કરવા મુશ્કેલ થઈ જાય."
એક યૂઝર કહકશાંને પણ અઝલાને શાદી પર આપવામાં આવેલી આ ગિફ્ટ પસંદ નથી આવી. કહકશાં કહે છે, "જો અઝલાને ગધેડો જ ભેટમાં આપવો હતો, તો તેણે શાદીના પ્રસંગે નહોતો આપવો, કોઈ બીજા પ્રસંગે આપવો જોઈતો હતો."
ઘણી છોકરીઓને આ ગિફ્ટ પસંદ આવી છે અને તેમણે અઝલાન શાહના વખાણ પણ કર્યા છે.