સિકંદરે પોરસને હરાવ્યા બાદ ગંગા નદી પાર કેમ ના કરી?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગ્રીક દાર્શનિક અને ઇતિહાસકાર પ્લૂટાર્કે સિકંદરના વ્યક્તિત્વનું વર્ણન કરતાં કહ્યું હતું કે તેનો રંગ ગોરો હતો, પણ ચહેરો રતુમડો હતો.મેસિડોનિયાના એક સામાન્ય માણસની સરખામણીએ તેનું કદ નાનું હતું, પરંતુ યુદ્ધના મેદાનમાં તેની કોઈ અસર દેખાતી ન હતી. સિકંદર દાઢી રાખતા ન હતા. તેમના ગાલ પાતળા હતા. જડબું ચોરસ હતું અને તેમની આંખોમાં ગજબનો દૃઢ સંકલ્પ જોવા મળતો હતો.

સિકંદરની જીવનકથા ‘હિસ્ટ્રી ઑફ ઍલેક્ઝેન્ડર’માં મારકસ કર્ટિયસે લખ્યું હતું, "સિંકદરના વાળ સોનેરી અને વાંકડિયા હતા. તેમની બન્ને આંખનો રંગ અલગ-અલગ હતો. તેમની ડાબી આંખ ભૂખરી હતી અને જમણે કાળી હતી."

"તેમની આંખોમાં એટલી શક્તિ હતી કે તે નજર કરે ત્યાં સામેવાળી વ્યક્તિ ભયભીત થઈ જતી હતી. કવિ હોમરનું પુસ્તક ‘ધ ઇલિયડ ઑફ ધ કાસ્કેટ’ સિકંદર કાયમ પોતાની સાથે રાખતા હતા. ઊંઘતી વખતે પણ એ પુસ્તક ઓશીકા નીચે રાખતા હતા."

સિકંદરના જીવનચરિત્ર ‘ધ લાઈફ ઑફ ઍલેકઝેન્ડર ધ ગ્રેટ’માં પ્લૂટાર્કે લખ્યું છે, "સિકંદરે દૈહિક બાબતોમાં ક્યારેય રસ દેખાડ્યો ન હતો, પરંતુ બીજી બાબતોમાં તેમના જેવા સાહસિક અને નિડર બહુ જૂજ લોકો હતા."

"તેમને બાળપણથી જ મહિલાઓ પ્રત્યે આદર હતો. એ જમાનામાં ગુલામ છોકરીઓ, રખાતો અને પત્નીઓને સુદ્ધાં અંગત સંપત્તિ માનવામાં આવતી હતી."

તેઓ લખે છે, "સિકંદરનાં માતા ઑલંપિયા દીકરાની છોકરીઓ પ્રત્યેની આટલી અરૂચિ જોઈને એટલાં ચિંતિત થઈ ગયાં હતાં કે તેમણે સિકંદર મહિલાઓમાં રસ લેતા થાય એટલા માટે તેમણે કેલિક્ઝેના નામની એક સુંદર વેશ્યાની સેવા લીધી હતી, પરંતુ તેની સિકંદર પર કોઈ અસર થઈ ન હતી."

"બાદમાં સિકંદરે પોતે સ્વીકાર્યું હતું કે સેક્સ અને ઊંઘ તેમને કાયમ એ વાત યાદ અપાવતા હતા કે શરીર નાશવંત છે."

23 વર્ષની વયે વિશ્વવિજયનું અભિયાન

23 વર્ષના રાજકુમાર સિકંદરે વિશ્વવિજેતા બનવાના પોતાનો અભિયાનનો પ્રારંભ ઈસવી પૂર્વે 334માં ગ્રીસના મેસિડોનિયાથી કર્યો હતો.

સિકંદરના સૈન્યમાં એક લાખ સૈનિકો હતા, જેઓ 10,000 માઈલનો માર્ગ કાપી, ઈરાન થઈને સિંધુ નદીના તટે પહોંચ્યા હતા.

સિકંદર ઈસવી પૂર્વે 326ની શરૂઆતમાં ઈરાનમાં હતા ત્યારે તેમણે ભારતના નજીકનાં શહેરોના રાજાઓને સંદેશવાહકો મારફત સંદેશો મોકલાવ્યો હતો કે તેઓ તેમના નિયંત્રણનો સ્વીકાર કરે.

સિકંદર કાબુલની ખીણમાં પહોંચ્યા કે તરત જ આ રાજાઓ તેમને મળવા લાગ્યા હતા. એ પૈકીના એક ભારતીય નગર તક્ષશિલાના રાજકુમાર અભી પણ હતા. સિકંદર પ્રત્યે નિષ્ઠા દાખવવા તેમણે તેમને 65 હાથી ભેટ આપ્યા હતા, જેથી તેનો ઉપયોગ સિકંદર તેમના આગામી અભિયાનમાં કરી શકે.

પોરસ તક્ષશિલાનો દુશ્મન હતો અને તેની સામેની લડાઈમાં સિકંદર સાથ આપે એટલા માટે તક્ષશિલા તેમની આટલી આગતાસ્વાગતા કરતું હતું.

બધા રાજાઓને હરાવીને સિંધુ નદી તરફ આગેકૂચ

મારકસ કર્ટિયસ લખે છે, "તક્ષશિલાએ જાણીજોઈને સિકંદર માટે ભારતના દરવાજા ખોલી આપ્યા હતા. તક્ષશિલાએ સિકંદરના સૈન્ય માટે અનાજ લઈને 5,000 ભારતીય સૈનિકો અને 65 હાથી મોકલ્યા હતા."

"તેમના યુવા જનરલ સંદ્રોકુપ્તોસ પણ એ કાફલામાં જોડાયા હતા."

સિકંદરે તક્ષશિલામાં બે મહિના પસાર કરીને રાજાની મહેમાનગતિનો આનંદ માણ્યો હતો.

સિકંદરની જીવનકથાના લેખક ફિલિપ ફ્રીમૅને તેમના પુસ્તક ‘ઍલેકઝાન્ડર ધ ગ્રેટ’માં લખ્યું છે, "એ સમયે સિકંદરે તેના સૈન્યના બે ભાગ પાડ્યા હતા. તેમણે હેપેસ્ટિયનના નેતૃત્વ હેઠળના અડધા સૈન્યને ખૈબર પાસની પાર મોકલ્યું હતું, જેથી માર્ગમાંના કબાલી વિદ્રોહીઓને કચડી શકાય."

"એ ઉપરાંત ઝડપથી સિંધુ નદી સુધી પહોંચીને એક પુલ બનાવે, જેથી સિકંદરનું સૈન્ય નદીને પાર કરી શકે."

તેઓ લખે છે, "આ માર્ગમાં અનેક ભારતીય રાજાઓ અને સંખ્યાબંધ એન્જિનિયરો પણ સિકંદરના સૈન્ય સાથે હતા. સિકંદરનું સૈન્ય વળાંકવાળા માર્ગ મારફત હિંદુકુશના પૂર્વ હિસ્સામાં પહોંચ્યું હતું, જેથી એ વિસ્તારમાં રહેતા કબાલીઓ પર નિયંત્રણ મેળવી શકાય."

સિકંદરના હાથમાં લાગ્યું તીર

રસ્તામાં જે રાજાઓ સિકંદરના શરણે થયા ન હતા તેમના બધા કિલ્લા સિકંદરે કબજે કરી લીધા હતા. એ અભિયાન દરમિયાન સિકંદરના હાથમાં એક તીર લાગ્યું હતું. સિકંદરની સેના પર કબાલી બળવાખોરોએ એક જગ્યાએ અચાનક હુમલો કર્યો હતો. સાંજનો સમય હતો અને સૈન્ય આરામ માટે છાવણી તૈયાર કરી રહ્યું હતું.

સિકંદરના સૈનિકો નજીકના પહાડ પર ચડી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. હુમલાખોરોએ એવું ધારી લીધું હતું કે સિકંદર બચી ગયા છે, પરંતુ સૈનિકોએ પહાડ પરથી ઊતરીને કબાલીઓ પર અચાનક હુમલો કર્યો હતો. બળવાખોરો તેમને શરણે થયા હતા.

બળવાખોરો સૈન્યમાં સામેલ થઈ જશે એ શરતે સિકંદરે તેમને માફ કર્યા હતા. બળવાખોરો પહેલાં તો સહમત થઈ ગયા હતા, પરંતુ એ પૈકીના કેટલાકે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે સિકંદરે તેમને ખતમ કરી નાખવાનો આદેશ આપ્યો હતો.

સિકંદર બજીરા નગર પહોંચ્યા અને જોયું તો ત્યાંના બધા સૈનિકો અને નાગરિકો શહેર છોડીને ઓરનસ નામના એક પહાડ પર ચડી ગયા હતા. એ પહાડની ચારે ચરફ ઊંડી ખાઈ હતી અને ઉપર પહોંચવા માટે એક જ રસ્તો હતો. શિખર પર સમથળ મેદાન હતું અને ત્યાં મોટી માત્રામાં અનાજ ઉગાડવું શક્ય હતું. ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી પણ હતું.

સ્થાનિક માર્ગદર્શકે સિકંદરને જણાવ્યું હતું કે હરક્યુલિસ પણ એ પહાડ પર ચડી શક્યા ન હતા. સિકંદરે તેને મોટો પડકાર ગણ્યો હતો. વિરોધીઓ પહાડની ટોચ પર હોવાથી લાભમાં હતા. તેમ છતાં સિકંદરના સૈનિકો લડતા-લડતા પહાડની ટોચ સુધી પહોંચી ગયા હતા.

તે હુમલાથી દિગ્મૂઢ થઈ ગયેલા બજીરા નગરના સૈનિકોએ બીજા દિવસે શરણે થવાની દરખાસ્ત કરી હતી.

રાતના સમયે તેમણે બચીને ભાગી છૂટવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સિકંદરનું સૈન્ય એ માટે પહેલેથી જ તૈયાર હતું. તેમણે અચાનક હુમલો કર્યો હતો. અનેક લોકો ખીણમાં પટકાઈને મૃત્યુ પામ્યા હતા.

શરણે થવાની દરખાસ્ત પોરસે ફગાવી

સિકંદરના સૈન્યને સિંધુ નદી સુધી પહોંચવામાં 20 દિવસ થયા હતા. તક્ષશિલાના રાજાએ સિંધુ નદી પર નૌકાઓ વડે પૂલ બનાવવામાં તેમને મદદ કરી હતી.

સિંધુ નદીના તટ વિસ્તારમાં રહેતા લોકો જાણતા હતા કે નદીના વહેણની સમાંતર લાકડાની હોડીઓને જોડીને પૂલ બનાવવો શક્ય છે.

સિકંદરના જાસૂસોએ તેમને સમાચાર આપ્યા હતા કે પોરસ પાસે મોટું સૈન્ય છે અને તેમાં અનેક ભીમકાય હાથીઓ પણ સામેલ છે.

પોરસના સૈન્યને હરાવવું શક્ય છે, પરંતુ ચોમાસું શરૂ થઈ જવાને કારણે એવું કરવાનું આસાન નહીં હોય, એવું સિકંદર જાણતા હતા. તેથી તેમણે પોરસને સંદેશ મોકલાવ્યો હતો કે તેઓ સીમા પર મળવા આવે અને સિકંદરનું આધિપત્ય સ્વીકારી લે.

તેના જવાબમાં પોરસે જણાવ્યું હતું કે તેઓ સિકંદરના આધિપત્યનો સ્વીકાર નહીં કરે, પરંતુ પોતાના રાજ્યની સીમા પર તેઓ સિકંદરને મળવા તૈયાર છે.

સિકંદરના સૈનિકોએ તોફાન વચ્ચે ઝેલમ નદી પાર કરી

સિકંદર અને તેમના સૈનિકો અનેક દિવસો સુધી કૂચ કરીને ઝેલમ નદી પાસે પહોંચ્યા હતા. ઝેલમના બીજા કિનારે પોરસનું સૈન્ય હતું. સિકંદરે નદીના ઉત્તર કિનારે છાવણી બનાવી હતી.

પોતે નદી પાર કરી રહ્યા છે તેની ખબર પોરસને ન પડે તેવી જગ્યા સિકંદર શોધતા હતા. પોરસને થાપ આપવા માટે સિકંદરે તેમના સૈન્યને નદીના કિનારે બહુ પાછળ મોકલી આપ્યું હતું.

સિકંદરે તેમના સૈનિકોને એક જગ્યાએ રાખ્યા ન હતા. તેઓ ક્યારેક પશ્ચિમ તરફ જતા હતા તો ક્યારેયક પૂર્વ તરફ. એ દરમિયાન તેમણે નદીના કિનારે તાપણા સળગાવ્યા હતાં અને ધમાલ કરવા લાગ્યા હતા.

નદીના બીજા કિનારે હાજર પોરસના સૈનિકો સિકંદરના સૈનિકોની હિલચાલથી ટેવાઈ ગયા હતા. તેથી તેમણે તેમના પર ચાંપતી નજર રાખવાનું બંધ કર્યું હતું.

સિકંદરના સૈન્યથી વિપરીત પોરસનું સૈન્ય એક જ સ્થાને ઊભું હતું, કારણ કે સૌથી આગળ હાથીઓને તહેનાત કરવામાં આવ્યા હતા અને તેમને વારંવાર અન્યત્ર લાવવા-લઈ જવાનું બહુ મુશ્કેલ હતું.

બાજુનાં ખેતરોમાંથી પોતાના સૈનિકો માટે અનાજ પહોંચાડવાનો આદેશ પણ સિકંદરે આપ્યો હતો.

આ સમાચાર જાસૂસોએ પોરસને આપ્યા ત્યારે તેઓ એવું સમજ્યા હતા કે સિકંદરનો ઇરાદો ચોમાસું પૂરું થાય ત્યાં સુધી રોકાવાનો છે.

એ દરમિયાન ત્યાં જોરદાર વાવાઝોડું આવ્યું હતું. સિકંદરે તેનો લાભ લઈને પોતાના સૈનિકોને નદી પાર કરાવી દીધી હતી.

જોકે, તોફાનમાં વીજળી પડવાને કારણે સિકંદરના અનેક સૈનિકો મૃત્યુ પામ્યા હતા.

આ વાતની ખબર પોરસને પડી ત્યારે તેમણે સિકંદરના સૈનિકોને નદી પાર કરતા અટકાવવાના પ્રયાસ કર્યા હતા.

પોરસ એક બહાદુર અને સક્ષમ સેનાનાયક હતા, પરંતુ ઉત્તમ તાલીમ પામેલા સિકંદરના સૈનિકો સામનો કેવી રીતે કરવો એ તેઓ જાણતા ન હતા.

પોરસના હાથીની આંખ પર નિશાન તાકવાની તરકીબ

પોરસના પક્ષે મજબૂત બાબત એ હતી કે તેના સૈન્યમાં મોટા પ્રમાણમાં હાથીઓ હતા.

ફિલિપ ફ્રીમૅન લખે છે, "હાથીઓ સામે કઈ રીતે લડવું એ ત્યાં સુધીમાં સિકંદરના સૈનિકોએ જાણી લીધું હતું."

"સિકંદરના સૈનિકો હાથીઓને ઘેરી લેતા હતા અને તેમના પર ભાલાઓ વડે હુમલો કરતા હતા."

"એ દરમિયાન એક તિરંદાજ હાથીની આંખનું નિશાન તાકીને તીર છોડતો હતો. એ તીર આંખમાં વાગતાંની સાથે જ હાથી જાત પરનું નિયંત્રણ ગૂમાવી દેતા હતા અને પોતાના જ લોકોને કચડી નાખતા હતા."

"સિકંદરે પોતાના સૈનિકોને પોરસના સૈનિકોની ડાબી તથા જમણી બાજુએ મોકલી આપ્યા હતા અને પોરસના સૈનિકો પર પાછળથી હુમલો કરવાનો આદેશ આપ્યો હતો."

"એ ભીષણ લડાઈમાં બન્ને પક્ષના અનેક લોકો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લોકો ઘવાયા હતા."

"એ લડાઈ ઝેલમ નદીના કિનારે પંજાબના જલાલપુરમાં થઈ હતી. સિકંદર તેમના બુસેફેલ્સ અશ્વ પર સવાર હતા ત્યારે એક તીર ઘોડાને લાગ્યું હતું અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો હતો."

"સિકંદરને પોતાના અશ્વના મોત પર દુઃખ વ્યક્ત કરવાનો સમય પણ મળ્યો ન હતો. તેમણે બીજા અશ્વ પર સવાર થઈને યુદ્ધ ચાલુ રાખ્યું હતું."

"પોરસના સૈનિકો ભીંસમાં આવ્યા કે તરત જ સિકંદરના સૈનિકોએ પાછળથી આવીને તેમના પર હુમલો કર્યો હતો અને તેમના ભાગવાનો માર્ગ બંધ કરી દીધો હતો."

પોરસને બંદી બનાવ્યા

જોકે, એક ભીમકાય હાથી પર સવાર પોરસે યુદ્ધ લડવાનું ચાલુ રાખ્યું હતું. સિકંદરે તેમના સાહસના વખાણ કરતાં એક સંદેશ મોકલ્યો હતો કે તેઓ હથિયાર હેઠાં મૂકીને શરણે આવશે તો તેમને જીવનદાન આપવામાં આવશે. એ સંદેશો લઈને ગયેલી વ્યક્તિનું નામ ઓમફિસ હતું.

પોરસે ઓમફિસને પોતાના ભાલા વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો પછી સિકંદરે બીજો સંદેશવાહક પોરસ પાસે મોકલ્યો હતો. તેમણે પોરસને હથિયાર હેઠાં મૂકવા મનાવી લીધા હતા.

ફિલિપ ફ્રીમેન લખે છે, "બન્ને રાજા મળ્યા ત્યારે પોરસના હાથીએ પોતે ઘાયલ હોવા છતાં ગોઠણભેર થઈને તેમને નીચે ઉતરવામાં મદદ કરી હતી. છ ફૂટના પોરસને નિહાળીને સિકંદર બહુ પ્રભાવિત થયા હતા. "

"પોરસને બંદી બનાવતા પહેલાં સિકંદરે તેમને પૂછ્યું હતું કે તમારી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? પોરસે તરત જવાબ આપ્યો હતો કે એક રાજા બીજા રાજા સાથે કરે તેવો વ્યવહાર કરવો જોઈએ."

"સિકંદરે પોરસને મલમપટ્ટી કરાવવા માટે યુદ્ધક્ષેત્રમાંથી બહાર જવાની પરવાનગી આપી હતી. થોડા દિવસ પછી પોતે જીતેલો પ્રદેશ સિકંદરે પોરસને પાછો આપ્યો હતો એટલું જ નહીં, આસપાસની કેટલીક વધારાની જમીન પણ આપી હતી. સિકંદરના સહાયકોને તે ગમ્યું ન હતું."

સિકંદરના સૈન્યએ માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર ત્યાં જ કર્યા હતા. પોતાના મૃત્યુ પામેલા અશ્વની સ્મૃતિમાં સિકંદરે યુદ્ધસ્થળ નજીક એક નવા શહેરની સ્થાપના કરી હતી અને તેને પોતાના અશ્વ બુસફેલ્સનું નામ આપ્યું હતું.

સિકંદરની જીવનકથાના લેખક પ્લૂટાર્ક લખે છે, "પોરસે છેલ્લી ઘડી સુધી સિકંદરને જોરદાર ટક્કર આપી હતી."

સૈનિકોનો મેસિડોનિયા પાછા જવાનો આગ્રહ

સિકંદર આગળ વધીને ગંગાના કિનારા સુધી જવા ઇચ્છતા હતા, પરંતુ એ માટે તેમના સૈનિકો તૈયાર ન હતા. એક જૂના સૈનિકે સમગ્ર સૈન્યની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું, "તમામ જોખમો વચ્ચે આટલા લાંબા સમય બાદ અહીં સુધી તમારી સાથે પહોંચીને અમારું સન્માન વધ્યું છે, પરંતુ હવે અમે થાકી ગયા છીએ અને અમારી હિંમત ખૂટી ગઈ છે.”"

"અત્યાર સુધી આપણા અનેક સાથીઓ યુદ્ધ લડતા રહ્યા છે અને જેઓ બચ્યા છે તેમનાં શરીર આ અભિયાનના નિશાન છે. તેમનાં વસ્ત્રો ફાટી ગયાં છે."

"હવે તેમણે તેમના કવચની નીચે ઇરાની અને ભારતીય વસ્ત્રો પહેરવાં પડે છે."

"હવે અમે અમારાં માતા-પિતાને મળવા ઇચ્છીએ છીએ અને અમારી પત્નીઓ તથા સંતાનોને ગળે વળગાડવા ઇચ્છીએ છીએ. અમારી ઇચ્છા છે કે બધાએ મેસિડોનિયા પાછા જવું જોઈએ."

"એ પછી તમે નવી પેઢીના લોકોને લઈને ફરી એકવાર અભિયાન પર નીકળજો. અમે હવે આગળ વધી શકીએ તેમ નથી."

સિકંદરની વાપસી

એ સૈનિકે વાત પૂર્ણ કરી કે તરત જ તમામ સૈનિકોએ તાળી વગાડીને તેનું સ્વાગત કર્યુ હતું, પરંતુ સિકંદરને એ સૈનિકની વાત ગમી ન હતી. સિકંદર ગુસ્સે થયા હતા અને પોતાના તંબુમાં ચાલ્યા ગયા હતા. તેમણે ત્રણ દિવસ સુધી તેમના એકેય વિશ્વાસુ સાથે વાત કરી ન હતી.

સૈનિકો પોતાની પાસે આવશે, તેમને મનાવશે અને પોતાના અભિપ્રાય બદલ માફી માગશે, તેની રાહ સિકંદર જોતા રહ્યા હતા, પરંતુ એ વખતે તેમની પાસે કોઈ ગયું ન હતું.

આખરે સિકંદરે સ્વીકારવું પડ્યું હતું કે ગંગા સુધી જવાનું તેનું સપનું હાલ તો સાકાર નહીં થાય. એ પછી તેમણે તમામ સૈનિકોને એકઠા કરીને જાહેર કર્યું હતું કે આપણે ઘરે પાછા ફરીશું.

સિકંદરે પૂર્વ તરફ ઉદાસ નજર નાખી હતી અને પોતાના દેશ મેસિડોનિયા જવા રવાના થયા હતા.